|

 પન્ના નાયકની કવિતામાં ડાયસ્પોરિક સંવેદના ~ ( ૨ ) કવિતાઃ એક Love Affair…. (૧.)~ ડૉ. પન્ના ત્રિવેદી

                                                        ૨.  કવિતાઃ એક Love Affair…….(૧.)

ઈ.સ.૧૯૭૫માં ‘પ્રવેશ’ નામના ગુજરાતી કાવ્યસંગ્રહથી પ્રવેશ પામનાર પન્ના નાયક કેવળ કવયિત્રી જ નથી. વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર ઈત્યાદિ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. પણ એક કવયિત્રી રૂપે તેઓ સમસ્ત ગુજરાતી વાચકોના હૃદયગંમ બની રહ્યા. ‘ફિલોડેલ્ફિયા’, ‘નિસ્બત’ અરસપરસ’ ‘આવનજાવન’, ‘રંગઝરુખો’, ‘ચેરી બોલ્સમ’, ‘અત્તર અક્ષર’ ‘ગુલમહોરથી ડેફોડિલ્સ’, ‘અંતિમે,’ અને ‘વિદેશિની’ (જેમાં તેમની સમગ્ર કાવ્યરચનાઓ સમાવિષ્ટ છે) વગેરે જેવા કાવ્યસંગ્રહો દ્વારા એક સશક્ત અને નોખા કવયિત્રીનો અવાજ બની ગયા છે.

જયંત પાઠકનું એક કાવ્ય છે ‘કવિતા ન હોય તો શું થાય?’ અંત છે ‘કવિતા ન હોત તો કશું થાય જ નહીં..’ જેમકે કવિતા એ પન્ના નાયક માટે કેવળ શોખ નથી, પણ પારકી ભૂમિ પર ટકવા માટેનું બળ છે–‘કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી ન હોત’. એક રીતે કવિતા તેમને માટે ‘love–affair’ છે. પ્રેમ વિના જીવાય નહીં એમ કવિતા વિનાય જીવાય નહીં. આ કવિતા જ છે જેણે પન્ના નાયકમાં રહેલ ‘ગુજરાતીપણું’ અને એ નિમિત્તે ‘પોતાપણું’ અકબંધ રાખ્યા છે. ઈ.સ. ૧૯૬૦માંભર્યા ભર્યા ભારતીય પરિવેશમાંથી એકાએક નીકળી જઈને મેળા વિનાના દેશમાં સાવ એકલવાયા જીવવાના સંજોગો ઊભા થયાત્યારે ઈ.સ. ૧૯૭૧માં લખાય છે જીવનનું પહેલું કાવ્ય ‘સ્નેપ શોટ’. જાત સાથેનો એક સંવાદ, એક ગોષ્ઠી આદરે છે. ઘર-નોકરી અને શૂન્યતા વચ્ચે એક માત્ર કવિતા જ છે જેણે તેમણે કોઈ અદકેરા મનુષ્યથીય અધિક ચાહ્યા છે. તેઓ લખે છે:

‘મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઇ આવનાર તેજછાયાના મિશ્રણ જેવી, સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોવા છતાં પણ, મારી મોટાભાગની કવિતાઓ વહેલી સવારે જ ઊઘડી છે, પણ પ્રમાણમાં મોડી કહી શકાય એ ઉંમરે.’

લાયબ્રેરીમાં નોકરી કરતાં કરતાં  અમેરિકન કવયિત્રી Anne sextonના કાવ્યસંગ્રહ ‘love poems’ વાંચીને જાણે પોતાના હોવાપણાનો તાળો મેળવતા જાય છે. એ પછી તો કવિતા જ એમનો પર્યાય બની જાય છે.

