પન્ના નાયકની કવિતામાં ડાયસ્પોરિક સંવેદના ~ ( ૧ ) ડાયસ્પોરા અને ડાયસ્પોરા સાહિત્ય એટલે…. ~ ડૉ. પન્ના ત્રિવેદી
(પન્ના ત્રિવેદી એ “આપણું આંગણું” માટે જાણીતું નામ છે. એમના કાવ્યો આંગણુંમાં મૂકાયા છે . ગુજરાતી સાહિત્યમાં નાની વયમાં એમણે એક અભ્યાસુ સાહિત્યકાર તરીકે પોતાનું નામ કર્યું છે. એમનો લખેલો આ દીર્ઘ નિબંધ ખૂબ મનનીય છે અને ડાયસ્પોરા સાહિત્યની વિસ્તૃત સમજણ આપે છે. એમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનું નામ દેશપરદેશમાં ગાજતું કરનાર, આપણા ‘લિવિંગ લેજન્ડ’ કવયિત્રી , પન્નાબહેન નાયક પર ખૂબ જ સરસ લેખ લખ્યો છે. આ લેખ દીર્ઘ હોવાથી ૪ હપ્તામાં દરેક બીજે દિવસે મુકીશું. ગુજરાતી ભાષાના અભ્યાસમાં રસ લેનારાઓ અને પન્નાબહેનની સર્જનકળાને વધુ રસથી જાણવા માટે ઉત્સુક ભાવકોને આ લેખ, પન્નાબહેન નાયકની કવિતાને માણવાની નવી દિશા ઉઘાડી આપે છે. આશા છે કે આપ સહુ વાચકોને ગમશે. આ લેખ – દીર્ઘ નિબંધ “તાદ્રશ”ના સૌજન્યથી સાભાર પ્રગટ કરવામાં આવ્યો છે.)
૧. ડાયસ્પોરા અને ડાયસ્પોરા સાહિત્ય એટલે….
અનુઆધુનિક યુગની એકમુખ્ય વિચારણા તે ડાયસ્પોરા સાહિત્ય. સાદા શબ્દોમાં કહીએ તો વિસ્થાપનનું સાહિત્ય. મૂળભૂત રીતે વિસ્થાપનના અનેક પ્રકાર છે પણ ખાસ તો ડાયસ્પોરા સાહિત્ય અંતર્ગત જે લેખનનો સમાવેશ થાય છે તે છે વિદેશની ધરતી પર રહેનાર ભારતીયો દ્વારા થતું લેખન. એ રીતે ગુજરાતી ડાયસ્પોરાને પણ એ અર્થમાં એ રીતે લઇ શકાય કે ગુજરાતીઓ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલ સાહિત્ય. વિદેશમાં અનેક સંસ્થાઓ તથાલેખકો દ્વારા આ દિશામાં કામ થયું છે અને થઇ રહ્યું છે.
આપણે જાણીએ છીએ કે અમેરિકા ‘અ નેશન ઓફ ઈમિગ્રેશન’ના નામે ઓળખાય છે. ઈ.સ. ૧૯૮૨માં બેન્જામીન ફ્રેંકલીને‘અમેરિકા આવવા માંગનારને માહિતી માટે’ એક નાનકડી પુસ્તિકા લખી હતી .જેમાં તેમણે લખ્યું હતું : ‘આ દેશમાં તમે કોના દીકરા છો એ સવાલ વજૂદ વિનાનો છે. આ દેશમાં કોઇપણ અજાણ્યાને જોઈને કોઈ ‘એ કોણ છે?’ એવો સવાલ નથી પૂછતું, પરંતુ પૂછે છે ‘એ શું કરી જાણે છે?’ માત્ર ભારતમાંથી જ નહીં અનેક દેશોમાંથી અનેક માણસો અમેરિકાની ધરતી પર જઈ વસ્યા છે. એ નાતે ’વસુધૈવ કુટુમ્બકમ’ જેવું મૂલ્ય સ્થૂળ રીતે હવે વ્યવહારિક જીવનમાં પણ ચરિતાર્થ થતું લાગે. આજે જ્યાં અનુઆધુનિકતાના સંદર્ભે જે બે સંજ્ઞાઓ આપણે નિરંતર ઉપયોગમાં લેતા રહીએ છીએ તે છે બહુસંકૃતિવાદ અને પ્રબુદ્ધ જનો દ્વારા જે વપરાય છે તે ‘વૈશ્વિકતા’- ગ્લોબ્લાઈઝેશન. જે માનવજીવનને સ્પર્શતા મુદ્દાઓને સમૂહગત રીતે ઉપસાવે છે.
