સાતમું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. ચોસઠ જોગણી આવી ૨. ગોરી ગોરી હથેળી વચ્ચે 3. અમી ઝરંતી માની આંખડી

૧.  ચોસઠ જોગણી આવી

ચોસઠ જોગણી આવી,
ધન્ય ઘડીઓ લાવી,
મા તારો જયજયકાર!
નમીને ચરણકમળે કહીએ માને સ્નેહે,
મા તારો જયજયકાર!

સખીઓના સંગમાં ને હૈયું ઉમંગમાં,
ચૂંદડી રંગાવી માડી નવનવ તે રંગમાં.
પગલાંની ઠેસે ને ઊડતા ગુલાલે,
ઘૂમે નરનાર રૂડા ઢોલીડા તાલે,
કુમકુમ પગલે આવી દીપાવો,
મા તારો જયજયકાર!

ચોસઠ જોગણી…

હાથી તે દાંતનો ચૂડલો ઘડાવ્યો,
માથે ઝગમગતો ગરબો ચઢાવ્યો,
સોહે છે સાથિયા ચંદન ચોકમાં,
૨મણે ચઢે છે રાસ ચૌદ લોકમાં,
તિમિરને કાઢો અજવાળાં લાવો,
મા તારો જયજયકાર!

ચોસઠ જોગણી…

૨. ગોરી ગોરી હથેળી વચ્ચે

ગોરી ગોરી હથેળી વચ્ચે
નામ લખ્યું છે તારે માટે,
મુજ આંખોમાં લાગણીઓનું
ગામ વસ્યું છે તારે માટે.

પરોઢ ટાણે જાગી ગઈ,
બારીમાં તારા મુખને ભાળ્યું,
કૂવા કાંઠે ગઈ’તી, મેં તો જળમાં
તારું બિંબ નિહાળ્યું,
કાંઠો, કૂવો, હેલ કે મનડું
ભાન ભૂલ્યું છે તારે માટે.
ગોરી ગોરી હથેળી વચ્ચે…

બપોરે ઈંધણાં વીણવાં ગઈ
ને તડકો થઈ ગ્યો રેશમી લૂ,
ટોપલો માથે મૂકતાં જ પામી,
સૂરજની જગ્યાએ તું!
યાદનું જંગલ લજામણીનું
ઠામ બન્યું છે તારે માટે.
ગોરી ગોરી હથેળી વચ્ચે …

સંધ્યા ટાણે ઝાલર વાગી,
સાંભળ્યો એમાં તારો નાદ,
રણકારા ને ભણકારામાં પાડ્યો
ઘેરો તુજને સાદ,
ગામની વચ્ચે ભીડભાગોળે
બદનામ થઈ છું તારે માટે.
ગોરી ગોરી હથેળી વચ્ચે …

૩. અમી ઝરંતી માની આંખડી

અમી ઝરંતી માની આંખડી
ને કાંઈ હૈયે છલકતું વહાલ રે,
કે માડી તમે પગલાં પાડો,
કુમકુમ પગલાં પાડો.

અંબરથી ઊતરી મા આવિયા
ને સૌના હૈયે હરખ ના માય રે,
કે માડી તમે પગલાં પાડો…

કેસર ચંદનથી મહેકે આંગણું
ને ત્રિલોક રમવા આવે છે રાસ રે,
કે માડી તમે પગલાં પાડો…

સકલ સૃષ્ટિમાં ચમકે દીવડા
ને ઢોલ ગબ્બરમાં સંભળાય રે,
કે માડી તમે પગલાં પાડો…

કાનના કુંડળે ઝૂલે ચંદ્ર-સૂર્ય
ને માને હૈયે હરખનો હાર રે,
કે માડી તમે પગલાં પાડો…

ચૂડલામાં તારલિયા ઓપતા
ને લીલા કંકણનો રણકાર રે,
કે માડી તમે પગલાં પાડો…

રાતી સોનેરી માની ચુંદડી ઊડે
ને એમાં વરસે છે આશિષ અપાર રે,
કે માડી તમે પગલાં પાડો…

નવલી છે રાત માડી ગરબે ઘૂમો
ને સહુ ઘેલાં થયાં નર ને નાર રે,
કે માડી તમે પગલાં પાડો…

માનાં ચરણકમળમાં માથું નમે
ને ચૌદ લોકમાં જયજયકાર રે,
કે માડી તમે પગલાં પાડો…

~ યામિની વ્યાસ (સુરત)

આપનો પ્રતિભાવ આપો..