ગુજરાતી કવયિત્રીઓમાં પન્ના નાયકનું મહત્વનું સ્થાન છે. આમ તો તેમના મોટાભાગના કાવ્યો અછાંદસ છે. નાનપણથી જ માતાનાકંઠે ગવાતા પુષ્ટિ સંપ્રદાયીભજનો સતત કર્ણપટલ પર ઝીલાયા છે અને છતાં તેઓ વળ્યા તો અછાંદસ કાવ્યો તરફ. આમ કેમ? જેનો જવાબ કદાચ નિરુત્તર જ રહે છે. અછાંદસ કાવ્યો લક્ષ્યગામી બન્યા છે. ઉપરાંત તેમણે ગીત લખ્યાં છે, સોનેટ લખ્યાં છે. પણ હાઈકુનું સ્વરૂપ જ્યારે તેમની કલમે લખાય છે ત્યારે એક જુદું જ પરિણામ જન્માવે છે. સુરેશ દલાલે તો ત્યાં સુધી નોધ્યું કે ગુજરાતી કવિતામાં સ્નેહરશ્મિની પડખે જો કોઈના પણ હાઈકુ દમામથી બેસી શકે એવા હોય તો તે પન્ના નાયકનાં છે. મરાઠીમાં જેને ‘સુનીત’ કહેવાય છે તેવા પ્રયોગો પણ આપણને તેમની પાસેથી મળ્યાં છે.

પન્ના નાયકની કાવ્ય સૃષ્ટિમાંથી પસાર થતાં ચોક્કસ એક પ્રકારની તાજગીનો અનુભવ થશે જ. અલબત્ત ક્યાંક ભાવ તથા પ્રતીકોના પુનરાવર્તનો પણ દૃષ્ટે પડશે તો ક્યાંક કવિતા વિચારબિંદુની અનુભૂતિ પણ કરાવે છે. આ કવયિત્રી પોતાની કાવ્યગત મર્યાદાઓથી અવગત છે જ અને પૂરી પ્રમાણિકતાથી કહે છે: ‘……મારી કવિતામાં આર્ષદર્શન નથી. સત્યમ શિવમ સુંદરમની વાતો નથી.  આ બધું કદાચ સાચું હશે પણ મારો બચાવ એ છે કે મને તો જેની ખબર છે, જે કંઈ આવડે છે તે પ્રામાણિકતાથી લખવા મથું છું………હું મારી કવિતા લખાયા પછી કે ગ્રંથસ્થ થયા પછી ક્યારેક ક્યારેક વાંચતી હોઉં છું. કોઈક વાર મને થાય છે કે અમુક કાવ્ય સંગ્રહમાં ન મૂક્યું હોય તો સારું થાત. તો કોઈક વાર એમ પણ થાય છે કે અમુકને બદલે અમુક શબ્દ વાપર્યો હોત તો?’ અલબત્તઆ કવયિત્રીની કાવ્ય ભાષા જોતાં એ નોંધવાનું મન થાય કે આ કવિતાઓ શિષ્ટ ગુજરાતીમાં અવતરી છે. ગૂઢ, જટિલ પ્રતીકો અને અકલ્પનીય કલ્પનો કે ભવ્ય અલંકાર પદાવલિઓ બેશક આ કાવ્યોમાં દૃષ્ટે નહીં પડે પણ પ્રતીક, કલ્પન, પુરાકલ્પન લય તથા સંવાદાત્મક રીતિ તેમના કાવ્યશિલ્પ બક્ષે છે. બે ભિન્ન ભિન્ન દ્વૈતતત્ત્વોના સંયોજન અને એમાંથી પ્રગટ થતું અનુભૂતિનું ઊંડાણ તેમની કવિતાઓને વિશેષ બનાવે છે.

