પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ અંતિમ હપ્તો ~ ભાગ:7 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા
એ સમયસર પહોંચી ગઈ. આર્યન પહેલાં જ આવી ગયો હતો. કશુંક ગણગણતો હોય એમ હોઠ થોડું ફફડતા હતા, એને થોડી થોડી વારે જોઈ એ નીચું જોઈ લેતો હતો.
કાઉન્સિલરે થોડા પ્રશ્નો પૂછ્યા, હજી તમે બન્ને સુમેળ કરી શકો છો, થોડો સમય હજી સેપરેટ રહો, પણ મળતા રહો, ફોન કરતા રહો તો તમે જ કદાચ તમારા જીવનનું સોલ્યુશન શોધી શકો. યસ, એવા પ્રસંગો બન્યા છે. આર્યનને આશા છે, શેફાલી તું વિચારી જો.
એણે ના પાડી, આર્યને એની વાતનો સ્વીકાર કર્યો. મિટિંગ પૂરી થઈ. એ ઝડપથી નીકળવા ગઈ, આર્યન લાંબાં ડગલાં ભરતો સાથે થઈ ગયો.
જે ક્ષણનો ડર હતો એ ક્ષણ આવીને ઊભી રહી.
“એક મિનિટ શેફાલી.”
એ સ્વસ્થ થવા મથતી, કૉર્ટના કૉરિડોરમાં ઊભી રહી.
“શેફાલી, આપણે થોડી વાર કૉફીશૉપમાં બેસીએ? પ્લીઝ, ના નહીં પાડતી. હું તારો કોળિયો નહીં કરી જાઉં એટલો તો વિશ્વાસ છેને?”
શેફાલી એની સાથે ચાલવા લાગી. ફૅમિલી કૉર્ટની સાંકડી ગલીમાં ભીડ હતી. બન્ને તરફ લગ્ન અને ડાયવોર્સ અપાવતી દુકાનો હતી. જાતજાતનાં પાટિયાં ઝૂલતાં હતાં. વકીલો હલ્લો મૅમ.. સર.. કહેતાં આંટાફેરા મારતા હતા.
લગ્ન અહીં એક પવિત્ર બંધન ન હતું. ચોરીમાં પ્રગટાવેલા અગ્નિમાં બધાં વચનો, સપનાંઓ બળી ગયાં હતાં.
“સૉરી, અહીં પાર્કિંગ ક્યાંથી મળે? થોડું ચાલવું પડશે.”
“કંઈ વાંધો નહીં, મને તો ટેવ છે.”
ગલીની બહારના મુખ્ય માર્ગ પર આવ્યા. વાહનોનો ધમધમાટ અને અવાજો વચ્ચે પણ એણે મોકળાશનો ઊંડો શ્વાસ ભર્યો. જાણે એ લગ્ન નામની સાંકડી નેળમાંથી બહાર નીકળી હતી. બન્ને ચૂપચાપ ચાલતા રહ્યા.
અગ્નિફેરા લેતાં મહારાજે કહ્યું હતું, સાત ડગલાં સાથે ચાલે તેને વેદોમાં સખા કહ્યા છે. પતિપત્નીનાં પવિત્ર બંધન સાથે તમે આજે સખા પણ બનો છો. જીવનપથ પર સાથે ચાલવા છતાં બન્ને સખા બની શક્યા ન હતા.
હવે, આ ક્ષણથી બન્નેના રસ્તા અલગ હતા.
કૉફીશૉપમાં બન્ને દાખલ થયાં. એક સમયે એમની મળવાની ખાસ જગ્યા, જ્યાં એક ગભરુ યુવતી સંકોચ અને અસૂઝ ભય સાથે પ્રવેશી હતી. પુરુષનો પ્રથમ જ વાર સંગ. એના દેહમાંથી આવતી આછી વીર્યની સુગંધ, પ્રથમ સ્પર્શના રણઝણાટથી એની તરફ ખેંચાતી હતી.
આજે એ જ વ્યક્તિથી છુટ્ટા પડી જવાનું હતું.
