ભયનો ભય – સાંપ્રત સામાજિક સમસ્યા ~ લેખ (૨) ~ ડૉ. અર્પણ યાજ્ઞિક (અમેરિકા)

ભય સ્વતંત્રતાનો શત્રુ અને પરતંત્રતાનો મિત્ર છે. ભય છે ત્યાં સ્વતંત્રતા સંભવી જ ન શકે, એટલું જ નહીં, એની સાથે સ્વાભિમાન પણ શક્ય નથી. એનું કારણ છે કે પરતંત્રતા વારંવાર માનવીને પોતાના સ્વાભિમાન કે સિદ્ધાંતો સાથે તડજોડ – Compromise – કરવા લાચાર કરી દે છે, અને આ લાચારીની લાગણી કોઈને પણ ન ગમે, એ સ્વાભાવિક છે.
કમનસીબે આવી તડજોડ કરીને જીવતા વ્યક્તિનું જીવન સમાજમાં રહીને અપહરણ થયેલા વ્યક્તિ જેવું હોય છે. ભય લોકોના મનમાં જ્યારે સજ્જડ બેસી જાય છે ત્યારે વિચારશક્તિ પણ ક્ષીણ થઈ જાય છે.
આજે બે એવી વ્યક્તિઓની વાત કરવાની છે, જેઓ આ જ પરિસ્થિતિમાં મૂકાઈ ચૂક્યા હતા.
વિરલ એક ૨૫ વરસનો હસમુખ અને આકર્ષક દેખાવવાળો નવયુવાન હતો. એ એના વ્યક્તિત્વને કારણે એ નાનાંમોટાં બધાંનો લાડલો તરત બની જતો. પણ વિરલને ઈંજેક્શનથી બહુ ભય લાગતો હતો. જો ડૉક્ટરે ભૂલમાં પણ ઈંજેક્શન લેવાનું કહ્યું તો પતી ગયું..!
વિરલના પેટમાં દુઃખાવો ઊપડે, મોઢામાં સોસ પડે અને આખા શરીરે પરસેવો વળી જાય! આ રિએક્શન તો ઘેર આવે પણ દવાખાનામાં તો નાના બાળક્ની જેમ ચીસો પણ પાડતો.
વિરલને ઈંજેક્શનની બીકને લીધે લોખંડના પદાર્થો સાથે પણ “૩૬નો આંકડો”! એને બીક લાગતી કે લોખંડનું કંઈ વાગી જાય તો ધનુરનું ઈંજેક્શન લેવું પડે અને એમાંયે જો ઈન્ફેક્શન થઈ ગયું તો ઈન્ટ્રાવિનસ ઈંજેક્શન લેવું પડે એ વિચારે એના મોતિયા જ મરી જતા! આ જ કારણોસર એ લોખંડી પદાર્થોથી દૂર રહેતો જેથી કશું વાગવાનો અવકાશ ન રહે.
એવામાં કોરોના કાળ કુદરતી કેર બનીને ત્રાટક્યો. એમાં પાછી વેક્સિન લેવાનું જીવતા રહેવા માટે અગત્યનું બની ગયું. અનેક લોકો ડરતાં હતાં વેક્સિનથી, પણ એનાં કારણો જુદાં હતાં. વેક્સિનની સાઈડ-ઈફેક્ટ અને અસરકારકતાનો ભય સૌને હતો.
પણ વિરલને તો માત્ર ઈંજેક્શન અને એની સોય દેખાતી અને એની હાલત થઈ જતી. એણે આ રસીથી બચવા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ કરી અને જીવન જીવવા માટે ડગલે પગલે સમાધનો કરતો રહ્યો. એનાં પરિવારજનો પણ એને સમજાવી શકતાં નહોતાં.
આમ દરેક વખતે કરાતાં આવા સમાધાનોની સરહદોમાં રહીને જીવવાથી એના જીવનમાં હવે સહજતા અને “નોર્મલસી” રહી નથી. પરંતુ ન તો એ આ અસહાયતામાંથી નીકળી શકે છે કે ન તો એની લાચારીને સહી શકે છે.