ભલે કવયિત્રી પન્ના નાયક એમ કહેતા હોય કે ‘મારી કવિતાઓમાં મને જ પામવાની મારી જ વાત છે અને તેથી જ હું લખું છું’ પણ તેમનાં ડાયસ્પોરિક સંવેદના પ્રગટાવતા કાવ્યો જોતાં એમ ચોક્કસ કહી શકાય એમની કવિતાઓમાં પ્રગટ થતો ‘હું’ એ કેવળ તેમના અંતરંગના‘હું’નો નથી. ‘હું’ એટલે એવા તમામ ભારતીયોની ભીતરનો ‘હું’ જે વિદેશી ભૂમિ પર એકલવાયા હોવાની વેદના ઝીલે છે અને એટલે જ તેમના કાવ્યોમાં રિક્તતા નિરંતર ઝરે છે.એટલે જ કદાચ તેમની કવિતાઓ સહુને પોતાની કવિતાઓ અનુભવાય છે. એમની કવિતા એટલે જ તો ‘લોપા’ અને ‘ગોપા’ની વાત છે! એક પ્રકારે કહી શકાય કે ‘ડાયસ્પોરા’ સાહિત્યમાં ‘ઝૂરાપો’ એ સ્થાયીભાવ છે, શાશ્વત ભાવ છે.

પન્ના નાયકની કાવ્યસૃષ્ટિ સંદર્ભે એક વિચાર માંગી લે તેવું નિરીક્ષણ ખાસ વહેચવાનું મન થાય અને તે એ કે ડાયસ્પોરિક સંવેદના આલેખતા સર્જક જેન્ડરનો પ્રભાવ કવિતામાં પડે? આમ તો કળા એ કળા જ છે. પણ ડાયસ્પોરાસંદર્ભે કહીશ કે સર્જકનું સ્ત્રી હોવું તે કવિતાને જરા નોખી રીતે પ્રભાવિત કરે છે.કવિતાની સૃષ્ટિ બદલાય છે, ભાવવિશ્વ બદલાય છે, સંકેતો બદલાય છે. એક સ્ત્રીનો ‘ઘર’ શબ્દ સાથે જે રીતે સંબંધ જોડાયેલો છે તે અને ઘરસંસારની ઝીણી ઝીણી વિગતો જે રીતે કાવ્યશિલ્પ ધારણ કરે છે તે તેની કવિતાઓને અલાયદું બનાવે છે. પન્ના નાયકના અનેક કાવ્યોમાં આ સાહજિક અનુભૂતિ પામી શકાશે.

આ ઉપરાંત પન્ના નાયકના કાવ્યોમાંથી પસાર થતાં મને જે અનુભવાય છે તે છે :

-‘રિક્તતા’ અને‘નથી’નો સ્વીકાર

-એકલતા સાથે સમાધાનનો સ્વીકાર

-‘પોતીકી સંસ્કૃતિ’ની શોધ

-પ્રકૃતિ ભીતર પ્રકૃતિની શોધ

-પ્રકૃતિગત તત્ત્વો દ્વારા ઝુરાપાનું નિરૂપણ

-પોતાના મૂળિયાંમાંથી ઊખડી ગયાની અને પારકી માટીમાં ઊગી ન શકવાની અસમર્થતાની વેદના

-એકલતા શ્વસતા વૃદ્ધ માણસોની પીડા

-વિદેશમાં વસતી ભારતીય સ્ત્રીના અલાયદા મનોવિશ્વનું ઊંડાણ

-સ્વાનુભવકેન્દ્રી અને છતાં સર્વાનુભવ

-ઉપેક્ષા અને પોકળ વાસ્તવની અનુભૂતિનું કંપન

-સ્થળ વિશેષો વિશે પરિવર્તિત થયા કરતી અનુભૂતિ

પન્ના નાયકે વર્ષોથી અમેરિકા દેશમાં નિવાસ સ્વીકાર્યો છે પણ અભિવ્યક્તિની ભાષા પોતાની માતૃભાષા જ રાખી છે એ જ તેમની ભોમકા પરત્વેની અપાર પ્રીતિ દર્શાવે છે. આપણા ગુજરાતમાં જ્યાં માતૃભાષા માટે સતત ચિંતા સેવાઈ રહી છે ત્યાં પરદેશમાં વસતા લેખકો માટે માતૃભાષા નિજ અસ્તિત્વનો પર્યાય બની રહી છે. ભલે આ કવયિત્રીએ પોતાને ‘વિદેશીની’ કહ્યા છે પણ એમાંય છે તો ‘દેશ’ ! જે અભિન્ન રીતે તેમની સાથે જ જોડાયેલ રહ્યો છે. દેશએમના જીવન, સર્જન અને કાર્યોમાં ધબકે છે – સંસ્કૃતિ, મંદિરો, પર્વો, સભાઓ, મંડળો, સંસ્થાઓ અને ભાષા -અત્રતત્ર સર્વત્ર. જાણે એ તેમનાં શ્વાસ !

