વાંઝણી ~ (વાર્તા) ~ ગોપાલી બુચ

“સાહેબ, એક કાગળ આપવો છે એટલે તમારી ગાડીની વાંહે વાંહે દોડતી દોડતી આઇ.”

જેવો ગાડીનો કાચ ખૂલ્યો કે વાંઝણીએે ફટાફટ અંદર બેઠેલા જજ સાહેબને બ્લાઉઝમાંથી કાઢીને ચોળાયેલો એક કાગળ પકડાવી દીધો.

“અરે, પણ આ રીતે ગાડી પાછળ ન દોડાય. તું ક્યારેક બીજાને પણ હેરાન કરી દઈશ.” જજે ગુસ્સો કરતા વાંઝણીને જરા ધમકાવી.

“વાત હાચી, સાહેબ. પણ આજ ચુકાદો આલતા પહેલાં એકવાર મારો આ કાગળ વાંચજો સાહેબ.” કહેતાં વાંઝણી પેટ પકડી ફૂટપાથ પર બેસી ગઈ.

વાંઝણી જે રીતે ‘સાહેબ, સાહેબ’ કરતી પોતાની ગાડી પાછળ દોડતી હતી એ જોઈને જ જજસાહેબ મિ. શાહને અણગમો આવ્યો હતો. એમણે જ ડ્રાઈવરને ગાડી સાઈડ પર લેવાની સૂચના આપી હતી, પણ જેટલી ઝડપથી ગાડી સાઈડ પર લેવાની સૂચના આપી હતી એથી વધુ ઝડપથી એમણે ગાડી ચલાવવાની સૂચના પણ આપી અને વાંઝણીએ આપેલો કાગળ કોટના ખિસ્સામાં મૂકી દીધો.

જજ સાહેબને ગાડીના બહારના કાચમાંથી ફૂટપાથ પરથી કોર્ટ તરફ ધીમી ચાલે જઈ રહેલી વાંઝણી દેખાઈ રહી હતી.

વાંઝણી! બિચારી વખાની મારી સ્ત્રી. પરણીને પંદર વર્ષ થયાં પણ ખોળો ખાલી. એટલે સાસુએ ‘વાંઝણી, વાંઝણી’ કહીને એનું નામ જ ‘વાંઝણી’ કરી નાંખ્યું. ગામ આખું વાંઝણી જ કહેતું. કોઈ વાંઝણીને નામ પૂછે તો પોતે પણ ક્યારેક હસીને તો ક્યારેક ઉદાસ થઈને વાંઝણી જ કહેતી. પોતાનું બીજું પણ કોઈ નામ છે, એવું તો વાંઝણી પણ ભૂલી જ ગઈ હતી.

શ્યામવર્ણી વાંઝણી દુબળી લાગે પણ ઘાટીલી હતી. નાકનકશો પણ પ્રમાણમાં ઠીકઠીક. જો કે ચહેરા પર કે શરીર પર કોઈ તેજ નહીં. ઘરમાં હોય ત્યારે ચૂપચાપ ઘરનું કામ કર્યા કરે. સાસુની પજવણી અને મહેણાં વાંઝણીને કોઠે પડી ગયાં હતાં. પતિનું સુખ પણ આમ તો નહીં જ.

વાંઝણીનો વર રમેશ સાવ માવડિયો. પાણી પણ પૂછીને પીવે એવો, પણ વાંઝણી પર શૂરો પૂરો. જેવી મા એને વાંઝણી વિરુદ્ધ ચડાવે એટલે ગાળો બોલી વાંઝણી પર તૂટી પડે.

મા-દીકરા માટે વાંઝણી એમનું ફ્રસ્ટ્રેશન ઉતારવાનું સાધન માત્ર હતી. વાંઝણીએ પણ જીવન સાથે સમાધાન કરી લીધું હતું.

વાંઝણી ક્યારેક સરલાબહેનને કહેતી, “આ સહન ન કરું તો મારે હુ કરવું? મારે બીજું ઠેકાણુંય ક્યાં સે કે વઈ જાવ. મા તો જલમતાં વેત મરી ગઈ. ઈ પસે હાવકી માએ જીવવા જેવું રાઈખું નોતું. બાપ હતો તે માંથી સાનોમુનો માથે હાથ ફેરવી લેતો બુન, પણ બાપેય ગ્યો ને માએ પયણાવી દીધી. ઈ પયણાવીયે નો કેવાય બુન. રૂપયા લઈને આ રાક્સસ વેરે મોકલી આલી સે.”

