ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:11 (12માંથી)

‘નીતાની ડાયરી? એણે વળી ક્યારે ડાયરી લખી?’ સુધાંશુભાઈ આંચકો ખાઈ ગયા.

‘આ ડાયરી મમ્મીએ આજે જ, હમણાં થોડીવાર પહેલાં જ લખી છે. આમ જુઓ તો આને ડાયરી કહેવાય એવું છે જ નહીં.’

ઘડીભર પહેલા ધબકવાનું ચૂકી ગયેલું સુધાંશુભાઈનુ હૈયું ફરી ધબકવા લાગ્યું.

‘તેં કહ્યું ડાયરી એટલે મને થયું કે, કોણ જાણે નીતા ક્યારે લેખિકા બની ગઈ?’ આટલું બોલીને એ પરાણે હસ્યા.

‘એક્ચ્યુલી પપ્પા, આ ડાયરી તો હું જ ઘરેથી લેતી ગયેલી. મને થયું કે, ચાલો, આજે એક નવો પ્રયોગ કરી જોઈએ. ઓફકોર્સ, એને માટે ડૉ. સાહેબની પરમીશન તો લીધી જ.’

‘હા પણ તારો પ્રયોગ કેવો હતો એ તો કહે!’

‘પ્રયોગમાં બીજું કશું નહીં. ડાયરી ને પેન મમ્મીના હાથમાં આપીને કહ્યું, તમારાં મનમાં જે વિચાર આવતા હોય, તમને જે કંઈ લખવાની ઈચ્છા થતી હોય એ આમાં લખો.’

સુધાંશુભાઈનાં આખાય શરીરનું લોહી જાણે આંખોમાં ધસી આવ્યું હોય એમ એમની આંખો લાલચોળ થઈ ગઈ.

‘પછી? પછી એણે શું લખ્યું?’

આભાએ ડાયરી ખોલીને બતાવ્યું તો પાને પાને બે નામ લખેલાં હતાં – અંકિતા અને ચાર્વી. આખી ડાયરી આ બે નામથી ભરેલી હતી. નીતાના હાથે લખાયેલા આ બે નામ જાણે ધગધગતા અંગારા હોય એમ સુધાંશુભાઈને એની ઝાળ લાગી ગઈ. એ ધબ્બ દઈને ખુરશી પર બેસી પડ્યા. પોતે જ ગોઠવેલી શતરંજની રમતમાં હવે ચેકમેટ થવાનો સમય બહુ નજીક આવી પહોંચ્યો હતો.

‘પપ્પા, ચાર્વી તો બરાબર પણ આ અંકિતા કોણ એ સમજાતું નથી. ડૉ. પણ કહેતા હતા કે, ઘરમાં બધાને પૂછી જોજે. કદાચ આમાંથી કોઈ મહત્વની કડી મળી જાય.’

‘એ વાત તો સાચી પણ મારા જાણવામાં આ નામની કોઈ છોકરી… હા, બાજુવાળા કાંતાબેનની દીકરીનું નામ અંકિતા હતું ખરું, પણ નીતાને આટલાં વર્ષો પછી એ યાદ આવે એવું શક્ય નથી.’

બહુ સ્પષ્ટ હતું કે, એક પછી એક કોઠા ભેદતી આભા હવે ચક્રવ્યૂહના અંતિમ કોઠામાં પ્રવેશી ચૂકી હતી.

***

ઑફિસેથી થાકીને આવેલા સુધાંશુએ જોયું કે આજે પણ કશું રાંધેલું નથી. ચાર્વી ઘોડિયામાં પડી પડી આટલું જોરથી રડી રહી છે પણ નીતાને જાણે કંઈ સંભળાતું જ નથી. નીલેશ અને પ્રશાંત તો બિચારા ક્યાં રખડતા હશે, કોને ખબર? બહારથી થાકીને આવેલા અને ઘરકંકાસને કારણે હમણાં હમણાં ટેન્શનમાં રહેતા સુધાંશુનું મગજ છટક્યું ને એણે ત્રાડ પાડી,

‘બહેરી થઈ ગઈ છે? આ છોકરી આટલું રડે છે એ સંભળાતું નથી? સાલું ઘરે આવો એટલે બૈરીનું ચઢેલું મોઢું જોવાનું, ખાલીખમ રસોડું જોવાનું ને ભૂખ્યા પેટે સૂઈ જવાનું. આ તે કંઈ જિંદગી છે? કંટાળી ગયો છું હવે!’