‘ડાયસ્પોરા’નો એક અર્થ થાય છે ‘પ્રવાસી.’ વિદેશગમન અથવા વિદેશ યાત્રા. વોકેબ્યુલરી ડિક્ષનરીમાં ‘પ્રવાસી’ની પરિભાષા એ રીતે અપાઈ છે કે એવા પ્રવાસીઓનો એવો મોટો સમૂહ જેમની વિરાસત અથવા માતૃભૂમિ એક સમાન રહી હોય અને તેઓ વિશ્વના અન્ય સ્થળોમાં સ્થળાંતર પામ્યા હોય. સવાલ એ છે કે ‘પ્રવાસી’ કોને કહીશું? ‘પ્રવાસી’ સાહિત્ય’ કોને કહીશું? ‘ગિરમિટિયા’નો અર્થ શું? આજના સંદર્ભે પ્રચલિત ‘ડાયસ્પોરા’નો અર્થ શું? શું આ સિધ્ધાંત બદલાતી ભારતીય અર્થવ્યવસ્થા અને વૈશ્વિકીકરણને કારણે ઉદ્ભવ્યો છે? ‘પ્રવાસ’ શબ્દ ‘વસ’ ધાતુમાં ‘પ્ર’ ઉત્સર્ગ લગાડવાથી બન્યો છે. ‘પ્રવાસ’નો અર્થ છે ‘ગમન’ અર્થાત ઘરમાં ન રહેવું. એટલે‘ઘર બહાર’ રહેતા સર્જક દ્વારા થયેલું સર્જન. અહીં ‘ઘર’ શબ્દનો અર્થવિસ્તાર કરીએ તો દેશ. ટૂંકમાં વિદેશમાં વસતા ભારતીય પ્રવાસીઓ દ્વારા લખાયેલું સાહિત્ય તે ભારતીય ડાયસ્પોરા. આ વિધાન જેટલુ સાદું દેખાય છે તેટલું સાદું નથી. આ સંજ્ઞા નામે ઓળખાવાયેલ લેખનનું અધ્યયન કરતા આ સાદી લાગતી પરિભાષા એટલી જ અટપટી અને જટિલ લાગવાની. આ સંજ્ઞા વિશે આજે પણ એટલી જ અસ્પષ્ટતા જોવા મળે છે. ઘણીવાર વિદેશમાં વસતા સાહિત્યકારોના સમગ્રલેખનને ‘ડાયસ્પોરા’ સંજ્ઞાથી ઓળખાવાય છે. જે યોગ્ય નથી. શું કેવળ વિદેશમાં રહેવા માત્રથી જ તેમના સમગ્રસર્જનને ‘ડાયસ્પોરિક’ સંજ્ઞા અંતર્ગત સમાવિષ્ટ કરી દઈશું? હા, ભારતીય ભૂમિથી દૂર હોવાની શરત ચોક્કસ એમાં જોઈ શકાય પણ કેવળ એ શરતની પૂર્ણતા થવા માત્રથી જ એ લેખન ‘ડાયસ્પોરા’ બની જતું નથી. તેનું કારણ હવે પછીની ચર્ચામાં સમજી શકાશે.
