રૂદેશાઈમ આઇમ રાહીન – જર્મનિઆ અને ડ્રોસલગાસે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:12 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમે અમારી ફેરીમાંથી ઉતરીને એ માર્ગ તરફ ચાલવા માંડ્યું જ્યાં બીજા પ્રવાસીઓ પણ જઈ રહ્યા હતા. ગામ નાનું છે એટલે ચાલીને બધે ફરી શકાય. જોવાલાયક સ્થળો જૂના પરિસરમાં છે ને પાસપાસે આવેલા છે.
અચાનક અમને સામેથી રસ્તા પર ટ્રેન આવતી દેખાઈ. ચોંકી ગયા? ટ્રેન પાટા પર ચાલે, રસ્તા પર થોડી ચાલે એવો પ્રશ્ન પણ થશે. ટાઢા પહોરના ગપ્પા મારો છો તમે એવુંય કહેશો, પણ આ સાચું હતું. અમને પણ આશ્ચર્ય થયું, પણ ગભરાટ નહિ. કારણકે આ રસ્તા પર ચાલનારી ટ્રેનના આકારવાળું વાહન હતું.
એનો આગલો હિસ્સો એન્જિનના આકારનો હતો ને પાછળ ચાર ખુલ્લા ડબ્બા જોડેલા હતાં. દરેક ડબ્બામાં પ્રવાસીઓને બેસવાના બાંકડા ગોઠવેલા હતા. જર્મનીના ઘણા સ્થળે તમને રસ્તા પર આવી ટ્રેન જોવા મળશે જે મુખ્યત્વે પ્રવાસીઓને આસપાસ આવેલ સ્થળોની મુલાકાતે લઇ જાય છે. ઓડિયો ગાઈડ અથવા ડ્રાઈવર તમને દરેક સ્થળોની માહિતી આપતો જાય.
અમને મુખ્યત્વે રસ હતો અહી નાનકડા ડુંગર પર આવેલા દેશભક્તિના પ્રતીક સમા ‘જર્મનીઆ’ નામનું સ્મારક જોવામાં, જે વિનયાર્ડસ (દ્રાક્ષની વાડીઓ)ની ઉપર નીદરવાલ્ડૅન્કમલ ખાતે આવેલું છે.
૧૮૭૭માં એનું બાંધકામ શરુ થયું અને ૧૮૮૩માં પૂરું થયું. ઉપર ડુંગર સુધી જવા માટે ચાર વિકલ્પો છે. એક ચાલીને, બીજો ગાડી દ્વારા (અલબત્ત તમારે એમને આગોતરી જાણ કરવી પડે એટલે વાહનના પાર્કિંગની વ્યવસ્થા કરી શકે), ત્રીજો રોપવે અને ચોથો આસ્માશાઉસેન આગળ આપણે અગાઉ જે જાણ્યું તે ચેર લિફ્ટ મારફતે.
અમે ગોન્ડોલાના આકારવાળા રોપવેમાં બેસીને જવાનું નક્કી કર્યું. ઉપર જવાના 6 યુરો અને રિટર્ન ટિકિટના 9 ડોલર. સ્વાભાવિક છે અમે રિટર્ન ટિકિટ્સ લીધી.
શાસન પ્રવાસીઓને કેટલી બધી સગવડો પુરી પાડે છે. તમે નાના બાળક સાથે આવ્યા હોય તો એની ચાલણગાડી માટે વધારાનો કોઈ ખર્ચો નહિ. તમારા કૂતરા બિલાડા સાથે છે? નો પ્રોબ્લેમ. એમને પણ મફતમાં મુસાફરીની સુવિધા.
ફટાફટ ગોન્ડોલા કાર્સ આવતી હતી ને ઝડપથી બધા પ્રવાસીઓ એમાં બેસીને ઉપડતા હતા. લાંબી લાગતી લાઈન પળવારમાં નાની થઇ જતી. અમે બેઠા ને શું અનુપમ દ્રશ્યો જોવા મળ્યા!
વિનયાર્ડસની ઉપરથી આ પસાર થાય, નીચે ખૂબસુરત ગામ દેખાય ને એક બાજુ નીચે રાહીન સરકતી દેખાય.
અમે સામસામે બેઠા ને વળતી વખતે જગાની અદલબદલ કરવી એવું નક્કી કર્યું જેથી બંને તરફના દ્રશ્ય જોવા મળ્યા. વેપારીની ભાષામાં કહેવું હોય તો પુરા પૈસા વસુલ. અમે ઉપર સુધી કયારે પહોંચી ગયા એ ખબર પણ ના પડી.
