વહી જતું નામ… કે… ખુશીનો સ્નેપ-શૉટ (પન્ના નાયક વિશે) ~ ભાગ્યેશ જહા
(પન્ના નાયકના ૯૧મા જન્મદિન નિમિત્તે લખાયેલો લેખ)
કવયિત્રી પન્ના નાયકે હમણાં આથમતા ડિસેમ્બરે એકાણું પૂરા કર્યા છે, ત્યારે આ કડકડતી ઠંડીમાં એમનાં કાવ્ય સ્વાભાવિક રીતે જ યાદ આવે છે.
અમેરિકામાં જઈએ એટલે ક્યારેય અનુભવી ન હોય એવી ઠંડી લાગે. બહુ ઠંડીને લીધે જેમ સમય થીઝેલો લાગે, એમ એકાંત પણ ખાસ્સું ઘટ્ટ લાગે. એમાં પણ એક યુવાન સ્ત્રી જ્યારે સપનાઓ સાથે અમેરિકા જાય, જ્યારે ગુજરાતમાં ૧૯૬૦માં ‘અરુણું પરભાત’ ઊગેલું ત્યારે અમેરિકા ગયેલા પન્નાબેન માટે અજાયબ પ્રકારની લાગણીનો સંગાથ હતો.
એટલે જ એ બોલી ઉઠ્યા છે, “કેવળ ઘર અને નોકરી અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો ખાલી ખાલી પોકળ સમય. આ એકલતા અને શૂન્યતાના અનુભવમાંથી મને ઉગાડવા માટે જ જાણે કવિતા પ્રગટી ન હોય! તમને સાચું કહું? કવિતા ન હોત તો હું સાવ એકલી થઈ જાત.”.
આ વાત એમની કવિતાઓમાં છેલોછલ છલકે છે, વતનઝુરાપાને એમણે કવિતાનો શબ્દ પહેરાવ્યો છે. એમના બન્ને કાવ્યસંગ્રહ, જે એમની સમગ્ર કવિતા તરીકે નવજીવન ટ્રસ્ટે, પ્રગટ કર્યા છે તે આ એકાંત અને આકંઠ અનુભવાતી શૂન્યતાને ઓગાળવાનો કવિપ્રયત્ન છે.
વિદેશિની અને દ્વિદેશિની એ નામો જ આ કાવ્યસંગ્રહમાં ધબકતા સંવેદનને અભિવ્યક્ત કરે છે. વતન છોડવું, જીવનસાથીને ગુમાવવા અને અનેક પ્રકારની વ્યથાઓમાંથી પસાર થતી જિંદગીમાં જો થોડી પણ ખુશી મળી જાય તો કવિ કેવા રાજી થઈ જાય છે, તે આ કવિતામાં સરસ રીતે પ્રગટ્યું છે,
આ ખુશીનો / સ્નેપશૉટ લઈ / મઢાવી / સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?… અહીં મઢાવી એ શબ્દને સ્વતંત્ર પંક્તિનું સ્ટેટસ આપીને કવિએ કમાલ કરી દીધી છે.
કેમ સૂવાના ઓરડામાં જ? કેમ બેઠકના રૂમમાં નહીં? કારણ કવિને બેઠક રૂમની કૃત્રિમતતામાં નહીં, પણ સૂવાના રૂમની એકલતાને આ ખુશીથી શણગારવી છે.
પશ્ચિમના દેશોમાં જે આકરી ઠંડી પડે છે, એમાં જેમ શરીરની પરીક્ષા થાય છે એવી જ કઠિન કસોટી મનની થાય છે. ખાસ કરીને બરફવર્ષા થતી હોય ત્યારે અહીંથી ગયેલા અથવા ત્યાં વસેલા કવિઓને એક વિશેષ પ્રકારનો રોમાંચ થતો હોય છે.
આ કવિ જ્યારે બરફવર્ષા અનુભવે છે, ત્યારે આંગળીઓ ઠરી જાય છે. એ લખે છે, આજે તાજા જ પડેલા સ્નોમાં / હું તારું નામ લખી આવી / મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ…/ પણ સાચે જ મજા આવી ગઈ…/ ને પછી / થોડીવાર રહીને વરસાદ પડ્યો…./ હું તારું નામ વહી જતું જોઈ રહી. / વાસંતી વરસાદની સાથે. /
આ થીજી જતી આંગળીઓ એટલે કે એમાં વહેતા રક્તમાં જે ભૂતકાળ અને વતનની સ્મૃતિઓ છે, એ ઠરી તો ગઈ છે, પણ તરત જ વરસાદ પડે છે, નવા વિશ્વનો વરસાદ, નવા પરિચયનો વરસાદ. અને એમાં પણ મને તારો જ અનુભવ થાય છે. આ કેવી વિયોગ અને સંયોગની જુગલબંધી રચી રહ્યા છે, કવિ!
