બીલીપત્રનું ચોથું પાન ~ વાર્તા ~ વર્ષા અડાલજા ~ આસ્વાદઃ ઉદયન ઠક્કર
વર્ષાબહેન અડાલજા, – ગુજરાતી ભાષાનું ગૌરવ વધારતી, સૌષ્ઠવપૂર્ણ વાર્તાઓ અને નવલકથાના દેશવિદેશમાં વસતા વાચકો માટે આ નામ પોતીકું, ઘરઘરનું નામ છે.
એમની આત્મકથા, “પગલું માંડું હું અવકાશમાં” , “આપણું આંગણું”ને એના પ્રારંભિક દિવસોમાં જ આપવાના એમના અનુગ્રહ થકી, શ્રી ઉદયન ઠક્કરની ભાષામાં જ કહીએ તો “આંગણું” મહાલક્ષ્મીનું રેસકોર્સ બની ગયું..!”
જ્યારે દર શુક્રવારે “આપણું આંગણું”માં એમની આત્મકથાના પ્રકરણો મૂકાતાં ત્યારે તરત જ સાઈટ પર વાચકો લોગઈન થઈ જતાં અને ટ્રાફિક જામ થઈ જતો હતો. એમની આત્મકથા લગભગ ૪૦ થી ૪૫ દેશોમાં નિયમિત વંચાતી હતી.
વર્ષાબહેનની કલમના અનેક ચાહકોની જેમ હું પણ મોટી ચાહક રહી છું. સિત્તેરના દાયકામાં એમની નવલકથા, “મારે પણ એક ઘર હોય” મેં વાંચી અને પછી “ગાંઠ છૂટ્યાની વેળા” થી ઠેઠ “ક્રોસરોડ” સુધી બધાં જ પુસ્તકો વસાવતી રહી અને વાંચતી રહી છું. જ્યારે પણ ગુજરાતી ભાષાનો ઈતિહાસ લખાશે ત્યારે એમણે ગુજરાતી સાહિત્ય અને કળાજગતમાં કરેલું પ્રદાન સુવર્ણ અક્ષરે આલેખાશે.
“આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો વતી વર્ષાબહેનને એમના ૮૫મા જન્મદિનની અઢળક શુભેચ્છાઓ વંદનસહ પાઠવતાં, હું અત્યંત આનંદ અને Privileged અનુભવું છું. આપની કલમ આમ જ સતત વણથંભી ચાલતી રહે અને ગુજરાતી ભાષાને એક પછી એક રત્નો આપની અંદર ઘૂઘવતા સાહિત્યના સાગરમાંથી મળતાં રહે, એવી કૃપા પ્રભુ કરે.
ઈશ્વર તમને કાયમ સ્વસ્થ, નિરોગી અને આનંદમાં રાખે એવી જ અભ્યર્થના. સુખ તો શબ્દો બનીને તમને વરેલું છે અને એ તો શાશ્વત છે અને રહેશે. વર્ષાબેન, આપને પ્રણામ કરું છું અને પ્રભુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છુંઃ
सर्वोपद्रवनिर्मुक्त: सर्वव्याधिविवर्जित:
सर्वदापूर्णहृदय सक्षात शिवमयोभव:
|| शतं जीव शरद: ||
જીવનનાં ઉત્તરાર્ધને માણતાં, “પગલું માંડું હું અવકાશમાં”ના છેલ્લા પ્રકરણને અંતે લખેલાં એમનાં જ શબ્દો અહીં યાદ કરીને ટાંકી રહી છુંઃ
“મારા લેખનને મિશે હું મારા કોશેટામાંથી નીકળી શકી એનો જ અપાર આનંદ. મનમોજીની જેમ પ્રવાસે નીકળી પડી હતી, હતું કે કોઈ અજાણી નાનીશી નદીને કાંઠે બેસી વનવૈભવ માણતાં સૂર્યાસ્ત જોઈશ. જંગલમાં કેડી શોધતી ચાલતી રહીશ, સફરમાં સૌંદર્યસ્થળો ઊઘડતા આવશે, વિશેષ શું જોઈએ!મારી કલમ મને આંગળી પકડી જીવનની અનેક અપરિચિત કેડીએ દોરી ગઈ. છેક વિયેટનામ લઈ જઈ યુદ્ધનો વરવો ચહેરો બતાવ્યો, તો મધ્યપ્રદેશનાં જંગલમાં શોષિત આદિવાસીઓ સાથે મોંમેળાપ કરાવ્યો, રક્તપિત્તોનાં આશ્રમમાં રહી એમની પીડાની સાક્ષી બની, મેન્ટલી ફિઝિકલી ચૅલેન્જ્ડ બાળકોની, એમનાં માતાપિતાની પીડાને વાચા આપી, જેલની તોતિંગ દીવાલો પાછળની કાળકોટડીમાં પુરાયેલી સ્ત્રીઓની આપવીતી ઉજાગર કરી, ક્રાન્તિકારોનાં છૂપા અડ્ડામાં એ સમયનો મેં શ્વાસ ભર્યો.
