હવે કોઈ ચિંતા નથી! (વાર્તા) ~ રાજુલ ભાનુશાલી
(Words: 1950)
સંજયે છાપું બાજુમાં હડસેલી દીધું. આજે એને અસુખ જેવું લાગી રહ્યું હતું. મનમાં ચાલતું વિચારોનું ધમાસાણ એને શાંતિથી બેસવા નહોતું દેતું. એને કોઈ ઉપાય જોઈતો હતો. આવી પડેલી સમસ્યાનો ઉપાય!
આઠ મહિના થવા આવ્યા હતા પણ હજુ સુધી એને કશું જડ્યું નહોતું. જોકે સુરેન્દ્રનગરના ઓપ્શન પર એનું મન ઠર્યું હતું. ગઈકાલે મોડી રાત્રે નંદીનીએ સેન્ડ કરેલો મેસેજ એણે ફરી વાંચ્યો. ‘આજકાલ ખૂબ મોડે સુધી જાગતી હોઉં છું. ડરું છું કે ક્યાંક સવારના ઊઠીશ અને હ્રદય તને થોડુંક વધું ભૂલી ગયું હશે તો?”
‘એવું નહીં બને. હું છું ને. યાદ અપાવતો રહીશ.’ એણે આ રિપ્લાય તો કર્યો હતો પણ જાણતો હતો કે ક્યાં સુધી? આ પ્રશ્ન ફરી એક વખત સંજયના મનમાં ઉદ્ભવ્યો. એનો જવાબ સંજય પાસે ગઈકાલે પણ નહોતો અને આજે પણ નહોતો જ.
કશોક નિર્ણય તો લેવો જ પડશે. એણે ફરી પોતાની જાતને સમજાવી. જયાબહેને સુચવેલ સુરેન્દ્રનગરનો આશ્રમ એ જોઈ આવ્યો હતો. એને એ ગમ્યું હતું.
‘સંજય કેટલી વાર? ચા ઠંડી થઈ જશે.’ નંદીનીની બૂમ આવી.
‘એ આવ્યો..’ સંજયે જવાબ આપ્યો. આજે તો એ મને ઓળખી લે છે. આવતીકાલે એવું પણ બને કે મને બાજુમાં સુતેલો જોઈને કદાચ એ પ્રશ્ન પણ કરે કે તું કોણ છે? એવા વિચાર દિવસમાં એને અનેક વખત આવતાં.
સંજય જોકે આ વાત માટે પણ માનસિક રીતે તૈયાર થઈ ગયો હતો. એને દિવસરાત નંદીનીની ચિંતા કોરી ખાતી. અમુક દિવસ એવા હોય કે એને કશું જ યાદ ના હોય અને અમુક દિવસ એવા હોય જ્યારે એ તદ્દન સામાન્ય હોય! પરંતુ આજકાલ એનું ભુલવાનું વધતું ચાલ્યું હતું. બ્લડ પ્રેશર પણ ઘણું હાઈ રહેતું. ઉપરથી સંજયની પોતાની તબિયત પણ વધુ કથળતી જતી હતી.
છેલ્લા થોડાક મહિનાઓમાં વજન ઘણું ઓછું થઈ ગયેલું, આંખો પણ ઊંડી ઊતરી ગયેલી. ત્રણ માળ ચડતાં તો સખત હાંફ ચડી જતી.
સંજય નંદીની સામે બધું જ ઠીક છે એવો ડોળ કરતો પરંતુ સાચું પૂછો તો અંદરથી એ ખૂબ જ ડરી ગયો હતો. પોતાને બ્લડ કેન્સર છે એવો રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે કહેલું “તમારી પાસે સમય ઓછો છે.”
“કેટલો સમય છે ડૉક્ટર?” એણે પૂછેલું.