જ્યાં એક ભૂમિ કે સંસ્કૃતિમાં ઉછેર પામીને બીજી ધરતી કે સંસ્કૃતિ વચ્ચે સ્થાયી થવાની મથામણ હોય અને ચિત્તમાંનિરંતર સર્જાતી રહેતી હોય ઉથલપાથલ, જેમના મૂળિયાં બે કે તેથી વધુ દેશોમાં રોપાયેલા છે. એક ધરતીનો છોડ બીજી ધરતીમાં રોપવામાં આવ્યો હોય ત્યારે બદલાય છે! માટી, હવા, પાણી.. એ રીતે ભાષા, પહેરવેશ, માન્યતાઓ, પરંપરાઓ.. બદલાતા નવા વિશ્વમાં પોતાને ગોઠવવાની મથામણ અને સંઘર્ષ..! પન્ના નાયક આ સર્વ મથામણોમાંથી પસાર થયા છે. તેઓ લખે છે:

‘અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું અને છતાં અમેરિકા છૂટતું નથી.  મને ક્યારેક એમ લાગે છે હું પૂરેપૂરી ભારતની નથી તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું.’

પન્ના નાયકના કાવ્યોમાંથી પસાર થતાં સતત એમ લાગ્યા કર્યું છે કે તેમની કવિતાઓમાં કેવળ અને કેવળ ઘર ઝુરાપો કે વતન ઝુરાપો જ નથી પણ ડાયસ્પોરા સંવેદનાના ત્રણ પડાવ અનુભવાય છે. આરંભિક પડાવ જેમાં ઘર-વતન-સ્વજન માટે ઝૂરી ઝૂરી જીવવા જેવી સ્થતિ. ભારત માટે સોરવાતા જવું. ‘સોરવાતો’ શબ્દ જ કેટલો કલાત્મક છે..! તેની અર્થવ્યંજના તેના એક પણ પર્યાયવાચી શબ્દોમાં પ્રાપ્ત નહીં થાય. પછીની સ્થિતિ અમેરિકાના ફિલાડેલ્ફિયા અને મુંબઈના અંધેરી વચ્ચે અડધી અડધી વહેચાયેલી પોતાની હયાતી અને અંતે ફિલાડેલ્ફિયા અને મુંબઈ એકાકાર હોવાની, ફિલાડેલ્ફિયામાં જ મુંબઈ મેળવી લેવાની સ્થિતિ.

તેઓ કહે છે : ‘ભારતે જો મને ગાંધીગિરા ગુજરાતી જેવી માતૃભાષા આપી, મોકળાશ આપી તો આ દેશે મને કલમ આપી અને લખવાનું વસ્તુ આપ્યું. જેટલી હું દેશની છું તેટલી જ, બલકે તેનાથી કદાચ વધુ આ દેશની છું.’ સમય બદલાય છે તેમ પ્રશ્નો બદલાય છે, વિશ્વ બદલાય છે… સ્થળ અને કાળ અભિન્નપણે જોડાયેલા છે. કોઇપણ શહેર વાસ્તવમાં તો આપણી આસપાસના મિત્રોઅને સ્વજનોથી રમ્ય-ગમ્ય બને છે, ઇમારતોથી જ નહીં. જે ભારત છોડીને જાય છે શક્ય છે પુન: આગમન વખતે તે જ ભારત, તે જ મિત્રો, તે જ પરિવેશ ન પણ હોય. બેશક એમના કાવ્યોમાં વતન ઝુરાપો – નોસ્ટાલિજીયામાંથી જન્મતી પીડા છે પણ એ પીડાને કવિતામાં પ્રાપ્ત થાય છે પોતાનો આગવો એક સૌંદર્યબોધ અને સૌંદર્યલોક!