મારા લેખને મને સમૃદ્ધ કરી જીવનનો મર્મ ચીંધ્યો એ મારે મન મોટી વાત.
ટાગોરની આ મારી પ્રિય પંક્તિઓ છે,
`એ વિશ્વેર ભાલોબાસિયાછિ
એ ભાલોબાસાઈ સત્ય
એ જન્મેર દાન.’“આ વિશ્વને મેં પ્રેમ કર્યો છે. એ પ્રેમ જ આ જન્મનું સાચું દાન છે.”
વર્ષાબહેન, તમે આમ જ સતત આ પંક્તિઓ કાયમ જીવો એવી જ પરમ પિતા પરમાત્માને પ્રાર્થના.
~ જયશ્રી વિનુ મરચંટ
****
બીલીપત્રનું ચોથું પાન ~ વર્ષા અડાલજાના ૮૫મા જન્મદિન નિમિત્તે તેમની વાર્તાનો આસ્વાદઃ
વરસાદ અંધાધૂંધ તૂટી પડ્યો હતો. રાહુલ વહેલો ઘરે આવીને તેની મા લીલાએ બનાવેલી કોફીના ઘૂંટડા ભરતો હતો. લીલાના પતિ નવીનચંદ્ર ધાબળા ઓઢીને પથારીમાં પડ્યા પડ્યા, પત્ની ક્યારે ભજિયાં ઉતારે તેની રાહ જોતા હતા.
નોકર વિષ્ણુ ખબર લાવ્યો હતો કે મકાન પાછળની ઝૂંપડી વરસાદમાં તૂટી પડવાથી એક ગરીબ કુટુંબ ઉઘાડું થઈ ગયું હતું. ચણાનો લોટ ડબ્બામાંથી કાઢતાં લીલાને પ્રશ્ન થયો, વરસાદને અને ભજિયાંને શું લાગેવળગે? પછી પ્રશ્ન થયો, પોતાને અને રાહુલને શું લાગેવળગે? ‘લોટમાં વધારે પાણી પડી ગયું. થોડો લોટ ઉમેરીને એ ભજિયાનું ખીરું હલાવવા લાગી.’
રાહુલ એનો દીકરો. દેવનો દીધેલ. હા, દેવનો જ દીધેલ. પેટનો જણ્યો નહિ. ‘બીલીપત્રનું ચોથું પાન’ વાર્તામાં વર્ષા અડાલજા આગળ લખે છે:-
‘નવ મહિના એના પેટમાં રહ્યો નહિ અને છાતીએ વળગી ચસચસ દૂધ પીધું નહિ. એટલું જ નહિ; બાકી બધું જ. પારણે ઝુલાવ્યો, માંદેસાજે ઉજાગરા કર્યા, કોળિયા ભરી ખવડાવ્યું. આંગળી પકડી પહેલી પગલી પાડી. પહેલો જ શબ્દ શીખ્યો મા- તો પછી એ દીકરો જ ને! પંડનો જ. માત્ર લોહીમાંસ એક નહિ.’
ભજિયાં બનાવતાં લીલા વિચારને ચકડોળે ચડી ગઈ. લગ્ન પછી ઘણાં વર્ષે ડોક્ટરે કહી દીધું હતું, તમારે સંતાન થવાની શક્યતા નથી. ‘મસાલો ઓછો છે? લોટનું ટપકું જીભ પર મૂક્યું. મીઠું જ ભૂલી ગઈ હતી.’
