બીજી જિંદગી ~ વાર્તા ~ લેખક: કુશલ ખંધાર (લંડન)

(લેખક પરિચય:
 કુશલ ખંધાર
લંડન-સ્થિત ગુજરાતી, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજીમાં કાર્યરત લેખક અને અનુવાદક. ગુજરાતીમાં એતદ્, નવનીત સમર્પણ અને મમતા સામયિકોમાં લખાણ અને અનુવાદ છપાયા છે. LGBTQ+ (સમલૈંગિક, ઉભયલૈંગિક, પરલિંગી અને ઈતરલૈંગિક) સમુદાયના અનુભવોને વાચા આપવામાં વિશેષ રસ ધરાવે છે.)

અંધારિયો ઓરડો. પ્રકાશનું એક કિરણ, ચાર પગ ને એક પથારી.

લંડનનો કુમળો તડકો બંધ પડદાનાં ખૂણામાંથી આદિત્યના સ્ટુડિયો ફ્લૅટમાં સૌમ્ય મક્કમતાથી પ્રવેશવા લાગ્યો. પલંગના નીચલા છેડે ચાર પગ ચમકી ઊઠ્યા. એક ગોરો. બીજો ઘઉંવર્ણો. ત્રીજો ગોરો. ચોથો ઘઉંવર્ણો. આલમ હતું શાંત, નિશ્ચલ, તૃપ્ત, એમ કહોને, સંતૃપ્ત….!

હલચલ થઈ. ઓરડાનું મૌન ભંગ થયું અને ક્ષણભરમાં જ દૃશ્ય બદલાઈ ગયું.

ચાર પગ, ક્રમશઃ બે ગોરા. બે ઘઉંવર્ણા. બે વ્યક્તિઓના સૂચક.

હવામાં અધ્ધર લટકતા પ્રેમના પડઘા પ્રકાશે ઓગળી નાખ્યા. પલંગની સામેના છ ફુટ લાંબા અરીસામાં એક ગુલાબી બોર્ડરની ફ્રેમનું પ્રતિબિંબ અંધારામાંથી ઊભરી આવ્યું. સાથે જ શબ્દોનો પ્રવેશ થયો, “બે અઠવાડિયા થઈ ગયા. ક્યાં હતો આટલા દિવસ?” અવાજમાં સંભળાતી એ્ક જાતની નિરાશા તો હતી જ, અને સાથે ચિંતા પણ.

“કેટલો વ્યસ્ત રહે છે? મારા માટે તો સમય જ નથી!” એ અવાજમાંની નિરાશા અને ચિંતા હવે ફરિયાદમાં રૂપાંતરિત થઈ ચૂકી હતી. એ સાથે જ વાતાવરણ પર ગંભીરતાનું આવરણ અચાનક છવાઈ ગયું.

સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. જવાબની અપેક્ષા પણ કદાચ નહોતી.

“કોઈ બીજો પકડી લીધો છે કે?” આદિત્યને થયું કે આ ગંભીરતા તો વાતાવરણને ગૂંગળાવી નાખશે એટલે એણે મશ્કરી કરી. હવે ગંભીરતાની જગ્યા હળવાશે લઈ લીધી.

“હા જાન, આ નવા પ્રોજેક્ટે તો ત્રાસ કરી નાખ્યો છે. તને બહું મિસ કર્યો.” જવાબ બે ક્ષણ મોડો આવ્યો હતો પણ ચોક્કસ હતો અને પૂરી તૈયારી સાથે આગળ વધ્યો, “માટે જ આ વીકેન્ડ પૂરે-પૂરું તને સમર્પિત!”

“મને સમર્પિત? એટલે?” આદિત્યનું મન ખુશીથી નાચવા માગતું હતું. પણ એની પહેલા નક્કી તો કરી લે એ ઠીક સમજ્યો છે કે નહીં!

“બે દિવસનો સામાન બાંધી લે, આદિ. આ વીકેન્ડ આપણે બન્ને કોટ્સવૉલ્ડ જઈએ છીએ. અનોખી જગ્યા છે. તને બહું ગમશે! બસ તું, હું અને કોટ્સવૉલ્ડનું અદભૂત સૌંદર્ય!”

