માધવ રામાનુજ ~ ૨૨મી એપ્રિલ, એમના જન્મદિને ~ સંજય વૈદ્ય
…તમે
હા તમે જ..
તમે જ્યારે પણ મળો ત્યારે… પહેલા વરસાદ પછીની ચિરપરિચિત હવા જેવી હૂંફાળી ભીંસ મારી હથેળીમાં પરોવી દો છો, ત્યારે વાદળ જેવું ભીંજવી દેતું શિયાળાની સવારના કૂણાં તડકા જેવું વહાલ તમે મારી પર ઓઢાડી દો છો અને હું ગણગણતો રહું છું કે આવું અદભૂત હસ્તધૂનન આજ સુધી બીજે ક્યાંય સાંપડ્યું નથી!
સહજ શ્યામવર્ણ અને પાતળા દેહ પર સદાય અડધી બાંયનો ખાદીનો ઝભ્ભો જાણે તમારા માટે જ સર્જાયો હોય એટલો સહજ. અને ચહેરા પર એ જ કાયમી અજવાળીયું સ્મિત તમારા વ્યક્તિત્વની આરપાર ઝળહળતું રેલાતું રહે… ધીમા અવાજે તમારા હોઠથી સરતા શબ્દો પણ મધુરપથી ભરપૂર… જાણે ભાષાનો ઋજૂતમ આવિર્ભાવ!
તમે ગામડામાં જન્મ્યા, કુદરતના ખોળે ઊછર્યા, તળપદી ભાષા અને જાનપદી લાગણીઓ સાથે નગરપ્રવેશ કર્યો અને પ્રાકૃતિક પરિવેશની પારદર્શકતા જાળવીને અમારી પેઢીને સ્પર્શ્યા, પતંગિયાની પાંખને થતાં ચુંબન જેવું!
વર્ષ ૧૯૬૮. ફાઇન આર્ટ્સ કોલેજના તમારા અભ્યાસના છેલ્લા વર્ષમાં કોણાર્ક, જગન્નાથપુરી અને કલકત્તાની એક અભ્યાસયાત્રા દરમ્યાન બંગાળમાં ઠેર ઠેર નાની નાની તલાવડીમાં ગલ નાખીને બેઠેલા માણસોને જોતાં જોતાં કદાચ તમારી પ્રથમ કવિતા પાંગરેલી:
ગલ સંગાથે
રમે માછલી એક
સ્તબ્ધ પોયણાં.
…અને એ જ વર્ષે કુમાર કાર્યાલયમાં મળતી બુધસભામાં તમારી સુઘડ રીતભાત અને મધુર વ્યક્તિત્વ સાથે દાખલ થયા તમે… અને વડીલ કવિશ્રી પિનાકિન ઠાકોર નોંધે છે:
“અવાજ પણ સાંભળવો ગમે એવો – બે અર્થમાં; અવાજના રણકાથી અને એક આશાસ્પદ કવિના નોખા, અનોખા અવાજમાં પ્રગટતી કવિતાના અણસારથી….”
ને એ પછી સળંગ ત્રણ વર્ષ – ‘૬૯, ‘૭૦, ‘૭૧ દરમ્યાનના બુધસભા અને બુધ સભાધિપતિ મુ. શ્રી બચુભાઇ રાવતના સ્મરણો આજેય તમારા અંતરમાં અકબંધ છે.
કંઈ કેટલીય રચનાઓ કુમારમાં પ્રગટ થયા પછીય ખાસ સ્મરણ તો એ બે કવિતાઓનું, જે બચુભાઈએ પરત કરેલી, કે જે પછીથી તરત જ ‘સમર્પણ’ અને ‘કવિતા’માં પ્રગટ થયેલી અને આજ સુધી એ બંને ગીતો એવાં ને એવાં જ ગમતાં રહ્યાં છે..
૧.
ગોકુળમાં કોકવાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો
૨. “એક વાર યમુનામાં આવ્યું’તું પૂર…”
અમદાવાદથી લગભગ સોએક કિલોમીટર દૂર, જે ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે, કહેવાય છે કે ત્યાં પહેલા દરિયો હતો અને લોથલ નામે મોટું બંદર હતું, એવા ભાલ વિસ્તારમાં બેએક હજારની વસ્તીવાળું પચ્છમ નામનું ગામ ને ત્યાં તમારો જન્મ.
