“એકાંતિક મૌન સાથે શબ્દોની ગોષ્ઠિ” ~ (૪) ~ વતનની પહેલી સવાર ~ પૂર્વી મોદી મલકાણ

વહેલી સવારે, અનેક વાદળોના પડદાઓને ચીરીને આખરે અમારું વિમાન મુંબઈના એરપોર્ટ પર ઉતર્યું. વિમાનમાંથી બહાર પગ મૂકતાં જ હવામાં ભળેલી એ જૂની, ચિર-પરિચિત સુગંધથી મન તરબતર થઈ ગયું. આ સુગંધ માત્ર માટીની નહોતી; તેમાં વર્ષોની યાદો, પોતાના લોકોનો સ્પર્શ અને વતનની અદૃશ્ય હૂંફ ભળી હતી.

એક જ ક્ષણમાં એવું લાગ્યું કે લાંબા અંતર પછી હું ફરી મારી જ ધરતીના આલિંગનમાં આવી પહોંચી છું. આ આલિંગનમાં મારા અનેક વડીલોનો સ્પર્શ હતો, તેમના આશીર્વાદ હતા અને બાળપણથી હૃદયમાં સચવાયેલી અસંખ્ય સ્મૃતિઓ હતી.

કસ્ટમની તમામ વિધિઓ પૂર્ણ કરીને અમે બહાર નીકળ્યાં ત્યારે સવારે ચાર વાગી ચૂક્યા હતા. એરપોર્ટ પરથી જ ટેક્સી લઈ અમે પૂના જવા માટે નીકળી ગયા.

ઝળહળતી સ્ટ્રીટ લાઇટ્સ, લગભગ સૂમસાન રસ્તાઓ, ફૂટપાથ પર ઊંઘતી જિંદગીઓ, નીંદરના સન્નાટામાં ખાલી પડેલા માર્ગો પર શાંત ગતિથી સરકતાં વાહનો અને હાથલારીને જ દીવાલ તથા પલંગ બનાવી તેમાં નિદ્રાધીન બનેલા શ્રમિકો—આ બધું જોતા જોતા અમારી યાત્રા આગળ વધી રહી હતી.

પરંતુ મુસાફરી ગમે તેટલી લાંબી હોય, સવારનું એક સત્ય ક્યારેય બદલાતું નથી—આંખ ખૂલે અને સૌથી પહેલાં યાદ આવે ચા. અમારા માટે તો સવાર ત્યારે જ થઈ ગઈ હતી, જ્યારે વિમાન મુંબઈની ધરતી પર આવીને ઊભું રહ્યું હતું. ત્યારબાદની તમામ પ્રક્રિયાઓમાં બે કલાકથી વધુ સમય વીતી ગયો હતો. તેથી ચાની યાદ આવવી સ્વાભાવિક હતી.

આદતથી મજબૂર થઈને અમે ટેક્સી ડ્રાઇવરને ખાસ કહી રાખ્યું હતું—“રસ્તામાં ચાની કોઈ નાની કે મોટી ટપરી દેખાય તો ગાડી ઊભી રાખજો.” પરંતુ આશ્ચર્ય એ હતું કે ચોવીસ કલાક ધમધમતા આ શહેરમાં એ ક્ષણે અમારા માટે એકપણ ચાની ટપરી ખુલ્લી નહોતી. એક આશા હતી કે ખોપોલીના માર્ગે તો જરૂર ચા મળશે. પરંતુ ખોપોલીનો રસ્તો પણ એ દિવસે જાણે અમારી ધીરજની પરીક્ષા લઈ રહ્યો હતો.

ચાની શોધ વચ્ચે પણ એક અલગ જ સૌંદર્ય અમારી આંખો સામે ખુલતું હતું—અને તે હતું ગ્રામ્ય વિસ્તારનું. અલબત્ત, આજે ગામડાંઓ પણ પહેલાં જેવા રહ્યાં નથી; શહેરની ગતિ અને આધુનિકતાનો સ્પર્શ ત્યાં પણ પહોંચી ગયો છે. છતાંય, આ ધરતીનું સૌંદર્ય મારી દૃષ્ટિએ તો આજે પણ અનુપમ જ છે.

રાત્રિ અને સવાર વચ્ચેનો એ સંધિકાળ ચાલી રહ્યો હતો—જ્યારે દુનિયા હજુ સંપૂર્ણ જાગી નથી અને નિદ્રા પણ ધીમે ધીમે વિદાય લઈ રહી છે. એવો સમય હંમેશાં મનને એક અજાણી શાંતિથી ભરી દે છે.

લોકો સાથે ગામડાંઓ પણ સૂતેલા હતાં. ઘરોની બારીઓ બંધ હતી, પરંતુ લાગતું હતું કે દરેક ઘરની અંદર એક નવી સવાર ધીમે ધીમે જન્મ લઈ રહી છે. એક સમય હતો, જ્યારે આવી વહેલી પરોઢે ગામના ઘરોમાંથી જ્ઞાનેશ્વરી ગીતાના પવિત્ર સ્વરો સંભળાતા અને આખું વાતાવરણ આધ્યાત્મિકતાથી ભરાઈ જતું.