“સાચે? વૉટ એ સરપ્રાઈઝ!” આદિત્ય રાજને ભેટી પડ્યો. “આય લવ યુ, રાજ!”

“આઈ લવ યુ ટૂ, આદિ!” બે પળ તો આદિત્યના મનમાં રાજના આ શબ્દો રણકતા રહ્યા.

રાજે ઉમેર્યું, “આ વીકએન્ડ આપણે બન્ને આપણાં પ્રેમની સામાજિક જટિલતા, આપણાં સત્યને આપણાં પરિવારોથી સંતાડી રાખવાનો તણાવ – બધું જ અહીં લંડનમાં પાછળ છોડી દઈએ. આ બે દિવસ આપણે આપણી શરતો પર એક બીજી જિંદગી જીવીશું! આપણી આદર્શ જિંદગી. ચલ, જલદી પૅક કરી લે. મારો સામાન ગાડીમાં પહેલેથી જ તૈયાર રાખ્યો છે.”

પલંગની પાછળ કોરી, સફેદ દીવાલ પર ગુલાબી ફ્રેમની બોર્ડરમાં ઇન્દ્રધનુષના રંગોમાં અંકાઈ ગયેલા આ એક વાક્યની ફ્રેમ પર તડકો પડ્યો, “LIVE YOUR TRUTH.” – અર્થાત્ – ‘તમારું સત્ય જીવો.’
***

“કોઈ કહી શકે આ ગામડું છે!” આદિત્યએ કહ્યું અને રાજ હસવા લાગ્યો. સાફ-સુથરા રસ્તાઓ, મોટા આલીશાન મહેલ જેવા બંગલાઓ, ભારતનાં શહેરો કરતાં વધારે શિષ્ટતાથી લાઈનસર પાર્ક કરેલી ચકાચક ગાડિયો. ચારેકોર હરિયાળી જ હરિયાળી અને એની વચ્ચે ખળખળ વહેતું એક માસૂમ ઝરણું! એ બન્ને કોટ્સવૉલ્ડનાં લોઅર સ્લૉટર ક્ષેત્રમાં આવ્યા હતા.

“કેવું લાગ્યું, ડાર્લિંગ?” રાજે આદિત્યના કમરમાં હાથ લપેટતા પૂછ્યું.

“આટલી અનોખી જગ્યા. આટલો સુંદર બૉયફ્રેંડ. બસ બીજું શું માગી શકું?” આદિત્ય મંત્રમુગ્ધ હતો.

“હેપ્પી એનિવર્સરી, માય લવ!” રાજે પાકિટમાંથી એક બ્રેસલેટ કાઢ્યું અને આદિત્યના કાંડામાં પહેરાવ્યું.

આદિત્યની આખો ભીની થઈ ગઈ, “તને યાદ છે?” એના સ્વરમાં આશ્ચર્ય, પ્રેમ અને ઝંખના સમાન પ્રમાણમાં હતાં.

“ભૂલી કેમ જવાય? આજે આપણને એક વરસ થયું. તે જ તો મારા જીવનના કોરા કાગળ પર એક રંગીન, રમણીય ચિત્ર દોર્યું છે. તું આવ્યો એની પહેલા મારા માટે પ્રેમ તો બસ એક કલ્પના જ હતી.” રાજે આદિત્યને એની બાથમાં લીધો.

એકબીજાની હૂંફમાં એમના મનના બધાં જ વિચારો શમી ગયા. એમની આજુ-બાજુ પ્રવાસીઓ પોતાની જ મસ્તીમાં હતા. કોઈ ફોટા લેતા, કોઈ હસતાં, કોઈ ચૂમતા હતાં. કોઈને વિચિત્ર ન લાગ્યું કે બે પુરુષો જાહેરમાં ભેટે છે. ત્યારે જ એક ઘોડો ઝરણામાં પાણી પીવા આવ્યો. એની પાસે પ્રવાસીઓનું ટોળું જમા થઈ ગયું.

