મહાશ્વેતા દેવી સાથે એક મુલાકાત ~ મેધા ત્રિવેદી
મહાશ્વેતાદેવી લેખિકા સાથે પરોક્ષ પરિચય તો ખરો પરંતુ પ્રત્યક્ષ પરિચય કલકત્તાના રહેઠાણ દરમ્યાન થયો. તેમના લેખો કલકત્તાના વર્તમાનપત્રમાં આવતા રહેતા હતા. મોટા ગજાની લેખિકા, જોકે લેખિકા શબ્દ એમને ઓળખવા નાનો પડે. મહાન સર્જક એ જ શબ્દ એમના વ્યક્તિત્વને નિખારી શકે.
આખું બંગાળ અને બંગાળીઓ તો એમના લખાણના ચાહક. થયું કે આવા સર્જકને એક વાર મળવું તો જોઈએ. પણ કેવી રીતે, તેમનો સંપર્ક થઈ શકે એ વિષે તદ્દન અજાણ.
વર્તમાનપત્રમાં તેમના લેખ આવતા એક છાપાંમાં મહાશ્વેતા દેવીનો લેખ વાંચવામાં આવ્યો. તેમના શબ્દો ખળભળાવી મૂકે તેવા હતા.
વર્તમાનપત્રમાં ફોન કરી તેમનો નંબર મેળવ્યો પરંતુ જોડવાની હિંમત કરી શકતી નહોતી. આવડા મોટા લેખક, મારા જેવી સામાન્ય વ્યક્તિને શા માટે મળે. વળી વિચાર આવ્યો, ફોન કરી જોઉં, ના, પાડશે, તો કઈ નહીં, અવાજ સાંભળવા તો મળશે અને હિંમત કરી ફોન જોડ્યો.
થોડીવાર ફોનની ઘંટડી વાગતી રહી, એ પછી કોઈક બેને ફોન ઉઠાવ્યો. ફોન શા માટે કર્યો છે. પ્રયોજન શું છે. -કહ્યું ગુજરાતી છું, કોલકત્તામાં થોડા સમયનો વિસામો છે. મહાશ્વેતા દેવીને મળવું છે, ગુજરાત વિષે વાત કરવી છે. મળી શકાય?
જવાબ હતો- દસ મિનિટ પછી ફોન કરો. દસ મિનિટ અવઢવમાં વિતી. એ પછી ફરી ફોન જોડ્યો તો મહાશ્વેતા દેવી પોતો ફોન પર હતા.
ઉચ્ચારો બધા બંગાળીના હિન્દી, અંગ્રેજી, બાંગલા મિક્સ ભાષામાં બોલે. મળવાનો સમય આપ્યો. બીજી કશી વધારે પળોજણ વિના. સરનામું લખાવ્યું. સવારે દસ વાગે તેમને ત્યાં. હું ખુશ. મંડી પડી, શું સવાલ કરવા, કેવી રીતે તેમના વિચારો જાણી, સૌથી વધુ માહિતી મળી શકે. એક આખું પ્રશ્નનું લીસ્ટ તૈયાર કર્યું અને મારી રીતે હું તૈયાર…
એ દિવસની સવાર ઉજળી અને સાફ હતી. દસનો સમય સાચવવા નવ વાગે અમારા ઘરેથી નિકળ્યા. ઘર ખાસ કંઈ ખોળવું પડ્યું નહીં, સ્વાભાવિક છે. બેઠા ઘાટનો બંગલો, બંગલા આગળ કંમ્પાઉન્ડ, કોઈ પથ્થર કે એવું કશું જડેલું નહોતું, સીધું માટી સાથે જોડાયેલું. ઘર.
ઘરમાં પ્રવેશવા પાસે બેએક પગથિયા પૂરા થયા પછી નાનો વરંડો. વરંડાને જાળીથી મઢી દીધેલો. પ્રવેશદ્રાર તરફ કોઈ જાળી નહીં. કંમ્પાઉંન્ડની જમીનમાં કોઈ ફૂલ, ઝાડ કે વનસ્પતિ કશું જ નહીં. એક સફેદ ફૂલની વેલ, નાની ક્યારીમાં વાવેલી.
જાળી ખટખટાવી. તરત જ મહાશ્વેતા દેવી ડોકાયાં, ઊંચા કહી શકાય તેવાં, મધ્યમ બાંધો, કાળી ફ્રેમના ચશ્મા, વર્ણ ન ગોરો ન કાળો. નજર કડક. કદાચ મોંઢાની કરચલીયોનો કડપ હશે. સુતરાઉ કોલકત્તાના બજારમાં મળતી સાદી સાડી.
મને તેમણે જોઈ. ચહેરા પર સ્મિતનું નામનિશાન નહીં. જાળી ખોલી અંદર આવવા જણાવ્યું. હું અંદર પ્રવેશી.
મને કહે: દેખુન અમોર ઘર, એ પછી તેઓ મને શાંતિથી નિહાળી રહ્યા. કદાચ મારું વિસ્મય જોવામાં તેમને આનંદ આવતો હશે. ઘર એટલે એમનો પોતાનો ઓરડો. ઓ, હો, હો….. ઓરડાની બરાબર વચ્ચે ટેબલ જેવું કંઈક, તે એટલા માટે કે આખું ટેબલ પુસ્તકોથી ભરેલું, એટલું જ નહીં, આખો ઓરડો પુસ્તકો જ પુસ્તકો.
