ગાંધારીઃ મહારાણી હોવા છતાં ન બની શકેલી મહારાણી (અભ્યાસ લેખ) ~ જયશ્રી વિનુ મરચંટ
Editor’s Choice
(અભ્યાસ લેખ)
(શબ્દો: ૩૦૨૪)
ગાંધારીનો જન્મ ગાંધારદેશના (હાલનું કંદહાર) રાજા સુબલ અને સુધર્માને ત્યાં થયો હતો, ગાંધારી તેની ધર્મનિષ્ઠા અને સદ્ગુણી સ્વભાવને કારણે કુટુંબમાં સૌને બહુ વહાલી હતી.
ગાંધારીને દેવી મતિનો અવતાર માનવામાં આવે છે. તેણે તપસ્યા દ્વારા શિવને પ્રસન્ન કરીને ૧૦૦ બાળકોને જન્મ આપવાનું વરદાન મેળવ્યું હતું. જો કે તેની તપસ્યા અને તેને આવું વરદાન માંગવાનું કારણ મહાભારતમાં જાણી શકાયું નથી.
માતા સત્યવતી અને પુત્ર ભીષ્મનું ગાંધારીને કુરુ રાજ્યની જ્યેષ્ઠ પુત્રવધૂ તરીકે પસંદ કરવાનું એક મુખ્ય કારણ આ વરદાન હોવાનું કહેવાય છે.
કુરુવંશને વારસદાર ન મળવાની ભીષ્મ અને સત્યવતીની ચિંતા આ વરદાનને કારણે કાયમ માટે સમાપ્ત થઈ ગઈ હતી.
ગાંધારનરેશને એની પુત્રી ગાંધારીને કુરુકુળની જ્યેષ્ઠ પુત્રવધુ બનાવવા માટે ભીષ્મ માગું મોકલે છે. સુબલને ખબર હોય છે કે એનો થનારો જમાઈ આંધળો છે એટલે પહેલાં તો એ વિચારમાં પડે છે કે પુત્રીને આપવી કે નહીં. પણ, પછી આટલાં સંપન્ન કુરુકુળની સામ્રાજ્ઞી એની દીકરી થશે એ લાલચમાં અને પોતે કોઈ પણ રીતે લડીને કૌરવોની સેના સાથે જીતી શકે એમ નથી એની સમજ હોવાથી, એ આ સંબંધ માટે હા પાડે છે.
ગાંધારીના મોટા ભાઈ શકુનિને એની નાની બહેન માટે ખૂબ પ્રેમ તો હતો જ, પણ એની બુદ્ધિમતા પર એને ગર્વ પણ હતો. ગાંધારી ધર્મ, રાજનીતિ અને ન્યાયશાસ્ત્રની પણ જાણકાર હતી.
મહાભારતની સંસ્કરણ પામેલી વૈકલ્પિક આવૃત્તિઓમાં એવું કહેવાયું છે કે ચિત્રાંગદ, (સત્યવતીનો મોટો પુત્ર,) સાથેની લડાઈમાં સુબલ હારી ગયો હતો. તે સમયે ચિત્રાંગદે સુબલને એનાં પુત્રો સહિત સો જણાંને બંદી બનાવીને રાખ્યા હતા.
સહુને ભાતના થોડા જ દાણાં ખાવા માટે અપાતા. શકુનિ સૌથી મોટો હતો. એ મહાન યોદ્ધો નહોતો, પણ સ્વભાવે કપટી હતો અને દ્યુતમાં પ્રવીણ હતો.
મહાભારતની દક્ષિણની સંસ્કરણ પામેલી આવૃત્તિમાં એવું પણ લખાયું છે કે સુબલને ખબર હતી કે કોઈ કાળે એનાથી હસ્તિનાપુર સાથે લડીને જીતી નહીં શકાય. પણ શકુનિ કપટથી એક દિવસ પોતાનો બદલો જરૂર લેશે એવી એને ખાતરી હોવાથી, શકુનિને જીવતો રાખવા સુબલ અને બીજા, પોતાના ભાગનું પણ એને આપી દેતા.
પછી સુલેહ થતાં, સુબલ અને સૌ બંદીઓ છૂટ્યા, પણ સુબલ આ અપમાન કદી ભૂલી ન શક્યો અને એણે નક્કી કર્યું કે વખત આવે એ આનો બદલો લેશે. આથી જ જ્યારે ભીષ્મ દ્વારા કુરુકુળ તરફથી માગું આવ્યું તો એણે હા પાડી અને શકુનિને સાથે મોકલ્યો જેથી ઘરનો ભેદી લંકા બાળી શકે.
જોકે, મહાભારતના આદિપર્વ મુજબ શકુનિ ગાંધારીને લગ્ન માટે હસ્તિનાપુર લઈ આવ્યો હતો. કુરુવંશના વડીલોએ ગાંધારીનું સ્વાગત કર્યું અને શકુનિને હસ્તિનાપુરના સામ્રાજ્ય તરફથી ઘણી ભેટો અને દ્રવ્ય આપવામાં આવ્યું.