પિતાજી વૈદ હતા. એમનું નામ ઓધવ અને તમારું નામ પાડ્યું માધવ. બાળપણમાં પિતાજી બહુ સરસ કથા-વાર્તા કરતા. અને એમણે તમને શાળા પ્રવેશ પહેલાં, વાંચતા શીખવાડી દીધેલું…
ને ગામની શેરીમાં લગભગ દર ત્રણ ચાર દિવસે બધી બહેનો ભેગી થઈને ઢોલી બોલાવે, ગરબા ગાય… આમ અનાયાસે બધું મનમાં સંગ્રહાતું ગયું અને લોકગીતો, લોકવાર્તાઓ, તહેવારો વગેરે તમારા મનમાં જે સંચિત કર્યું તે આગળ જતાં કવિતા રૂપે પ્રગટ્યું!
કદાચ એટલે જ તમારી અંદર કે ઉપર સાહિત્યકાર તરીકેનો કોઈ ભાર વર્તાતો નથી. ભારેખમ ભાષાથી સામાને આંજી દેવાની કોઈ વૃત્તિ કે એનો અણસાર સુદ્ધાં નહીં! ઉલટું એવી નિતાંત સહજ સાલસતા કે સાંભળતાવેંત આપણે પણ હળવાફૂલ થઈ જઈએ. અને એટલે જ પદ્ય અને ગદ્ય ઉપરાંત સર્જનશીલતાના વિવિધ પાસાંઓથી તમે સમૃદ્ધ થયા…
તમારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘તમે’ ને રાજ્ય પારિતોષિક, ત્યારબાદ તેમની કૃતિ ‘પિંજરની આરપાર’ ને અકાદમી એવોર્ડ તથા સાહિત્ય પરિષદનો એવોર્ડ પ્રાપ્ત થયેલા.
શેઠ સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાં આજીવન ચિત્રકળાના અધ્યાપક અને પછી આચાર્ય તરીકે નિવૃત્ત થયા દરમ્યાનની તમારી સર્જનયાત્રાના બહુરંગી પડાવોમાં નાટક, ભવાઈવેશ, નવલકથા, ફિલ્મ-ટીવી, બાળ સાહિત્ય અને ચિત્રકળા આવ્યાં. પણ તમારી ભીતરનું નખશિખ કવિત્વ તમારા વ્યક્તિત્વને સતત સભર કરતું રહ્યું…
કેટલું સહજ રીતે એકવાર તમે મને સમજાવેલું કે, જન્મતાંની સાથે સંગીતનો સ્પર્શ પામીએ છીએ આપણે સૌ. નવજાત શિશુનું પ્રથમ રુદન પણ એક પ્રકારનું સંગીત છે! પણ મને લાગે છે કે માતાના હાલરડાંમાંથી આપણને સંગીતના સંસ્કાર મળે છે!
સંજોગોનો સુમેળ પણ કેવો અદભૂત, કે મૂળે ગીતકાર એવા તમને આજીવન સંગાથ મળ્યો સંગીતકાર જીવનસાથીનો. પત્ની સંગીત વિશારદ અને પછી દીકરી પણ સંગીત વિશારદ!
બસ, આમ જ ગીત અને સંગીત બંનેમાં ‘માધવ તત્વ’ સદાય ઝળહળતું રહ્યું તમારી આ સદાબહાર રચનાની જેમ….
અંદર તો એવું અજવાળું, અજવાળું…
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું ….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ,
ને તો ય લાગે કે સાવ અમે તરીએ
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ
ઝળહળતા શ્વાસ અમે ભરીએ
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું…
અંદર તો એવું અજવાળું……
અને તમારી અંદરનું અજવાળું એવું જ્યોતિર્મય રહ્યું કે આપના પૂજારી પૂર્વજો આપના જીવનકવન થકી શાતા અનુભવી રહ્યા હશે એ ચોક્કસ!
તમે ભલે કહો કે, ઓછું લખાય છે, પણ એ અર્ધસત્ય છે. લખવાનું મન થતું નથી એ વળી બીજું અર્ધસત્ય હોઈ શકે, પણ બંનેનો સરવાળો થાય તો રોકડું સત્ય ઊઘડે અને ગુજરાતી સાહિત્ય વધુ રળિયાત થાય એમ બને!
ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે દુઃખ ચંદનલેપ કરે છે. કોણ શ્રાપ અને કોણ વરદાન એની ખબર નથી પડતી… કોની ક્યારે અદલબદલ થાય છે એ અટકળનો નહીં, અનુભવનો વિષય છે.
જો કે એ પણ એટલું જ સાચું છે કે લખવા સિવાય પણ પૂરેપૂરા રોકી રાખે એવું ઘણું બધું તમે વહોરી લીધું છે! અને એક વાર આપણે એવી પણ ચર્ચા થયેલી કે –
રાણાની જંજીરને
ઝાંઝરમાં ફેરવે
તે મીરાં –
કે મીરાંની કવિતા!
