ફાસ્ટ લેઇન (વાર્તા) ~ લીના કાપડિયા
મયૂરે ઝડપ વધારી. કોરિયા જતી ફ્લાઈટના પ્રવાસીઓ માટે આ છેલ્લો કૉલ હતો. ચેક ઇન કરવા માટે સામાન ન હતો. ત્રણ દિવસની ટૂર માટે એણે માત્ર હેન્ડ બેગ લીધી હતી. ટિકિટ લઈને એ C56 ગેટ તરફ દોડ્યો. મિટિંગ જરા મોડે સુધી ચાલી હતી એટલે મોડું થઈ ગયું હતું.
ફ્લાઈટમાં બેઠો ત્યારે એને હાશ થઈ. આમ તો બીજી ફ્લાઈટ પણ એક કલાક પછી હતી, પણ કૉરિયા પહોંચીને તરત મિટિંગ હતી.
પ્લેન ઉપડવાની તૈયારીમાં હતું. મોબાઈલ,લૅપ-ટૉપ બંધ કરવાની સૂચના આપવામાં આવી. મોબાઈલ બંધ કરતાં એણે વિચાર્યું,‘અવનિને ફોન કરવાનું રહી ગયું. અવનિએ કહ્યું હતું, ‘ઓફિસથી નીકળે એટલે ફોન કરજે.’ કોરિયા જઈને કરી નાંખીશ.
એણે આસપાસ જોયું. લોકો ધીરે ધીરે ગોઠવાતાં જતાં હતાં. એર-હોસ્ટેસ સૌનો સીટ-બેલ્ટ ચેક કરતી હતી. આગળની સીટમાં નાનું બાળક અત્યારથી જ બેચેન બની ગયું હતું.
મયૂરે આંખો બંધ કરી. એની વિચારધારા આગળ ચાલી. ‘સિંગાપોર પહોંચીને તરત જ જકાર્તા જવું પડશે. એક ટૂર ચાઇના પણ કરવી પડશે. આ માહિનામાં બહુ ટ્રાવેલિંગ છે. અવનિને કહ્યું હતું ઇન્ડિયા જઈ આવ પણ એણે ના પાડી. આયુષ હવે પહેલીમાં હતો. સ્કૂલ પાડવી સારી. નહીં. ઠીક છે. અવનિને એકલું તો લાગે છે, પણ એ સંભાળી લેશે. સિંગાપોરમાં હવે મિત્રો પણ બની ચૂકયા છે.
ટેઇક-ઓફ થઈ ગયું એટલે એણે લૅપ-ટૉપ ખોલ્યું. મિટિંગના એજન્ડા વાંચવા માંડ્યા. એને લાગ્યું એ થાકી ગયો હતો. એણે સીટમાં લંબાવ્યું. એર-હૉસ્ટેસે લંચ આપવા ઉઠાડ્યો ત્યારે એને ખબર ન પડી એ ક્યાં હતો. સમય અને સ્થળ બંને એણે યાદ કરવાં પડ્યા. આવી ભ્રમિત લાગણી એને ક્યારેક થઇ આવતી.
“યોર વેજિટેરિયન લંચ,સર” એર-હોસ્ટેસે કહ્યું.
“થેન્ક યુ.” એણે કહ્યું અને ટેબલ ખોલ્યું.
આમ જ બે મહિના પહેલાં એ કૉરિયાની ફ્લાઈટમાં બેઠો હતો અને એના કાકા એને ફોન કરવાનો પ્રયત્ન કરતા હતાં. એની આંખો ભરાઈ આવી. એરપોર્ટ પર પહોંચ્યો કે તરત ફોન વાગ્યો હતો.
“મયૂર, તારા પિતાને હાર્ટ એટેક આવ્યો. તેઓ હવે આ દુનિયામાં નથી.”
સન્ કરીને એક અવાજ એના મગજમાંથી નીકળી ગયો હતો. એણે શું સાંભળ્યું એને ખબર ન’તી પડી. એ ટોયલેટમાં ઘૂસ્યો હતો અને ટોઇલેટની સીટ પર બેસી ગયો હતો. બે હાથે માથું પકડ્યું પણ રડી ન’તો શક્યો.
પિતાનું મૃત્યુ?
પરદેશ સ્થાયી થવાના અનેક ગેરફાયદાઓનો એણે વિચાર કર્યો હતો, પણ એમાં પિતાની અચાનક વિદાય, છેલ્લે મોઢું પણ જોયા વિનાની વિદાયનો વિચાર ન હતો.
પિતા તંદુરસ્ત માણસ હતા. દાદા પણ પંચોતેર વરસે મૃત્યુ પામ્યા હતા. મોટા કાકા જીવિત હતા અને પિતાજી આમ સાઈઠ વર્ષે અચાનક વિદાય લેશે એવું મયૂરે ધાર્યું ન-હતું.