ચૂપચાપ બેઠેલી નીતા ફટાક દઈને ઊભી થઈ. સુધાંશુ સામે ધારદાર નજર કરી ને પછી વિચિત્ર મોઢું કરીને હસી પડી. જાણે કંઈ સામાન્ય વાત કરતી હોય એમ એણે કહ્યું,

‘લે, એમ કંટાળ્યે થોડું ચાલે? હજી તો તમે ચોથા છોકરાના બાપ બનવાના છો. અંકિતાએ વધામણી આપી, કે પછી મારે મોઢે જ આ સારા સમાચાર સાંભળવા મળ્યા? એને ત્રીજો મહિનો પૂરો થયો ને ચોથો બેઠો. મોઢું તો મીઠું કરાવો!’

નીતાના ઝેર પાયેલા શબ્દો બરાબર અસર બતાવતા હતા. એણે જે વાત કરી એ સુધાંશુ માટે નવી જ હતી. એ જાણે શરમથી કોકડું વળી ગયો. સૌ કોઈ મારી પર થૂ થૂ કરશે. આખી જિંદગીમાં કમાયેલી ઈજ્જત ધૂળમાં મળી જશે. શું કરું? ક્યાં જાઉં? બચવાનો છેલ્લો વ્યર્થ પ્રયત્ન કરતાં એણે પૂછ્યું,

‘આવી ધડ-માથા વગરની વાત ક્યાંથી લઈ આવી? લોકો તો ગમે તે બોલે. એ બધું સાચું માની લેવાનું?’

‘લોકો બોલે એ નહીં પણ અંકિતા પોતે કહે એ સાચું માનવાનું કે નહીં? આજે બપોરે એ પોતે જ મને વાત કરી ગઈ, પણ એ ખોટું બોલતી હોય તો હજી મને કહો. અબઘડી જઈને એનાં મોઢા પર ખાસડું મારી આવું.’

નીતાનું આવું રૌદ્ર રૂપ જોઈને એ ડઘાઈ ગયો. એનો હાથ પકડીને એ જોરથી રડી પડ્યો,

‘મને માફ કર નીતા, મેં તારો ગુનો કર્યો છે.’

‘માફી મારી શા માટે માગવાની? માફી તો એ છોકરીની માંગો જેની જિંદગી તમે ધૂળધાણી કરી નાખી. તમે એ મા સમાન કાંતાબેનનો ગુનો કર્યો છે જેણે આંખ મીંચીને તમારી પર ભરોસો મૂક્યો, જેમના તમારી ને મારી પર ગણ્યા ગણાય નહીં એટલા ઉપકારો છે.’

દુ:ખ અને આક્રોશથી નીતાની કાયા ધ્રૂજતી હતી, ‘એ છોકરી તો બિચારી નાદાન છે, એનામાં દુનિયાદારીની સમજ ન હોય એ સમજ્યા, પણ તમે? મારી સાથેનો સંસાર ભોગવીને ધરાયા નહીં તે એ નિર્દોષની જિંદગી ધૂળધાણી કરી નાખી?’

‘તારી વાત સાવ સાચી છે. હું કેમ આટલી અધમ કક્ષાએ પહોંચી ગયો એ મનેય સમજાતું નથી. આજે તારી પાસે મારા બધા ગુના મારે કબૂલવા છે. પ્રશાંતની ડિલીવરી માટે તું પિયર ગઈ અને અંકિતાની આપણાં ઘરમાં અવર-જવર વધી ત્યારથી હું એના તરફ આકર્ષાયો. તું પાછી આવી ને જિંદગી ફરીથી પહેલાની જેમ ગોઠવાઈ ગઈ હતી, પણ જ્યારે તું ચાર્વી વખતે ગઈ ત્યારે અમે બંને સંયમ ખોઈ બેઠાં. હવે હું કોઈને શું મોઢું બતાવીશ? આજ સુધી સમાજમાં મેં મેળવેલા માન, પ્રતિષ્ઠા બધું…’

‘આટલું બધું થવા છતાં અંકિતાની બદનામીનો કે યાતનાનો વિચાર આવવાને બદલે તમને તમારાં માન અને આબરુ જ દેખાય છે? તમે આટલા બધા સ્વાર્થી? હું ધિક્કારું છુ તમને, નફરત કરું છું.’

ચાર્વીને ખોળામાં લઈને બેઠેલી નીતા ચોધાર આંસુએ રડી રહી.

ઘરનાં બંધ બારણે ચાલી રહેલી આ વાતે એટલું ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું કે, બહાર ચાલી રહેલી હો હા અને દોડધામનો બેમાંથી કોઈને ખ્યાલ જ ન આવ્યો. રડીરડીને થાકેલી નીતાના ડૂસકાં સંભળાતા હતા. સુધાંશુ હતપ્રભ થઈને બેઠો હતો. શી ખબર ક્યારની ફોનની રીંગ વાગી રહી હતી! સુધાંશુએ ફોન ઉપાડ્યો. ઉપરવાળા મનોજભાઈનો ફોન હતો,

‘શું કરો છો ભલા માણસ, ક્યારનો ફોન કરું છું ને ઉપાડતા નથી! ખબર નથી, તમારી બાજુવાળા કાંતાબેનની અંકિતાએ બાલ્કનીમાંથી પડતું મૂક્યું?નીચે કેટલું માણસ ભેગું થયું છે! પોલીસ પણ આવી ગઈ છે. લાગે છે કે, કેસ ખલાસ છે.’ સુધાંશુના પગ તળેથી ધરતી  સરકી ગઈ.