“વધુમાં વધુ વરસ દોઢ!” અને સંજય ઘડીભર તો સુન્ન થઈ ગયેલો. માત્ર વરસ દોઢ? ને પછી હું નહીં હોઉં ત્યાર બાદ નંદીનીનું શું થશે? સૌથી પહેલો પ્રશ્ન એ થયેલો.
એ વાતને આઠ મહિના થઈ ગયા હતા અને એનો જવાબ હજુ મળ્યો નહોતો. એ પ્રશ્ન સંજયને દિવસ-રાત કોરી ખાતો હતો.
સંજય અને નંદીનીના પ્રેમલગ્ન હતાં. પ્રેમ સિવાય એમના સંસારમાં બીજું કશું જ નહોતું. સંતાન પણ નહીં. બન્ને એકબીજાની પ્રતિકૃતિ જેવા હતાં. બન્નેના શોખ સરખા હતાં. જૂનાગીતો સાંભળવા, નવું નાટક કે ફિલ્મ આવી હોય તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં જોવું, શોપિંગ કરવું અને બહાર જમવા જવું બન્નેને ગમતું.
રાજકરણ કે સ્પોર્ટ્સ જેવા વિષયો પર પણ એમની વચ્ચે રસપૂર્વક ચર્ચાઓ થતી. બન્નેને નરિમાન પોઇન્ટની પાળી પર બેસીને ઊગતા સૂર્યને જોવો પણ ખૂબ ગમતો. અઠવાડિયે દસ દિવસે બન્ને બાઈક લઈને અચૂક ઉપડી જતાં. નરિમાનની પાળી પર બેસીને ઊગતા સૂર્યને જોતાં, ચા પીતાં અને પાછા આવતાં.
ઘરે આવીને પાછી ઘરની ચા તો પીવાની જ. છેલ્લા કેટલાક મહિનાઓથી આમાં ઓટ આવી હતી. કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને સંજયનું શરીર થાકતું જતું હતું. ઘરના દરેક ખૂણામાં છાને પગલે નિઃશબ્દતાએ અડીંગો જમાવવા માંડ્યો હતો.
હમણાં હમણાં નંદીની પણ ઘણું બધું ભૂલી જવા લાગી હતી. સવારની ચા પીવાઈ ગઈ હતી. છતાં આજે ફરી ભૂલી ગઈ હતી અને બીજી વખત બનાવી નાખી હતી અને સંજયે બીજીવાર પી પણ લીધી! જોકે હમણાંથી નંદીની રસોડામાં હોય ત્યારે એ વધુ ધ્યાન રાખવા માંડ્યો હતો.
બે દિવસ પહેલાં જ આ જ રીતે ગેસ પર ચા મૂકીને એ ભૂલી ગઈ હતી અને ટોપિયું બળી ગયું હતું.
ગયે મહિને તો ગેસનું નોબ ફેરવ્યું અને પછી પેટાવવાનું જ ભૂલી ગઈ હતી. બેડરુમમાં ગેસની ગંધ આવી ત્યારે એ દોડ્યો હતો. એ દિવસે તો એણે નોબ બંધ કરી દીધેલો પણ પોતે નહીં હોય ત્યારે આવું કશું થયું તો? વિચાર આવતાં જ સંજય અંદર સુધી ધ્રૂજી ગયો. એ તો સારું છે કે ઘરકામમાં મદદ માટે આવતાં જયાબહેને સાંજ સુધી રોકાવાનું રાખ્યું છે. એમનો સહકાર ન હોત તો પોતાની ટ્રીટમેન્ટ કેવી રીતે થાત!
આ વિચાર આવ્યો ને સંજયે વળી મહિના ગણી જોયા. વરસ દોઢમાંથી આઠેક મહિના તો જતાં પણ રહ્યાં હતાં. ઝડપથી કશોક નિર્ણય લેવો પડશે.
નંદીનીના ડોક્ટરે કહ્યું હતું કે આરંભિક તબક્કામાં બહુ વાંધો નથી આવતો પણ પછી ધીમે ધીમે તકલીફ વધશે. હમણાં હમણાં તકલીફ ઘણી વધી ગઈ હતી.
