દરિયાનો લાલ: પ્રકરણ: ૧૧ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા

(શબ્દો: 849)

તો સામે નેકદિલ મિત્રો પણ હતા. એક બપોરે હિન્દી ફિલ્મના જાણીતા ગીતકાર ઘરે આવ્યા,

`ગુરુજી, તમારી નવલકથા પરથી કથા ઉઠાવી, ફિલ્મ તો બની પણ ગઈ છે, મને તમારી નવલકથા જ હાથમાં પકડાવી દીધી, આટલી સિચ્યુએશન્સ પર ગીતો લખી આપો. ક્યારેક આખી વાર્તા, દૃશ્યો કે તમારા સંવાદો બેધડક ઉઠાવી લેવાય છે. તમે કશું જ કરતા નથી, પણ આ તો મારી પાસે પ્રમાણ છે, સીધું તમારું પુસ્તક જ પકડાવી દીધું છે! તમે લીગલ એક્શન લો!’

ત્યારે અમે પહેલી વાર એમની પાછળ પડ્યા.

`આ તો સરાસર અન્યાય અને દાદાગીરી. તમારે પગલાં ભરવાં જ પડશે!’

એમના ખાસ મિત્ર, મોહનભાઈ વકીલ માટુંગાના વખતના. આનાકાની સાથે એમની પાસે ગયા, કેસની ધમકી મળતાં જ એ ભાઈ સીધો ઘરે આવી રોકડા બાના હાથમાં મૂકી ગયા હતા, એ બરાબર યાદ છે મને.

ફિલ્મલાઇન છોડ્યાને વર્ષો વીતી ગયાં, વચ્ચેનાં વર્ષોમાં ઘણું બની ગયું પણ જૂના મિત્રો, ઘાટકોપર જેવા દૂરના પરામાં પણ (સ્ટેશનથીયે દૂર અમારું ઘર) પિતા સાથે નિરાંતે વાતો કરવા આવતા. કવિ પ્રદીપજી ત્યારે અત્યંત લોકપ્રિય અને પ્રસિદ્ધિને વરેલા. એ ઘરે આવતા. એકદમ સાદા અને ખૂબ સરળ. નિરાંતે પિતા સાથે વાતો કરતા. મૃદુભાષી અને મીઠો ધીમો સ્વર.

Best of Kavi Pradeep Music Playlist: Best Best of Kavi Pradeep MP3 Songs on Gaana.com

બે ઓરડાનું નાનું ઘર. બહારના ઓરડામાં પલંગ, બે ખુરશી. એટલો જ અસબાબ. પ્રદીપજી કશા સંકોચ વિના પલંગ પર બેસતા, પિતા સામે ખુરશી પર. પ્રદીપજી ખૂબ મૃદુભાષી. વર્ષો પછી `એ મેરે વતન કે લોગોં….’ સાંભળ્યું ત્યારે મને આ દૃશ્ય યાદ આવી ગયું. પાતળી દેહયષ્ટી, શાંતિથી વાતો કરતા, એમણે આવું જોમદાર દેશભક્તિનું ગીત કેવી રીતે લખ્યું હશે! મને નવાઈ લાગતી હતી.

એમનાં પુત્રી મિતુલ પ્રદીપ, મારી મિત્ર છે. ઉમદા ચિત્રકાર અને પીએચ.ડી. ઈન કૉપીરાઇટ.

Mitul Pradeep on X: "#SareeTwitter I am always a Saree Person." / X
મિતુલ પ્રદીપ

એણે એક વાર કહ્યું હતું કે, પ્રદીપજીએ `અય મેરે વતન કે લોગોં….’ ગીતની રૉયલ્ટી મ્યુઝિક કંપની પાસેથી ન લેતાં આર્મી ફંડમાં જમા કરાવવાની શરત કરી હતી. માથાભારે મ્યુઝિક કંપનીએ એકેય રૂપિયો ફંડમાં જમા ન કરાવ્યો. વર્ષો સુધી મિતુલ કંપનીને કૉર્ટમાં લઈ ગઈ. અંતે કંપનીએ પ્રદીપજીની રૉયલ્ટી આર્મી ફંડમાં જમા કરાવવી પડી.
*
યાસીન દલાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ હતા. તેમનું `પ્રકાંડ પત્રકારો’ પુસ્તક છે. એમણે બાવીસ સંનિષ્ઠ પત્રકારો પર અધિકૃત લેખકો પાસે લેખો લખાવી, સંપાદન કર્યું છે.

