પ્રેમપ્રક્રિયા (નિબંધ) ~ માના વ્યાસ
પ્રેમ શબ્દ આમ તો સૌથી પુરાણો તોય નવોનક્કોર, સૌને પરિચિત છતાં રહસ્યમય. પ્રેમ રોગ ઉત્પન્ન કરનાર છતાંય મીઠો મધુરો લાગે. પ્રેમ સૌને થાય તો પણ દરેકના અનુભવ તો જુદા હોવાનાં.
શું થાય છે, પ્રેમમાં ?
આમ તો નજરો મળે, આંખ કંઈ પામી જાય અને ગોળ કીકીઓ વિસ્તરવા માંડે, જેમાં સામેવાળાનું આખેઆખું પ્રતિબિંબ આબાદ ઝીલાઈ જાય અને કેદ થઈ જાય.
આંખોનું એવું તો સંધાન થાય કે ફટાફટ રામસેતુ જેવો સેતુ બંધાઈ જાય. પલકને બંધ થવાની મનાઇ ફરમાવવામાં આવે, મોટું ચોરનું ધાડું નજરસેતુ ઉપરથી દોડતા જઈ પલકવારમાં સામેની લંકા ઉપર વિજય મેળવી લેવા તત્પર થઈ જાય,
આ ચોરનું ટોળું તરત જ પોતાનું કાર્ય શરૂ કરી દે છે. પહેલા મગજમાં જઈ હાયપોથેલેમસમાં આકર્ષણની સોય ભોંકી દે, જેમાંથી ડોપામાઇન નામનો સ્ત્રાવ ઝરવા માંડે.
ડોપામાઇન ઝટપટ સુખ, આનંદ, ખુશીના પોટલા છોડવા માંડે અને બધાં રક્તમાં ભળી દોડવા માંડે.
આ બધાનું સરઘસ આવતા જોઈ હૃદય તો બિચારું ગભરાઈ જાય ને ધક ધક ધક ધક કરવા માંડે. આ બધામાં બુદ્ધિ પોતાનો માપદંડ ઊંચો કરી કરીને ચેતવે, સાયરન વગાડે: થોભો, રુક જાવ, જો જો આગળ પ્રેમ નામનો ખાડો છે, પ્રેમમાં પડી જશો પણ પ્રીતનું ઘોડાપૂર એટલું તો વેગીલું હોય કે બંધના દરવાજા તોડી બધી સમજદારી એ વહેણમાં તણાઈ જાય.
https://www.youtube.com/watch?v=USZ6rwM6eBY
છૂટો દોર મળ્યો જાણી ચોરો પાછા ધીરે-ધીરે તમારી ઊંઘ, આરામ, સપના બધું ચોરી લે અને તમને લાગે કે પ્રેમના દરેક ગીત તમારા માટે લખાયેલા છે.
ફૂલો તમારા માટે ઊગીને સુગંધ પ્રસરાવે છે. ઉષાની લાલી અને સંધ્યાની રંગોળીના રંગો વધુ સુંદર દેખાવા લાગે છે. અચાનક પ્રિયજનની સુગંધ ઘેરી વળે, મળવાની તાલાવેલી રહ્યાં કરે, એનાં સિવાય જીવન નિરર્થક લાગે..
દર્પણના પ્રતિબિંબો સ્મિત કરતાં રહે છે. એને આ ગમશે? એ શું કહેશે? શું ધારશે?-ની દ્વિધાઓ પજવતી રહે છે. સુખ હર્ષ આનંદ ખુશી ઉમંગ સ્મિત વારેવારે આવીને વળગી પડતાં હોય છે. સ્પર્શની તાલાવેલી થરકતી આંગળીઓ વાણી પહેલાં જ દર્શાવી દેતી હોય છે.
હવે આ બધું કેમ કોઈ એકને જોઈને થાય છે એ માટે હજી સુધી કોઈ ઠોસ કારણ મળ્યું નથી, પરંતુ વ્યક્તિની આભા, ચુંબકીય ઓરા અને શરીરના રસાયણો કારણભૂત હોઈ શકે એ માનવામાં આવે છે. તુષાર શુક્લ કહે છે, “એમ પૂછીને થાય નહીં પ્રેમ” એમ પ્રેમમાં પડેલી બંને વ્યક્તિઓ તે આવી તીવ્ર અનુભૂતિ કરે તો જ પ્રેમમાં સફળતા શક્ય છે.
ભલું થજો સંસ્કૃતિનું કે લગ્નસંસ્થા જેવી વિચારસરણી ઉદભવી; કારણકે આ પ્રેમને હંમેશા લીલોછમ રાખવો હોય તો ક્યાંક તો એને ઉગાડવો પડશે. બીજ અંકુરિત થયાં પછી તેને હૂંફનો સૂર્યપ્રકાશ, સ્નેહનું જળસિંચન અને કાળજીનું ખાતર આપી કુમળો છોડ લગ્નના નામના ક્યારામાં સુરક્ષિત રાખવો પડે છે.
અહીં એક ખાસ ધ્યાન રાખવું પડે છે કે ક્યારાની આસપાસ કાંટાળી વાડ ન બનાવવી. નહીં તો વિકાસ રૂંધાઇ જાય છે. એને પવનની સાથે નૃત્ય કરવું હોય તો જમીનની સાથે જોડાઈને પણ આમતેમ ઝૂલી શકે એવી મોકળાશ આપવી પડે.
બસ પછી તો છોડનું જતન કરતા રહેવાનું અને ઘટાદાર વૃક્ષ પર ફળ ફૂલ અને પંખીઓ માળો બાંધીને કરતા રહે એમાં જ પ્રેમનું સાફલ્ય.
~ માના વ્યાસ, મુંબઈ
Very nice. PREMNI ABHIVYAKTI . 👌