સાચા અર્થમાં તો ભયથી હારીને, અને “કોમ્પ્રોમાઈઝ” કરીને આપણે આપણા આવનારા જીવનના રસ્તા પર “Fear Occupied Persona” – FOP નું પાટિયું મારીને જીવનમાં આવતી સહજતા, સરળતા, સ્વતંત્રતા અને સુંદરતા માણવાની પળો માટે પ્રવેશબંધી કરીને જિંદગીને જ કાયમ માટે મર્યાદિત – Limited કરી દઈએ છીએ.
હવે બીજી એક આવી વ્યક્તિની વાત કરીએ. ભાવના અગિયારમા ધોરણમાં ભણતી એક તેજસ્વી વિદ્યાર્થીની હતી. એ જ્યારે મારી પાસે આવી તો ખૂબ જ સંકોચ સાથે મને વાત કરી કે એને સતત એવો ભય રહે છે કે કદાચ એ ખોટી વ્યક્તિને પ્રેમ કરી બેસશે તો શું થશે?
એને એવો સતત ભય લાગતો હતો કે આ ખોટી વ્યક્તિ એના જીવનમાં આવી ગઈ તો પછી એને આગળ ભણવા નહીં દે કે નોકરી નહીં કરવા દે. એટલું જ નહીં એના સ્વતંત્ર વિચારો પર પણ કાપ આવી જશે તો શું? એને થતું હતું કે અલ્પ સમયના શારિરીક આકર્ષણની પાછળ એને સતત એના શરીર અને મન બેઉનો ભોગ આપવો પડશે તો શું થશે?
એણે અચકાતાં અચકાતાં કહ્યું કે, ”સર, આવું ન બને આથી હું કોઈની પણ સાથે મિત્રતા કે પ્રેમ કરતાં ડરું છું. મને મારા ભણતર અને ભવિષ્યની ચિંતા જીવનમાં પુરુષના સાથની ઝંખના હોવા છતાં હું છોકરાઓ સાથે સહજતાથી વર્તી જ નથી શકતી. મને કોઈ યુવાનના સાથની ઈચ્છા છે પણ આ ડરને કારણે હું આગળ વધી જ નથી શકતી.”
ભાવના જેવી અનેક નવયુવતીઓ ભયના જંગલોમાં ભટકી જતી હોય છે અને દહેશતને કારણે એમને પોતાની આશા, ઉમંગો, અભિલાષા અને અપેક્ષાઓ સાથે ડગલે-પગલે અસહજ સમાધાન કરતી રહે છે.
સાચા અર્થમાં તો ભયની સાથે સમાધાન, તડજોડ અને બાંધછોડ કરીને પણ એનાથી મુક્તિ મળતી નથી અને કોઈને કોઈ રીતે ડરનું શલ્ય અંતરમાં કાયમ ખૂંચતું રહે છે. આમ કરીને “Fear Occupied Persona” – FOP નું પાટિયું મારીને એક ખોટા પ્રકારની સલામતિની ભ્રમણા ઊભી કરીને ભ્રામક ઈંદ્રજાળમાં આજીવન ફસાયેલાં રહેવાય છે પણ એમાંથી બહાર નીકળવા માટે હિંમત કરવી જરૂરી છે.
આખી વાતનો એક જ મતલબ છે કે જીવનના રસને પીવો હોય તો ભયના રાક્ષસને મ્હાત કરવો પડે છે.
આવનારા અંકમાં અન્ય બે વ્યક્તિઓના ભયની વાત કરીશું અને ભયને હરાવવાનાં હથિયારો વિશે પણ વાત કરીશું. દરેક હથિયારોને વિગતવાર આગળ બીજી શ્રેણીમાં સમજીશું. હાલ તો ભય અને ભયના પ્રકારોથી વાકેફ થઈશું.
(ક્રમશઃ)