ટ્રેનમાં ઝૂલતું બાળપણ (લેખ) ~ કાજલ શાહ
શાળામાં રજાઓ પડે એટલે બાળકોનાં ફરવા જવાના અને વેકેશનને બધી રીતે માણી લેવાના આયોજનો થવા માંડે. મુંબઈમાં તો મોટામોટા મોલ્સ, મેળા અને દરિયો એ મુંબઈગરા માટે ફરવાના સ્થળો.
એવામાં એક દિવસ એક નવો મોલ જોવાનો પ્રોગ્રામ બન્યો. મોલ હતો પરેલમાં તેથી ટ્રેનથી જવાનું નક્કી કર્યું. તે વખતે ટ્રેનમાં કંઈક એવું બન્યું જે મારા માનસપટલ હંમેશ માટે અંકિત થઈ ગયું.
તે સમયે ટ્રેનમાં લગભગ પાંચેક વર્ષની એક બાળકી પેન વેચવા નીકળી હતી. બધાંને પૂછતાં-પૂછતાં એ મારી સામે આવીને ઊભી રહી ગઈ. મને પેન ખરીદવા કહ્યું, મેં ના પાડી છતાં તે ત્યાં જ ઊભી-ઊભી ચહેરાનાં જુદા-જુદા હાવભાવ કરવાં લાગી. હસે, રડવાં જેવું મોં કરે, મોઢું મચકોડે વળી હસે આવું કંઈક કરતી રહી.
મને જરા અજબ લાગ્યું કે આટલા બધામાં તે મારી સામે જ ઊભી રહીને આવું કેમ કરતી હતી! પણ પછી મનેય મજા આવવા લાગી. હું એને જોતી જ રહી ગઈ. એના એ બેચાર મિનિટના નાટકીય પર્ફોર્મન્સ દરમિયાન મને એ બાળકી માટે મનમાં સંવેદના જાગી.
મનમાં વિચારોનો સિલસિલો શરું થઈ ગયો કે, ‘કેટલી માસુમ અને સુંદર બાળકી! ઢીંગલી જ જોઈ લો જાણે! રામકડાં રમવાની અને ભણવાની ઉંમરમાં તે ટ્રેનનાં ધક્કા ખાઈ કમાવવાં નીકળી પડી હતી! આટલી નાની ઉંમરથી તેને પોતાના પેટની ચિંતા કરવાની હતી અને રૂપિયો રળવાનો હતો.
ખરેખર, આટલી નાજુક ઉંમરમાં તેણે જિંદગીની નિષ્ઠુર સચ્ચાઈ જાણી લીધી હશે કે પૈસાથી જ પેટનો ખાડો પૂરી શકાય છે અને જગતમાં કંઈ જ મફત નથી માટે નીકળી પડી હશે પોતાની જંગ પોતે જ લડવાં.’
તે ફક્ત ગણતરીની મિનિટો જ મારી સામે રહી પણ એ સમયે મને સૂઝ્યું નહીં કે કમસેકમ એની મદદ કરવા ખાતર એની પાસેથી કંઈક તો ખરીદી લઉં!
પાંચેક વર્ષની એ ઢીંગલીને પાંચ રૂપિયાની કિંમત જિંદગીએ સમજાવી દીધી હતી. આપણે મોલ વગેરેમાં જઈ આપણાં શોખ ખાતર કેટલાંય રૂપિયા ઊડાડી દઈએ છીએ પરંતુ નાનાનાના આવાં ફેરીવાળા જોડે એક-એક રૂપિયા માટે રકઝક કરતાં હોઈએ છીએ.
સાચું કહું તો મેં પણ બીજાની જેમ આ દીકરી પાસેથી કંઈ પણ ના ખરીદ્યું. એ વિચારે કે, વસ્તુ જોઈતી જ નથી તો શું કામ લેવી. પરંતુ પાછળથી એનો ખૂબ પસ્તાવો થયો. તે ભીખ નહોતી માગી રહી બલ્કે કામ કરી મહેનતની બે રોટલી કમાવવાંની કોશિશ કરી રહી હતી. માટે એકાદી પેન જો મેં ખરીદી હોત તો એ ખુશ થઈ જાત… એની મદદ પણ થઈ જાત અને પાંચ રૂપિયામાં મારું ખાસ કંઈ ન જાત.
આપણે આપણાં શોખ ખાતર પૈસાનો મનફાવે તેમ વ્યય કરતાં અચકાતા નથી. બ્રાન્ડનાં નામે વસ્તુઓ પાછળ કેટલોય પૈસાનો વ્યય કરીએ છીએ. તો પછી ક્યારેક આવા નાના ફેરીવાળા પાસેથી કંઈક ન જોઈતી વસ્તુ પણ ખરીદી કરી એને કામ કર્યાનો સંતોષ આપી શકીએ તો કેવું સારું!
આવા ફેરીવાળા પાંચ રૂપિયાથી – પચીસ રૂપિયા આસપાસની વસ્તુઓ વેચતા હોય છે. જો તેમની પાસેથી નિઃસ્વાર્થ ભાવે કંઈક ખરીદી શકાય તો તેઓને રોજગાર મળે અને ભીખ માગ્યા કરતાં, મહેનત કરીને કામ કરવાની તાલીમ મળે અને ઈજ્જતથી પોતાનું પેટ પણ ભરી શકે. આટલી સંવેદના એક માનવી તરીકે અપેક્ષિત છે જ ને?
~ કાજલ શાહ, મુંબઈ
9004469999
ખૂબ સરસ વાત સમજાવી આપે.
સાચી વાત ! મારી સાથે પણ આવું એકવાર બનેલું. હું રિક્ષામાં જતો હતો અને આટલી જ નાની એક છોકરી સિગ્નલ પર બોલપેન વેચતી હતી. દસ રૂપિયાનું એક પેકેટ હતું. મારી પાસે આવી તો મેં એક પેકેટ ખરીદેલું.