એ લોકો (એકોક્તિ) ~ અમી ભાયાણી, ભોપાલ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૩
વર્ષો પહેલાં, ગભરુ બાળમાનસ ‘એ લોકો’ને જોતાં જ ભયગ્રસ્ત થઈ જતું. બરછટ, પૌરુષીય ચહેરા, તેના પર ઠઠાવેલો ભડકીલો મેકઅપ, કમર સુધી લટકતો ખોટા વાળનો ચોટલો, સ્નાયુબદ્ધ શરીર પર વીંટળાયેલી સાડી અને વાળવાળા બરછટ હાથોમાં કાચની રંગબેરંગી બંગડીઓ.
અઠવાડિયાના કોઈ એક ઠરાવિક દિવસે તો ઘરની બહાર નીકળતાં જ ડર લાગતો.
“બેટા, પૌંઆ ખલાસ થઈ ગયા છે, જરા નાકાની વાણિયાની દુકાનમાંથી દોડતી જઈને લઈ આવ ને?” મમ્મીનો અવાજ સાંભળતાં વેંત આજે કયું બહાનું આગળ કરવું એની ગડમથલ મનમાં જ ચાલુ થઈ જતી.
“મમ્મી, આજે માથું બહુ દુખે છે. આજે નેહાને મોકલને, પ્લીઝ!” અવાજ રડમસ થઈ જતો અને આંખોમાં ઝળઝળિયાં આવી જતાં. એવું નહોતું કે હું કોઈ બહુ સારી અદાકારા હતી, પણ મનમાં વ્યાપેલો ડર ચહેરા પર છતો થઈ આંખોના માધ્યમથી છલકાઈ જવા માર્ગ શોધતો.
પણ સ્કૂલમાં તો જવું જ પડતું. ત્યારે પણ નજર આકળવિકળ થઈ ચારે દિશામાં ભમતી જ હોય. જાણે એ લોકો આકાશમાંથી ટપકી ન પડવાના હોય!
દૂરથી જ તેમની ટોળી દેખાય ત્યાં પગમાં ગતિનો સંચાર થઈ જતો. હૃદય એક અજ્ઞાત ભયથી ફફડી ઊઠતું. દસ મિનિટના઼ અંતરે આવેલી શાળા જાણે જોજનો દૂર લાગતી. શ્વાસ ફૂલી જાય તેટલી ઝડપે દોડીને સ્કૂલના ગેટની અંદર પ્રવેશ્યા પછી જ પગ થંભતા. તોય એક નજર પાછી વાળીને ‘એ લોકો’ પીછો તો નથી કરતા ને? તે જોઈ લેવાની લાલચ રોકી ન શકાતી. થોડા વખત સુધી તો કાનોમાં તેમના તબોટાનો અવાજ ગુંજતો રહેતો.
તે વખતે તો આવા લોકો હોય જ તે મને સ્વીકારી લીધેલું. આ લોકો આવા કેમ? તેઓ ક્યાં રહેતા હશે? ભીખ જ માગતા હશે કે બીજું કંઈ કામ પણ કરતા હશે? તેમને કુટુંબ હોતું હશે? એવી કોઈ જિજ્ઞાસા કેમ નહોતી થઈ તેની હવે નવાઈ લાગે છે. કદાચ તેમના પ્રત્યેના ડરની લાગણી એટલી તીવ્ર હતી કે બીજું કંઈ વિચારવા માટે મનમાં જગ્યા જ ન હતી.
થોડા મોટા થયા પછી સમજણ આવી ત્યારે આ લોકો વિશે થોડી જિજ્ઞાસા થઈ, પણ પૂછવું કોને? ઘરમાં કોઈ મોટાને પૂછીએ અને ઠપકો મળે એવા ડરથી એ ઉત્કંઠા મનમાં જ દબાવી દીધી, પણ પછી જ્યારે પણ એ લોકો દેખાતા ત્યારે એ પ્રશ્નો ફરી મનનો કબજો લઈ લેતા, પણ મનનો ડર તો હજી તેવો જ હતો.
જેવા એ લોકો નજીક આવતા દેખાય, તેવું જ પર્સ ખોલીને પૈસા તૈયાર જ હોય. પૈસા નહીં આપીએ તો હેરાન કરશે, શ્રાપ આપશે એવા ડરથી જ તો! એમનો કરડાકીભર્યો પૌરુષીય અવાજ, સાથે પડાતા તાબોટા અને ચેનચાળાને કારણે પૈસા આપતાં પણ હાથ થથરી જતો અને હૃદય ભયથી કંપી ઊઠતું.