લીલા અને નવીનચંદ્રે નક્કી કર્યું, કોઈ નિરાધાર-અનાથ બાળકને દત્તક લેવું. રાહુલને લઈ આવી ત્યારે લીલાનો પાલવ સુગંધી ફૂલોથી ભરાઈ ગયો. ‘ચટણી સરસ થઈ હતી… તેલમાંથી ધુમાડા નીકળવા માંડ્યા ત્યારે ખ્યાલ આવ્યો કાંદા-બટેટાં ક્યાં સમાર્યાં હતાં!.. એણે ડુંગળીના દડાનાં પડ ઉખેળવા માંડ્યાં.’ સંસ્થાએ સમજાવ્યું હતું, બાળકને અંધારામાં ન રાખશો, કહી દેજો કે તું અમારું દત્તક બાળક છે. ‘કાંદાનાં પતીકાં કરતાં આંખમાં પાણી ભરાઈ આવ્યાં.’ રાહુલ ચારનો થયો ત્યારે લીલાએ એને કહી દીધું હતું. ‘રાહુલ ચૂપચાપ ઊઠીને બીજા ઓરડામાં ચાલ્યો ગયો.’
થોડાં વર્ષો વીત્યાં પછી લીલા રાહુલને અનાથાશ્રમમાં લઈ ગઈ. ‘મારાં મા-બાપ કોણ?’ રાહુલે પૂછ્યું. વ્યવસ્થાપિકા બહેને કહ્યું, સંસ્થાનો માળી તને કશેકથી લઈ આવ્યો હતો, અમને વધારે ખબર નથી, આ જ તારે માટે ખરાં મા-બાપ. રાહુલ ખુરશીમાંથી ઊભો થઈને લીલાને વળગી પડ્યો હતો. ‘છેલ્લો ઘાણ બાકી હતો. ધુમાડાથી એ ખાંસવા લાગી હતી.’
રાહુલને તળાતાં ભજિયાંની સુગંધ આવી. તેટલામાં વિષ્ણુએ આવીને બસો રૂપિયા માગ્યા. તેની વહુ તબિયતની ઢીલી, વરસાદમાં તાવ આવવાનો જ, માટે દેશમાં રૂપિયા મોકલવા હતા. રાહુલે ત્રણસો આપ્યા. ‘તમે તો ભાઈ મારે ભગવાન.’ આંખ લૂછતો વિષ્ણુ ગયો.
રાહુલને પ્રશ્ન થયો, હું કઈ માના પેટમાંથી આવ્યો? તે એકલી જ હશે? કુંવારી હશે? બળાત્કાર? સ્વજનોએ તેને ધુત્કારી દીધી હશે? નવ મહિના દુ:ખમાં વીત્યા હશે?
તેટલામાં રાહુલના ઓરડામાં કાચનું વાસણ તૂટ્યું. વિષ્ણુએ ઝીણા ઝીણા ટુકડા વાળીઝૂડીને સૂપડીમાં ભેગા કર્યા. રાહુલ ચાલવા ગયો ત્યાં સિસકારો નીકળી ગયો. કાચની કરચ વાગી ગઈ. પગ પકડી પલંગમાં બેસી પડ્યો. ‘મા! તું ક્યાં હશે? તારા પ્રત્યે મને કોઈ રોષ નથી… આવા અનરાધાર વરસાદમાં તું મને હંમેશા યાદ આવે છે.. મને સ્નેહ અને સુખ અપરંપાર મળ્યાં છે. માની ખોટ નથી પડી… પણ તું તકલીફમાં હોય તો હું તને મદદ કરું… કાચની કરચ છેક ઊંડે ઊતરી ગઈ છે… મા, તું બીલીપત્રનું ચોથું પાંદડું છે.’
લીલા દોડી આવી, સોય લાવી, ચશ્માં ચડાવી, પેની ખોતરવા લાગી. નરી આંખે ન દેખાય એવી ઝીણી કરચ કાઢી એણે રાહુલ સામે ધરી અને જવા લાગી. ‘કરચ નીકળી ગઈ હતી, તો પણ (રાહુલને) પીડા થવા લાગી.’