મૂળમાં ‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. DIA= THROUGH, SPERIO = SCATTERERING અથવા DISPERSION. વાસ્તવમાં અન્ય દેશોમાં વિખેરાઈ ગયેલા યહૂદીઓ માટે પહેલીવાર આ સંજ્ઞાનો ઉપયોગ થયો હતો. એ રીતે પોતાના જીવનને ટકાવી રાખવા માટે તથા ભવિષ્યને સમૃદ્ધ બનાવવા માટે યહૂદી પ્રજાએ વેઠેલ પીડાઓ નિમિત્તે આ સંજ્ઞાનો ઉપયોગ થયો હતો. આ સંજ્ઞાની નિકટવર્તી સંજ્ઞા તરીકે ‘દેશવટો’ કે‘સ્થળાંતર’ જેવી સંજ્ઞાઓનો સ્વીકાર થયો છે પણ તે પણ એક પ્રકારે ચર્ચાનો જ વિષય બની રહે છે કારણ કે ‘દેશવટો’ મુખ્યત્વે નકારાત્મકતાનો કે સજાનો કે હીનતાનો ભાવ દર્શાવે છે. જ્યારે ‘સ્થળાંતર’ પર્યાય પણ સ્વીકારવામાં એક સમસ્યા છે. કારણ કે માણસોનું ‘સ્થળાંતર’ હરહંમેશ તેની ઈચ્છાથી જ થતું હોય એમ ન પણ હોય. ક્યારેક લાચારીનો, અસમર્થતાનો તથા વિવશતાનો ભાવ પણ એમાં નિહિત હોઈ શકે. એમ હોય ત્યારે એમ ન કહી શકીએ કે જે તે માણસ કે પ્રજાનું થયેલ સ્થળાંતર એ હરહંમેશ સુખેથી, રાજીપાથી થયું હોય. દા. ત. તાજેતરનું જ ઉદાહરણ જોઈએ તો અફઘાનિસ્તાનમાં જે કંઇ ઘટી રહ્યું છે, તાલિબાનીઓના કારણે દૂર દૂર અન્ય દેશોમાં શરણાર્થી તરીકે પણ આશ્રય ઝંખતી અફઘાની પ્રજાનું સ્થળાંતર શોખના કારણે થયેલ નથી. એટલે આ પ્રકારની સંજ્ઞાઓને ‘ડાયસ્પોરા’ની નિકટવર્તી સંજ્ઞા રૂપે સ્કારવામાં પણ એક જોખમ રહેલ છે.
ભારતીય ‘ડાયસ્પોરા’ સંદર્ભે એક પર્યાયવાચી સંજ્ઞાનો વિનિયોગ થાય છે અને તે છે ‘ભારતીય વંશી’. ગરીબી અને ગુલામીના કારણે અંગ્રેજો દ્વારા સસ્તા મજૂરોને મોરેશિયસ, ગુયાના, કંબોડિયા, જાવા, સૂરીનામ, ત્રિનિડાડ વગેરે દેશોમાં મોકલવામાં આવ્યા. જે ઈ.સ. ૧૮૩૪માં આ સિલસિલો શરુ થયો અને ૧૯૨૨ સુધી ચાલતો રહ્યો. ગિરમિટિયા પ્રથા પૂરી થયા પછી પણ આ ગરીબ મજૂરો એ દેશમાં જ રહી ગયા. એ પ્રવાસીઓ ભારતીય પ્રવાસીઓને નામે ઓળખાવવા લાગ્યા. આ પ્રવાસીઓની પ્રથમ પેઢી હતી. આ રીતે ઘણી પેઢીઓ થઇ ગઈ. પ્રશ્ન એ થયો કે તેમના વંશજોને ક્યા નામથી ઓળખવામાં આવે? શું ‘પ્રવાસી’ શબ્દ યોગ્ય રહેશે? કેમ કે તેમણે તો ભારત કે અન્ય દેશોમાંથી ‘પ્રવાસ’ તો કર્યો નથી! એટલે તેના ઉકેલ રૂપે ‘ભારતીયવંશી’ સંજ્ઞા આપવામાં આવી. આ ભારતીય વંશી પ્રથમ પ્રવાસીના વંશજ છે. હવે જન્મ જ વિદેશની ભૂમિ પર થયો હોય તો સ્વભાવિક છે કે ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ, પરંપરા અને રિવાજો સાથે ઝાઝી નિસ્બત ન હોય જેટલી પ્રથમ પ્રવાસી પેઢીને હોય. એટલે શુદ્ધ રૂપે કહી શકાય કે તેમનું માનસ ભારતીય અને વિદેશ સંસ્કૃતિથી સંમેલિત રીતે વિકસિત થયું હોય. એથી આ સંજ્ઞાને સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં પર્યાયવાચી સંજ્ઞા રૂપે સ્વીકારવી ઉચિત જણાતી નથી.