ગાંધારીના ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન થઈ જતાં, તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો હતો. દુર્યોધન કિશોરાવસ્થામાં આવ્યો પછી એ હસ્તિનાપુર આવ્યો અને ધૃતરાષ્ટ્ર્ના આગ્રહથી પાછો ન ગયો.
મહાભારત વાંચતાં બે જ પાત્રો માટે અંતરથી કરૂણા ઉપજે, એક તો કર્ણ અને બીજી ગાંધારી. કર્ણને અને ગાંધારીને, ડગલે પગલે અન્યાય થયો, દગો થયો અને નસીબ હંમેશ માટે એમની સાથે હાથતાળી આપીને છટકતું રહ્યું હતું. પણ આજે આપણે ગાંધારીની વાત કરીએ.
પિતા, માતા, પિતામહ, સાસુ, વડસાસુ, પતિ, ભાઈ, પુત્રો, દેરાણી, કે પછી કૃષ્ણ,… ગાંધારી સાથે ક્યાંક અન્યાય થયો, ક્યારેક દગો તો ક્યારેક જાણી જોઈને છળ…! અરે દૈવ પણ એની જોડે રમત રમી ગયું અને પોતે કુંતી કરતાં પહેલાં ગર્ભવતી થઈ હતી તોયે બે વરસ સુધી એનો ગર્ભ એનાં પેટમાં જ રહ્યો!
કુંતીએ પુત્રને જન્મ આપ્યો છે એ સાંભળીને એણે ઈર્ષ્યા અનુભવી. ગાંધારીની આશા કે મહત્વાકાંક્ષા, જે ગણો તે, એક માત્ર જ હતી કે એની કુખે કુરુકુળનો વારસદાર જન્મે!
આમ, ઓછામાં ઓછું એનો પુત્ર તો રાજા થઈ શકે, ભલેને એનો પતિ ન બની શક્યો! પણ જ્યારે એણે સાંભળ્યું કે કુંતીએ યુધિષ્ઠરને જન્મ આપ્યો છે અને કુરુવંશનો ગાદીવારસ નમી ચૂક્યો છે, ત્યારે એણે પોતાના ગર્ભને પ્રહાર કરીને પાડી નાખ્યો…! એ પ્રહાર કરતાં એક માતા તરીકે, એના પર શું વીત્યું હશે, એની કલ્પના પણ નથી કરી શકાતી!
જોકે, દિવ્ય શક્તિથી (એ જમાનાના ઈમેલ, ટેક્સ્ટ મેસેજ, સોશ્યલ મિડિયા?) વેદવ્યાસ આ જાણી ગયા અને તાત્કાલિક (ટાઈમ મશીન?) ત્યાં આવી ચડ્યા અને આંસુ સારતી ગાંધારીને કહ્યું કે શિવનું વરદાન એમ વ્યર્થ ન જવા દેવાય! અને એમણે એ માંસપેશીના સો ટુકડા કરીને, ઘીના હાંડલામાં મૂક્યા (કદાચ એ જમાનાનું “હાઈ ટેક ઈન્ક્યુબેટર” પણ હોઈ શકે?) અને સમયાનુસાર એમાંથી એક પછી એક, એમ સો પુત્રો જન્મ્યા.
એક સ્ત્રી બાળકને સહજ રીતે પોતાના શરીરમાંથી, જન્મ આપીને, સામાન્ય માની જેમ છાતીએ વળગાડીને સ્તનપાન કરાવે એ પણ એના નસીબે નહોતું. આમ જે પણ રીતે પણ એ માતૃત્વ મળવાની પ્રક્રિયા થઈ, એનાથી એને મન મનાવી લેવું પડ્યું!
ગાંધારી ધર્મજ્ઞ હતી અને એની ઈચ્છા હતી કે એને પૌત્રો હોય, દોહિત્ર હોય તો ગાંધારીનું શ્રાદ્ધ સંપૂર્ણ બને. આથી જ ગાંધારીને પુત્રો સાથે પુત્રીની પણ કામના હતી.
વેદવ્યાસ જ્યારે માંસપેશીના ટુકડા કરી રહ્યા હતા ત્યારે માંસપેશીનો એક નાનો ટુકડો છેલ્લે બાકી રહ્યો હતો, એને પણ ઘીના હાંડલામાં નાખીને વ્યાસજીએ ગાંધારીની તે સમયે, દેખીતી રીતે પુત્રીની ઈચ્છા તો પૂરી કરી. પણ સમયના કેનવાસ પર એ ઈચ્છા પણ પૂરી ન થઈ શકી.
