અલ્પાંશ યુગલગીતોની અધિકતા ~ શ્રીકાંત ગૌતમ

યુગલગીતોના સંદર્ભે સાધારણ સમજણ એવી છે જે અલબત્ત અધિકાંશ સાચી પણ છે કે યુગલગીત ગાનાર ગાયક-ગાયિકાના ભાગે લગભગ અર્ધોઅર્ધ ગીત ગાવાનું આવે.

એટલે કે એક યુગલગીતની ધારો કે ચાર કે પાંચ કડીઓ હોય તો આ આખું ગીત ગાયક અને ગાયિકા વચ્ચે લગભગ સરખે ભાગે વહેંચાઈ જાય, પરંતુ અપવાદરૂપ યુગલગીતો એવાં પણ છે, જેમાં એક ગાયક અથવા ગાયિકાએ માત્ર એકાદ લીટી જ ગાઈ હોય અથવા માત્ર આલાપ આપ્યો હોય અથવા ગીતોની વચમાં વચમાં એકાદ-બે શબ્દો જ ગાયા હોય.

આજે આપણે અહીં આવાં અપવાદરૂપ યુગલગીતોની વાત કરીએ, જેને કદાચ ‘અલ્પાંશ યુગલગીત’ એવું નામ આપી શકાય.

‘‘ન તુમ હમેં જાનો; ના હમ તુમ્હે જાને,
મગર લગતા હૈ કુછ ઐસા; મેરા હમદમ, મિલ ગયા…”

આ ગીત ફિલ્મ ‘‘બાત એક રાત કી” (દેવ આનંદ, વહીદા રહેમાન)માં બે વાર આવે છે. એક હેમંતકુમારે ગાયું છે અને બીજું સુમન કલ્યાણપુરે, પરંતુ હેમંતકુમા૨ દ્વારા ગવાયેલાં આ ગીતના અંતરામાં હેમંતકુમારની ગાયકીની સાથોસાથ આલાપ આવે છે, જે સુમન કલ્યાણપુરે ગાયો છે. એટલે ગાયક હેમંતકુમાર સાથેના આ યુગલગીતમાં ગાયિકા સુમન કલ્યાણપુરનો માત્ર આલાપ છે.

આવી જ રીતે ફિલ્મ ‘સોને કી ચિડિયાઁ’ ફિલ્મમાંય તલત મહેમુદ અને આશા ભોંસલેનું એક યુગલગીત છે.

‘‘પ્યા૨ ૫૨ બસ તો નહીં હૈ મેરા, લેકિન ફિર ભી,
તું બતા દે કે તુઝે પ્યાર કરું યા ના કરું…”

https://www.youtube.com/watch?v=dYchgFUtmgo

આ ગીતમાં આશા ભોંસલેએ કોઈ કડી નથી ગાઈ, પણ આલાપ આપ્યો છે, જેનું ચિત્રીકરણ અભિનેત્રી નૂતન ઉપર થયું હતું.

નૂતન અને રાજ કપૂર અભિનિત ફિલ્મ અનાડીમાં લતા મંગેશકર અને મુકેશનું એક યુગલગીત હતું. આ યુગલગીતમાં ગાયક મુકેશે માત્ર એક જ લીટી ગાઈ છે બાકી આખું ગીત લતા મંગેશકરના અવાજમાં છે, આ ગીત હતું.

‘‘વો ચાંદ ખિલા, વો તારે હઁસે; યહ રાત અજબ મતવાલી હૈ,
સમજનેવાલે સમજ ગયે હૈ; ના સમજે, ના સમજે વો અનાડી હૈ…’

ગાયક મુકેશે માત્ર આ જ લીટી ‘ના સમજે વો અનાડી હૈ…’નો પુનરોચ્ચાર લતા સાથે કર્યો હતો. ગીતના પ્રારંભમાં જ પુનરોચ્ચાર પહેલી કડીમાં આવે છે. પછીની કડીમાં ‘‘ના સમજે, ના સમજે વો અનાડી હૈ…” માત્ર લતા જ ગાય છે. ફિલ્મ ‘‘શબાબ’’માં હેમંતકુમાર અને લતા મંગેશકરનું એક યુગલગીત હતું.

‘‘ચંદન કા પલના, રેશમ કી ડોરી; ઝૂલા ઝૂલાઉ નિંદીયાઁ કો તોરી….” આ આખું ગીત હેમંતકુમારે ગાયું છે અને અંતિમ અંતરામાં લતાએ હેમંતકુમારનો સાથ આપ્યો છે,

‘‘ઊંચે ગગન સે કોઈ બુલાયે, લાયી હૈ પરિયાઁ ડોલા સજાયે
સજન સે મિલને દૂ૨ ચલી જા, ઉડને તૂં નિંદીયા ફૂ૨૨… ચલી જા…..

‘‘કારવાઁ’’ ફિલ્મમાં એક ગીત નૃત્યાંગના હેલન ઉપર ચિત્રિત થયું હતું.