હજી એક વધુ સંજ્ઞાની ચર્ચા કરીએ તો ‘ડાયસ્પોરા’નો એક અર્થ એવો મળે છે કે સ્વ-વિકાસ અર્થે સારી જીવનરીતિ અર્થે મૂળ – વતન કે દેશને છોડીને પરદેશ જઈ વસેલી પ્રજાની ઓળખ સંદર્ભે. જો આ અર્થમાં આ સંજ્ઞા લઈએ તો અહીં ચર્ચા-દલીલને ખાસ્સો અવકાશ છે. અગાઉની પર્યાયવાચી સંજ્ઞા ‘ભારતીય વંશી’ જેમાં અંગ્રેજો દ્વારા કેટલાંક ભારતીયોને મજૂરી માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા જેત્યાં જ વસી ગયા હતા અને તેમની પેઢીઓ ‘ભારતીય વંશી’ તરીકે ઓળખાવાઈ હતી. તો ત્યાં તે પ્રજા ‘સ્વ વિકાસ અર્થે’ ‘પોતાની ઈચ્છા’થી ગઈ નહોતી. આ અર્થમાં આ પરિભાષા પણ ઉચિત જણાતી નથી. મારા મતે ‘ભારતીય વંશી’ હોય કે ‘સ્વ – વિકાસ’ અર્થેનું ગમન હોય, વિદેશની ભૂમિ પર ગમે તે કારણે જવાનું બન્યું હોય પરંતુ સર્જકની અભિવ્યક્તિમાં બે ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેનું ઘર્ષણ, રંગભેદના કારણે સહેવા પડતા અન્યાય તથા પોતાની માટીમાંથી ઊખડી ગયાના ભાવ સંવેદન આકારિત થયા હોય તો એ સાહિત્ય ખરા અર્થમાં ‘ડાયસ્પોરા’ સાહિત્ય કહી શકાય.
અલબત, મૃદુલા ગર્ગ જેવા હિન્દી સાહિત્યકારે તો ‘ડાયસ્પોરા’ સ્વતંત્રવિભાગ રૂપે કે અલગ માનવાને બદલે મુખ્યધારા સાથે જોડીને જ સ્વીકારવાની વાત કરી છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે વિદેશોમાં રહેનાર લેખકોના લેખનમાં જ્યારે સંસ્કૃતિક અથડામણની વાત હોય ત્યારે તેને ઉચ્ચ કોટિના સાહિત્યમાં સામાવિષ્ટ કરવું જોઈએ. ગુજરાતીમાં પણ અનેક ચર્ચાઓ થઇ છે. વિપુલ કલ્યાણી, બળવંત જાની, નૂતન જાની, પ્રવીણ દરજી, ભીખુ પારેખ, વલ્લભ નાંઢા જેવા અનેકસમીક્ષકોએ આ વિભાવનાની વિચારણા આપી છે. આપણા ગુજરાતી વાર્તાકાર કિરીટ દૂધાત ડાયસ્પોરા-સાહિત્ય વિષે જે મત ધરાવે છે તે એ કે સ્વદેશમાં સર્જક તરીકે ઘડાઈ-પોંખાઈને સ્વીકૃતિ પામેલા અને આવશ્યકતા અનુસાર તક મળતા વિદેશ જઈ વસેલા સર્જકો – સાહિત્યકારો દ્વારા રચાતા સાહિત્ય ઉપરાંતનું ડાયસ્પોરિક સાહિત્ય. ‘ઉપરાંતનું’ શબ્દમાં ઘણા ઘણા અર્થ નિહિત છે. હર્ષદ ત્રિવેદીનું એક વિધાન પણ આ અર્થમાં સમજવા જેવું છે. તેઓ લખે છે : ‘મનુષ્યની ચેતનાના અમુક વલણો તો દુનિયાના કોઇપણ ખૂણે સરખાં હોવાનાં.’ (કહેવું રહ્યું કે આપણે ત્યાં એવી અસંખ્ય રચનાઓને ‘ડાયસ્પોરા’માં ગણાવી છે જેમાં સાર્વત્રિક ભાવો ગૂંથાયેલા હોય. જેમ કે પ્રેમ, વિરહ, વેદના.. ઈત્યાદિ. શું એ સર્વ રચનાઓને ડાયસ્પોરા લેખનની અંતર્ગત સ્વીકાર કરવો? કારણ કે તે વિદેશમાં રહેતા ગુજરાતી સર્જન હાથે લખાયેલ રચાયેલ છે?)