મહાભારતના યુદ્ધમાં પુત્રી દુશાલાનો પતિ જયદ્રથ અને એમનાં સંતાનો હણાયા. પોતાનું શ્રાદ્ધ કરવાનું તો બાજુ રહ્યું પણ પુત્રો, પૌત્રો, દોહિત્ર એ બધાના શ્રાદ્ધ એની નજર સામે થયાં….! આ તે ઈચ્છા પૂર્ણ થઈ એમ ગણવું કે અભિશાપ થયો એમ ગણવું?
ગાંધારીને ક્યાંય પણ, વરદાન હોય કે શાપ હોય કે પ્રાપ્તિ હોય, કોઈ પણ પરિસ્થિતિ “ફુલ એન્ડ ફાઈનલ” નિરાકરણ રૂપે કદી ન મળી…! ડગલે અને પગલે, કોઈ પણ દેખીતા અપરાધ વિના, સતત ગાંધારીનાં માન, સ્વમાન, અને ભરોસાની જાણે અજાણે હત્યા થતી રહી.
એક પુત્રીની પિતાના ઘેરથી સ્વયંવર અને લગ્ન કરીને વિદાય લેવાની ઈચ્છા, પતિ સાથે એકરૂપ થઈને સંસાર માણવાની, વિહાર કરવાની અને પુત્રોનો યોગ્ય ઉછેર કરવાના અરમાનો આ બધું જ જે એક સામાન્ય સ્ત્રીને સહજતાથી મળતું હોય છે એ બધાંથી ગાંધારી વંચિત રહી.
પોતાની દરેકેદરેક આશા સાથે ગાંધારીને સતત કેટકેટલાં સમાધાન કરવાં પડ્યાં છે…! શું ગુનો હતો એનો? હસ્તિનાપુરમાં આવીને ખબર પડી કે એ રાણી તો છે પણ રાજરાણી- મહારાણી નહીં બને. કારણ? તો કહે, સિંહાસન પર તો એના પતિનો નાનો ભાઈ બેઠો છે. એનું કારણ? તો બસ, એક જ, એનો પતિ અંધ છે! જે વાત એનાથી કુશળતાપૂર્વક એનાં સાસરિયાએ તો છુપાવી પણ પોતાનાં સગાં માબાપે પણ છુપાવી હતી…!
અરે, એ સતી, એની જન્મભરની તપસ્યાથી યુદ્ધ પહેલાં દુર્યોધનને સંરક્ષણ આપવા અને કવચ પહેરાવવા બોલાવે છે, ત્યારે કૃષ્ણ જેવા કૃષ્ણ પણ એની સાથે છળ કરી જાય છે..!
ગાંધારીએ દુર્યોધનને મહાભારતના યુદ્ધ પહેલાં બોલાવીને કહ્યું કે; “હે પુત્ર, આ ભીષણ સંગ્રામ શરૂ થાય એ પહેલાં હું તને અભેદ્ય અને અવધ્ય બનાવવા ઈચ્છું છું.
મેં લગ્ન પછી સ્વેચ્છાએ સ્વીકારેલા અંધત્વ પછી હું પહેલીવાર મારી આંખો પરના પાટા ખોલીશ. હું પાટા ખોલીને બ્રાહ્મમૂહુર્તમાં તારા પર દ્રષ્ટિ કરીશ. તું કાલે સવારે, ગંગાજીમાં વહેલી સવારે સ્નાન-સંધ્યા કરીને, કોઈ પણ વસ્ત્રો પરિધાન કર્યા વિના, બિલકુલ જન્મની અવસ્થામાં મારા કક્ષમાં આવજે. મારી આંખોના કિરણો તારા અનિર્વસ્ત્ર શરીર પર પડતાં જ તારી આજુબાજુ સુરક્ષાકવચ થઈ જશે અને કોઈ પણ તારો વધ નહીં કરી શકે.”
દુર્યોધન જ્યારે વહેલી સવારે બ્રાહ્મમૂહુર્તમાં, ગંગાજીમાં સ્નાન-સંધ્યા કરીને મા ગાંધારીના કક્ષમાં જતો હતો ત્યારે વહેલી સવારે શ્રીકૃષ્ણ એને ત્યાં ગંગાતટે મળી ગયા. શ્રીકૃષ્ણએ કહ્યું, “અરે, હસ્તિનાપુર નરેશ દુર્યોધન, તમે આમ સદંતર વસ્ત્રહીન, ક્યાં જઈ રહ્યા છો? વસ્ત્રો લાવવાનું ભૂલી ગયા કે શું? આ લો, મારું ઉપવસ્ત્ર પહેરી લો. સારું છે કે કોઈ નરેશને આમ જોવા માટે અહીં નથી.”
દુર્યોધન કહે છે; “માધવ, માતુશ્રીએ મને બ્રાહ્મમૂહુર્તમાં સ્નાન-સંધ્યાથી પરવારીને વસ્ત્ર પરિધાન કર્યા વિના જ એમની સમક્ષ હાજર થવાનું કહ્યું છે જેથી તેઓ જ્યારે પોતાની આંખો પરથી પટ્ટી ખોલે તો એમની પહેલી નજર મારા પર પડે. એનાથી મારા અંગ પર અવધ્ય સુરક્ષાકવચ આવી જશે.”