ચિંતાની વાત એ હતી કે નંદીનીને આ વિશે કશું જ યાદ નહોતું. એને એમ જ હતું કે ગેસનું નોબ બંધ કરવાનું સંજય ભૂલી ગયેલો. ગેસ પર ચા મૂકીને પણ સંજય જ ભૂલી ગયેલો. એને તો એ પણ યાદ નહોતું કે સંજયને કેન્સર છે!
શરુઆતમાં દવા માટે મોબાઇલમાં અલાર્મ મૂકેલાં હતાં. પણ હમણાંથી અલાર્મમાં વાગતી ટ્યુન સાંભળવામાં એ એટલી મગન થઈ જતી કે ટ્યુન પૂરી થતાં સુધીમાં તો ભૂલી જતી કે એ દવા ખાવા માટેનો અલાર્મ હતો! જોકે હવે સંજયે બધી જ દવાઓ પોતાની પાસે રાખી લીધી હતી અને રોજ સામે બેસાડીને ગળાવતો.
ક્યારેક એ ન ખાવાની જિદ્દે ચડતી. સુરેન્દ્રનગરવાળા આશ્રમમાં આ રીતે એને ધીરજપૂર્વક દવાઓ કોણ ગળાવશે? એને નવો પ્રશ્ન થયો.
એ બાલ્કનીમાં આવ્યો. જ્યારે જ્યારે આ પ્રશ્નો મનોમસ્તિષ્ક પર સવાર થઈ જતાં એ બાલ્કનીમાં આવીને બેસતો. આ નંદીનીની પ્રિય જગ્યા હતી. એણે પાળી પર ખૂબ જતનપૂર્વક કૂંડા મૂકેલા. પરંતુ હમણાં લાઇનબંધ ગોઠવેલા કુંડામાંના મની પ્લાન્ટ સુકાઈ ગયાં હતાં.
જ્યારે નંદીનીએ બધાં જ કુંડામાં મની પ્લાન્ટ રોપેલાં ત્યારે સંજય ખૂબ હસ્યો હતો અને ‘હવે ઘરમાં ખૂબ પૈસા આવશે અને આપણે ખૂબ શોપિંગ કરીશું..’ એવો ડાયલોગ માર્યો હતો. પણ નંદીનીનું ધ્યાન છોડવામાં જ હતું.
એ ધીમેધીમે પાંદડા પર હાથ ફેરવતાં બોલી હતી: ‘ઇમેજીન કર કે આપણે અહીંયા બેસીને સાંજની ચા પી રહ્યાં છીએ અને મની પ્લાંટના હાર્ટ શેપના પાંદડા ધીમેધીમે તડકો પી રહ્યાં છે. તડકો ધીરેધીરે ઓછો થઈ રહ્યો છે. ધીમેધીમે એ બધો જ તડકો પી જાય અને એ સાથે જ સાંજ પણ ઢળી જાય. એ ક્ષણોના સાક્ષી થવાનું તને નહીં ગમે?’
સંજય અવાક થઈ ગયો હતો. લગ્નના આટલા વર્ષો પછી પણ એ આ સ્ત્રીના ગળાડૂબ પ્રેમમાં કેમ છે એ પ્રશ્નના જવાબમાં એકનો વધારો થયો હતો.
ધીમેધીમે બાલ્કનીની એક સાઇડની ગ્રીલ પર એ પાંદડાઓએ કબજો જમાવી લીધો હતો.
‘ઘરમાં થોડોક ઓછો તડકો આવે છે પણ વાંધો નહીં, આ પાંદડાઓની લીલપમાં વધારો થઈ રહ્યો છે એટલે થોડાક ઓછા તડકાથી હું ચલાવી લઈશ.’ એક દિવસ બન્ને સાથે બેસીને ચા પી રહ્યાં હતાં ત્યારે એ બોલી હતી. પણ હમણાંથી એ બાલ્કનીમાં બેસવાનું પણ સાવ ભૂલી જ ગઈ હતી.
