આઠમું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. ઊડે ઊડે રે ગુલાલ ૨. હૈયે મારે વાસંતી કૂંપળો 3. ચાર ચાર સહિયરો ઘૂમે

૧. ઊડે ઊડે રે ગુલાલ

ઊડે ઊડે રે ગુલાલ,
ફ૨ફ૨ ધજાઓ ફરકે,
માના આવવાના એંધાણ,
મોરલો મીઠો રે ટહુકે.
ઊડે ઊડે રે…

દાતણ દાડમિયા મંગાવું,
ઝારી જમના જળે ભરાવું,
માડી દાતણ કરતાં જાઓ,
હૈયું આનંદથી છલકે.
ઊડે ઊડે રે…

ત્રાંબા કુંડીઓ છલકાવું,
ગુલાબ પાંદડીએ સજાવું,
માડી નાવણ કરતાં જાઓ,
હૈયું આનંદથી છલકે.
ઊડે ઊડે રે…

થાળી ચાંદીની મંગાવું,
હેતે છપ્પનભોગ પીરસાવું,
માડી ભોજન કરતાં જાઓ,
હૈયું આનંદથી છલકે.
ઊડે ઊડે રે…

એલચી, સોપારી મંગાવું,
પાનનાં બીડાંને મહેકાવું,
માડી મુખવાસ કરતાં જાઓ,
હૈયું આનંદથી છલકે.
ઊડે ઊડે રે…

રેશમ રજાઈઓ મંગાવું,
સિસમ ઢોલિયા ઢળાવું,
માડી પોઢણ કરતાં જાઓ,
હૈયું આનંદથી છલકે.
ઊડે ઊડે રે…

૨. હૈયે મારે વાસંતી કૂંપળો

ઓ કાનુડા… ઓ કાનુડા…
તેં તો મને વાંસળીના સૂરમાં ઝબોળી,
કે હૈયે મારે વાસંતી કૂંપળો કોળી.

કદમના ઝાડ પર છુપાઈ રહે
ને પછી મારે કંકર ને બેડાં ફોડે,
કૂવાને કાંઠડે આખી પલાળીને
મારા દીધેલા સમને તોડે,
દિલડું ચોરીને લઈ જાતા એ ચોરને,
કદી ના શકું હું ખોળી.
કે હૈયે મારે વાસંતી કૂંપળો કોળી.

વનરા તે વનમાં હું ના રોકાઉં
તોય રોકી લે વેરણ વાંસળી,

એની સાથેસાથે વરસી પડે છે જુઓ,
કોરા તે નભથી વાદળી,

ભાન ભૂલીને મટુકીમાં કાનો લઈ ગઈ,
સહુએ પીધો પ્યાલા બોળી બોળી.
કે હૈયે મારે વાસંતી કૂંપળો કોળી.

3. ચાર ચાર સહિયરો ઘૂમે

ચાર ચાર સહિયરો ઘૂમે એકસાથે,
માડી રંગેચંગે આવે રુમઝુમના તાલે.

આકાશી ઓઢણી ને ઝગમગતા તારલા,
ઓવારણા લઉં છું મા અંબેના નામના,
આભેથી ચાંદ આવી નજરુ ઉતારે,
વચ્ચોવચ મંચ પર સરુપાઓ મ્હાલે,
સાત સાત રંગોના શમણાઓ લાવે,
માડી રંગેચંગે આવે રુમઝુમના તાલે.

ચાર ચાર…

શબ્દોથી ટહુકા વેરે કળાયેલ મોરલા,
અંબેમાના ગરબે જાગે અંતરના ઓરતા,
ડુંગરથી ઊતરી મા આશિષો આપે,
માડીનાં ચરણોમાં આ ઉત્સવ ગાજે,
લાલ લાલ કુમકુમનાં પગલાંઓ પાડે,
માડી રંગેચંગે આવે રૂમઝૂમના તાલે.

ચાર ચાર….

~  યામિની વ્યાસ (સુરત)

આપનો પ્રતિભાવ આપો..