***

‘આભા, મારા ધારવા કરતાં આંટીનો કેસ વધારે કોમ્પ્લીકેટેડ નીકળ્યો, પણ એમનાં મનમાં બંધાયેલી ગાંઠો હવે ઉકલી ગઈ છે અને એ હવે લગભગ નોર્મલ લાઈફ જીવી શકશે એમ હું માનું છું.’

‘શું વાત કરો છો ડૉ., આર યુ સ્યોર?’ ડૉ.ની કેબીનમાં બેસીને એમની સાથે વાત કરી રહેલી આભા ઉત્સાહમાં આવી ગઈ.

‘યસ. હંડ્રેડ પરસંટ. હા, એટલું ખરું કે, એમને આઘાત લાગે એવી કોઈ પણ વાત ફરીથી એમને શૉકમાં ધકેલી શકે છે એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. પણ નિયમિતપણે દવા લેવાથી અને ઘરનું વાતાવરણ મળવાથી શી વીલ બી ફાઈન.’

‘અમે એમની પૂરેપૂરી કાળજી લઈશું ડૉ., એની હું ખાત્રી આપું છું, પણ એમને એકાએક સારું કઈ રીતે થઈ ગયું એ મને સમજાતું નથી.’

‘કશું એકાએક નથી બન્યું આભા, તું ભૂલી ગઈ કે આપણે કેટલા વખતથી એમના કેસ પર કામ કરીએ છીએ?’

‘હ, તમારી વાત તો સાચી પણ એક સાયકોલોજીની વિદ્યાર્થિની તરીકે મારે જાણવું છે કે, એમની બાબતમાં કઈ વાત સૌથી વધારે કામ કરી ગઈ? હા, જો તમને વાંધો ન હોય તો!’

થોડીવાર માટે ડૉક્ટરે દ્વિધા અનુભવી કે આભાને બધી વાત કયા શબ્દોમાં કહેવી? પછી ખોંખારો ખાઈને બોલ્યા,

‘આંટીએ ડાયરીમાં ચાર્વીની સાથે અંકિતા નામ લખ્યું ત્યારથી હું એ બે નામ વચ્ચેની કડી શોધ્યા કરતો હતો. મને લાગતું હતું કે, આ બે નામનું એકબીજા સાથે કંઈક કનેક્શન હોવું જ જોઈએ.’

આભાથી પૂછ્યા વિના ન રહેવાયું, ’એવું કયું કનેક્શન તમને મળ્યું ડૉ., જેણે આ કોકડું ઉકેલી આપ્યું?’

‘મને લાગે છે કે હવે પછીની વાત તમારા કુટુંબની દરેક વ્યક્તિએ જાણવી જોઈએ. તું એમ કર, બે દિવસ પછી બધાને અહીં લઈ આવ. હું સૌની હાજરીમાં આ વાત કરવા માગું છું.’

અત્યારે જ બધું જાણી લેવાની તીવ્ર જીજ્ઞાસા હોવા છતાં હવે કોઈ સવાલ કરવામાં શાણપણ ન કહેવાય એમ સમજીને આભાએ કહ્યું,

‘ભલે, બે દિવસ પછી એટલે ગુરુવારે. તે દિવસે સાંજે છ વાગ્યાનો સમય તમને ફાવશે? હું ઘરે જઈને બધાને વાત કરું.’

‘હા, મુખ્ય વાત કરવાનું ભૂલાઈ ગયું કે, બાકી બધાને વાત કરજે પણ તારા સસરાને વાત કરવાની કે એમને અહીં લાવવાની જરૂર નથી.’

આભા આખો રસ્તો વિચારતી રહી કે, ડૉ.આવું કેમ બોલ્યા? પણ આનો જવાબ મેળવવા બે દિવસની રાહ જોયા વિના છૂટકો નહોતો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. એક પછી એક કોઠા ભેદતી આભાની સાથે વાચકો પણ ચક્રવ્યૂહના અંતિમ કોઠામાં પ્રવેશી ચૂક્યા, હવે સાંગોપાંગ બહાર નીકળાશે કે કેમ એ જાણવા એક સપ્તાહની રાહ જોવાની ભારે લાગે છે.