વતનઝુરાપાનું એક અદભુત કાવ્ય એટલે વસંત પંચમી. અગાઉ જેમ સ્નો પડવાથી ઊભા થયેલા સંવેદનને સરસ રીતે ઝીલ્યું હતું. એવી જ રીતે કવયિત્રી એક અદભુત વિરોધાભાસ ઊભો કરીને આવું લખે છે.
આજે ભરભર શિયાળાના / પીળા રણમાં / ઝંખું છું / ગુલમહોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ / પછી, / હું ખુદ વસંતપંચમી.
અહીં અજાણ્યા અને અંદરથી કોરી નાખે એવા ‘ભરભર’ શિયાળાના ‘પીળા રણ’ની વાત છે. આ પીળું શબ્દ એ સોનેરી સમૃદ્ધિ દર્શાવતું હોવા છતાં પણ રણ છે, વેરાન છે. કવયિત્રીને તો જોઇએ છે, દેશનો દઝાડનારો ઉનાળો… પણ પન્નાબેન તો પન્નાબેન છે! એ અદભુત ચિત્ર ઊભું કરે છે. અને ગુલમહોરને લાવે છે. ઉનાળામાં આ ગુલમહોર ભલેને જ્વાળા જેવો હોય તો પણ એનો સ્પર્શ અનોખી શાંતિ આપે છે.
કવિકર્મમાં ચિત્ર ઉપજાવવાની જે શક્તિ છે એ ભાવકને એક સાથે અજાણ્યા અને ખૂબ જાણીતા ભાવપ્રદેશમાં લઈ જાય છે. પીળા રણમાં ઊગેલી આ સ્પર્શની તરસ કવિના આંતરને ખોલી આપે છે.
કવિની શોધ શું છે? એનો જવાબ એમના ‘દિવાનખાના’ નામના એક કાવ્યમાં આપણને મળે છે.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું / સઘળું બરાબર થાય છે ત્યારે જ / છટકે છે મારું મન– / આ બધામાં મને ક્યાં ગોઠવું / કેન્દ્ર શોધું છું. / જ્યાં હું સરખું બેસી શકું….
મૂળ કવિની શોધ તો પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે મથતું આંતરમન છે. અમેરિકાના વિશાળ ઘરમાં સુશોભિત થયેલા દીવાનખાનામાં બધું ગોઠવાઈ જાય છે ત્યારે પોતે ક્યાં ગોઠવાશે તેવો પ્રશ્ન ઊભો કરીને સ્વશોધની પન્નાબેનની મથામણ પ્રગટ થાય છે. અને સ્વશોધનની આ મુંઝવણને લીધે એમની કવિતાઓ આજે પણ એટલી જ તાજી લાગે છે, જેટલી તે પહેલી વખત પ્રગટ થઈ ત્યારે લાગતી હતી. કારણ કે મનુષ્યતા આજે સ્વશોધ માટે સૌથી વધારે સંઘર્ષ અને તણાવ અનુભવી રહી છે.
એક વખત કોઈ પ્રવચનમાં પન્નાબેને કહેલું કે મને ખબર નથી કે હું અમેરિકાની થઈ નથી અને ભારતમાં રહી નથી. તો હું ક્યાંની છું?
આ તો બહુ સનાતન પ્રશ્ન છે. પણ એનો જવાબ પણ એટલો જ સનાતન છે. કવિઓને ભૌગોલિક સીમાડાઓમાં બાંધી શકાતા નથી, પન્નાબેન અમેરિકા કે ભારતના નહીં પણ ગુજરાતી ભાષાના નિવાસી છે. એમનું સરનામું ગુજરાતી કવિતા છે, એમના શ્વાસમાં ગુજરાતીપણું ધબકે છે઼… એમને દીર્ઘાયુ માટે શુભકામનાઓ….
~ ભાગ્યેશ જહા