બીલીપત્રને ત્રણ પાન હોય. લીલા-નવીનચંદ્ર- રાહુલની ત્રિપુટી એટલે સુખી પરિવારનો નમૂનો. આ પરિવારનો અદ્રષ્ય હિસ્સો એટલે રાહુલને જણનારી મા, જેનો અતોપતો નહોતો, જીવે છે કે નહિ તેનીય જાણ નહોતી, પણ રાહુલના ચિત્તમાં એવી વસી ગઈ હતી જાણે બીલીપત્રનું ચોથું પાન.
વર્ષા અડાલજાએ તેની સરખામણી કાચની કરચ સાથે કરી છે. માનો અભાવ રાહુલના ચિત્તમાં ખૂંચે છે. લીલાએ પોતાના પ્રેમથી એનું સાટું વાળી દીધું છે. પણ કરચ નીકળી ગયા પછી ય ખૂંચતી રહે તેમ મા-તુલ્ય પ્રેમ મળ્યા છતાં માનું ન હોવું રાહુલને પીડે છે.
વાર્તાનો સમયપટ લાંબો નથી: લીલાએ ભજિયાં બનાવવા શરૂ કર્યાં ત્યારથી શરૂ થતી વાર્તા ભજિયાં પીરસાવા સાથે પૂરી થાય છે. રાહુલની શિશુવયથી વર્તમાન ક્ષણ સુધીની કથા ફ્લેશબેકમાં કહેવાઈ છે. એક તરફ ભજિયાં બનાવવાની પ્રક્રિયા અને બીજી તરફ રાહુલની કુટુંબ-કથા, એમ લોલકગતિએ વાર્તા ચાલે છે. લીલાની મનોસ્થિતિ આવી જ છે: ઘડીમાં ભૂતકાળમાં સરી જાય, ઘડીમાં રસોડા પર ધ્યાન દે. મીઠું નાખતાં ભૂલી જવું, ભજિયાં વગરનું તેલ ઉકાળતા રહેવું, વગેરે લીલાની વ્યગ્રતા સૂચવે છે. રાહુલ આખરે દત્તક દીકરો છે એ વાત તે ભૂલી શકતી નથી.
તમે મારા દેવના દીધેલ છો
તમે મારા માગી લીધેલ છો
આ હાલરડાનો વાચ્યાર્થ આબાદ ઝીલીને લેખિકા અધોરેખિત કરે છે કે રાહુલ પેટનો જણેલ નથી પણ દેવનો દીધેલ છે.
આ વાર્તા આદર્શવાદી છે. વાચકને પ્રશ્ન થાય, બીલીપત્રનાં ત્રણે પાન આટલાં પવિત્ર હોઈ શકે? પાત્રોની વર્તણૂક આટલી ઉદાત્ત હોઈ શકે?… લીલા અને નવીનચંદ્ર નક્કી કરે કે સંબંધીના સંતાનને નહિ પણ નિરાધાર-અનાથ બાળકને જ દત્તક લેવું, તે છોકરો હોય કે છોકરી. વિષ્ણુ ઉધાર માગે તે કરતાં વધારે રાહુલ આપે. વિષ્ણુ તેને ભગવાન-તુલ્ય માને.
લીલા-નવીનચંદ્ર માત્ર પાલક માતાપિતા છે એ જાણ્યા પછી પણ રાહુલના શિશુમનમાં પ્રેમ યથાવત્ રહે. પોતાને ત્યજી દેનાર માને દોષ દેવાને બદલે રાહુલ તેને સહાય કરવા ઇચ્છે….
લેખિકા નેરેશન અને ડીસ્ક્રીપ્શન (વૃત્તાંત અને વર્ણન)માં સમાન રીતે કુશળ છે. ભજિયાંની રીત એવી વર્ણવે છે કે વાચકના મોંમાં પાણી આવે. કથા, “નહિ સાંધો, નહિ રેણ”ની રીતે આગળ વધીને કરુણ રસની ઝાંયવાળો શાંત રસ વહાવે છે.
–ઉદયન ઠક્કર
ReplyForward |
ReplyForward |
આસ્વાદ વાંચીને વાંચવાની તિવ્રતા ઝંખી… ખૂબ સરસ
સરસ વાર્તા અને ઉત્તમ આસ્વાદલેખ