શબ્દો બોલાયા નહોતા પણ આદિત્યના મનમાં વિચારોની શૃંખલામાં આવ્યા, કાશ આ પળ એક પિક્ચર પોસ્ટકાર્ડમાં હંમેશ માટે કેદ થઈ જાય! પોસ્ટકાર્ડ, જે પોતાના જ અસ્તિત્વમાં પૂર્ણ હોય. ન એ પોસ્ટકાર્ડને કોઈ ભૂતકાળનું “લીફલેટ” હોય કે ન કોઈ ભવિષ્યનું “લીફલેટ” હોય! એના પર શબ્દોમાં લખાયેલી પળ જ સંપૂર્ણ જગત હોય. જેમાં જીવાતી સાચુકલી જિંદગી હોય. છૂપી રીતે બીજી જિંદગી જીવવાની નોબત ન આવે.

એટલામાં રાજનો ફોન રણક્યો. “કેટરરનો ફોન છે. હું પાંચ મિનિટમાં આવું.” અને એ વીસ ડગલાં દૂર જઈને વાતો કરવા લાગ્યો.

આદિત્ય ટોળાની નજીક બાંકડા પર બેસી ગયો અને ઘોડાનું પ્રકરણ જોવા લાગ્યો. લોકોની એક કતાર બની ગઈ હતી જે વારાફરતી ઘોડા સાથે ફોટા લઈ રહ્યા હતાં. આદિત્યને હસવું આવ્યું. કતારમાં ઊભું રહેવું એ અંગ્રેજોનો રાષ્ટ્રીય શોખ છે! અંગ્રેજો વિષેની કરાતી મજાકનો આ ચોક્કસ દાખલો હતો. એટલામાં માલિકે કંઈક તો કર્યું અને ઘોડાને હણહણાવ્યો. અને, પછી માલિકે એનો પટ્ટો પકડ્યો અને એ ચાલતા થયા. ટોળાનો ઓહકારો આદિત્યનાં કાન સુધી પહોંચ્યો અને ખતમ થઈ ગયો. ઝરણાંનું વહેણ હજી અસ્ખલિત રીતે ખળખળ વહી રહ્યું હતું.

ગયા વરસમાં કેટલું બધું બદલાઈ ગયું હતું. પ્રેમ શું હોય, એ એને બત્રીસ વરસે પહેલી વાર સમજાયું. એની પહેલા છોકરીઓ સાથે ડેટ પર જવાના પ્રયત્નો કર્યા હતા! સંસારને માણવાના આ રૂઢિચુસ્ત કાવતરાઓ એને ગોરંભાવી, ગૂંચવી નાખતાં હતાં. એક બાજુ સંસાર માણવાની તીવ્ર ઈચ્છા. બીજી બાજુ પોતાને અને બીજાંને છેતરવાનો અહેસાસ. એની અંદર જાણે સતત ઘમસાણ મચતું.

આખરે ભારત છોડીને લંડનમાં વસી ગયો. પછી એનું વિશ્વ બદલાઈ ગયું! હવે એને પોતાનું સત્ય સ્વીકારવાની મોકળાશ મળી. પોતાની સાચી ઓળખ છુપાવવાની જરૂરત ન રહી. પોતાનું અસ્તિત્વ પોતાની શરતો પર જીવવાની આઝાદી મળી. ત્યારે જ રાજ સાથે મુલાકાત થઈ. બસ, ત્યાર પછી જીવનનો ભાર વરાળ થઈને ઊડી ગયો અને પાછળ રહી બસ હળવાશ જ હળવાશ!

“સૉરી જાન. આ કેટરરે તો નાકમાં દમ કરી દીધો છે,” રાજ ફરિયાદ કરતાં પાછો વળ્યો અને આદિત્યના વિચારોની ભૂતકાળ ભણી યાત્રા વચ્ચે જ અટકી ગઈ.

“મને તો હજી સમજાતું નથી તું શા માટે આ મગજમારી કરે છે? તારા ભાઈના લગ્ન છે. તો એ અને એની થનાર પત્ની ફોડે. ભાઈના નાતે તારે મદદ કરવાની હોય એ સમજી શકું છું, પણ તારો ભાઈ તો કંઈ જ કરતો નથી. આમ થોડી ચાલે, રાજ?”

“છોડને યાર, હવે. મોટો ભાઈ છે. કરવું પડે. ચલ, જમવા જઈએ. આ જો, ત્યાં વીગન રેસ્ટોરન્ટ છે. જલદી જમી લઈએ પછી પેંગવિન જોવા જવાનું છે.”