શ્રી કૃષ્ણ મંદ સ્મિત સાથે કહે છે કે; “અરે, હસ્તિનાપુરના રાજનને આમ સદંતર નિર્વસ્ત્ર થઈને માતા સામે જવાનું શોભે? આપ ગુપ્ત અંગો પર ઉપવસ્ત્રો પહેરીને જાઓ.”
દુર્યોધન માની લે છે અને ગુપ્ત અંગો પર ઉપવસ્ત્ર પહેરીને ગાંધારીના કક્ષામાં પ્રવેશે છે. ગાંધારી એની આંખના પાટા ખોલીને ધીમેધીમે આંખો ઉઘાડે છે. એનાં નયનમાંથી ઝરતા તેજથી દુર્યોધનના અંગેઅંગ પર કવચ આવી જાય છે માત્ર જાંઘ પર ઉપવસ્ત્ર હોવાથી એટલો ભાગ કવચહીન રહે છે.
ગાંધારી ઉદ્વિગ્ન બનીને કહે છે કે; “હે પુત્ર, આ તેં શું કર્યું? મેં તને કંઈ પણ પહેર્યા વિના આવવાનું કહ્યું હતું.”
દુર્યોધન ગાંધારીને ક્ષોભ પામીને કહે છે કે; “હું અહીં આવતો હતો તો માધવે મને આમ જાંઘ પર વસ્ત્ર ઢાંકીને આવવાનું કહ્યું. એમની વાત પણ સાચી છે. તમે મા છો છતાં સાવ આવી અવસ્થામાં તમારી સામે કેવી રીતે ઊભો રહું?”
ગાંધારી ત્યારે હતાશાથી માત્ર એટલું જ કહે છેઃ “હે પુત્ર, યુદ્ધનું પરિણામ તો નિશ્વિત થઈ ગયું છે. બસ, એટલું જ કહીશ, “કાલાય તસ્મૈ નમઃ”
એ સાથે ગાંધારી મનોમન નક્કી કરી લે છે કે શ્રી કૃષ્ણને આમ આ છળ કરવા માટે એ માફ નહીં કરે.
ડગલે અને પગલે, આવું ગાંધારી સાથે શા માટે થયા કરે છે, એનું કોઈ વિશ્વસનીય કારણ, ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને કુંતી યુદ્ધ પછી વનમાં દાવાનળમાં સળગી જાય છે ત્યાં સુધી વેદવ્યાસ સમસ્ત મહાભારતમાં આપી નથી શક્યા.
જે સમયમાં રાજકુમારીઓનો સ્વયંવર થતો હતો એ સમયમાં ગાંધારીનો ન સ્વયંવર થયો કે ન તો એની મરજી પૂછવામાં આવી. એટલું પણ કહેવામાં ના આવ્યું કે તારાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરવાનાં છે અને એ જન્મથી અંધ છે..!
ગાંધારીને તો પતિના અંધત્વની ખબર હસ્તિનાપુર આવીને પડી. હસ્તિનાપુરથી માગું આવ્યું, એની સાથે ગાડાના ગાડા ભરીને કિમતી જરઝવેરાતો, રેશમી વસ્ત્રો અને અન્ય ભેટસોગાદો આવી હતી.
ગાંધારીને એવું કહેવામાં આવ્યું હતું કે લગ્ન હસ્તિનાપુરમાં થશે. આ વાત ગાંધારીને ગળે ન ઉતરી અને એણે એની માતા સુધર્માને પૂછ્યું પણ હતું કે લગ્ન ત્યાં જઈને શા માટે કરવાનાં છે? અહીં કેમ નહીં?
તો સુધર્માએ એવું કહ્યું હતું કે “હમણાં રાજ્યમાં પરિસ્થિતિ નથી સારી. કુરુકુળ આપણાં કરતાં ખૂબ શક્તિમાન છે. તું ત્યાં મહારાણી બનીને સુખમાં રહેશે. તારી સખીઓ અને તું જેની ખૂબ લાડલી છે એ તારો ભાઈ શકુનિ ત્યાં તારી સાથે આવશે.
કુરુકુળે તારી બધી જ દાસીઓ અને સખીઓને પણ તારા મહેલમાં તારી સાથે જ કાયમ રાખવાનો આગ્રહ કર્યો છે. તારું પોતાનું રાજપાટ હશે. જો ના કહીશું, તો ગાંધારનરેશ એ શક્તિમાનો સાથે લડીને જીતી શકે એમ નથી. અને નાહક પ્રજાનો કેટલો સંહાર થશે એ જુદો.”
