છઠ્ઠું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. માનો ઘૂઘરીયાળો રથ ૨. શ્યામ મારા હૈયા 3. એક નવલો તે ગરબો

૧.  માનો ઘૂઘરીયાળો રથ

માનો ઘૂઘરીયાળો રથ
આવે છે મારે બારણે રે,
મેં તો ચંદન છાંટી
ચોક સજાવ્યો મારે આંગણે રે.

નવરાતના અંધારની ખનકતી તરજ
તો લેવા માંડી છે અંગડાઈ,
માના તેજે ઓઢેલા ઠાવકા સૂરજની
નજરું અચાનક મંડાઈ.
મા, આ પૂરવના કિરણોને ચાળું
કયા ચારણે રે.
માનો ઘૂઘરીયાળો..

માની ચૂંદલડીમાં ચમકંતા તારલા
જુઓ, વધારી રહ્યાં છે કદ,
વરણાગી ચાંદની આભેથી આવે,
ફરી ઉપર જવાનું એનું રદ
મા આકાશી ભાષામાં બોલતા ચાંદાને
પોઢાડું હવે કયા પારણે રે?
માનો ઘૂઘરીયાળો..

૨. શ્યામ મારા હૈયા

હો શ્યામ મારા હૈયા ને હેલ માંહી હોડ લાગી,
બંને છલકી રહ્યાં જ્યાં સહેજ ઠેસ વાગી.

દશે દિશાથી મારાં ઊભરાતાં શમણાંને
કેમ કરી હાથવગું રોકું?
ખાલી થયેલ હેલ ભરું ભરું ને શ્યામ
ભાગે અચાનક ઝોકું,

રખે, ભર ને ખાલવમાં કોક જાય જાગી,
બંને છલકી રહ્યાં જ્યાં સહેજ ઠેસ વાગી.
હો શ્યામ મારા હૈયા ..

હાથોમાં મૂકેલ મારી લીલુડી મહેંદીએ
શરમની લાલાશ શું જોઈ!
રાતી વરમાળા જરા અડકી જોઈ
ને ત્યાં તો કાચી લીલાશ એણે ખોઈ,

લાગે વાદળ વરસતું જાણે આભ ત્યાગી,
બંને છલકી રહ્યાં જ્યાં સહેજ ઠેસ વાગી.

હો શ્યામ મારા હૈયા..

3. એક નવલો તે ગરબો

એક નવલો તે ગરબો
જાતે કોરિયો રે લોલ.
માંહી શ્રધ્ધાનો દીવડો
પ્રગટાવિયો રે લોલ.

પ્રસરે ઘડૂલે રૂડી અજવાળી તેજ ધાર,
એમાં ફેલાતો આખા ગરબાનો ટૂંક સાર.
તારા આવ્યા છોડી આકાશી દરબાર,
તાલે તાલે પાછળ નક્ષત્રોની હાર.
મેં તો ચાંદાને ચોકમાં ઘૂમાવિયો રે લોલ.

એક નવલો તે…

આવનજાવનમાં ગૂંજે અનહદનો એક નાદ,
પગ નર્તન કરે જ્યાં પડે ગરબાનો એક સાદ.
રગ રગમાં માંડ્યો સહુએ અખિલ નૌતમ રાસ!
આખું બ્રહ્માંડ આવી નીરખે ગરબાની આસપાસ,
સકલ વિશ્વનો ગરબો ગવડાવિયો રે લોલ.

એક નવલો તે..

~ યામિની વ્યાસ (સુરત)

આપનો પ્રતિભાવ આપો..