ઉતર્યા પછી થોડું ચાલવું પડ્યું ને પછી અમે પહોંચી ગયા એ વિશાળ સ્મારકે જે ટોચે, જંગલને અડીને આવેલું છે. આની મુલાકાત એટલે જર્મનીના ઇતિહાસની મુલાકાત.
૧૮૭૦-૭૧માં ફ્રાન્સ અને પ્રશિયન લશ્કર વચ્ચેના યુદ્ધમાં થયેલી જીતના માનમાં ને એના થકી ઉદ્ભવેલા જર્મન સામ્રાજ્યની યાદગીરી રૂપે આ સ્મારક છે.
આની પહેલા હિન્દુસ્તાન જેમ અસંખ્ય રાજા રજવાડાઓમાં વહેચાયેલું હતું તેવી જ રીતે જર્મની પણ અસંખ્ય રાજ્યોમાં વિભાજીત હતું. 1871માં પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન એમ્પરર તરીકે આવ્યો અને ભૂગોળ બદલાઈ ગઈ.

પ્રથમ વાર જર્મની એકત્ર થઈને મોટો દેશ બન્યો. નીદરવાલ્ડૅન્કમલ લોકોમાં એના હુલામણા નામ જર્મનિયાથી વધુ જાણીતું છે. આ સ્મારક વિજય કરતા જર્મન દેશભક્તિનું પ્રતીક તરીકે વધુ જોવાય છે.
નિશ્ચિન્તએ સવાલ કર્યો, “પણ આ સ્થળે આ સ્મારક ઊભું કરવાનું કોઈ કારણ?”
“સરસ સવાલ” જવાબ આપતા મેં કહ્યું, “પહેલું કારણ લશ્કર ફ્રાન્સ પર ચઢાઈ કરવા બાજુના રેલવે સ્ટેશનથી જ ગયું હતું. બીજું કારણ આ સ્થળ સમગ્ર નદીનું મધ્યબિંદુ છે ને અહીં વાઈન બનાવવા માટે બનેલા અસંખ્ય દ્રાક્ષના બગીચાઓ લોકોમાં પહેલેથી જ લોકપ્રિય હતા.
એમ્પરર વિલિયમ અને ચાન્સેલર બીસ્માર્કની જેવી અનુમતિ મળી કે બાંધકામ શરુ થઇ ગયુ. 28 સપ્ટેમ્બર 1883ના રોજ 38 મીટર એટલે કે 125 ફૂટ ઊંચું આ સ્મારક જેમાં સમગ્ર જર્મનીનો સમાવેશ થતો હતો તેનું ઉદ્ઘાટન એમ્પરરના હાથે થયું. એક મોટો હાદસો થતા થતા રહી ગયો. એમ્પરરનું ખૂન કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ કાવતરાખોરો સફળ નહિ થયા.
સ્મારકનો સંદેશો છે:
‘હે મારી પ્યારી પિતૃભૂમિ, હવે નથી તારા પર કોઈ ભય ઝળુંબતો,
સચેત ઊભા છે તારા સપૂતો રાહીન પર નજર નાખતાં.’
અપર રાહીન વેલી વિસ્તર જેમાં આ સ્મારક આવ્યું છે એ સમગ્ર વિસ્તાર 2002માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત થયો. દર વર્ષે લગભગ 18 લાખ પ્રવાસીઓ આની મુલાકાતે આવે છે.
અહીંયા વિશાળ અગાશીઓ આવી છે અમે એની પાળે જઈને નીચે આવેલું ખૂબસુરત ગામ ને રાહીન નદીને નીરખાવાનો આનંદ માણ્યો. સારો એવો વખત ગાળીને અમે નીચે પાછા આવ્યા, આ વખતે અમે જગાની અદલાબદલી કરેલી તેથી ઓર મઝા આવી. નીચે આવીને અમે આવી ગયા અહીંની નયનરમ્ય ગલી ડ્રોસલગાસે.
આ ડ્રોસલગાસે તો છે એક સાંકડી, પથ્થરના રસ્તાવાળી નાની ગલી જે આ ગામનું ઘરેણું છે. એની બંને બાજુએ જુના હાફ ટિમ્બરેડ ઘરો આવેલા છે.
આવા હાફ ટિમ્બરેડ ઘરો જર્મનીની એક આગવી ખાસિયત છે ને લગભગ બધે જ જોવા મળે છે. લાકડાના લાંબા બીમ્બોનું આડુંસીધું માળખું બનાવ્યું હોય અને તેની અંદર ભીંતો ચણી દીધી હોય, અસલ મધ્યકાલીન યુગનો અહેસાસ કરાવે એવી આ ગલીમાં રાતે તો અહીંની રેસ્ટોરન્ટની બહાર ખુલ્લી જગામાં થતા લાઈવ મ્યુઝિક અને અંદર બારમા ગુંજતા આધુનિક સંગીતથી વાતાવરણ એકદમ રંગીન થઇ જાય છે.