વાંઝણી માટે સરલાબહેન એકમાત્ર ઠેકાણું જ્યાં એ મન ખોલી શકતી. સરલાબહેન ગામની પ્રાથમિક શાળાનાં પ્રિન્સિપાલ. વાંઝણી એમનાં ઘરનું બધું કામ કરતી અને મળતો પગાર રમેશના હાથમાં સોંપી દેતી. એને આશા રહેતી કે એ રીતે પણ એનો વર કોક ‘દિ એની સાથે સારી રીતે રહેશે.

સરલાબહેન એને કહેતા પણ ખરાં, “થોડું તારા માટે પણ બચાવ. આખો દિવસ તું વૈતરું કરે છે ને બધા પૈસા તારા વરને કેમ આપી દે છે? આ મા-દીકરો બેઠાં ખાય છે ને ઉપરથી તને ત્રાસ આપે છે તે પૈસા આપવાના બંધ કરી દે. તને કાઢી મુકશે તો હાથમાં બે પૈસા હશે તે કામ લાગશે બેન.”

વાંઝણી પણ હસીને કહેતી, “નહીં કાઢી મેલે. મને કાઢી મેલે તો ઇને પૈસા કુણ આલશે? ને કાઢી મેલે તો મારાં નશીબ બુન.”

પણ એક દિવસ સાચે એવું બન્યું કે રમેશે વાંઝણીને કાઢી મૂકી. માંદી માને લઈને રમેશ દવાખાનેથી પાછો આવ્યો ત્યારે ગામના ઉતા૨ મનિયાને પોતાના ઘરમાંથી ભાગતો જોયો.

રમેશે ઉતાવળે ઘરમાં જઈ જોયું તો અર્ધમૂઈ દશામાં વાંઝણી જમીન પર હાંફી રહી હતી. રમેશને જોઈ વાંઝણી બેઠી થઈ અને હજી તો બોલી કે, મનિયો જબરજસ્તી…” પણ એ વાક્ય પૂરુ થયાની રાહ જોયા વગર જ રમેશ અને વાંઝણીની સાસુ વાંઝણી પર તૂટી જ પડ્યાં.

વાંઝણી બૂમો પાડતી રહી, “મારો કોઈ ગુનો નથી, મારો કોઈ ગુનો નથી…. ” એની વાત પણ સાચી જ હતી. ગામના ઉતાર મનિયાને ઘણાં સમયથી વાંઝણી મનમાં વસી ગઇ હતી. એણે વાંઝણીને બે – ત્રણ વાર રસ્તે આંતરી પણ હતી, “મારું ઘર માંડી દે વાંઝણી. આ દખમાં ક્યાં લગી પડી રઈશ?”

વાંઝણીએ રોકડું પરખાવ્યું હતું. “તારું ઘર માંડે સખ મળી જાહે? ગામનો ઉતાર છો તું. પેલા હરખીનો થા પસે રસ્તે આડો આવજે હમજ્યો! “

તે દિવસથી મનિયો ખારીલો થયો’તો તે આજ તક જોઈને જબરજસ્તી રમેશનાં ઘરમાં ઘૂસી ગયો.

વાંઝણી હજી એ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તો સાસુ અને વરે વાંઝણીને ઢોર માર મારી અધમૂઈ કરી ધક્કા મારી ઘર બહાર કાઢી મૂકી, . વાંઝણી ક્યાંય સુધી સુનમુન પડી રહી. સહેજ કળ વળતાં વાંઝણી સરલાબહેન પાસે પહોંચી. આપવીતી જણાવતી વાંઝણીનું આક્રંદ કોઈનું પણ કાળજું કંપાવી દે એવા હતાં.

સરલાબહેન વાંઝણીને લઈને પોલિસ સ્ટેશન પહોંચ્યાં. મનિયા વિરુદ્ધ ફરિયાદ લખાવી ત્યાંથી પોલિસની સૂચના મુજબ હોસ્પિટલ જઈને વાંઝણીની યોગ્ય સારવાર પણ કરાવી. પોલિસ અને હોસ્પિટલની જરૂરી ફોર્માલિટી પતાવી બન્ને જણ ઘેર પરત ફર્યા ત્યારે બન્નેનાં આશ્ચર્ય વચ્ચે રમેશ ઘરની બહાર વાંઝણીને લેવા આવ્યો હતો.