Prakand Patrakaro – Parshva Publication

મારા પિતા પરના લેખમાંથી વધુ એક ફિલ્મનું નામ મળે છે, `ચેતમછંદર’ કૅસેટનો જમાનો પૂરો થયા પછી પણ અભરાઈઓ ભરીને કૅસેટો એમની પાસે હતી. જૂની ફિલ્મોનો ખજાનો. બધી વિગતો મોઢે. હું તેમને ઘરે ગઈ હતી ત્યારે, અકસ્માત પછી પથારીવશ સ્થિતિમાં પણ સામે ફિલ્મ ચાલતી હતી, અને એ નોંધ લખી રહ્યા હતા.

તેમણે મને કહ્યું હતું કે આચાર્યની ફિલ્મોની કથા મજબૂત હોય અને `છીન લે આઝાદી’ એમાં (હિન્દી) ખાસ ઉલ્લેખનીય છે, આચાર્યની `દરિયાવાટ’ પરથી એ ફિલ્મ બની હતી. ફિલ્મની મુખ્ય ભૂમિકા, એ જમાનાની ખ્યાતનામ અભિનેત્રી વીણાએ ભજવી હતી.

Chhin Le Azadi Songs Download: Play & Listen Chhin Le Azadi Hindi MP3 Song by Mohd. Hussain @Gaana

એના ગીતકાર પંડિત ઇન્દ્ર. ચંદ્ર.. લો, આખરે એ ગીતકારનું નામ અનાયાસ મને મળી ગયું. જે અમારા ઘરે આવી મારા પિતાને ચેતવી ગયા હતા કે તેમની નવલકથાની ઉઠાંતરી પરથી એમને ગીતો લખવાનું કહેવામાં આવ્યું હતું.

ત્યારે તો પિતાને ફિલ્મો છોડી દીધાને વર્ષો થઈ ગયાં હતાં, છતાં કેવા દિલદાર એ દોસ્તો હતા!

એની સામે બીજો પ્રસંગ ;

બા અને પિતા, હું અને ઇલા અમે ઉત્તરાખંડ ગયાં હતાં. પિતાના સ્વભાવ મુજબ ગોઠવેલો પ્રવાસ નહીં, નિજાનંદે ફરવું. થાકીને છેલ્લે દિલ્હી આવ્યાં. હોટેલની બાજુમાં થિયેટર હતું. સમય પસાર કરવા અમે બે બહેનો એક ભોજપુરી ફિલ્મમાં ગયાં. અનિતા ગુહા હીરોઇન.

Anita Guha - IMDb
અનિતા ગુહા

જેમ ફિલ્મ ચાલે એમ વાર્તા બિલકુલ જાણીતી લાગે… અરે! આ તો શબ્દશઃ ઉઠાંતરી પિતાની નવલકથાની!

અમે તો રોષથી ફુંગરાતાં હોટેલ પર આવ્યાં, 

`બસ, કાલે મુંબઈ પહોંચતાં જ સીધા વકીલ પાસે જાઓ, તમારી વાર્તાઓની તો ચોરી પર ચોરી!’

એમણે શાંતિથી કહ્યું,

`જવા દે બેટા. એ બધી માથાકૂટ કોણ કરે? એમાં કોઈ ને કોઈ ઓળખીતું જ હશે. એની સામે લડવું?’