અમને લાગી હતી કકડીને ભૂખ એટલે રેસ્ટોરન્ટની શોધખોળ આદરી. અહીંયા દેશ વિદેશની તરહતરહની વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ છે જેમાં ભારતીય રેસ્ટોરન્ટનો પણ સમાવેશ થાય છે. અમારે ત્યાં નહોતું જવું.
રસ્તામાં અમને એક ઠેકાણે અહીંની ખાસ વાનગી વેચાતી દેખાઈ. શાકાહારી આ વાનગી એટલે આમતો બ્રેડ જ. નામ એનું ત્રાડેલનીક. દળેલી સાકર ભભરાવેલી આ ગરમ ગરમ બ્રેડ ખાઈને પેટને થોડો ટેકો મળ્યો.
બીજે એક અહીંની વિશિષ્ટ વાનગી ખાધી ફ્લેમફૂકેન,એ આમ પિત્ઝા જેવી જ હોય પરંતુ એમાં બેઝ ટામેટાને બદલે ક્રીમનો હોય. આ પણ ઊભા ઊભા ખાઈ લીધી.
અહીંનો રાહેંગાઉ રિઝલિંગ વ્હાઇટ વાઈન અતિ પ્રખ્યાત છે, પણ એ પીવાનો રહી ગયો. ખાવામાં અમારે આજે જુદું જ કંઈ કરવું હતું. એટલે જે મેં જીવનમાં કયારેય ન કર્યું હોય તેવું કર્યું.
અમારી સાથીદાર હીનાદેવી ગળપણના શોખીન. એના વગર એમનું ભોજન અધૂરું રહે તેથી અમે જયારે એક એવી રેસ્ટોરન્ટ જોઈ જ્યાં ફક્ત વિવિધ પ્રકારના પાશ્ચાત્ય ડેઝર્ટ મળતા હતા તો સીધા ત્યાં બેસી પડ્યા.
બપોરના ભોજનમા ફક્ત આ જ. અમે રેસ્ટોરન્ટની બહાર ખુલ્લામાં બેઠા, જે સમગ્ર યુરોપમાં લોકો પસંદ કરે છે. એમનું રંગબેરંગી મેનુ જોઈને જ હું તો છક થઇ ગયો. અમે ચારેચાર જુદી જુદી જાતના આઈસ્ક્રીમ મંગાવ્યા જેની સાથે કંઈ કેટલીય વસ્તુઓ આવી. ખાઈને જીવને આનંદ અને ધરવ બંને થયો.
ત્યાંથી બહાર નીકળ્યા પણ હવે અહીંની બીજી કોઈ વસ્તુ જોવાનો સમય ન હતો એટલે પાછા ફેરી પકડવા નીકળ્યા.
રસ્તામાં બંધ રેલવે ફાટક આવતા ઊભા રહી ગયા. સેન્ટ ગોરેહસાનથી ફ્રેન્કફર્ટ તરફ જતી આ લાઈન હતી. ટ્રેન પસાર થઈ ને આપણે ખુશખુશાલ થઇ ગયા. મને આટલો ઉત્સાહિત જોઈને સીજે કહે, “અરે ઉત્કર્ષ ટ્રેન જોવા મળી એમાં એટલો ખુશ?”
નિશ્ચિન્ત કહે “ટ્રેનની બાબતમાં એ હજી બાબો જ રહ્યો છે. એ અમારો પીટર પેન છે”.
બે-ચાર ટ્રેન પસાર થઇ. આપણે ત્યાં જેટલી લાંબી ટ્રેન હોય તેટલી લાંબી નહિ. કોઈક તો માત્ર બે-ત્રણ ડબ્બાની જ હતી જુદી જુદી ડિઝાઈનની અને રંગોની આવી ટ્રેન જોવાની કયા બાળકને મઝા ના આવે?
થોડીવારે ફાટક ખુલ્યું ને અમે આવી પહોંચ્યા, જ્યાંથી ફેરી લેવાની હતી એ સ્થળ પર. ફેરી આવી ન હતી એટલે થોડીવાર આમતેમ ડાફોળિયા માર્યા. ફેરી આવી એટલે અમે પાછા ઉપર સવારે બેઠેલા તે દિશામાં જ બેસી ગયા જેથી બંને તરફના દ્રશ્યોનો લ્હાવો મળી જાય. આ જરા જૂની ઢબની મધ્યમાં મોટા પૈડાંવાળી ફેરી હતી.
(ક્રમશ:)