લંચ અવર પૂરો થયો હતો. થોડી ભીડ ઓછી થઈ હતી, ટેબલ પર બેસતા આર્યને બે કાપુચીનો કૉફીનો ઑર્ડર આપ્યો, હંમેશની જેમ.
થોડો સમય મૂક મુદ્રામાં જાણે થંભી ગયો. શેફાલી સામે બેઠેલા આર્યનને જોતી રહી. ગરમ કૉફીની વરાળથી આરપાર દેખાતો, ધુમ્મસ જેવી રેખાઓથી અંકિત એનો સહેજ ઝાંખો દેખાતો ચહેરો, થોડા આછા થયેલા વાળ, ગૌરવર્ણ ત્વચા પર ઢળેલી આછી શ્યામ છાયા… શેફાલીને પોતાને દર્પણમાં પોતાને ધારીને જોવાની તીવ્ર ઇચ્છા થઈ આવી.
આર્યને કૉફીનો ઘૂંટ ભરીને પૂછ્યું,
“તું કેમ છે શેફાલી?”
એનો શું જવાબ હોઈ શકે? એણે આછું સ્મિત કરી કૉફી પીવા માંડી. વાત કેમ શરૂ કરવી એ સૂઝતું નહોતું. આર્યને જ શરૂઆત કરી,
“છેલ્લા થોડા દિવસથી હું કૅનેડા, ન્યુઝિલૅન્ડ કે અમેરિકા જ્યાં પણ શક્ય હોય ત્યાં જવાનું વિચારી રહ્યો છું.”
પછી જરા અટકી, કપ નીચે મૂકીને કહ્યું,
“કદાચ ત્યાં સૅટલ પણ થઈ જાઉં, આઇ ડૉન્ટ નો.”
શેફાલી ચમકી ગઈ, કપ નીચે મૂકી આર્યનને તાકી રહી.
“એટલે, એટલે… તમે ઇન્ડિયા છોડી દેશો?”
“મને પણ નવાઈ લાગી હતી, એ વિચાર અચાનક આવ્યો ત્યારે… બાય ધ વે, તું મને તું કહી શકે છે.”
“પણ… ઘર મમ્મી… તારું બિઝનેસ…! હું માની નથી શકતી.”
“હું પણ માની નથી શકતો પણ તું ચાલી ગઈ પછી બહુ વખત હું તારા માટે ઝૂરતો રહ્યો. તને ઘણા મૅસેજીસ કરતો, તું કોઈ વાર જવાબ આપે તો ક્યારેક દિવસો સુધી ચુપકીદી.”
એણે કૉફી પીવા માંડી. સાંજ ધીરે ધીરે નમતી હતી. કૉમ્પ્યુટર પર કામ કરતા, કૉફી સાથે વાતો કરતા, ખુલ્લા મને મળતા યુવાલોકોથી કૉફીશૉપ ઉભરાવા લાગી.
“રાત્રિના એકાંતમાં તારી ખોટ ખૂબ સાલતી. ધીમે ધીમે વિચારતો થયો, શા માટે તું ચાલી ગઈ? વ્હાય? એક દિવસ ઑફિસમાં પપ્પા સાથે લંચ લેતાં મેં પપ્પાને મનની મૂંઝવણ કહી, એમણે સહજતાથી કહ્યું, શેફાલી ઓલ્ટરનેટ લાઇફની શોધમાં ગઈ છે. જીવન જુદી જુદી રીતે જીવી શકાય છે. પોતાને કઈ રીતે જીવવામાં સાચો આનંદ મળશે એની શોધ કરી, એ રસ્તે ચાલવાની હિંમત કરવી જોઈએ. હું ચકિત થઈ ગયો હતો. આ રીતે મેં કદી વિચાર્યું જ નહોતું!”
કૉફી ઠંડી થઈ ગઈ હતી. એ સ્તબ્ધ બેસી આર્યનની વાત સાંભળી રહી હતી.