નંદીનીની બીમારીની વાત તો મન કઠણ કરીને સ્વીકારી લીધેલી પરંતુ પોતાના રીપોર્ટ્સ આવ્યા એ દિવસથી સંજયનું જીવન સાવ થંભી ગયું હતું. એને હવે નાના નાના કામોમાં પણ સખત થાક લાગવા માંડ્યો હતો.
નંદીની સિંકનો નળ બંધ કરવાનું ભૂલી ગઈ હતી તે રાત્રે પોતે બાથરુમ જવા ઉઠ્યો ત્યારે જોયું તો આખું રસોડું પાણી પાણી થઈ ગયું હતું. એ સાફ કરવામાં પોતે થાકીને લોથ થઈ ગયો હતો.
હમણાંથી કશું લાવવું હોય તો એ પણ સંજય જ લઈ આવતો. નંદીની ઘરનો રસ્તો પણ ભૂલી જવા લાગી હતી. ક્યારેક એ માનતી નહીં અને જાતે જવાની જિદ્દ કરતી અને જતી પણ ખરી.
એવું થતું ત્યારે દર વખતે કાં તો સાથે જતો અને કાં તો એની પાછળ પાછળ. જોકે હવે એના પર્સમાં એની મેડિકલ કંડીશન વિશે અને પોતાનો ફોન નંબર અને ઘરના સરનામાં સાથેની ચીઠ્ઠી રાખી મૂકી હતી તે છતાં પાછળ તો જવાનું જ.
નંદીનીની કંડીશન વધુ વકરતી જવાની એ બાબત તો ડૉક્ટરે બે વર્ષ પહેલા જ સ્પષ્ટપણે કહી દીધી હતી. પણ ત્યારે પોતે બધું જ સાચવી લેશે એવો આત્મવિશ્વાસ હતો. હવે, પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
પોતાની પાસે સમય જ બચ્યો નહોતો અને પોતે નહીં હોય ત્યારે નંદીનીનું શું થશે એ વિચારીને રાતોની રાતો ઊંઘી નહોતો શકતો.
થોડી ઘણી ઉંઘ આવી જતી તો ચિત્ર વિચિત્ર સપનાં આવતાં. પોતે ઉઠયો છે ને નંદીની ઘરમાં નથી અને મેઇન ડૉર ખુલ્લો છે. આખા ઘરમાં ગેસની ગંધ ભરાઈ ગઈ છે અને શ્વાસ લેવાનું અઘરું થઈ રહ્યું છે.
આવા સપના આવતાં એ જાગી જતો અને પરસેવે રેબઝેબ થઈ જતો. એને સતત લાગતું કે ઉતાવળ કરવી જોઈએ. જયાબહેન સુરેન્દ્રનગરની જે સંસ્થાની વાત લઈને આવ્યાં હતાં ત્યાં પોતાની હાજરીમાં નંદીનીને શિફ્ટ કરી દેવી એવો નિર્ણય સંજયે લઈ લીધો.
જયાબહેને કહ્યું હતું કે ત્યાં પેશન્ટ્ને એ લોકો સ્વજનની જેમ સાચવે છે. પોતે જઈને જોઈ આવ્યો હતો. એને એ જગ્યા ગમી હતી. સરસ શાંત અને સ્વચ્છ જગ્યા હતી. જયાબહેને કહ્યું હતું એમ ત્યાં રહેનારનું ધ્યાન પણ સારી રીતે રખાતું હતું એ જોઈને સંજયને હાશ થઈ હતી.
