પાંચ ગઝલ ~ પરબતકુમાર નાયી

૧. અર્થ શું કરવો

હતી બસ બે-ઘડીની જિંદગીનો અર્થ શું કરવો?

પછી એમાં વધારે સાહ્યબીનો અર્થ શું કરવો?

સલામત પગ હતા, ત્યાં પાલખીનો અર્થ શું કરવો?
હજારો પગ વિના દોડ્યે જતી-નો અર્થ શું કરવો?!

સતત સામે રહે તો આંખને ખટક્યા કરે છે એ,
ગુલાબોમાં રહેલી લાગણીનો અર્થ શું કરવો?

નથી ટાંકા નથી ટેભા, ઘસાતી જાય છે કાયમ,
સમયની સાવ જર્જર ઓઢણીનો અર્થ શું કરવો?

ગઝલનો ભાર લઇને પંડિતો બેઠા છે દ્વારેદ્વાર,
હવે તું બોલ તારી પાઘડીનો અર્થ શું કરવો?

૨. વેદના છે

ટૂંકી પડી છે કાયમ, ચાદરની વેદના છે.
અડધા અધૂરા કોઈ અવસરની વેદના છે.

એક દોસ્તીને હાથે, બદનામ બહુ થયું એ,
આ પીઠથી વધારે ખંજરની વેદના છે.

પંખીને ક્યાં ફિકર છે આકાશ પામવાની?
પંખીની આંખમાં તો પીંજરની વેદના છે!

સંબંધમાં હવે અહીં વધઘટ થતી નથી કંઈ,
જિવતરના દાખલામાં સરભરની વેદના છે.

મધરાતમાં ઝરે છે, ફૂલોની પાંદડી પર,
ઝાકળના રૂપમાં એ ઈશ્વરની વેદના છે!

૩. તપાસે

પ્રથમ ચાહવાનાં બહાનાં તપાસે,
પછી છૂટવા માટે છીંડાં તપાસે!

રહે ભોગ છપ્પનમાં સોનાના ઠાકર,
હવે કોણ શબરીનાં બોરાં તપાસે?

તપાસે ભલે હસ્તરેખા તું કાયમ,
ઘડીભર ‘તું’ આ પગનાં તળિયાં તપાસે.

નયનમાં વહે એ તો નમૂનો છે કેવળ,
મળે ધોધ, હૈયાનાં ઝાળાં તપાસે!

હતો દબદબો ઘરમાં જેની નજરનો,
જુઓ ભેજવાળાં એ ચશ્માં તપાસે!

૪. ખરેખર

ચડે મોભે નેવાંનાં પાણી ખરેખર,
હજી જિંદગી ક્યાં તેં જાણી ખરેખર!

મળી સર્વને કયાંકથી ટૂંકી ચાદર,
નથી કોઈ રાજા કે રાણી ખરેખર.

ફકીરીની દોલત, સિંહાસનથી ઊંચી,
કદી થાય ના ધૂળધાણી ખરેખર.

અધૂરી રમત, બાળપણ, આંખ ભીની,
ખરી આટલી બસ કહાણી ખરેખર!

ગઝલ કૂવો ઊંડો ને મોતી ભરેલો
હતી આપણી ડોલ કાણી ખરેખર!

૫. તમે આવો ઘડીભર તો

દિશાઓ સર્વ ઝળહળશે, તમે આવો ઘડીભર તો,
ગુલોમાં રંગ પણ ભળશે, તમે આવો ઘડીભર તો!

ઘણાંની આંખ મલકાશે, ઘણાંની આંખ છલકાશે,
ઘણાંની માનતા ફળશે, તમે આવો ઘડીભર તો

પરીની વાત કહેવા બોખલી એક રાત તલસે છે,
ગગન નીચે જરા ઢળશે, તમે આવો ઘડીભર તો!

સુણીને કાગ મોભારે અચાનક જાગશે ડેલી,
સૂતેલી શેરી સળવળશે તમે આવો ઘડીભર તો

ચરણને ચૂમશે ફળિયું, નજર ઓવારણાં લેશે,
અને ઘર ભેટીને મળશે, તમે આવો ઘડીભર તો!

~ પરબતકુમાર નાયી
parbatkumarnayi100@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 Comments

  1. તમારી ગઝલ સૌથી અનોખી અને સુંદર હોય છે👌👌

  2. વાહ… પાંચેય ગઝલો ખૂબ સરસ છે.. કવિને અભિનંદન શુભેચ્છાઓ👌👍