પરંતુ આજે ગામ પણ શહેરની ગતિ સાથે દોડતું થઈ ગયું છે. બદલાતા સમય સાથે કદાચ એ પરોઢની સંસ્કૃતિ, એ નિર્મળ સ્વરો અને એ શાંત સવારની પરંપરા ધીમે ધીમે સ્મૃતિઓમાં સચવાઈ રહી છે. તેમ છતાં, પરોઢનું કોમળ સૌંદર્ય આજે પણ અખંડ છે. કારણકે રાતનો અંધકાર એકાએક વિદાય લેતો નથી. તે ધીમે ધીમે પ્રકાશને પોતાની જગ્યા સોંપે છે. એ જ ક્ષણે નીરવ શાંતિમાં પરોઢ જન્મી જાય છે.

પરોઢનો પોતાનો કોઈ અવાજ નથી હોતો, છતાંય દિવસનું સૌથી ગહન સંગીત તેની પાસે હોય છે. આ ગહન સંગીતમાં પવન પોતાના શ્વાસને ધીમો કરી દે છે, વૃક્ષો સ્થિર રહીને અજવાળાનું સ્વાગત કરે છે અને આકાશ જાણે નવી શરૂઆત પહેલાં ક્ષણભર મૌન પ્રાર્થનામાં લીન થઈ જાય છે. આ સમયે શબ્દો ઓછા પડે છે. મૌન જ સૌથી નિખાલસ ભાષા બની જાય છે. કદાચ એટલા માટે જ પરોઢ માણસને માત્ર જગાડતી નથી—એ પહેલાં તેના અંતરમનને જાગૃત કરે છે.

અને પછી…ઘાટ ઉતરતાં એક નાનકડી ચાની ટપરી દેખાઈ. ગરમાગરમ ચાનો પહેલો ઘૂંટ લેતાં જે શાંતિ મળી, તે માત્ર ચાની નહોતી. એ લાંબી યાત્રા પછી મળેલો એક નાનો વિરામ હતો, વતન તરફથી મળેલું એક નિઃશબ્દ સ્વાગત હતું. ક્યારેક જીવનમાં નાની લાગતી ક્ષણો જ સૌથી મોટી યાદ બની જાય છે. મારા માટે એ પહેલી ચા એવી જ એક ક્ષણ હતી— વતનની ધરતી પર મૂકેલા પગલાં પછી મળેલો એક નાનકડો, પરંતુ અમૂલ્ય પ્રસાદ.


ગ્રામ્ય પરોઢનું મૌન

રાતની આ કાળી ચાદર
હજુ સંપૂર્ણપણે ખસી નથી,
અને પૂર્વના આકાશમાં
અજવાળાની એક નાજુક રેખા
ધીમે ધીમે જન્મ લઈ રહી છે.

આ ક્ષણે—
ગામ જાગતું નથી,
પણ જીવંત થઈ રહ્યું છે.
માટીની ભીની સુગંધમાં
ધરતીનો શ્વાસ સંભળાય છે.
ખેતરોની પાંખે બેઠેલું ઝાકળ
સૂર્યના પ્રથમ સ્પર્શની રાહ જુએ છે,
વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા પંખીઓ
દિવસનું પહેલું ગીત
હળવેથી લખી રહ્યા છે.

ક્યાંક દૂર
મંદિરનો ઘંટનાદ,
કોઈ ઘરમાંથી આવતો
પ્રાર્થનાનો મધુર સ્વર,
અને ધુમાડામાં ભળતી
ઘરની ઉષ્મા—
આ બધું મળીને
સવારને માત્ર સવાર નથી બનાવતું,
તે તો
ગામના હૃદયની ધબકાર બની જાય છે.

એક સમય હતો,
જ્યારે પરોઢના આ મૌનમાં
જ્ઞાનના સ્વરો વહેતા હતા,
જ્યારે સવાર
માત્ર દિવસની શરૂઆત નહોતી,
પણ આત્માને સ્પર્શતી
એક પ્રાર્થના હતી.

આજે સમય બદલાયો છે.
ગામડાંઓ પણ
શહેરની દોડમાં જોડાઈ ગયાં છે,
ઘણા સ્વરો ધીમા પડ્યા છે,

પણ છતાં…
કોઈ અજાણી પરોઢમાં
જ્યારે પવન માટીની સુગંધ લઈને આવે છે,
ત્યારે લાગે છે—
ધરતી આજે પણ
પોતાનું જૂનું ગીત ગાઈ રહી છે.
કારણ કે—
ગ્રામ્ય સવાર
માત્ર ઉગતો સૂરજ નથી,
તે તો
ધરતીના હૃદયમાંથી નીકળતો
એક નિઃશબ્દ આશીર્વાદ છે.

–  પૂર્વી મોદી મલકાણ ( હવાઈ ) 
Copyright ©️ ૨૦૨૬

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.