બેશક ‘ડાયસ્પોરા’નો એક અર્થ એ છે કે પરદેશમાં સ્થાયી થવું. મારા મતે વાસ્તવમાં પારકી ભૂમિ પર પોતાની અસ્મિતા, સંસ્કૃતિ અને ઓળખ માટે સભાન થવું, રહેવું અને તેને ભિન્ન ભિન્ન રૂપે જીવિત રાખવું એ ‘ડાયસ્પોરા’. આમ કરવું એટલું સહેલ નથી જ. આ સમુદાય નિરંતર દ્વૈત સંઘર્ષ વચ્ચે જીવે છે. બે ભાષા વચ્ચેનો સંઘર્ષ, બે ભૂમિ વચ્ચેનો સંઘર્ષ, બે સમાજ, બે સંસ્કૃતિ અને ઓળખ પણ બે. પરદેશની ભૂમિ પર આપણા કેટકેટલા ગુજરાતી સર્જકો વસ્યા છે અને અભિવ્યક્ત પણ થયા છે. આમેય કવિ ખબરદાર કહે છે ને કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. પ્રવાસી ગુજરાતી સાહિત્યકારોએ પોતાની કૃતિઓમાં મિથ, સભ્યતા સંસ્કૃતિને જીવંત રાખ્યા છે. સુશીલ કુમાર વર્માનું એક સરસ કાવ્ય છે.
प्रवासी
अपनी जड़ो से दूर
बरगदकि भाँति फैलते है
और उन जड़ों को सींचते है
भारत के संस्कारों के पानी से !
प्रवासी
करते है अपनी भाषा पर गर्व
उसको आचरण में पिरोते हैं
विदेश में प्रवासी होते है
भारत से भी ज्यादा भारतीय !
प्रवासी
जीते है उन संस्कारों कि साँसों से
जो उनके डी एन ए में है
सुसुप्तसे स्वप्न कि तरह
भारत को समेटे रहते हैं
अपने अस्तित्व में |
તો પેરિસમાં રહેતા શેખાદમ આબુવાલાને ઉમાશંકર જોશીએ એક વાર પત્રમાં ખબરઅંતર પૂછતાં લખેલું : ‘કેમ, શું ચાલે છે? શું કરો છો?’ ત્યારે શેખાદમ આબુવાલાએ આ પ્રશ્નના જવાબમાં જે લખ્યું તે આમ હતું:
“આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે
લાંબી લાંબી સડક પર લાંબા કદમ ભરે છે
એ કઈ રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને
પેરિસમાં રહેતો હોવા છતાં ભારતનો દમ ભરે છે..”.
આજે વાત કરવી છે ભારતને, ગુજરાતને પોતાના અસ્તિત્વમાં સમેટતા એક એવા જ મહત્વના ડાયસ્પોરિક સર્જકની જેમની કવિતાઓએ ગુજરાતી ડાયસ્પોરિક લેખનની દિશામાં સીમાસ્તંભ રૂપે કામ કર્યું. આપણા પ્રથમ ડાયસ્પોરિક કવયિત્રી એવા પન્ના નાયકના કાવ્યોમાં ડાયસ્પોરિક સંવેદનની.
(ક્રમશઃ વધુ આવાતા અંકે)