“પેંગવિન! અહીં?” આદિત્યએ બાળક જેવું ઉત્સાહ છુપાવવાની નિષ્ફળ કોશિશ કરી.

“હા ડાર્લિંગ, અહીં જ. સરપ્રાઈઝ!”
***
દિવસભરનું સાઈટ-સીઈંગ કર્યા પછી થાક્યા-પાક્યા એ બન્ને સાંજે હોટેલ આવ્યા જે વિક્ટોરિયન શૈલીમાં બનાવેલી બે માળની ઇમારત હતી.

પાર્કિંગ લોટમાંથી સીધું રિસેપ્શનમાં જવાતું. મુખ્ય રસ્તા પરથી જવું હોય તો એક પબ દ્વારા જવું પડતું જ્યાં આખી સાંજ સ્થાનિક અંગ્રેજોની ભીડ રહેતી. એ દર પાંચ મિનિટે જોરજોરથી હસતાં. બધાં જ નિવૃત્ત લાગતાં હતાં. એમને જોઈને આદિત્યને એવું લાગતું કે એ સુખનું સાક્ષાત દર્શન કરે છે, પણ અહીંનું સ્થાનિક સુખ એના શહેરી સુખની પરિભાષાથી જુદું લાગ્યું.

તેઓ ઓરડામાં પ્રવેશ્યા. પહેલા માળા પર એક ટચૂકડું લંબચોરસ જેમાં બધું જ લાકડાનું બનેલું હતું. દરવાજાની સામેની દીવાલ પર રૂમની એકમાત્ર બારી હતી જે પબના બીયરગાર્ડન તરફ ખુલતી. બારી બંધ હોય ત્યારે પણ પબની ખડખડાટ હંસી એમના રૂમમાં આવતી રહેતી. શું આ બંધ બારી એમના રહસ્યને સાચવી રાખવા જેટલી મજબૂત હતી ખરી?

આદિત્યનો ઉત્સાહ હજી પણ બરકરાર હતો. “આજે તો મજા પડી ગઈ!” એણે દસમી વાર કીધું હશે! બીયરગાર્ડનની રોશની એટલી તેજસ્વી હતી કે એમને ઓરડામાં લાઇટ કરવાની જરૂર ન પડી.

ધીરે ધીરે એની ભાવનાઓએ પડખું ફેરવ્યું. આદિત્યના ચહેરા પર ગંભીરતાની એક લહેર છલકાઈ ગઈ. થોડીક ક્ષણો પછી એની અંદરનો સંવાદ બહાર આવ્યો,

“યુ નો રાજ, મને ડર હતો કે તું મારાથી દૂર થઈ રહ્યો છે. ગયા ત્રણ-ચાર મહિનાઓમાં આપણું બોલવાનું, મળવાનું કેટલું ઓછું થઈ ગયું હતું.”

એના શબ્દોની ગતિમાં એક મંદતા હતી. જાણે શબ્દો સ્મરણોના વજન હેઠળ કેટલાયે સમયથી દબાયેલા હોય! “પણ આ ટ્રિપ પછી મને વિશ્વાસ થઈ ગયો છે કે યુ સ્ટિલ લવ મી!”

આદિત્યએ નિખાલસ સ્મિત કરીને કહ્યું. “સૉરી, મેં તારા લવ પર શક કર્યો. તારો નવો પ્રોજેક્ટ, ભાઈના લગ્ન, આ બધું કેટલું સ્ટ્રેસફુલ હશે. મારે થોડુંક તો સમજવું જોઈતું હતું!” હવે આદિત્યના બોલોમાં અફસોસનો ભાર છલકાતો હતો.

“એ વાત તો સાચી. તું મારા પ્રેમ પર સંદેહ કરીશ તો કેમ ચાલશે, આદિ?” સપાટ અવાજમાં કહેવાયા આ શબ્દો આદિત્યને ક્રૂર લાગ્યા, પણ એને લાગ્યું ભૂલ તો એની જ છે તો એ આ ક્રૂરતાને જ લાયક છે.