વાંઝણી રમેશ સાથે કચવાતે મને ઘેર ગઈ ત્યાં જે દ્રશ્ય જોયું એ વાંઝણી માટે અસહ્ય હતું.

મનિયો વાંઝણીના ઘરમાં બેઠો હતો. વાંઝણી પોલિસ ફરિયાદ પાછી ખેંચી લે તો ઢગલો રૂપિયા આપવા એની સાસુને સમજાવી રહ્યો હતો. સરલાબહેનના ઘર સુધી પોતાને લેવા આવવાનું કારણ વાંઝણીને સમજાઈ ગયું.

રમેશ પણ વાંઝણીને જાતજાતની વાતો કરી ફરિયાદ પાછી ખેંચવા સમજાવવા લાગ્યો. મનિયાની જબરજસ્તી અને રમેશના મારથી કણસતું વાંઝણીનું શરીર વધુ કણસવા લાગ્યું. પણ એનાથી પણ વધુ એનું હૈયું કણસતું હતું. એને ખબર હતી કે અત્યારે ચોખ્ખી ના કહેવાનો અર્થ ફરી અસહ્ય વેદનાને આમંત્રણ આપવાનો છે. વાંઝણીએ વાતચીત ચાલુ રાખવાના આશયથી પૂછ્યું, “કટલા આલીશ?”

“પચા હજાર આલુ”

“પચામાં હુ થાય? મારા ધણીયે હાડકા ભાંગી નાઈખા સ ઇનાય મારે તો લેવાના. દવા ઇનો બાપ કરાવા આવે? પાંચ લાખ આલ.” હવે વાંઝણીને કોને ક્યાં દબાવવા સમજાઈ ગયું હતું. એ જાણતી હતી કે રમેશના બાપ સુધી પહોંચવાની એની હિમ્મતને હવે વર કે સાસુ પડકારવાના નથી.

પાંચ લાખની વાતથી જ સાસુ દોડીને વાંઝણી માટે પાણી લઈ આવી. “પી લે બટા. બેહ ઘડીક..!”

વાંઝણીએ પણ દાવ લેવાનો શરુ કર્યો. “હોવે. બરી ઉંઘેય બઉ આવે. આજ તો જાતય ભારી દુખે. મનિયા કાલ વચારીને આવજે.” કહીને વાંઝણીએ બહાર ફળિયે ખાટલો ઢાળી લંબાવી દીધું.

કાલ સુખનો સૂરજ ઉગશે એ આશામાં રમેશ સાથે જીવન વેંઢારતી વાંઝણીને હવે રમેશ માટે ધિક્કાર છૂટ્યો. રમેશ પૈસા માટે મનિયાની સાથે બેઠો?

“આવો ધણી નો હોય તો હુ ફેર પડે? ઇ છે તો ય હુ ફેર છે? ” વાંઝણીના મને ચિત્કાર કર્યો. એને મનિયાની જબરજસ્તી વાળી એક ક્ષણ યાદ આવી અને એનાં ચહેરા પર ક્ષણિક હાસ્ય આવી અલોપ પણ થઈ ગયું.

સરલાબહેનની સલાહ મુજબ વાંઝણીએ વાટાઘાટમાં સમય પસાર કરવાનું શરુ કર્યું. સમયાંતરે પુરાવાને આધારે પોલિસે મનિયાની ધરપકડ કરી અને વાંઝણી હિંમ્મત કરીને સરલાબહેનને ત્યાં રહેવા આવી ગઈ. સરલાબહેનના ઘર સાથે વાંઝણી શાળાનું નાનું મોટું કામ પણ કરવા લાગી હતી.

એક દિવસ અચાનક વાંઝણી કાગળ પેન લઈ સરલાબહેન પાસે દોડી. “બુન. કાલે કોરટ જાવાનું સે. મારે જજ સાહેબને કાગળ આલવો છે બુન. લખી આલોને….! “

વાંઝણી બોલતી ગઈ, સરલાબહેન લખતાં ગયાં. પત્ર પૂરો કરી સરલાબહેને વાંઝણીને માથે વ્હાલથી હાથ ફેરવ્યો. “વાંઝણી, તારે આવો કાગળ જજ સાહેબને આપવો છે?

“હા, બુન. આલવો છે.” કહીને વાંઝણીએ કાગળ વાળી બ્લાઉઝના ખિસ્સામાં જતનથી મૂકી દીધો ને બીજે દિવસે કોર્ટની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં એણે કાગળ જજ સાહેબ સુધી પહોંચાડી પણ દીધો.