‘‘પિયા તું અબ તો આજા; શોલા સા મન દહકે આ કે બુઝા જા,
તન કી જ્વાલા ઠંડી હો જાય; ઐસે ગલે લગા જા …’’

https://www.youtube.com/watch?v=46GGxF_Bwhg

આ ગીત આશા ભોંસલેએ ગાયું હતું અને એનો સાથ સંગીતકાર રાહુલદેવ બર્મને ગાયકના રૂપમાં આપ્યો હતો. ગાયક આર. ડી. બર્મને આખા ગીતમાં માત્ર એક જ લીટી ગાઈ હતી: ‘‘મોનિકા, ઓહ માય ડાર્લિંગ…’’

આવી જ રીતે ગાયક ભૂપેન્દ્રએ ફિલ્મ ‘‘જ્વેલથિફ’’ના એક ગીતમાં બે જ શબ્દો ગાયા હતા. આ ગીતમાં લતા મંગેશકરનો સંગાથ ગાયક ભૂપેન્દ્રએ આપ્યો હતો. આ ગીત હતું…

હોઠોમેં ઐસી બાત, મેં દબાકે ચલી આઈ,
ખુલ જાયે વોહી બાત તો દુહાઈ હૈ દુહાઈ
હાઁ રે હાઁ, બાત જીસમેં પ્યાર તો હૈ
ઝહર ભી હૈ, હાય…”

આ ગીતમાં ભૂપેન્દ્ર બે શબ્દો બે વાર ગાય છે, આ શબ્દો હતા, ‘‘ઓ શાલુ….’’

એવાં ત્રણ યુગલગીતોની વાત કરીએ, જેમાં પાર્શ્વગાયકોનો સાથ કોઈ પાર્શ્વગાયિકાએ નહીં, પરંતુ અભિનેત્રીએ આપ્યો છે. આ ત્રણ ગીતો જે ત્રણ ફિલ્મોનાં છે તે ફિલ્મો છે ”જબ જબ ફૂલ ખિલે”, ”સંગમ” અને ”એન ઈવનિંગ ઈન પેરિસ’.

‘જબ જબ ફૂલ ખિલે ’’ ફિલ્મનું ગીત હતું,

‘‘એક થા ગુલ ઔર એકથી બુલબુલ,
દોનોં ચમનમેં રહતે થે, હૈ યે કહાની બિલકુલ સી,
મેરે નાના કહતે થે……

મહમદ રફીનાં આ ગીતમાં અભિનેત્રી નંદા ગવાતાં ગીતમાં વચમાં વચમાં ‘કૈસે ગાતી થી?”, ‘‘કૈસે શરમાતા થા?’’, ‘‘બોલો ના બોલો…’’ વગેરે વાક્યો બોલે છે. આવી જ રીતે ફિલ્મ ‘‘સંગમ”નું ગાયક મુકેશના કંઠેથી ગવાયેલું ગીત હતું,

‘‘મેરે મન કી ગંગા ઔર તેરે મનકી જમના કા
બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ…”

https://www.youtube.com/watch?v=GZs1cC1rE2Y

આ ગીતમાં પણ અભિનેત્રી વૈજંતીમાલા, ‘નહિ કભી નહિ’’… શબ્દો વચમાં બોલે છે અને અંતમાં થાકી હારીને બોલી ઊઠે છે,

‘‘જાઓ ના ક્યોં સતાતે હો, હોગા, હોગા, હોગા…

અને ફિલ્મ ‘‘એન ઈવનિંગ ઈન પેરિસ”નું ગાયક મહમદ રફીની ગાયકીનો સંગાથ અભિનેત્રી શર્મિલા ટાગોર કરે છે. ગીત હતું,

‘આસમાઁ સે આયા ફરિસ્તા, પ્યાર કા સબક સિખલાને,
દિલમેં હૈ તસવી૨ યાર કી લાયા હું વો દિખલાને
કહો પ્યાર હૈ તુમસે, જાના કહો પ્યાર હૈ તુમસે.’

https://www.youtube.com/watch?v=Qxbx0Qo2eq4

જેના જવાબમાં શર્મિલા બોલે છે, ‘‘જા, જા જાજાજા……….” અને આમાં પણ અંતે થાકીને કહે છે. ‘‘હાં, હાં, કહા ના હાં હૈ…”

અંતે એક અદ્‌ભુત અલ્પાંશ ગીતની વાત. ફિલ્મ ‘‘ફિર સુબહ હોગી’’ના સંગીતકાર ખય્યામ રચિત સ્વરરચના અને શાયર સાહિર લુધિયાનવી રચિત શબ્દરચનાના સુરીલા સમન્વય થકી સર્જાયેલું ગીત હતું,

‘‘વોહ સુબહ કભી તો આયેગી,
વોહ સુબહ કભી તો આયેગી..”

આ આશાભર્યું ગીત ગાયું હતું ગાયક મુકેશે જ્યારે આ ગીતમાં વચ્ચે વચ્ચે ગાયિકા આશા ભોંસલેનો હલકભર્યો સ્વર માત્ર આલાપ ગાવા પૂરતો ભળે છે અને આખા ગીતને એક નવલો નિખાર મળે છે, એક અનેરો ઉઠાવ સાંપડે છે.

તો આ એક ઝલક હતી, પૂર્ણ યુગલગીતને બદલે અલ્પાંશ યુગલગીતોની.

~ શ્રીકાંત ગૌતમ, મુંબઈ  

આપનો પ્રતિભાવ આપો..