“જીવનભર મેં લોકોને ગુમાવ્યા જ છે, રાજ. બા તો નાનપણમાં જ ગુજરી ગઈ. હું હોમોસેક્સ્યુઅલ (સમલૈંગિક) છું એની ખબર પડતાં જ મારા બાપે મને ઘરમાંથી કાઢી મૂક્યો. જેને સાચા મિત્ર ગણ્યા, એમને પણ મારું સત્ય ખબર પડતાં જ મને દૂર કરતા ગયા. મેં તો સ્વીકારી લીધું હતું કે જીવનભર એકલા જ રહેવાનું છે. હડધૂત જ થવાનું છે. કોઈ પડખે ઊભું રહેવાનું નથી. બહું મહેનત કર્યા પછી ગયા વરસે કંપનીમાં ટ્રાન્સફર મળી અને અહીં ઇંગ્લેન્ડ આવ્યો અને તને મળ્યો.

બસ, ત્યારથી જીવન બદલાઈ ગયું. આટલું સુખ ક્યારેય જોયું નથી. સતત મનમાં પ્રશ્ન ઊઠે છે હું વળી આટલાં સુખનો પાત્ર કેવી રીતે બની ગયો? એટલે શક થયા કરે છે કે આ ક્યાંક નિયતિની ક્રૂર રમત તો નથીને? સુખ ચખાડે અને જેમ લાળ પાડવા માંડે, કે એ બધું જ છીનવી લેશે! બસ, એટલે જ ડર લાગતો હતો કે હું તને પણ ગુમાવવા લાગ્યો છું.”

પબના ગાર્ડનથી એક ટોળાનું હસવું ઓરડામાં સરી આવ્યું.

“એ બધું સમજી શકું છું. પણ મારા પર ભરોસો નહીં કરે તો આપણું ભવિષ્ય જોખમમાં પડી જશે.” રાજનો સપાટ અવાજ આદિત્યનું હૈયું વીંધી ગયો. અવાજમાં સંકલ્પ માટેનું આહવાન તો હતું, પણ કોઈ સહાનુભૂતિ કે સ્નેહ નહોતો.

“હ્જુ કેટલું ગિલ્ટી ફીલ કરાવીશ હવે? સૉરી કહ્યુંને!” આદિત્યની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

રાજે એને એની બાથમાં લીધો, “હું ક્યાંય નથી જવાનો! હું તને પ્રેમ કરું છું. બસ, હવેથી કંઈ પણ થઈ જાય, કંઈ પણ કોઈ કહે કે તું સાંભળે તોયે આંખ બંધ કરીને મારા પર ભરોસો રાખજે, નહીં તો આપણું ભવિષ્ય જોખમમાં પડી જશે. પ્રોમિસ આપ મને!”

મુલાયમ મલમ જેવું આ વાક્ય સાંભળીને આદિત્ય કૃતજ્ઞતાથી ભાવવિભોર થઈ ગયો. એણે સહેજ હસીને ડોકું ધૂણાવ્યું. એના મનમાં વિચાર આવ્યો, કે નક્કી ગયા ભવમાં મેં કંઈક તો સારા કર્મ કર્યા હશે, જેના ફળસ્વરૂપે જ રાજ મળ્યો છે!

એટલામાં હાસ્યનું બીજું વિરાટકાય મોજું લાકડાની દિવાલો તોડીને, બહારથી અંદર ધસી આવ્યું.

પબમાં ઘંટડી વાગી. બાર બંધ કરવાનો સમય થઈ ગયો હતો. ગાર્ડનની લાઇટ બંધ કરાઈ. એમના ઓરડામાં અંધારું છવાઈ ગયું. થોડી જ ક્ષણોમાં સોપો પડી ગયો. જીવનની સંધ્યામાં સુખ માણતાં નિવૃત્ત લોકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા હતા.

અંદરથી અંધારામાં અવાજ આવ્યો, “રાજ, આપણને એક વરસ થઈ ગયું. તારા પરિવાર સાથે મને ક્યારે મળાવીશ? તે એમને આપણાં વિષે કીધું કે નહીં?”

“મે હમણાં જ શું કીધું? આંખ બંધ કરીને મારા પર ભરોસો રાખજે. રાતના અગિયાર વાગી ગયા છે. પછી વાત કરીશું. હમણાં સૂઈ જઈએ. કાલે જલદી ઊઠીને લંડન પાછા જવાનું છે,” ઘડિયાળ જોતાં રાજે જવાબ આપ્યો.

