“..મને ખબર નથી…!” અને “….રંગ ચડે છે…!” ~ બે ગઝલ ~ હરીશ દાસાણી (મુંબઈ)

૧. “…મને ખબર નથી…!”

તું સૂક્ષ્મ છે  કે સ્થૂળ છે? મને ખબર નથી
કોનું આ તારું કૂળ છે? મને ખબર નથી

આકાર અને રંગ તો પછીની વાત છે
છબી જ છે કે ધૂળ છે? મને ખબર નથી

વિષવૃક્ષ તો ઉખેડીને હું નષ્ટ કરી દઉં
ફેલાયેલું કયાં મૂળ છે?મને ખબર નથી

પીડા બધાં અનુભવી રહે સમાજમાં
એ ઝેર છે કે શૂળ છે?મને ખબર નથી

સભામાં એ વિવાદનો વિષય બની ગયો
કોને એ પ્રતિકૂળ છે?મને ખબર નથી

૨. “….રંગ ચડે છે….!”

ધીરે ધીરે રંગ ચડે છે
મીઠ્ઠો ઝેરી સંગ ચડે છે

ફૂંક મારીને ફૂંકી ખાશે
કીર્તિમૂષક અંગ ચડે છે

ગિરનારી વાદળ ગર્જે છે.
ત્રણે ટૂક અડબંગ ચડે છે

જટાજૂટને છોડી દઈને
સહસ્ત્રશિરે ગંગ ચડે છે

અંદર સાત સમંદર બેઠા.
મેઘધનુષી રંગ ચડે છે.

~ હરીશ દાસાણી (મુંબઈ)
[email protected]

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.