કાંઈ સૂઝ ન પડતાં એણે અવનિને ફોન કર્યો હતો. અવનિએ સૂઝ પાડી હતી. “ત્યાં ઈન્ડિયા જવાનું પ્લૅન છે? હોય તો તું જા. હું અને આયુષ જલ્દી આવવાનો પ્રયત્ન કરશું. જો પ્લૅન ન હોય તો તું કાકાને ફોન કર. તું નહીં પહોંચી શકે. અંતિમસંસ્કાર માટે તારી રાહ ન જુએ. તું અહીં આવ. આપણે સાથે જઈશું.”
પ્લૅન ન હતું. ભારત પહોંચ્યાં ત્યારે ઘર ખાલી હતું. નાનું ગામ હતું એમનું. એમાં મોટું ઘર હતું. ઘરની બહાર જીપ હતી. એ જીપમાં પિતા એને અને મિતાલીને ખૂબ ફેરવતાં. એ જીપમાં બેઠો અને ખૂબ રડ્યો હતો.
એન્જિનિયર થયો પછી બે વરસ હૈદરાબાદ રહ્યો. પછી જર્મની, કોરિયા, બે વરસ ફિલિપિન્સ પણ રહેવું પડ્યું. દેશદેશાવર ફર્યો. એણે ઑફિસો સ્થાપી. એક દેશથી બીજો દેશ. અને ઘર?
ઘર એટલે પાસરા. એક-બે વરસે પાસરા જતો. બહેન્ મિતાલી પણ અમેરિકાથી આવતી. બંને જણાં પહેલાંની જેમ ઝઘડતાં. પિતા જીપ કાઢતાં અને તેઓ એ જ ખડકાળ,પથરાથી બનેલાં રસ્તાઓ પર નીકળતા – એ દૂર દૂર સુધી નજર નાંખતો અને કહેતો,“પપ્પા, અહીં કાંઈ બદલાયું નથી. વરસોથી એનું એ જ. દુનિયા જુઓ. કેટલી પ્રગતિ કરે છે અને અહીં તો જાણે સમય થંભી ગયો છે.”
પિતા હસતા.
***
‘ઓ-કે. મિ. મયૂર. તો આ ઓર્ડર તમને આપીએ છીએ,” હાથ મિલાવતાં મિ. ઓગે કહ્યું.
“થેંક યુ” મયૂરે ઊભા થતાં કહ્યું,“એન્ડ ઈફ યુ ડોન્ટ માઇન્ડ, ડિનર આપણે કાલે સાથે કરીશું.”
“સ્યોર. નો પ્રોબ્લેમ,યુ મસ્ટ બી ટાયર્ડ” ઓંગે કહ્યું.
“સી યુ ટુમોરો,” એણે કહ્યું અને બહાર નીકળ્યો. ડિનર તો ક્લાયન્ટ સાથે કરવું જોઈએ પણ એણે એકલા રહેવું હતું. થાક ન’તો લાગ્યો પણ એકલા રહેવું હતું. વિચાર કરવો હતો. હોટલમાં આવીને એ ઝાકુશીમાં પડ્યો.
સાતમામાં હતો ત્યારે સાયન્સ ક્વિઝમાં એને ઈનામ મળ્યું હતું. ઈનામ સમારોહમાં પિતાએ ઊભા થઈને અભિમાનથી છાતી ફૂલાવતાં જોરજોરથી તાળીઓ પાડી હતી. ત્યારે મયૂરને શરમ આવી હતી. અત્યારે આંસુ આવ્યાં.
મયૂરને પોતાની લાગણીનું પૃથક્કરણ કરવાની આદત ન હતી,સમય પણ ન હતો પણ હમણાં હમણાં એને ભાંગી પડવાની એવી તીવ્ર લાગણી થઈ આવતી કે એણે એના તરફ ધ્યાન આપવું જ પડયું. બધું અર્થવિહીન લાગતું હતું. બહુ ઝડપી જીવન જીવતો હતો એ. ફાસ્ટ લેઇનમાં. ઓર્ડર પછી ઓર્ડર. સ્ટ્રેસ. સફળતાની સીડી. હવામાં ઊડવું. અસ્થિરતા.
પહેલાં પણ કયારેક અસ્થિરતાની લાગણી થતી. ઓંગ,સાયમન અને ચેન સાથે બેઠો હોય ત્યારે એકલતાની લાગણી થતી અને એને જરૂર જણાતી ત્યારે એ પિતાને ફોન કરતો. સ્થિરતાની લાગણી આવી જતી. જાણે બધું પહેલાં જેવું હતું. કાંઈ બદલાયું ન હતું. અને એનું મન જોડાણ અનુભવતું.
હવે પપ્પા ન હતા. પાસરામાં કોઈ ન હતું. બધું બદલાઈ ગયું હતું. એને અનાથ થઈ ગયાની લાગણી થઇ જતી. મમ્મી ગઈ ત્યારે પપ્પા તો હતા. હવે એ પણ ન હતાં. હવે એ કોઈનો પુત્ર ન હતો.
મોબાઈલ ફોન વાગ્યો. મયૂર ઝાકુશીમાંથી બહાર નીકળ્યો. બહેન મિતાલીનો અમેરિકાથી ફોન હતો.