એવામાં અચાનક જ એક દિવસ એક સામયિક હાથમાં આવ્યું જેમાં વ્યંડળો વિશેનો એક આખો લેખ ખૂબ જ વિસ્તારપૂર્વક ઝીણામાં ઝીણી વિગતો સાથે છપાયો હતો. તેમના જન્મથી માંડીને મૃત્યુ સુધીની બધી જ વાતોનો તેમાં ખૂબ જ સ્પષ્ટ ખુલાસો હતો.
જે વ્યક્તિઓ અત્યાર સુધી ખૂબ જ રહસ્યમય લાગતી હતી, જેમના માટે મનમાં ક્રોધ અને ઘૃણા હતી તેમના માટે હવે દયા આવતી હતી. તેમની સામે નજર માંડીને જોવામાં હવે ડર નહોતો લાગતો. તેમને ભીખ આપવામાં મનનો ડર જે ભાગ ભજવતો, તેનું સ્થાન હવે સમજણે લીધું હતું. આપણે એમને પૈસા નહીં આપીએ તો તેઓનું ગુજરાન કેવી રીતે ચાલશે તેવી ભાવના તેમને પૈસા આપવા પ્રેરતી.
પછી આ જ વિષય પર આધારિત આપણા દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ અભિનીત એક ફિલ્મ ‘તમન્ના’ જોઈ. મન પર કાબૂ ન રહ્યો. આંખોમાંથી વહેતી અશ્રુધારા ક્યારે ચહેરાને ભીંજવી ગઈ તેની ખબર ન રહી. ફિલ્મ તો પૂરી થઈ ગઈ, પણ મન અશાંત થઈ ગયું. દિવસો સુધી મન ઘેરી ગમગીનીમાંથી બહાર ન આવી શક્યું.
હવે એ લોકો વિશે જાહેરમાં વાત કરી શકવાની થોડીઘણી હિંમત આવી હતી. અમારું આખું કુટુંબ મહિનામાં એક દિવસ અમે માનેલા આધ્યાત્મિક ગુરુનું પ્રવચન સાંભળવા જતા. યોગાનુયોગ, તે જ દિવસે એમના પ્રવચનનો વિષય હતો – ઈશ્વરનો પ્રેમ.
“એના પ્રેમની અવિરત ધારા દરેક જીવને કોઈ પણ જાતના ભેદભાવ વિના તરબોળ કરે છે. એની નજરમાં તો એક ખૂની-લૂંટારો અને એક સંત સૌ એકસમાન છે. શું આવો પરમપિતા પરમેશ્વર કોઈને ક્યારેય સજા કરી શકે કે દુઃખ આપી શકે?”
ગુરુજીના અસ્ખલિત વાણીપ્રવાહમાં શ્રોતાગણ આકંઠ ભીંજાઈ રહ્યો હતો, પરંતુ મારા મનમાં અસંખ્ય પ્રશ્નો, વિચારો આકાર લઈ રહ્યા હતા.
જેવું જ એમનું પ્રવચન પૂરું થયું, હું દોડતી જઈ, નમસ્કારની મુદ્રામાં એમની સમક્ષ નતમસ્તક ઊભી રહી. મારું મન જાણે એમણે વાંચી લીધું હોય એમ ચહેરા પર એક હળવા સ્મિત સાથે ખૂબ કોમળ અવાજમાં એમણે કહ્યું, ”બેટા, મનમાં જે પણ ઘમસાણ ચાલી રહ્યું છે, એને પહેલાં તો શાંત કરી દે અને જે કંઈ શંકા છે, તે કોઈ પણ જાતના સંકોચ વિના પૂછી લે.”
એમનું આ વાક્ય પૂરું થાય એટલી રાહ જોવાનું પણ મારા માટે મુશ્કેલ હતું. એક જ શ્વાસે બને એટલી હિંમત ભેગી કરી મેં પૂછી જ લીધું,
‘‘ગુરુજી, એવું જ હોય તો અમુક લોકોને એણે આપણા કરતાં જુદાં કેમ બનાવ્યાં?” અજાણતાં જ મારા અવાજમાં આક્રોશ વધતો જતો હતો. થોડીક સભાનતા સાથે અવાજ પર કાબૂ લાવવાના પ્રયત્ન કરતાં મેં પૂછ્યું, ‘‘એમનું જીવન કેમ આટલી પીડા અને મુશ્કેલીઓથી ભરપૂર છે?’’