એક કાવ્યમાં લખે છે ગુલાબના છોડને જળમૂળમાંથી ખેંચી કાઢો તોય જેની સાથે ભીનો સ્નેહ બંધાઈ ગયો છે એવી ધરતીનું ચોસલું એની સાથે બહાર ધસી આવે છે. સ્મરણ અને સંવેદનોનું પણ તેવું જ છે ને !
“કોરા કાગળમાં
શબ્દોનો કાફલો વહેતો કરું છું
કદાચ
ક્યાંક કોઈ ઉત્તર મળે..”

અમેરિકાના વસવાટ દરમિયાન પન્ના નાયકે સાતત્યપૂર્ણ લેખન કર્યું છે. શબ્દો જ તેમના સંગાથી બની રહ્યા છે પણ આ જ કાવ્યને જરા નોખી દૃષ્ટિથી જોઈએ તો કોરા કાગળ જેવા દેશમાં, એકલવાયા માણસને ક્યાંથી મળે સથવારો માણસનો? ‘શબ્દનો કાફલો’, ‘શબ્દના ટોળા’ ભેગાં કરીને ઠાલવે મૂંઝારો, ઉકળાટ કે કદાચ કોઈ ઉત્તર મળે આ એકલતાનો…!

‘દીવાનખાના’ કાવ્યમાં કહે છે :

“દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છુંઘડી અહીં ઘડી ત્યહીં
વિવિધ સુશોભનથી
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું
સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું
બારીનાં પડદા બદલી કઢાયા
જૂના ગાલીચાની જગ્યાએ
wall to wall કાર્પેટ નંખાવી લીધી…
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યાં જ
છટકે છે મારું મન –
કેન્દ્રશોધું છું
જ્યાં હું સરખું બેસી શકું
-પણ બારી કને રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું.”

આ કાવ્યમાં વાત આમ તો બહુ જ સાદી લાગે છે. કોઈ સ્ત્રીના એકધારાપણામાંથી છૂટવાના ઉપાયો તથા યંત્રણાઓ છે. જે નવી નવી, રંગબેરંગી ચીજ વસ્તુઓના માધ્યમ વડે થાય છે. બધું જ નવું નવું – સોફા, ગાલીચા, કાર્પેટ.. પણ મન? ઘર આખું સુશોભિત થાય છે. ‘વસ્તુનું મન પૂછી પૂછીને’ આ પંક્તિ અત્યંત ધ્યાનાહર્ય છે. જડત્વમાં સજીવારોપણ કરતી આ સ્ત્રીમાં સંવેદનનાની પરાકાષ્ટા અનુભવાય છે. વસ્તુનું મન પૂછીપૂછી ગોઠવાય છે બધું જ પણ પોતાના મનને પૂછનાર કોઈ જ નથી. પરિઘનું કોઈ કેન્દ્ર જ ન હોય તો? સતત સવાલ સળગતો રહે છે – ક્યાં છે કેન્દ્ર? બારી કને રસ્તો નિહાળતી નાયિકા વાસ્તવમાં તો પોતાના રસ્તાને શોધે છે. રસ્તો છે અને છતાં નથી. એવો કોઈ રસ્તો નથી જે પહોંચાડે પોતાને ઘર સુધી, કેન્દ્ર સુધી અને પોતાના સુધી.

‘HomeSickness’ કાવ્ય વાસ્તવમાં માદરે વતન ઝંખતા કોઇપણભારતીય માણસની ઝંખનાનું પ્રતિનિધિત્વ કરતું કાવ્ય બની રહે છે. ‘હોમસિકનેસ’ થઇ જવાની અનુભૂતિ ઘરઝૂરાપાને દ્વિગુણિત કરે છે. ઘર તો છે પણ કયું ઘર? આ સવાલમાંએ જ એક મૂંઝવણ છે. પાછળ રહી ગયેલું ઘર ખૂબ પાછળ રહી ગયું છે. ‘બિલોંગ’ અને‘નોટ ટુ બિલોંગ’ની લાગણીમાંથી જન્મતું આ કાવ્ય માણવા જેવું છે :

“અહીં બારેમાસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી
અષાઢનો શબ્દ જ અહીં નથી ને
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી
હું Home Sick થઇ ગઈ છું.
થાય છે
બધું ઉઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?”