“હલો , મયૂર, ક્યાં છે?”મિતાલીએ પૂછયું.
“કોરિયા.”
“રડે છે ?” મયૂરનો અવાજ સાંભળીને મિતાલીએ પૂછ્યું.
“ના” મયૂરે ગળુ ખંખેર્યુ.
“મેન હં ?” મિતાલી હસી,”પુરુષો રડે નહીં,કેમ ?”
મયૂર હસ્યો.
“શું વિચાર્યું ઘરનું?” મિતાલીએ પૂછયું.
“વિચાર્યું નથી.” મયૂરે કહ્યું.
“મને એમ થાય છે મયૂર કે એ ઘર વેચી દઈશું તો આપણે ક્યાં રહીશું? બે-ચાર વરસે મળશું ત્યારે ક્યાં જશું?”
“હમ” મયૂરે કહ્યું, “જોઈશું,હું તને..”
“બીજો એક વિચાર એમ આવે છે,મયૂર,કે ઘર વેચી દે. હવે પાસરામાં કોણ છે કે આપણે ત્યાં જઈશું? હું અહીં,તું ત્યાં. જે કઝીન્સ સાથે આપણે રમ્યા, ઊછર્યા એ પણ કોઈ નથી ત્યાં. કોઈ કૅનેડા,કોઈ ઓસ્ટ્રેલિયા.”
“હમ” મયૂરે એકાક્ષરી જવાબ આપ્યો.
“ઓ.કે. બાય.’
“બાય.”
મયૂર રૂમમાં આવ્યો. સિંગાપોરથી સાથે લાવેલ તૈયાર ભેળનું પેકેટ ખોલ્યું. કોરિયામાં વેજિટેરિયન ખાવાનું મેળવતાં દમ નીકળી જાય એટલે એ પેકેટસ લાવતો. ઉદાસી અનુભવતાં મનને એણે મક્કમ કર્યું. ટી.વી.ચાલુ કર્યું. ઓપેરા વિન્ફ્રી નો શૉ આવતો હતો.
“સ્ત્રીઓ માટેનો પ્રોગ્રામ.” એણે વિચાર્યુ અને ટી.વી. બંધ કર્યું. હાથમાં પુસ્તક લીધું અને વાંચતાં વાંચતાં સૂઈ ગયો.
બીજે દિવસે એ સિંગાપોર પાછો ફર્યો. અવનિ આયુષને લઈને એના કોઈ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી. મયુરે ટીપોય પર પગ લાંબા કર્યા અને ટી.વી. ચાલુ કર્યું. ટી.વી.ના અવાજમાં એ સૂઈ ગયો.
થોડી વારે અવનિ આવી.
“ચા પીવી છે ?”અવનિએ પૂછ્યું.
“જમવું છે.” મયૂરે કહ્યું અને નાહીને ડાઈનિંગ ટેબલ પર બેઠો.
“કાલે ઘરનો માલિક આવ્યો હતો. કહેતો હતો એને ઘર વેચવું છે. બે વરસનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. આપણે બીજું ઘર શોધવું પડશે.” અવનિએ કહ્યું.
“કાલે હાઉસ એજન્ટને ફોન કરીશ,” મયૂરે કહ્યું.
“અને ગામના ઘરનું?” અવનિએ પૂછ્યું, “કાલે કાકાનો ઇ-મેઇલ હતો. વરસાદમાં દરવાજા નવા નંખાવવા પડશે. એટલું મોટું ઘર છે. કાંઈ ને કાંઈ ખરચો આવ્યા જ કરે છે. વેચી દેવાનું કહી દેને કાકાને.”
“ના, હમણાં નહીં.’ મયૂરે કહ્યું.
“કેમ ?” આશ્ચર્યથી અવનિએ પૂછ્યું.
“છોડવું તો પડશે બધું જ. પણ ધીરે ધીરે,” મયૂરે કહ્યું.
અવનિ વધુ બોલી નહીં. એને ખબર હતી. ગામનું ઘર એક બેઝ’ હતો. ભૂતકાળ સાથેનો સ્થાયી નાતો. એણે મયૂરની થાળીમાં રોટલી પીરસી.
મયૂરે બાજુમાં બેઠેલા આયુષના માથે હાથ ફેરવ્યો. “શું કર્યુ આજે આખો દિવસ ?” એણે પૂછ્યું. અદલ પોતાના પિતાની અદાથી.
~ લીના કાપડિયા
9833191560
ફાસ્ટ યુગની વરવી અને કરૂણ છતાં સ્વીકારવી પડે એવી આણગમતી પરિસ્થિતિને ખૂબ સરસ રીતે રજૂ કરી છે. એમ થયું હજી આગળ કાંઈક બનવું જોઈએ….
જીવનની ભાગદોડમાં ભીંસાતા અને યાંત્રિક,ધ્યેયશૂન્ય ઘરેડમાં ફસાયેલા યુવાનની સુંદર વાર્તા