દેવાધિપતિ ઇંદ્ર (એકોક્તિ) ~ મહેશ ધીમર ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૨
આર્તનાદ… ત્રાસી ગયું છે જગત… ત્રાસી માનવજાત… ત્રાસ્યાં પશુ-પંખીઓ, વનસ્પતિ-વૃક્ષો, ગંધર્વો, યક્ષો, કિન્નરો… સૌની એક જ ફરિયાદ… એક જ વિવાદ. વૃત્રાસુરનો ત્રાસ.. ત્રાસ ને ત્રાસ…
પધારો પધારો દેવગણ! અરે, અરે! તમે પણ વૃત્રાસુરથી ભયભીત છો! વાયુદેવ! એક ફૂંક માત્રથી ગગનગોળાઓને ફંગોળી દેવાની તાકાત ધરાવતા તમે! તમે પાંદડાની જેમ ફફડો છો? ને અગ્નિદેવ! કેમ ઠંડા પડી ગયા છો? શું કહો છો? બધા દેવો વારાફરતી વૃત્રાસુર સામે લડ્યા… ને સૌનાં અસ્ત્ર-શસ્ત્ર નિષ્ફળ ગયાં, એમ જ ને? ખરેખર!
દુર્જનોનાં ટોળાં સંગઠિત થઈને હુમલા કરે ને સજ્જનો જ્યાં વેરવિખેર હોય, તો પરિણામ આવું જ આવે ને? ચાલો, સંગઠિત થઈએ. માનવજાતને ઘણી અપેક્ષા છે આપણી પાસે. સઘળી માનવજાત આ અસુરગણથી ત્રાસ પામે, લાચાર બની જાય, નિસાસા નાખે, પીડાય અને આપણે દેવતાઓ નિષ્ક્રિય થઈને બેસી રહીએ એ કેમ ચાલે?
વૃત્રાસુર… વૃત્રાસુર… વૃત્રાસુર… અત્ર તત્ર સર્વત્ર… દશે દિશાઓમાંથી સંભળાય છે…. આર્તનાદ… આર્તનાદ…
હે આતંકવાદીઓ! અંતિમસંસ્કાર માટે તૈયાર થઈ જાઓ.
હે અકારણ હિંસા ભડકાવનારાઓ, લૂંટફાટ કરનારાઓ, હત્યારાઓ! આજ સુધી તમે નિર્બળ લોકોને કચડ્યા છે. અહિંસાના પૂજારીઓનાં લોહીથી ધરતી લથબથ કરી છે. તમે મત્સ્યાવતાર, કૂર્માવતાર ને વરાહ અવતાર – ભગવાનના ત્રણ ત્રણ અવતારોએ યુગો સુધી અવિરત પરિશ્રમ કરીને સ્થાપિત કરેલાં સાંસ્કૃતિક મૂલ્યોને હચમચાવી દીધાં છે.
તમારા ભોગવાદને કારણે પૃથ્વીનાં કુદરતી સંસાધનો બેફામ રીતે વપરાઈ રહ્યાં છે. ખાઓ, પીઓ ને મોજ કરોની સ્વાર્થ વૃત્તિથી નીતિ-મૂલ્યોનું અધ:પતન થયું છે. અધર્મ જ્યાં ધર્મ બનીને નાચવા લાગ્યો છે. યુવાનો સ્વચ્છંદી થયા છે. ગાયો અને સ્ત્રીઓ ખુલ્લેઆમ વેચાય છે. બાવાઓ માળા લઈને મણકા ફેરવતા રહ્યા છે.
હું અદિતિનો જ્યેષ્ઠ પુત્ર! હું તમારો કાળ છું. હે મારા દિવ્ય શક્તિશાળી અસ્ત્ર-શસ્ત્રો! સાવધાન! આ દુષ્ટોને દંડ આપો. હું દેવરાજ ઇંદ્ર, મારા પ્રહારમાત્રથી સર્વ રાક્ષસોનો સંહાર થશે….
(પ્રહારનો અભિનય, વિસ્મિત, આઘાત અનુભવતાં નિરાશ થઈ….)
અહહ! આટઆટલો લાચાર, આટલો હીણો, આવો નિર્માલ્ય તો સ્વર્ગનો અધિપતિ ક્યારેય નથી થયો! આ, આ ઘોર અંધકારનો નાશ કરવા કોઈક ઉપાય શોધવો પડશે.
(લથડતી ચાલ…) સજ્જનો! ધૈર્ય ધરો! ભયભીત ન થાઓ. સજ્જ થાઓ, સંગઠિત થાઓ. ભાગાભાગ કરશો તો ભાંગી જશો. ભાગ્યહીન થશો. ભીતરની ભીતિને ભગાડો. એક જ ઉપાય છે. આ આતંકીઓનો સામનો કરીએ. સામી છાતીએ સામુદાયિક સામનો કરીએ.
હા, અમે સૌ દેવો જઈ રહ્યા છીએ. હા! એ મહાપુરુષના આશ્રમનો માર્ગ લોકો વિના પૂછ્યે બતાવી રહ્યા છે, પણ પણ હું ખચકાટ અનુભવી રહ્યો છું. જે હાથ વડે આપવાની જ ટેવ પડી હોય એ જ હાથ વડે કશુંક માગવાનું થાય ત્યારે એ હાથ અને હૈયાના કેવા હાલ થાય એ જાણવું હોય તો પૂછો. મને પૂછો. અહહ! મહાબાહુ દેવાધિપતિના હાથ આજે કાંપી રહ્યા છે. હા, એ મહર્ષિ દધીચિનો જ આશ્રમ હશે જ્યાં હરણના બાળ સાથે સિંહણનું બચ્ચું અહિંસક બનીને ખેલી રહ્યું છે.