અહીં કવયિત્રીએ વિનિયોગ કરેલ tropical છોડનું પ્રતીક મહત્વનું છે. આ છોડને જડમૂળમાંથી ઉખેડી લઇ પારકી શીત ભૂમિમાં રોપી તો દીધો અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો પણ જ્યારે વસંત ચેરી બ્લોસમથી રંગાઈ જાય છે ત્યારે મન કેસુડાંને ઝંખે છે. શીતપ્રદેશમાં હોવા છતાં આ સ્ત્રી તો દાહકતાનો જ અનુભવ કરે છે. આ દાહકતા છે પોતાના દેશના ઋતુ ફૂલોના વિરહની.અહીં બે દેશના બે પુષ્પો – ચેરીબ્લોસમ અને કેસૂડાંનો વિરોધાભાસ રચી ભીતરના દ્વંદ્વને પ્રગટ કરે છે. કવયિત્રીનું મન ઝંખે છે બારેમાસ વરસાદમાં ભારતીય વર્ષની મહેક. હવેનથી એ સોડમ નથી એ અષાઢ. બસ છે તો કેવળ અષાઢી આકાશ જેમ ઘેરાયેલું તેમનું ભીતર.

એક જન્મમાં જ જાણે કે બે જન્મની અનુભૂતિ લઇ જીવતા પ્રવાસીઓની વ્યથા ‘કુર્માવતાર’ જેવા કાવ્યમાં અદ્વિતીય રીતે પ્રગટી છે:

“અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધથતી જતી વ્યક્તિની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે :
-હવે શું?
ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય એમ નથી
સંતાનો તો ઉડીને સ્થિર થઇ ગયા
પોતપોતાના માળામાં”

પારકી ભૂમિ પર મા ભોમકાને યાદ કરતાં લોકોને ઘર-સ્વજનની એકલતા તો સાલે જ છે પણ આ એકલતા દ્વિગુણિત બની જાય છે જ્યારે માણસ વૃદ્ધત્વની યાત્રામાં હોય છે. જન્મારાનો એક લાંબો પટ વળોટી આવ્યા પછીની ‘કશું જ ન કરવાની એકલતા’ અને બીજી એકલતા તે પારકી ભૂમિ પર ‘માણસ’ ન મળવાની. નિદા ફાઝલીની ગઝલ પંક્તિ ચોક્કસ યાદ આવે – “ઝૂબાં મિલી હૈ મગર હમઝૂબાં નહીં મિલતા…” આ પણ એક વિચારવા જેવો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. સંતાનો વિદેશ ગયા છે. શરુ શરૂમાં વાતો થાય, ખબર પુછાય, આવનજાવન રહે પણ ધીમેધીમે કામમાં ગળાડૂબ એ પેઢી સાથે અનુસંધાનનો દોર વધુ ને વધુ પાતળો થતો જાય છતાં એક નિરાંત રહે સાવ તૂટી તો ગયો નથી.. પણ પછી? દીકરાના દીકરા થાય અને વિદેશમાં જ જન્મેલી એ પેઢી સાથેનું પહેલી પેઢીનું અનુસંધાન? સતત એક ખાલીપો ખખડયા કરે ભીતર. દરેક સિનિયર સિટીઝનનો એક જ સવાલ – છાપાં વાંચીએ પણ કેટલાં? ટેલિવિઝન જોઈએ પણ કેટલું? તેમના માટે સમય સ્થિર થઇ જાય છે બસ સ્થિર નથી રહેતું તે એક મન. જેબાકી રહેલા જીવતરને અજંપ કરી મૂકે છે. સસલાં, ખિસકોલીની જેમ દોડતો સમય અચાનક ‘કાચબો’ થઇ જાય ત્યારે એ અવતારને શું કહેવાય? અને જવાબ એક જ મળે – કુર્માવતાર! મનુષ્ય અવતારમાંથી કુર્માંવતારમાં રૂપાંતરિત થવાની પીડા કારુણ્ય જન્માવે છે.