ધર્મનિષ્ઠ ગાંધારી પુત્રીધર્મ નિભાવીને ચૂપચાપ હસ્તિનાપુર આવે છે અને ત્યારે એને ખબર પડે છે કે એનો પતિ અંધ છે!
ગાંધારી એ બધું ગળી જાય છે. પતિ સાથે કમ સે કમ શારીરિક ભિન્નતા દૂર થાય એ માટે ગુસ્સામાં આંખે પાટા બાંધી લે છે. દુર્ગા ભાગવતે “વ્યાસપર્વ”માં કહ્યું છે કે; આંખે પાટા બાંધીને ગાંધારીએ ભીષ્મ અને કુરુકુળ સામે રોષ દર્શાવ્યો હતો. મહાભારતની અનેક વૈકલ્પિક આવૃત્તિઓ થઈ છે. ગાંધારી શા માટે આંખે પાટા બાંધી લે છે અને જન્મ આખું એ આમ સ્વેચ્છાએ અંધત્વ સ્વીકારી લે છે. હા, એ કદાચ એક સુસંસ્કારી રાજકન્યાને શોભે એવો ક્રોધ કે નારાજગી બતાવવાનો મર્યાદામાં રહીને – Measured રહીને કરાયેલી પ્રતિજ્ઞા હતી. પણ મહાભારતમાં ક્યાંયે કોઈ એક – યુનિવર્સલ ઠોસ કારણ બતાવવામાં નથી આવ્યું.
પણ એ સમાધાનનો સૌથી મોટો ઘૂંટડો હતો. જો કજોડાની વ્યાખ્યા કરવી હોય તો એક માત્ર ઉદાહરણ આપી શકાય અને એ છે ગાંધારી અને ધૃતરાષ્ટ્રની જોડી! શારીરિક ખામી તો સ્થૂળ બાબત છે. ધૃતરાષ્ટ્ર માનસિક રીતે પણ ગાંધારી કરતાં વધુ કૃપણ હતો.
દુર્યોધન જન્મ્યો ત્યારે રાજ જ્યોતિષ અને વિદુરે ભાવિ ભાખતા કહ્યું હતું કે આ બાળક સમસ્ત કુરુકુળના નાશનું કારણ બનશે અને આનો ત્યાગ કરવામાં જ કુળધર્મ અને રાજધર્મ છે. “યતો ધર્મોસ્તતો જયઃ” માનનારી ગાંધારીએ, મા હોવા છતાં, ત્યારે પણ હિંમતભેર કહ્યું હતું કે આપણે આનો ત્યાગ કરીએ.
ધૃતરાષ્ટ્ર માન્યા નહીં. ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં મનથી પણ અંધ હતો. હવે ગાંધારીએ જો દુર્યોધનો ત્યાગ કર્યો પણ હોત તો જ્યેષ્ઠ પુત્ર માટે મનમાં ઝૂરીઝૂરીને બાકીનું જીવન પૂરું કરવું પડત, એ જાણ્યા વિના કે પુત્રને રાખવાથી ખરેખર જ વિનાશ થવાનો છે! કોઈ પણ નિર્ણયમાં આ પરિસ્થિતિનું સંપૂર્ણ નિવારણ કે નિરાકારણ નહોતું. ગાંધારીની દશા અને દિશા તો સતત છેતરાવાની જ રહી.
દ્રૌપદીના ચીરહરણ વખતે પણ ગાંધારીએ દુઃશાસન અને દુર્યોધનને વારવા ખૂબ કોશિશ કરી પણ એની સાથે ન તો એનો પતિ ઊભો રહ્યો ન તો ભીષ્મ!
અહીં પણ એને ક્યાંયથી ન તો સમર્થન મળે છે કે ન તો કોઈ સધિયારો આપી શકે છે, એમ કહીને કે, “તું સાચી છે, તારી વાતમાં વજન છે.” અરે ધર્મજ્ઞાતા વિદુરજી અને પિતામહ ભીષ્મએ પણ માઉન સાધી લીધું હતું.
જુગટામાં હરાવીને પાંડવોને વનવાસ અપાયો એ વખતે પણ ગાંધારીએ ધૃતરાષ્ટ્રને વાર્યા કે, “મહારાજ! આ અધર્મ છે. મારા ભાઈ શકુનિને પણ અહીંથી જવાની આજ્ઞા આપો, અને દુર્યોધનનો ત્યાગ કરો. એ પ્રજાની નજરમાંથી ઊતરતો જાય છે. નહીં તો સમસ્ત કુળનો નાશ થશે.” પણ સમજે તો ધૃતરાષ્ટ્ર શાના?
સગી બહેન થઈને પોતાને સૌથી વધુ વહાલ આપનાર ભાઈનો અને માતા થઈને ગાંધારી દુર્યોધનનો ત્યાગ કરવાનું કહેતી હતી, પણ ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ એની જેમ જ અંધ હતો અને અજબ હતો.