રાજ પડખું ફેરવીને ઊંઘી ગયો. આદિત્યને મોડી રાત સુધી ઊંઘ ન આવી. એના મનમાં સતત પડઘા પડતા રહ્યા, ‘આંખ બંધ કરીને ભરોસો રાખજે… નહીં તો આપણું ભવિષ્ય જોખમમાં પડી જશે!’
***
આગલી સવારે કોટ્સવૉલ્ડનું સ્વર્ગ છોડ્યું ત્યારે પબ હજી ખૂલ્યો નહોતો. આદિત્યને પ્રેમનું પોતીકું સ્વર્ગ છોડ્યા જેવો ભાસ થયો. બસ, ત્રણેક કલાકમાં એઓ લંડન પહોંચશે, છૂટા પડી જશે અને એમની બીજી જિંદગી દર મહિનાના સાત-આઠ કલાકો સુધી જ સીમિત રહી જશે.

બન્ને પોતપોતાનાં ઘરે. પોતપોતાની એકલતામાં. ના! એકલતા તો બસ આદિત્યના અસ્તિત્વથી સંકળાયેલી હતી.

ગયાં વરસે ભારત છોડ્યું ત્યારે પચાસ કિલોના સામાનમાં બત્રીસ વરસની જિંદગી ખચોખચ ભરીને લાવ્યો હતો. દોસ્તારો લાવવાની જગ્યા નહોતી! અને હોત તો પણ દોસ્તારો હતા જ ક્યાં! નવા શહેરમાં આ ઉંમરે નવેસરથી મિત્રો બનાવે પણ કેવી રીતે? ખાસ કરીને લંડન જેવા અજાણ્યા અને એકલવાયા શહેરમાં, જ્યાં એક ઘરમાં જ રહેતી ત્રણ વ્યક્તિને એકબીજાનું નામ સુધ્ધાં ખબર ન હોય!

બીજી બાજુ, રાજનો જન્મ અને ઉછેર અહીં જ થયો હતો. ભર્યુંભાદર્યું જીવન. માતા-પિતા, ભાઈ, દોસ્તારો – બેનપણીઓમાંથી ઊંચો આવે ત્યારે જ આદિત્યનો નંબર આવતો. અને હવે તો ભાઈના લગ્ન, નવો પ્રોજેકટ!

“શું વિચારે છે, આદિ?”

“વિચારતો હતો કે હવે કેટલા દિવસ રાહ જોવી પડશે તને મળવા માટે.”

“બે અઠવાડિયાંમાં ભાઈના લગ્ન છે. પછી તરત મારે પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે.”

“ઓસ્ટ્રેલિયા? આટલે દૂર?

“હા, તને પહેલા કહેત તો તું ટ્રિપ એન્જોય ન કરી શકત.”

“કેટલા દિવસ માટે?”

“બે અઠવાડિયા.”

“બે અઠવાડિયા! એટલે હવે એક મહિના સુધી આપણે નહીં મળીએ?” એ સવાલ નહોતો, તકરાર હતી. પછી તરત આદિત્યને ગયા રાતનો સંવાદ યાદ આવ્યો અને એણે ઉમેર્યું, “ઠીક છે. હું સમજી શકું છું. હું રાહ જોઈશ.”

પળભર માટે મૌન રહ્યું. પછી એક એક શબ્દ વીણીને એણે ઉમેર્યું, “હું એ પણ સ્વીકારું છું કે તારા ભાઈના લગ્નમાં હું આમંત્રિત નથી. તું તારા સમયે તૈયાર થાય ત્યારે તારા પરિવારને આપણાં વિષે કહેજે. હું ઉતાવળ નહીં કરાવું.”

ગાડી ચલાવતાં રાજે આદિત્યને એક ફ્લાઈંગ કિસ કર્યું. અને ગાડી ચલાવતો રહ્યો. એના ચહેરા પર દેખાતો આનંદ ચેપી હતો.