બહાર લૉનમાં હિંચકો પણ હતો. હિંચકો જોઈને તો નંદીની રાજી થઈ જશે. એની ઈચ્છા હતી ઘરમાં હિંચકો રાખવાની. પણ મુંબઈના નાનકડા ફ્લેટમાં એ ક્યાંથી શક્ય બને? અહીંયા સેટ થવામાં આ હિંચકો ચોક્કસ મદદરુપ થશે એની સંજયને ખાતરી હતી.
બધું બરાબર હતું પણ ફૂડનૂં શું? એને અહીંયાનું જમવાનું ભાવશે? એની સવારની વીસ મિનિટ ઉકાળેલી ચા, સીંગદાણાનો ભુક્કો નાખીને મહારાષ્ટ્રિયન સ્ટાઇલમાં બનતાં પૌંઆ, કોથમરીનાં થેપલાં અને.. બીજું તો કેટલુંય.. એની સ્ટાઇલનું. પણ કશુંક તો કરવું પડશે ને!
પોતે છે ત્યાં સુધી નંદીની ત્યાં એડજેસ્ટ થઈ જાય તો એને એટલી રાહત રહે. આવતે અઠવાડિયે એને લઈને ત્યાં બે દિવસ રહેવા જવાનો પ્લાન બનાવેલો. એની વચ્ચે પોતાનોય હોસ્પિટલનો એક ધક્કો છે એ પતી જશે. જયાબહેન સાથે આવવાના છે એટલે વાંધો નહીં આવે. પણ નંદીનીને સમજાવવાનું અઘરું પડવાનું એ તો નક્કી વાત હતી.
“આજે રાત્રે જમવામાં શું બનાવું? શાક રોટલી કે દાળ ઢોકળી?” નંદીનીનો અવાજ આવ્યો. સંજયે વિચારોને હાંકી કાઢ્યા અને બાલ્કનીમાંથી રુમમાં આવ્યો.
“ઉપમા કે પૌંઆમાંથી એકાદ વસ્તુ બનાવી નાખજે.” એણે જવાબ આપ્યો.
“શું ઉપમા-પૌંઆ? આજે સાંજે દાળ ઢોકળી બનાવું છું. આજ કાલ તું બરાબર ખાતોપીતો નથી. વજન જો કેટલું ઉતરી ગયું છે! તબિયતનું સરખું ધ્યાન રાખતો જા.” એ બોલી અને રસોડામાં જતી રહી.
તે દિવસે સાંજે ઘણા દિવસ પછી બન્નેએ જૂના ગીતો સાંભળ્યા હતાં. ઘણાં વખત પછી ઘરમાં દાળઢોકળી બની હતી. તે રાત્રે સંજય ઘણા સમય પછી વ્યવસ્થિત જમ્યો હતો. જમ્યા પછી ચા પીવાનું મન થયું.
“અડધીઅડધી ચા પીએ. હું બનાવું છું.” એણે કહ્યું.
નંદીનીએ એને ખભે હાથ મૂકીને બેસાડી દીધો. “તું બેસ. હું બનાવી લાવું પણ હું આવું નહીં ત્યાં સુધી અહીંથી ઊઠીશ નહીં.” એ બોલી.
રાત ધીમે ધીમે વીતી રહી હતી. ઘણાં દિવસે બેઉ બાલ્કનીમાં સાથે બેસીને ગરમાગરમ ચાની સાથે એકબીજાની સંગતનો આનંદ માણ્યો. પાનખર બેસી ગઈ હતી. વાતાવરણમાં સુક્કા પાંદડાનો ધીમો રવ ગુંજી રહ્યો હતો. દૂર રસ્તા પર થતી હલચલના અવાજને કારણે વાતાવરણ જીવંત લાગી રહ્યું હતું. તાજી ઉકાળેલી ચાની સુગંધમાં કેટલાય દિવસનો થાક ઓગળી રહ્યો હતો.
નંદીનીની નજરો સંજયને જ જોઈ રહી હતી. એ મટકુંય મારવાનું જાણે ભૂલી ગઈ હતી. અત્યારે આ ક્ષણે એને શબ્દોની જરૂર જ નહોતી. એની આંખોમાં એ શાશ્વત વિશ્વાસ હતો કે તેઓ હંમેશા એકબીજાની સાથે રહેશે.