શકુનિ ધૃતરાષ્ટ્રના આંખ અને કાન હતો અને દુર્યોધન માટે સામ, દામ, દંડ, ભેદ કરીને પાંડવોનું કાસળ કાઢવા માટેની પ્રપંચની પાઠશાળા હતો.
ધર્મજ્ઞ ગાંધારી અહીં રાજનીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જાણવા છતાં લાચાર દેખાય છે. વખતોવખત વિદુર સાથેની તેની તાત્ત્વિક ચર્ચામાં પ્રતીત પણ થાય છે કે ગાંધારીની આંખો ભલે બંધ હતી પણ મનની આંખોથી એ દરેક પરિસ્થિતિમાંથી સત્ય અને તથ્ય બેઉને માખણ જેમ તારવી લેતી હતી. એની પાસે સાચા-ખોટા, સારા-ખરાબની સૂઝબૂઝ, સમજ અને પરખ તો હતી જ, પણ સાથે સમતા જાળવી શકતી હતી.
(કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ‘મહાભારતનાં પાત્રો’ પુસ્તકમાં જે ચરિત્રો આલેખ્યાં છે એમાં વિદુર અને ગાંધારીનો સંવાદ સરસ રીતે રજૂ થયો છે.)
ગાંધારીના અંધ પતિને એની સમજદારીની કોઈ વાત સાંભળવી જ નહોતી. ગાંધારીને ભાગે અહીં પણ, છતી આવડતે, ‘બેક-સીટ’ લઈને, વિવશ રહેવાનું જ આવ્યું. એણે કેટલી અસહાયતા અનુભવી હશે કે મારા જ્ઞાનની તો કોઈને ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી, પણ સામે વિનાશ જોવા છતાં એ ભાઈ, પતિ કે પુત્ર કોઈનેય સમજાવી શકતી નથી!
એ સમયે ગાંધારીની કઈ મનોદશા હશે એની કલ્પના કરતાં જ અંગેઅંગ આજે પણ ધ્રુજારી આવે છે! એ પતિવ્રતા હતી એટલે, કે પછી સતત થતાં સમાધાનોના બોજ તળે માનસિક રીતે દબાયેલી હતી એટલે, પણ ધૃતરાષ્ટ્રને એ પોતાની કોઈ પણ વાત કદી સ્વીકારાવી ન શકી અને કદી એને જીતી શકી. આ પણ કેવી વિવશતા…!
એક બીજી વાત યાદ આવે છે કે ગાંધારી જ્યારે બે વરસ સુધી સગર્ભા હતી ત્યારે ધૃતરાષ્ટ્રએ વિદુલા નામની દાસી સાથે સમાગમ કર્યો અને એને યુયુત્સુ નામે ધર્મને જાણનાર અને શસ્ત્ર-શાસ્ત્રોમાં નિપુણ પુત્ર થયો.
ગાંધારીને આ કડાવો ઘૂંટ પણ પી જવો પડ્યો.
એક રીતે તો ગાંધારીએ પોતાને સમજાવી લીધી હતી કે ગુમાવવાનું એ જ એનું ભાગ્ય છે. ‘યતો ધર્મસ્તતો જય’નું સતત રટણ કરતી ગાંધારીનો પુત્ર દુર્યોધન ધર્માંધ હતો અને એક પિતા તરીકે પુત્રને કોઈ પ્રમાણ અને પરિમાણસર કેળવવાને બદલે, પતિ ધૃતરાષ્ટ્ર તો એની સાચીખોટી બધી જિદ પૂરી કરતો હતો.
ગાંધારીના લગ્ન અંધ ધૃતરાષ્ટ્ર સાથે થયાં, ત્યારે એ જ સમયે તેણે પોતાના પતિના અનુભવોનું અનુકરણ કરવા માટે આંખે પટ્ટી બાંધવાનું નક્કી કર્યું. આગળ જોયું એમ કે એનું કોઈ પણ કારણ હોય શકે પણ એનું પ્રમાણ ક્યાંય મળતું નથી કે કઈ વાત સાચી છે.
એવું કહેવામાં આવે છે કે પોતાની આંખે પટ્ટી બાંધવાનું કૃત્ય સમર્પણ અને પ્રેમની નિશાની હતી. પરંતુ, ઇરાવતી કર્વે, દેવદત્ત પટ્ટનાયક અને ઘણા આધુનિક વિદ્વાનોએ એવી ચર્ચા કરી છે કે આંખે પટ્ટી બાંધવાનું આ કૃત્ય ભીષ્મ અને કુરુવંશ સામે વિરોધ અને રોષ દર્શાવવાનું હતું, કારણ કે ભીષ્મએ હસ્તિનાપુરના અંધ રાજકુમારને લગ્નમાં પોતાનો હાથ આપવા માટે તેના પિતાને પોતાના સામર્થ્ય અને વૈભવથી ડરાવ્યા હતા.