ઉંમરના આઠમા દાયકે અંતર કોરાય પણ ખરું અને અંતરનું એકાંત ઉભરાય પણ ખરું…. આપની જ આ રચના જૂઓ:
ઓતપ્રોત આંસુમાં થઈએ,
ચાલો પાંપણ પાસે જઈએ.
આસપાસ ઉંમરનો દરિયો,
તળિયે જઈને મોતી લઈએ.
શૂન્ય પછીનો આંક મળે તો,
નવો દાખલો માંડી દઈએ.
હળવે હળવે નથી ચાલવું,
મંઝિલની આગળ થઈ જઈએ.
આગ ભલેને બળતી જાતે,
રાખ બની આળોટી લઈએ.
યાદ છે?
૧૯૭૮ની ત્રીસમી ઑગસ્ટે કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકને તમે ‘તમે’ ની નકલ ભેટ ધરેલી; જેમાં એક ગીતપંક્તિ લખેલી તમે:
ઝાકળની પાંખડીઓ વેરાણી ફળિયામાં,
પગલાં ઢંકાઈ ગયા રાતના…
યાદ આવે છે વીતેલા વર્ષની, ૨૦૨૧ની ૨૨મી ફેબ્રુઆરી… જ્યારે તમે મને એક નકલ ભેટ આપેલી ‘અંતરનું એકાંત’ની.. તમારા વ્યક્તિત્વ જેટલી જ કલાત્મક સહી સાથે આપે લખેલું:
“વ્યક્તિત્વમાં અને અંતરમાં પારદર્શી સૌંદર્યની અનુભૂતિ છે….”
અને આજે ૨૨મી એપ્રિલ છે…, તમારો જન્મદિવસ. તમારી જ કેટલીક પંક્તિઓ, બહુ જાણીતા રદીફ સાથે તમારા માટે….
ન પૂછો કશું યે, ન બોલો કશું યે
અમસ્તાં મલકાઓ, ખરાં છો તમે!
આ વિશ્વમાં ઘર એક એવુંય શોધો,
કશા કારણ વિણ જઈ શકો જ્યાં તમે.
ઢળે નેણ ને મળે આછેરો આવકાર,
થતાં એટલાથી ન્યાલ? ખરાં છો તમે!
તમે લયના ઝબકારે ધબક્યા કરો છો.. એકાંતે અંતરનાં ઝળહળતા રહો, ખરાં છો તમે! અતિશય પ્રિય છો, તમે…
ફક્ત આજનો જન્મદિવસ જ નહીં… આવનારા તમામ દિવસો, મહિના, વર્ષો શુભ રહે, પ્રિય માધવભાઈ…
~ સંજય વૈધ, અમદાવાદ
સુંદર આલેખન. માધવ રામાનુજનાં ગીતો હૈયે છે,મન સાથે જોડાયેલા સંવેદનો ગીતો સાંભળી ફરી તરોતાજા થઈ જાય છે. તમારી કલમે કવિની શબ્દ તસ્વીર ઍક અનોખી છાપ છોડે છે. કવિ ને પ્રણામ 🙏
ભાઇ સંજય,
આ અગાધ વિવરણ, એ તારા માધવભાઈ અને અમારા માધવ સાહેબ બાબતે જરાક અમથી ઓળખાણ.
સાહેબ પાસે CN માં ભણતા ત્યારે તો બહુ ધૂંધળી સમજ, પણ આગળ વધતાં જ્યારે જ્યારે સાહિત્યિક મિત્રો સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો ત્યારે હંમેશા એક ભાગ્યશાળી હોવાની લાગણી રહી.
આજે પણ જ્યારે દૂરથી સાહેબ ને જોઉં, રવિવારીય પ્રાકૃતિક શાક બજારમાં, આદર થી આંખો નમી જાય.
સાહેબ ને અંતર થી પ્રણામ.
સંજય, તારો ખૂબ આભાર, તારા વિવરણ માંથી શાળામાં ભણ્યા પછી નું જાણવા મળ્યું.
Wah
અદ્ભૂત પરિચય
પ્રિય માધવભાઈ sir ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
સંજયભાઈએ આપેલ આદરસભર અને રસસભર શુભેચ્છા પણ આવકારદાક 🌹
Sanjaybhai,
Your write-up on Shri Madhav Ramanuj’s birthday is simply exceptional. Every word reflects your deep understanding, respect, and emotional connect with him. It’s not just a tribute—it’s a heartfelt expression that resonates deeply. Truly moved by the way you’ve captured his essence.
એક જ શબ્દ…. અદભુત!!
ખુબ સુંદર લેખ અને પૂજ્ય માધવભાઈ રામાનુજને જન્મદિવસની શુભકામનાઓ