એ કોઈ દિવસ કોઈની સામે મેદાને પડ્યા નહીં. ઘણો સમય ફિલ્મલાઇનમાં હતા, ફિલ્મો સિવાય પણ એમની નવલકથાઓ, નવલિકાઓ વગેરેથી સહુ પરિચિત હતાં. વર્ષો પછી પણ આવો હાથફેરો થતો રહ્યો. એમની કથાઓ ફિલ્મી લોકો માટે મોટો ખજાનો હતી.
*
ફિલ્મોની સાથે લેખનપ્રવૃત્તિ તો ચાલુ જ હતી. ત્યાં પણ રાણપુરનો સિલસિલો ચાલુ, દિવસે રણજિત સ્ટુડિયો અને રાત્રે લેખન.

Cinema Pioneers - SeniorsToday

લેખનને લગતું કશું કામ કરવું, તેમાંથી તેમના મનમાં ફિલ્મ મૅગેઝિન શરૂ કરવાનો વિચાર સળવળતો હતો. ફિલ્મો લોકપ્રિય થતી હતી અને ફિલ્મી મૅગેઝિન, પત્રિકાઓ વગેરે સફળતાથી ચાલતાં હતાં.

`જીવન’ નામનું સાહિત્યિક માસિક પણ શરૂ કરેલું પણ ખાસ સફળ ન થયું. ત્યાં અચાનક, અણધાર્યું એમનું સપનું સાકાર થયું. માત્ર ગુજરાતનું જ નહીં પણ દેશનું આદ્ય ફિલ્મી પત્ર ગણાતું `મોજમજાહ’ના તંત્રીનું અવસાન થયું. 

`મોજમજાહ’ ફિલ્મ ઉદ્યોગનું પ્રથમ સાપ્તાહિક હતું. મિત્રોએ પડખે ઊભા રહી, ઢગલાબંધ જાહેરખબર અપાવવાનો વાયદો કર્યો અને એમણે પ્રેસ અને `મોજમજાહ’ પહેલાં ભાડે રાખ્યું પછી વ્યાજે પૈસા લઈ ખરીદી જ લીધું.

પિતાની સોંસરવી કલમે, પહેલેથી સફળ `મોજમજાહ’ને ધરખમ સફળતા આપી. ધમધોકાર ચાલતા મૅગેઝિનને જોઈ, `ગુરુજી તમે બ્રાહ્મણભાઈ, બિઝનેસમાં તમારી ચાંચ ન ડૂબે’ કહેનારા દંગ થઈ ગયા.

પણ સાચ્ચે જ એ તો `બ્રાહ્મણભાઈ’! પાઘડીનો વળ છેડે, એ પછી ખબર પડી, જ્યારે ઢગલો જાહેરખબર મળી પણ નાણાં ન આવ્યાં. ઉઘરાણી ફાવે નહીં. આજે કે ત્યારે કેટલા સામે ચાલીને પૈસા ચૂકવે છે!

પિતાના પરમ મિત્ર હીરાલાલ ડૉક્ટર, એમને ચિઠ્ઠી લખી, `મારી નૈયા તમારે હવાલે’ કહી, રાજકોટ ચાલી ગયા. દરિયાલાલના દીકરાની નાવ ડૂબી ગઈ.

જોકે હીરાલાલ ડૉક્ટરે એવી દમદાટી દઈ ઉઘરાણી કરી કે જાહેરખબરના બધા જ રૂપિયા-આના-પાઈ જમા ખાતે. પણ `ગુરુજી, આ કામ તમારું નહીં’ કહી પિતાને રાજકોટથી બોલાવી લીધા. બંને મિત્રો ભેટી પડ્યા. દરિયાલાલના દીકરાનેય વહારની જરૂર પડે છે. હીરાલાલે ખાતાં સરભર કરી, સમેટી લીધું. 

ફિલ્મી દુનિયાનો એક અધ્યાય પૂરો થયો, પણ હજી ઘણા દુર્ગમ ડુંગર ચડવાના હતા, એનો ત્યારે ક્યાંથી ખ્યાલ હોય?  

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.