ગાંધારી જગતની એકમાત્ર એવી સ્ત્રી બની કે જેણે સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના મોઢા જીવતે જીવ, મોટા થતા હતા, ત્યારે ન જોયાં, પણ એ જ પુત્રોના શબ કુરુક્ષેત્રમાં જોયા હતા! આ તે નસીબની કેવી વિટંબણા..!
એણે જો આંખે પાટા ન બાંધ્યા હોત અથવા પુત્રોના જન્મતા જ પાટા ખોલી નાખ્યા હોત તો કદાચ કુરુકુળનું ભવિષ્ય જુદું હોત. પણ, ભાગ્ય અને સમય એની સાથે થપ્પાની રમત રમતો ગયો અને કોણ જાણે કેમ પણ, પતિના અંધત્વથી ઘવાયેલી એ સ્ત્રી, કદી આંખ પરના પાટા ખોલવા તૈયાર જ ન થઈ!
આ દોષ પણ એનો કેવો કે એકબાજુ પતિવ્રતા ગણાવું અને બીજી બાજુ, એ જ કૃત્ય માટે ઈતિહાસ એને દ્વેષી, બિનજવાબદાર માતા, અને પરોક્ષ રીતે આખા યુદ્ધના પાયામાં મૂલવે..!
આમ, ગાંધારીનું સમસ્ત જીવન વિષમતા, વિવશતા અને સતત થતા વિશ્વાસભંગમાં પસાર થયું. પણ આવી પરિસ્થિતિમાંયે એણે પોતાને દયાપાત્ર કદી બનાવી નહીં. સંજોગોને ક્યારેક સ્વીકારીને અને ક્યારેક સામા પ્રવાહે તરીને, તો ક્યારેક અવગણીને, પોતે મહારાણી ન હોવા છતાં એક મહારાણી તરીકે પોતાનો મોભો તો એણે છેવટ સુધી રાખ્યો અને એક મહારાણીને ન છાજે એવી કડવાશ પણ ન રાખી.
ગાંધારીની કટુતા, યુદ્ધ થયા પછી જ, કૃષ્ણને શાપ આપતી વખતે જ સર્વાંગપણે દેખાય છે.
એવું કહેવાય છે કે ધર્મ શું છે એ મહાભારતમાં ચાર જ જણા સમજતા હતા. કૃષ્ણ, વિદુર, યુધિષ્ઠિર અને ગાંધારી. વિદુર ધર્મજ્ઞાતા હતા, અમાત્ય હતા છતાં ધૃતરાષ્ટ્ર્ને ધર્મ સમજાવી શક્યા નહોતા. કૃષ્ણ અને યુધિષ્ઠિર પણ ક્યારેક ધર્મમાંથી ચલિત થયા હોય એવાં દૃષ્ટાંત મળે છે, પણ ગાંધારીએ કૌરવપક્ષે રહીને પણ ધર્મની બહાર કદીયે એક પગલું પણ નહોતું મૂક્યું.
એ ગાંધારીનું જ જિગર કે કૃષ્ણ જેવા યોગેશ્વરને પણ શાપ આપી શકે અને એ છતાં નિષ્કલંક જ નહીં, ધર્મજ્ઞાતા છેવટ સુધી રહી શકે.
ગાંધારી કૃષ્ણને શાપ આપીને યાદવાસ્થળી સર્જી શકે છે, એ જ ગાંધારી પાંડવોને પણ શાપ આપીને નિકદંન તો કાઢી શકે જ, આથી જ પાંડવો યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રને પગે લાગવા જાય છે, પણ ગાંધારી પાસે નથી જતા.
ગાંધારી જો પાંડવોને શાપ આપત તો પણ ખોટું ન ઠરત, કારણ કે દુર્યોધન, દ્રોણ, કર્ણ વગેરેને હણવામાં પાંડવોએ છળનો ઉપયોગ કર્યો જ હતો.
પણ ગાંધારી કૃષ્ણને શાપ તો આપે છે, એ પણ કોઈ કપટ વિના સામી છાતીએ આપે છે, દગો કે છળ કરીને નહીં! પણ શાપ આપ્યા પછી તેને સમજાય છે કે તેણે મહાન ભૂલ કરી છે.
એવો પણ એક મત છે કે પાંડવોને શાપ ન લાગે એ માટે કૃષ્ણે ગાંધારીના શાપ માટે ભૂમિકા તૈયાર કરી અને શાપ પોતાના તરફ વાળી દીધો હતો. મહાભારતના કોઈ શ્લોકમાં આ વિષે સ્પષ્ટ કહેવાયું પણ હોય, એવું અત્યારે તો મને યાદ નથી આવતું.