“પપ્પાએ કહ્યું, આ સત્ય એમને જીવનમાં પાછલી ઉંમરે સાંપડ્યું હતું અને હવે કશું જુદું કરવું શક્ય ન હતું. એક ઘરેડમાં જીવવાની મને ફાવટ આવી ગઈ છે પણ તું તો મારા જ ઢાંચામાં ઢળી રહ્યો છે! પપ્પાએ જાણે મારા હૃદયના બંધ દ્વારે ટકોરા માર્યા. જીવનની બંધિયાર દીવાલોની કેદમાંથી છૂટવા હું મમ્મીની મરજી વિરુદ્ધ ટ્રૅકિંગ ક્લબમાં મૅમ્બર બન્યો.. નવી નવી ડેસ્ટિનેશન.. દિશાઓ ખૂલતી ગઈ..”
એ હસી પડ્યો.
“સૉરી શેફાલી તને બોર કરી રહ્યો છું. પણ તારી સાથે વાત કરવી જરૂરી હતી.”
એ અચંબિત હતી,
“પણ.. તું બધું છોડીને આમ જ ચાલી જશે? તું એક જ સંતાન છો આર્યન.”
“ના ના. એવું કશું નક્કી નથી. આવતો-જતો રહીશ.. થોડાં વર્ષ પછી આવી પણ જાઉં છું. હું મને નાણી જોવા માગું છું.”
એ ફરી હસી પડ્યો. પારદર્શક, સ્વચ્છ.
“જો તારી સાથે રહી મારું ગુજરાતી સારું થઈ ગયું છેને?”
શેફાલીએ ચૂપચાપ હાથ લાંબો કરી આર્યનના હાથ પર મૂક્યો, જાણે પહેલી જ વાર આર્યનને મળી રહી હતી. કૉફીશૉપની મોટી ફ્રૅન્ચ વિન્ડોઝમાંથી દૂર દેખાતો દરિયાનો ઘૂઘવાટ છાતીમાં ધબકતો હતો.
“સાચું કહું, શેફાલી! છુટ્ટાછેડાએ આપણને નવું જીવન આપ્યું, ઇટ ઇઝ ઑલ બીકૉઝ ઑફ યુ.”
“હું?”
“તું ચાલી ગઈ ન હોત તો મને કદી જીવન સમજાયું ન હોત શેફાલી.”
એને સમજાયું નહીં શું કહેવું?
કોઈને પામવાની ક્ષણ એ જ વિખૂટા પડવાની ક્ષણ. આનંદ અને વિષાદ જોડાજોડ હોઈ શકે! પ્રેમ અને આકર્ષણ વચ્ચેની શું નરી આંખે ન દેખાય એવી અદૃશ્ય બારીક રેખાને એ બન્ને એ સમયે પારખી શક્યા ન હતા.
“હું ક્યારનો બોલબોલ કરું છું, તું કંઈ નહીં કહે?”
“ચાલ ઊઠીશું? લોકો ટેબલની રાહ જોતા ઊભા છે.”
બન્ને ઊઠ્યા અને બહાર રસ્તા પર આવ્યાં. સામેની તરફના રસ્તા સુધી ભરતીના મોજાં ધસમસતાં આવી ભીંજવી જતા હતા. બન્ને રસ્તો ઓળંગી પાળ પાસે ઊભા રહ્યા. ઢળતો સૂરજ પણ ઉદાસ લાગતો ન હતો. અંતિમ સૂર્યકિરણોથી સંધ્યાને ઝગમગતી કરી સૂરજે જળસમાધિ લીધી.
“જો શેફાલી, સૂર્યોદય જેટલો જ સૂર્યાસ્ત પણ કેટલો દમદાર છે નહીં? અમેઝિંગ. જ્યાં અંત છે, એમાં ફરી આરંભ પણ છે નહીં?”
શેફાલીએ સહજ સ્મિત કર્યું ત્યાં વેગવાન અશ્વોની જેમ મોજાંએ ધસી આવી બન્નેને ભીંજવી દીધા.
(સમાપ્ત)