જ્યાં જુઓ ત્યાં વિચારો જ વિચારો. છાજલી પર, ફર્શ પર, પુસ્તકોના ટેકરાઓ. થયું ક્યાં બેસીને લખતા હશે ? આ લેખક પછી મારી હિંમતે ખો આપ્યો, આટલા બધા વિચારોમાં મારા વિચારોની શી વલે થશે. વળી થયું કંઈ નહીં મેધા, આગળ આગળ ગોરખ જાગે.
ત્યાં મારી નજર પુસ્તકોથી દટાઈ ગયેલી ખુરશી પર પડી. હું જોઈ રહી હતી તેમનું ઘર અને તેઓ મને. થોડી વારે મને જરાક સ્મિત સાથે કહે નહીં ફાવે અહીંયા બેસવાનું ખરું ને. મેં બાઘાની જેમ હા પાડી.
તો કહે ચાલો બહાર ખુલ્લામાં વરંડામાં બેસીએ. તેઓ આગળ થયા હું તેમની પાછળ થઈ.
તેમણે એક લીલા રંગની કેનની ખુરશી ખેંચી મને બેસવા કહ્યું અને બાજુમાં તેઓ બેઠા. સામે કાચના ટોપવાળુ ટેબલ પડ્યું હતુ, એના પર એક પણ પુસ્તક નહોતું.
મેં એક ઉંડો શ્વાસ લીધો. મારી પરિસ્થિતિનો અંદાજ આવ્યો હશે એટલે જરા નરમાશથી કહે ચાય ખાબે, ગળામાં અટકી ગયેલા શબ્દોને ઢંઢોળી મેં કહ્યું ખાબે. બીજુ કંઈ કહેવાની હિંમત હોય તો ને.
વાતનો દોર તેમણે પકડ્યો –ગુજરાત સે હો, હા, હુલ્લડોને કારણે નિર્દોષ માણસોનું ખોરવાયેલું જનજીવન, હત્યાઓ, ઉજાડી નાંખેલા ઘરો, વગેરેથી તેમનામાં રોષ, અતિશય દુ:ખની લાગણી સ્પષ્ટ જણાઈ આવતી હતી. લગભગ ઉગ્ર થઈને તેઓ બોલી રહ્યા હતા.
મારા પ્રશ્નો પણ ધીમે ધીમે હું તોમની સામે મૂકતી ગઈ. પોણો કલ્લાક તેમણે મારી સાથે ધીરજપૂર્વક વાતો કરી. તેમની વેદના સામાન્ય લોકો તરફ હતી. વચ્ચે, વચ્ચે સતત ફોન આવે તો ચીડાઈ જતા, પાછા વાતનો દોર પકડી લેતા.
બાંગલા, અંગ્રેજી, હિંદી ત્રણે ભાષામાં તેઓ તેમના વિચારો પ્રદર્શિત કરી રહ્યા હતા. અન્યાય જરાય સાંખી ના શકતા આ લેખક, એટલા તો સંવેદનાઓથી સભર હતા કે તેઓનો સ્પર્શ સામેનાને ના લાગે તો જ નવાઈ.
બંગાળમાં બેઠેલા એક લેખકને ગુજરાતના રહેવાસી માટે આટલી હમદર્દી, આ જોઈને મારુ હ્રદય પણ દ્રવી ઉઠ્યું. સંવેદનાથી સભર આ સર્જકે ના આવકારનું કૃત્રિમ સ્મિત વેર્યું હતું કે ના જતી વેળાએ કોઈ શિષ્ટાચાર કર્યો. એમની એક ખૂબ જાણીતી કવિતા અહીં મૂકી વિરમું.
~ મેધા ત્રિવેદી (મુંબઈ)
૫-૪-૨૦૨૫.
આ ગએ તુમ, દ્વાર ખૂલા હે, અંદર આઓ, પર તનિક ઠહેરો, ડ્યોઢી પર પડે પાયદાન પર અપના અહં ઝાડ આના, મધુમાલતી લીપટી હુઈ હે, મુંડેર પર અપની નારાજગી વહીં ઉંડેલ આના. તુલસી કે ક્યારે મેં, મનકી ચટકાન ચઢા આના.
અપની વ્યસ્તતાએ, બહાર ખૂંટી પરહી ટાંગ આના, બહાર કિલોલતે બચ્ચોસે થોડી શરારત માંગ લાના, વો ગુલાબ કે ગમલેમેં મુસ્કાન લગી હુઈ હે, તોડકે પહન લેના, લાઓ અપની ઉલઝને મુઝે થમા દો. તુમ્હારી થકાન પર મનુહારોં કા પંખા ઝુલાદું,
જૂતો સંગ હર નકારાત્મકતા, ઉતાર આના, દેખો શામ બીછાઈ હે મૈંને, સૂરજ ક્ષિતિજ પર બાંધા હે, લાલી છીડકી હૈ, નભ પર, પ્રેમ ઓર વિશ્વાસકી મધ્ધમ આંચ પર ચાય ચઢાઈ હૈ, ઘૂંટ, ઘૂંટ, પીના, સૂનો ઈતના મુશ્કિલ ભી નહીં હૈ જીના.
મહાશ્વેતા દેવી
મુલાકાત દરમ્યાન થયેલ પ્રશ્નોતર લખો તો વિશેષ ઉઘાડ આવે.
એમની સાથે શું વાતો થઈ એ પણ લખ્યું હોત તો વધારે સારું રહેત..