‘છતાંય’ કાવ્ય જુઓ –

“જન્મે મળેલા
ને પછી ખોવાયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એમની ખોટ સતત સાલે
એમ
હું જીવું –
ભારત વિના ..!”

પન્ના નાયક માટે ‘ભારત કેવળ કોઈ એક સ્થળ કે દેશ માત્રનું નામ નથી પણ પોતાનું જ એક અવિભાજ્ય અંગ છે. જે જન્મની સાથે કવચ અને કુંડળ લઈને જન્મ્યું છે. એકાદ અંગ કપાઈ જતાં કદાચ જીવી શકાય પણ કપાયેલા એ અંગનું ને અંગ ન હોવાનું સ્મરણ કોણ કાપી શકે છે? એ તો સતત ભીતર જીવિત હોય છે.. જીવવું એટલે આમ ઝૂરી ઝૂરીને મરવું જ કદાચ. કવયિત્રીને મન આ ઝૂરાપો માત્ર ઘર, સ્વજન અને માટીનો જ નથી પણ ભાષાનોય છે.

“આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા
મને હજીય
ફિલોડેલ્ફિયામાં
સપનાં ગુજરાતીમાં આવે છે
મારી આસપાસના
ગુજરાતીઓ ઉમાશંકરની છબી જોઇને
સતત પૂછ્યા કરે છે
‘આ કોની છબી છે?’
અને મારું સપનું નંદવાઈ જાય છે..’”

ગુજરાતીપણાને સતત જીવંત રાખવા માટી કવયિત્રી કાવ્યને આરંભે એક ઉત્સાહથી જાણે કે જાહેરાત કરે છે પોતાના જીવિત હોવાની. આનંદનું એક કારણ કે હજી સપનાં આવે છે અને બીજું એ, કે, સપનાં હજીય પોતાની માતૃભાષામાં આવે છે. કેવળ પોતે જ નહીં, પણ ઘરની દીવાલો પણ નિતાંત ગુજરાતી છે. ભારતીય ગુજરાતી કવિ ઉમાશંકરની છબી સાથે તે ગુજરાતીમાં ગોષ્ઠી કરી જાણે કે તેય પોતાના હોવાપણાની અનુભૂતિ ના કરી લેતી હોય! પણ… એક અણીદાર પત્થર જેવો એક સવાલ આ કાચ જેવા સપનાંને તોડી નાંખે છે. એ સવાલ છે – ‘આ કોની છબી છે?’ આ સવાલની પીડા માત્રથી સપનું નંદવાઈ ગયાની પીડા બેવડાઈ જાય છે. ગુજરાતી સમુદાય માત્ર કમાણી અર્થે પરદેશમાં જાય છે એ ખરું પણ પછીથી ભારતીય કળા કે સંગીતમાં કોઈ રસ જ ન દાખવે તે પરિસ્થિતિ તેમને અજંપ બનાવે છે. એટલે જ કદાચ પોતે કવયિત્રી છે, કવિતા લખે છે તે કહેવાનો પણ કોઈ અર્થ સરતો અનુભવાતો નથી. જે અમેરિકન મિત્રોને રસ છે તેમને ભાષા આવડતી નથી અને જેમને ભાષા આવડે છે તેમને કવિતાઓમાં કોઈ રસ નથી. આ પણ ડાયસ્પોરિક સંવેદનાનું નોખું જ પરિમાણ! અનેક કાવ્યોમાં ભારત વસવાટની ઝંખના વધુ ને વધુ તીવ્ર બનતી જોઈ શકાય છે.

“મારી એકલતાને
અને
મારા ઘર ઝૂરાપાને દૂર કરતો
ઝંખેલા ભારતનો
સહ્ય વસવાટ હોય”

(ક્રમશઃ વધુ આવતા અંકે)

આપનો પ્રતિભાવ આપો..