લગભગ કલાકેક આ જ રીતે એક પણ શબ્દ બોલ્યા સિવાય એ બેસી રહી. સંજયે સવારે સુરેન્દ્રનગર જવાનું છે એ વાત કહેવી હતી પણ એણે મુલતવી રાખી. પછી એ રાત્રે અચાનક ઉંહકારાના અવાજથી નંદીનીની ઊંઘ ઊડી ગઈ હતી.
સંજયનું શરીર તાવથી ધખી રહ્યું હતું. એની હાલત જોઈને નંદીનીના હાથપગ ઠંડા થઈ ગયાં હતાં. શરીરમાંથી પૂરી તાકાત જાણે હણાઈ ગઈ હતી.
જેમતેમ એણે ડૉ. મહેતાને ફોન લગાડ્યો હતો. નસીબ સારા હતાં કે ફોન પહેલી જ વખતમાં લાગી પણ ગયો. એ શું બોલી, કેવી રીતે એણે ડૉક્ટરને આખી સ્થિતિ સમજાવી એ વિશે કશી જ ગતાગમ નહોતી પણ એને ડૉક્ટરનું “હું હમણાં જ આવું છું.” સંભળાયું હતું.
પછી..
***
સંજયે ચાવીથી લેચ ખોલ્યું અને ઘરમાં આવ્યો. સૂરજ માથે ચડી આવ્યો હતો. છેલ્લા બેચાર દિવસોમાં એ થોડોક વધુ થાકી ગયો હતો. આંખો પણ વધુ ઊંડી ઊતરી ગયેલી. દાદરા ચડતી વખતે એને દરેક માળ પર બ્રેક લેવો પડ્યો હતો.
એણે પંખો ચાલુ કર્યો અને ધબ્બ દઈને ખુરસી પર બેસી પડ્યો. સુરેન્દ્રનગરથી બે ફોન આવી ગયેલા. આજના દિવસે ત્યાં પહોંચવાનું હતું.
એણે મોબાઇલ સાઇલેન્ટ પર કરી નાખ્યો. ટેબલ પર છાપું પડ્યું હતું. ખુલ્લા પડેલાં પાના પર એની નજર ફરી વળી. એક ખૂણામાં નંદીનીનો ફોટો હતો. આજના છાપામાં એની શ્રદ્ધાંજલિ છપાઈ હતી. એણે હળવે હળવે ફોટા પર હાથ ફેરવ્યા કર્યો.
નરીમાનની પાળી પર એક પોતાની અને એક નંદીનીના ભાગની એમ બે કપ ચા પીધી હતી છતાં એને ફરી વખત ચા પીવાની સખત ઈચ્છા થઈ ગઈ.
નંદીની હોત તો કહેત : ‘તું બેસ. હું બનાવી લાવું પણ હું આવું નહીં ત્યાં સુધી અહીંથી ઊઠીશ નહીં.’
પરંતુ નંદીની હવે નથી. એ તો તે જ રાત્રે ચાલી ગઈ હતી. સંજયથી પહેલા! નંદીનીનું હ્રદય બંધ પડી ગયું હતું.
સંજયે રાહતનો શ્વાસ લીધો. ડૉક્ટરે કહ્યું હતું કે એની પાસે વધુમાં વધુ વરસ છે. પછી.. નંદીનીનું શું એવી એની ચિંતા દૂર થઈ ગઈ હતી.
એણે ખુરસી પર માથું ઢાળી દીધું.
~ રાજુલ ભાનુશાલી
rajulbhanushali51@gmail.com
ખૂબ સરસ વારતા. 👌🏻
Thank you સંદીપભાઈ.
હૃદયસ્પર્શી આલેખન.. વાસ્તવિકતાની નજીક..
Thank you Mayaben.