અહો! ધ્યાનમૂર્તિ દધીચિ મુનિ! હે મહર્ષિ! હું અદિતિ અને કશ્યપનો પુત્ર. સૌ દેવતાઓ સહિત આપશ્રીને વંદન કરું છું. આપની આંખોની કારુણ્ય વર્ષાથી સહુ શાતા અનુભવીએ છીએ. ધન્ય ધન્ય થઈએ છીએ.
હે પ્રભો! અમે સૌ દેવતાઓ સ્વાર્થને કારણે અહીં તમારા શરણે આવ્યા છીએ. તમારા સાધના નિવાસથી બહારનું જગત ત્રસ્ત છે, ભયગ્રસ્ત છે. પળેપળ વ્યાપી રહેલા વૃત્રાસુરનો અંધકાર જગતને ભરખી જશે. પ્રભો! આપ જ અમારી રક્ષા કરવાને સમર્થ છો.
હે જીવનરક્ષક! હે વિધાતા! જગતને વિનાશમાંથી ઉગારી લેવા બ્રહ્માજીએ એકમાત્ર ઉપાય સૂચવ્યો છે. મનુષ્યત્વ અને દેવત્વને બચાવી લેવા માટે જીવનજળ કાજે તમારા બલિદાનની…. ઓહ! હું આવું નઘરોળ શી રીતે ઓચરી શકું છું?… હું દેવ છું કે દાનવ?….. તપોનિષ્ઠના જીવનને હોમ્યા વિના શું સાંસ્કૃતિક યજ્ઞ પ્રજ્વલિત ન થઈ શકે? અહો! આશ્ચર્ય! આશ્ચર્ય! દધીચિના પાવનકારી દેહમાંથી પાવકજ્વાલા પ્રગટી રહી છે. એના ઝળહળાટથી અમારી આંખો અંજાઈ ગઈ છે અને હવે…. હવે ચમત્કાર સમ ચમકીલું તેજપુંજ સમું અસ્થિપિંજર સમગ્ર જગતને અજવાળી રહ્યું છે.
દૈવી વૃત્તિ ધરાવતા દધીચિ! હે તપોનિષ્ઠ! તારા દેહદાનથી જીવસૃષ્ટિને જીવવા માટેનું બળ મળે. તારાં રક્ત, માંસ, મજ્જા, વીર્ય વિશ્વને કલ્યાણકારી થાય. તારા અસ્થિપિંજરથી અંધકારને ચીરી નાખતું અસ્ત્ર નિર્માણ થાય… ને અમે દેવો ઐંદ્રિય સુખોપભોગ ભોગવવામાં જ રાચીએ. અમારા તો હાડકાંય હલકટાઈનાં. અરે! અમારા હીણકર્મીનાં હાડકાં કદાચ કૂતરાંય ન ખાય. આજે દેવાધિપતિ ઇન્દ્ર કૂતરા કરતાં પણ હીણો થઈ ગયો…. ઋષિના જીવનને હણીને પોતાના જીવનને બચાવનાર કાયર હું! હું ધિક્કારું છું આવા દેવત્વને.
વિશ્વકર્મા! લઈ જાઓ આ અસ્થિપિંજરને. એનો તાપ મારાથી સહેવાતો નથી. એમાંથી સર્જો મહાભયંકર અસ્ત્ર! જેના થકી વિશ્વનું કલ્યાણ સાધી શકાય……
હા! આ છે વાદળોમાં ઝબકતી વીજળી જેવું, ઝબક ઝબક અક્ષય ઊર્જા પ્રહારથી પર્વતની પાંખોના કટકે કટકા કરવાની ક્ષમતા ધરાવતું અમોઘ શસ્ત્ર – વજ્ર! સ્વયં વીજળી ચમકાર! સો સો સૂર્યનો અજવાસ. મહાન દધીચિના અસ્થિમાંથી સર્જાયું આ અસ્ત્ર! આ વજ્ર!
હે મહાન વજ્ર! જાવ! જાવ અને આ જગતમાં ફેલાયેલા આસુરી તત્ત્વોનો વિનાશ કરો. વૃત્રાસુર! વૃત્રાસુર! સાવધાન! તારા આતંકનો નાશ કરવા માટે આવી રહ્યું છે ઈશ્વરવાદી ઇંદ્રનું વજ્ર! દેવાધિપતિ ઇંદ્રનું વજ્ર!

“દેવાધિપતિ ઇંદ્ર” – આ એકોક્તિ વર્ષ 2006માં રચાયેલી. જેનાં મૂળ દાનસ્તુતિ પ્રકરણ (વર્ષ -૨૦૦૧) માં …. સ્થાનિક કક્ષાએ ભજવાયેલી.. પરંતુ પ્રિન્ટ મીડિયામાં અપ્રકાશિત.
કૃતિ માણજો. પ્રતિભાવ આપશોજી.
હિતેન આનંદપરાનો ખૂબ ખૂબ આભાર 🙏
મિત્ર ધાર્મિક પરમારનો પણ વિશેષ આભાર 🙏🌺