પેટ પકડીને કોર્ટના ઓટલે બેઠેલી વાંઝણીએ દૂર પોલિસ વાનમાંથી મનિયાને ઉતરતો જોયો. ગામમાં લાંબા દાઢીમૂછ રાખી રંગબેરંગી – છેલબટાઉ છાપ કપડામાં રખડતો મનિયો આજે જરા ઠીકઠાક લાગ્યો. દાઢીમૂછ ગાયબ હતાં. કપડાં પણ સાદા હતાં. પગ જરા લંગડાતો હતો. ચહેરો સૂઝેલો હતો. ચહેરાની બધી કરડાઇ ગાયબ હતી. ચાલ નરમ ઘેંશ જેવી હતી. એને જોઈને લાગતું હતું કે પોલિસે લોકઅપમાં સારી એવી મરમ્મત કરી છે. અને કરે જ ને! મનિયો તોફાની તત્વ હતો પણ ગામમાં માથાભારે ગણાતો એટલે કોઈ ફરિયાદ કરવાની હિંમ્મત ન કરતું. વાંઝણીને કારણે મનિયો પહેલીવાર પોલિસના હાથમાં આવ્યો હતો.

વાંઝણી મનિયાને જોઈ આડું જોઈ ગઈ. પોલિસ મનિયાને લઈ નીકળી ગઈ પછી વાંઝણી ધીમેથી કોર્ટરૂમમાં પહોંચી ગઈ.

મનિયાને જજ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. મનિયાને જોતાની સાથે જજસાહેબને વાંઝણીએ આપેલો કાગળ યાદ આવ્યો. એમણે ખિસ્સામાંથી કાગળ કાઢ્યો.

“જજસાહેબ ,

પાય લાગણ સાહેબ. હું તો મૂઈ બાળોતિયાની બળેલી. જલમતાં વેત મા મરી, પસે બાપ પણ ગયો. સાવકી માએ પૈસા લઇ પાણી વગરના માણા જોડે પયણાય મેલી. ઈ નપાણીયને તો ખબર હતી કે ઈ મરદની જાતનો નત તો યે આખ્ખા ગામે પંદર પંદર વરહથી વાંઝણી મને કીધી.

મારી સાસુએ નામ જ વાંઝણી કરી મેઈલું સાહેબ. મારી ફોઈએ તો નામ આનંદી રાઇખું ‘તું, પણ એક દાડો આનંદનો જીવવા નો મઈલો તે હુંય મારું નામ ભૂલી ગઈ. પણ મનિયાએ મારું નામ યાદ કરાઇવું.

મારે મનિયાને માફ કરવો છ સાહેબ. ઈનો ગનો નાનો નત તે ઈને સજા તો થાવી જોઈએ. ફરી ગામની કોઇ સોડી હામે આંખ ઊંચી નો કરી હકે એવી સજા થાવી જોઈએ અને કરજો જ તે. પણ મારે તો ઇ કહેવું છ સાહેબ કે ઈની જબરજસ્તીએ મને જીવી જવાનો આનંદ આઇલો ઈ મને પસે હમઝાણું.

પંદર વરહના જીવનમાં પતિનું સખ હુ કેવાય ઈ મને નોતી ખબર. ખોટુ કહું તો પાપમાં પડું પણ ઈ જબરજસ્તી ટાણે તો જબરજસ્તી ટાણે, બે ઘડી તો બે ઘડી, પણ મને ઇ સખ લાઈગું’તું સાહેબ. પરાણે તો પરાણે, પણ કોઈ પુરુષ માણાનો સંગ મઈલો. મનિયાને મારે એટલો સંદેશ આલવો છ કે ઇ સુધરી જાય તો મારે ઈનું ઘર માંડવું સ.

ઇને તમે ગમે ઈ સજા કરજો પણ મેં ઈને માફ કઈરો છ. હું ઇની રાહ જોઈશ. ઇણે મારું મેણું ભાંગ્યું સ સાહેબ. હું વાંઝણી નત, હું વાંઝણી નત, સાહેબ હું વાંઝણી નત …”

જજ સાહેબે કાગળને વાળી ફરી ખિસ્સામાં મૂક્યો. એમની આંખ સામે પેટ પકડીને બેસી ગયેલી “આનંદી” તરવરી રહી……!

~ ગોપાલી બુચ
gopalibuch@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. ખૂબ હ્રદયસ્પર્શી આલેખન
    આંખમાં પાણી આવી ગયા.
    સરસ વાર્તા.