મહાભારતમાં યુધિષ્ઠિર જેવો ધર્મરાજ, ધર્મમાંથી ચલિત થાય છે, પણ ગાંધારી ક્યારેય ધર્મમાંથી ચલિત થઈ નથી. દુર્યોધન જ્યારે યુદ્ધમાં જતા પહેલાં આશીર્વાદ લેવા આવે છે ત્યારે ગાંધારી એને ‘વિજયી ભવઃ’ નથી કહેતી. ગાંધારી કહે છે ‘યતો ધર્મસ્તતો જય – જ્યાં ધર્મ છે તેનો વિજય છે.’
દુર્યોધન દુભાય છે અને કહે છે કે મને તારી પાસેથી “વિજયી ભવ”ના આશીર્વાદ જોઈએ છે.” ત્યારે ગાંધારી દુર્યોધનને કહે છે કે, “મને તો દીવા જેવું ચોખ્ખું દેખાય છે કે લડાઈમાં કોઈનું શ્રેય નથી. નથી તારું કે નથી પાંડવોનું. જેમાં સમગ્ર માનવજાતિનું હિત ન હોય એમાં મારા પુત્ર દુર્યોધનનું હિત હોઈ શકે, એમ જો મારે ગળે તું ઊતારે, તો તને આ ઘડીએ જ “વિજયી ભવ્” ના આશીર્વાદ આપી દઉં.” એક મા તરીકે આવા આશીર્વાદ આપવા ગાંધારીનું જ જિગર જોઈએ
ગાંધારીને એ ખબર છે કે તેમનાં સંતાનો ધર્મની પડખે નથી. ધર્મ પાંડવોના પક્ષે છે. યુદ્ધ અગાઉ કૌરવો-પાંડવો વચ્ચે જેટલા પણ આંતરકલહ થયા એમાં ગાંધારી પોતાના પુત્રોને પક્ષે નહીં, પણ પાંડવોના પક્ષે ઊભી હતી.
ગાંધારી હંમેશાં ધર્મની પડખે જ ઊભી હતી, એ જ તો કૃષ્ણની મોટી વિટંબણા હતી. એણે તો દીકરાને પણ વિજયી થવાના આશીર્વાદ નહોતા આપ્યા. આવી ગાંધારી સામે જવાબ આપતાં કૃષ્ણ થોથવાય છે અને ‘ગેંગેફેંફે’ થઈ જાય છે.
ગાંધારી જ્યારે કૃષ્ણને કહે છે કે “તમે તો બધું જ જાણતા હતા. અમને અગ્નિદાહ આપવા માટે કોઈ એક પુત્ર કે પૌત્રને જીવતો કેમ ન રાખ્યો?” તે ઘડીએ કૃષ્ણ જવાબ આપી શકતા નથી અને ગોળગોળ કહે છે કે, “હા, માતા, હું તારો દોષી છું.”
આખા મહાભારતમાં ગાંધારી એકમાત્ર એવું પાત્ર છે, જેની પાસે, તે એક ક્ષણે, કૃષ્ણ નૈતિક રીતે ઝાંખા પડી જાય છે.
ગાંધારીનું તપોબળ એવું મજબૂત હતું કે કૌરવોનો વંશ નાશ પામ્યો એ ઘડીએ તે એવાં કોઈ વેણ-વચન ઉચ્ચારી દે તો ત્રણેય લોક ભસ્મિભૂત થઈ જાત. એણે કૃષ્ણને શાપ તો આપી દીધો અને એનો પશ્વાતાપ પણ થયો, છતાં હજી ગાંધારીના મનને શાંતિ નથી થઈ. તેથી એ અત્યંત નાજુક પળે ખુદ વેદવ્યાસને ગાંધારીના ચિત્તને શાંત કરવા આવવું પડે છે.
મહાભારતના યુદ્ધ પછી અનેક માતાઓની વેદના અને આક્રંદને દર્શાવવા, એક માત્ર ગાંધારીનું રૂદન જ બસ હતું. એક સ્ત્રી, જેણે જીવન આખું સમાધાનો અને સમજાવટને સ્વીકારીને ગુજાર્યું, એના હ્રદયનો બંધ, યુદ્ધના અંતે તૂટી જતો વેદવ્યાસે જે રીતે બતાવ્યો છે એ જ મહાભારતના મહાકાવ્યની પરાકાષ્ઠા છે.
મૂર્ધન્ય અને અનોખા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે કે, “મહાભારતમાં ગાંધારી એવું પાત્ર છે કે એ રડાવી નથી નાખતી, પણ આંસુઓને સૂકવી નાખે છે.”
આટઆટલા દુઃખ, વેદના અને એને થયેલા અન્યાયો સહિતના છળની વચ્ચે પણ ગાંધારી એક તપસ્વીની અને ધર્મનું સદૈવ પાલન કરનારી વિભૂતિ તરીકે, આ એક લાખ શ્લોકોમાં પથારાયેલી કૃતિમાં, હમેશાં – શાશ્વતકાળ માટે મૂઠ્ઠી ઊંચેરી રહેશે.
~ જયશ્રી વિનુ મરચંટ
jayumerchant@gmail.com