એમના શાંત, તેજસ્વી ચહેરા પરની એક પણ રેખા વિચલિત ન થઈ. એમની આંખોમાં ભરપૂર કરુણા અને વાત્સલ્ય હતાં. “બેટા, આજે હું એ વિષય પર તને કંઈ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો તને નહીં સમજાય કારણકે તારું મન કેટલાય પૂર્વગ્રહોથી ભરેલું છે. બીજી વાર ક્યારેક શાંત મગજ હોય ત્યારે આવીશ તો આપણે વિસ્તારથી વાત કરીશું.” કહેતાં જ એમણે મારા માથા પર ખૂબ પ્રેમથી હાથ ફેરવ્યો.
આવી વિભૂતિઓને જ કદાચ લોકો સદ્ગુરુ કહેતા હશે. કંઈ પણ બોલ્યા વગર જ તમને એ દિશા તરફ વાળી દે, કે જ્યાંથી તમને તમારા પ્રશ્નોના જવાબ મોડા-વહેલા મળી જ રહે. મારી બાબતમાં પણ કંઈક એવું જ થયું.
પછીના દિવસોમાં ઓશો અને તેમના જેવા બીજા મહાન ચિંતકો અને વિચારકોનાં અનેક પુસ્તકો વાંચ્યાં. તેમાંની ઘણી વાતોનું માત્ર વાંચન જ નહીં, પરંતુ તેની પર ચિંતન કરી અમલમાં મૂકવાની જરૂર છે એમ લાગ્યું.
તેમાંનાં મોટા ભાગનાં પુસ્તકોનો સાર એવો હતો કે આપણે બધા જ ઈશ્વરનાં સંતાનો છીએ. જીવમાત્ર પ્રેમ ઇચ્છે છે. પ્રેમનો પ્રતિસાદ પ્રેમમાં જ મળે છે. આ વિચારો અમલમાં મૂકવાનો પ્રયત્ન ચાલુ હતો. મોટા ભાગે પરિણામ વિધેયક આવતું તેથી આ વાતોમાં વિશ્વાસ, શ્રદ્ધા દૃઢ થતાં ગયાં.
થોડા વખત પછી, એક દિવસ ટ્રેઈનમાં ક્યાંક જતી હતી. ત્યાં વ્યંડળોની ટોળી દૂરથી જ નજરે પડી. મન દયાથી ઊભરાઈ ગયું. હંમેશની જેમ વિચાર આવ્યો. આપણે આવા લોકોને મદદ નહીં કરીએ તો તેમનું શું થશે? જોગાનુજોગ તે દિવસે પર્સમાં છુટ્ટા પૈસા જ નહીં. માત્ર ૧૦૦ની અને ૫૦૦ની નોટો. મન ઉદાસ થઈ ગયું. તેમને મદદ નહીં થાય અને ઉપરથી તેમનાં શ્રાપ અને ગાળો સાંભળવા પડશે તે નફામાં.
એ ટોળીમાંનો એક વ્યંડળ એકદમ નજીક આવી ગયો અને ચિત્રવિચિત્ર હાથચાળા કરતો, ભારેખમ અવાજમાં બોલ્યો, ”એય હિરોઇન, ચલ પૈસે નિકાલ.” અચાનક જ વાંચેલા પુસ્તકોનું જ્ઞાન યાદ આવ્યું. ઘણી જગ્યાએ સારાં પરિણામો આવ્યાં હતાં તો અહીં કેમ નહીં? અને એક વિચારે મનનો કબજો લઈ લીધો. તેઓ પણ ઈશ્વરનાં જ સંતાનો છે અને ઈશ્વર તેમનું પણ ધ્યાન રાખે છે. તેમના હૃદયમાં પણ એ જ પ્રેમ અને કરુણા છલકે છે જે મારા હૃદયમાં! આ જ વિચારોનું પ્રતિબિંબ એવું એક સ્મિત ચહેરા પર ફેલાઈ ગયું.
સામે હાથ ફેલાવી તાબોટા પડતા વ્યંડળની આંખોમાં જોઈ, ‘પૈસા નહીં મળે’ની મુદ્રામાં ડોક ડાબે-જમણે ઘુમાવી. સ્મિતની જાણે જાદુઈ અસર થઈ! ડરામણા લાગતા વ્યક્તિત્વમાંથી એક મધુર સ્મિતની સરવાણી ફૂટી! તેનો હાથ અચાનક જ આશીર્વાદ આપતો હોય તેમ મારા માથા પર ફર્યો અને તે તાબોટા પાડતો બાજુની વ્યક્તિ તરફ સરી ગયો.
****

amisalil@gmail.com