બાકીની યાત્રા મૌનમાં વીતી. ધીરે ધીરે લીલા ખેતરોનો લીલેરો અવકાશ પાછળ રહી ગયો અને ચારે કોર ગીચ, એકસરખા લાલ ઈંટનાં ઘરોની હરોળ દેખાવા માંડી. જેટલા વધારે મકાનો, જેટલા વધારે માણસો, જેટલી વધારે ગાડીઓ, એટલું જ વધારે અજાણપણું. એટલી જ વધારે એકલતા!

જોતાં-જોતાં આદિત્યની એકલતાનું નિવાસસ્થાન આવી ગયું. એણે ખુશ દેખાવાના અસફળ પ્રયત્નો કર્યા. ગાડીમાંથી સામાન કાઢ્યો. રાજે ઘરના બારણાં સુધી મૂકી આપ્યો. ઘરના દરવાજાના ઉંબરે ઊભા એ ભેટી પડ્યા. “જલદી મળીશું. એક જ તો મહિનો છે. ક્યાં ઊડી જશે ખબર પણ નહીં પડે. ખ્યાલ રાખજે!”

“બોન વોયેજ, રાજ!”

રાજ એના સંસાર ભણી ચાલ્યો ગયો. એની બાથમાંથી છૂટીને આદિત્યે ઉંબરો ઓળંગ્યો અને એની એકલતામાં પ્રવેશ્યો. એમની બીજી જિંદગી થોભી ગઈ હતી. પ્રતીક્ષાની ઘડિયાળ ટિક-ટિક કરતાં શરૂ થઈ ગઈ. એ પલંગ પર ઢળી પડ્યો. સામેના દર્પણમાં ફ્રેમનું પ્રતિબિંબ દેખાતું હતું. LIVE YOUR TRUTH. પ્રતિબિંબમાં એ વાક્ય ઊંધું વંચાતું હતું!
***
“આઈ’મ હોમ!” રાજે એના ઘરમાં પગ મૂકતાં હાકલ મારી.

આરતી રસોડામાંથી દોડતી આવી અને રાજને વળગી પડી. “આવી ગયો! તારી માટે સરપ્રાઇઝ છે.”

“સરપ્રાઇઝ?”

“ઓસ્ટ્રેલિયા ટ્રિપથી પાછા વળતાં બે અઠવાડિયા ટર્કીમાં ફરવા જવાનું છે!”

“ટર્કી?”

“હા ટર્કી, માય લવ! જીવનમાં એક જ તો હનીમૂન આવે છે. આપણે મજા કરી લઈએ ને! મારા પપ્પા, એટલે કે તારા સસરા તરફથી આપણને ગિફ્ટ! આમેય આ અઠવાડિયું તારી બિસનેસ ટ્રિપમાં કચકચ કર્યા વિના તને જવા દીધો ને! તો હવે એની ભરપાઈ ટર્કી જઈને કરવી પડશે!”

“એ વાત તો સાચી! પત્નીને તો ખુશ રાખવી જ પડશે ને. ડીલ! ભરપાઈ કન્ફર્મ.” આરતીના ઉત્સાહનો પાર ન રહ્યો. રાજે હસતાં હસતાં ઉમેર્યું, “સસરા જમાઈનું સારું ધ્યાન રાખે છે,”

“રાખે જ ને. આફ્ટરઑલ, એમની એક-ની-એક દીકરી મહેતા પરિવારના એક-ના-એક દીકરા સાથે પરણવાની છે! બસ બે જ અઠવાડિયા બાકી!”

પછી આરતીને અચાનક યાદ આવ્યું, “અરે સાંભળ, તારી કેટરર સાથે વાત થઈ ગઈ ને? આપણા સંગીત માટે વાઇન લિસ્ટ નક્કી કરવાનું બાકી છે.”

“તું ચિંતા નહીં કર. હું બધું નક્કી કરી લઇશ. તું બસ હનીમૂનની તૈયારી પર ધ્યાન આપ. બીજું બધું મારા પર છોડી દે. કેવળ બે અઠવાડિયા બાકી છે. પછી આપણે મિસ્ટર ઍન્ડ મિસેસ રાજ મહેતા! આપણાં જીવનમાં એક નવી ઇનિંગનો આરંભ થશે. આપણે શરૂ કરીશું એક બીજી જિંદગી!”
***

લેખક: કુશલ ખંધાર (લંડન)

આપનો પ્રતિભાવ આપો..