અહેવાલ ~ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું બારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન ૧૫,૧૬,૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ ~ અહેવાલ: જિગીષા દિલીપ

ગુજરાતી કલા, સાહિત્ય, સંગીતના દેશ-વિદેશ વસતા સારસ્વત ગુજરાતી પ્રેમીઓ અને સંવર્ધકોનો મેળો

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું બારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન ૧૫,૧૬,૧૭ સપ્ટેમ્બરે રોયલ પેલેસ હોટલ, એડિસન, ન્યુ જર્સીમાં એકેડેમીના પ્રમુખ શ્રીરામભાઈ ગઢવીની આગેવાની હેઠળ, ઉપપ્રમુખ આશિષ દેસાઈની અથાગ મહેનત અને મંત્રી ગીની માલવિયા, નિકેતા વ્યાસ, ગૌરાંગ મહેતા, પ્રાર્થના જ્હા, હરીશ રાવલિયા, અપેક્ષા દવે, ધનંજય દેસાઈ અને મુકેશ શાહ જેવા કાર્યવાહક કાર્યકરોના સાથ સહકારથી રંગેચંગે ઉજવાયું.

May be an image of text

એકેડેમીની સ્થાપના ૧૯૮૧માં થઈ ત્યારથી, રામભાઈ તેમાં જોડાયેલા તો હતા જ, પરંતુ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ગુજરાતી કળા, સાહિત્ય અને સંગીતના સંવર્ધનની મશાલને એક અદના મશાલચી બની તેમણે પ્રજ્વલિત રાખી છે.

May be an image of 1 person and smiling
રામભાઈ ગઢવી

ભારતના, અમેરિકાના અને વિશ્વનાં ખૂણેખૂણેથી ગુજરાતી લેખક, કવિ, સાહિત્યકાર, સંગીતકાર, કલાકાર, નાટ્યકાર, પત્રકાર, મોટીવેશનલ સ્પીકર, ફિલ્મ દિગ્દર્શક કે એક્ટર સૌને એકેડેમી તરફથી બોલાવી, નવાજી, ગુજરાતી સંવર્ધકોનો અશ્વમેઘયજ્ઞ તેમના અથાક પ્રયત્નો અને આગવી સૂઝબૂઝ થકી કરવાનું સતત રામભાઈએ ચાલુ રાખ્યું છે.

આ વખતનાં બારમા દ્વિવાર્ષિક સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ભારતથી વિદ્વાન સાહિત્યકાર, IAS ઓફિસર અને ગુજરાત રાજ્યમાં વિવિધ ખાતાઓમાં ઉચ્ચ હોદ્દા પર અધ્યક્ષ રહી ચૂકેલા શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને ખૂબ જાણીતા વિદ્વાન કવિ, વાર્તાકાર, વિવેચક, સંપાદક, યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલ એવા શ્રી વિનોદ જોશીને આમંત્ર્યા હતા.

ભાગ્યેશ જ્હા
May be an image of 5 people and temple
વિનોદ જોશી, પન્ના નાયક. અનિલ ચાવડા

સૌ પ્રથમ, પધારેલા સૌ મહેમાનો અને રજિસ્ટર્ડ મેમ્બરોને સ્વાદિષ્ટ પકવાન, મીઠાઈ સાથે અનેકવિધ વ્યંજનો સહિતનાં ભોજન સાથે સત્કાર્યા.

૧૫મી સપ્ટેમ્બરે સાંજે કાર્યક્રમની શરુઆત શ્રી રામભાઈ ગઢવીનાં ખરી ગુજરાતી ગઢવીની અદા સાથે, ધીંગા કાઠિયાવાડી મિજાજમાં ગવાયેલા દુહા સાથેના આવકાર અને સૌ મહેમાનોના સ્વાગત પ્રવચનથી થઈ. આશિષભાઈએ મહેમાનોના સ્વાગત સાથે સૌને કાર્યક્રમની રૂપરેખા આપી.

કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય સાથે એકેડેમીનાં કમિટીનાં મેમ્બરોએ કરી. હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટનાં સુમધુર કંઠે સરસ્વતી વંદનાથી કાર્યક્રમનો દોર શરુ થયો.

હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

સફળ ઉદ્યોગપતિ, લેખક અને પોતાની આગવી અદામાં સંચાલન કરી વાતાવરણને હળવુંફૂલ કરનાર રાહુલભાઈ શુક્લએ આમંત્રિત મહેમાનોની તેમના હાસ્યસભર અંદાજમાં ઓળખાણ કરાવી.

આમંત્રિત મહેમાનોમાં અનેક સાહિત્યનાં પુરસ્કારોથી પુરસ્કૃત થયેલા જાણીતા લેખક અને સર્જનાત્ક નિબંધો માટે લોકપ્રિય એવા યજ્ઞેશ દવે, સ્વતંત્ર દિર્ગદર્શક તેમજ ફિલ્મ અને નાટકોના નિર્દેશક, નવલકથાકાર, અનુવાદક પરેશ નાયક અમદાવાદથી, ચારણી સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક અને મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર નિયામક પદ પર રહી ચૂકેલ અંબાદાનભાઈ રોહડિયા પણ સૌરાષ્ટ્રથી આવ્યા હતા.

લોકપ્રિય વક્તા, પત્રકાર, લેખક, કોલમીસ્ટ અને બ્લોગર જય વસાવડા રાજકોટથી આમંત્રિત મહેમાન હતા.

રૂબી, જિબ્રાન અને ટાગોરના ચાહક, હિમાલયપ્રવાસી, ઉપનિષદ અને ઝેન તેમજ સૂફીપંથનાં ઊંડા અભ્યાસી શ્રી સુભાષભાઈ ભટ્ટ અને તેમના જીવનસંગિની મોટીવેશનલ સ્પીકર અને માનસિક રીતે અવિકસિત બાળકોને મા જેવો પ્રેમ આપી તેમની સમસ્યાને લોકો સુધી પહોંચાડવા સતત મથામણ કરતાં નેહલબહેન ગઢવી ભાવનગરથી આવ્યા હતાં.

યુવાન દમદાર કવિતાઓના અને ગઝલોનાં ગઝલકાર, લેખક, નવલકથાકાર અનિલ ચાવડા શિકાગોથી આવ્યા હતા.

તો આ સૌની સાથે રંગભૂમિનાં અદના દિગ્દર્શક, અભિનેતા, લેખક એવા વિરલ રાચ્છ જામનગરથી; તો તેમના જમાવટ કાર્યક્રમમાં જમાવટનો જલસો કરાવનાર યુવા કવિ, ગઝલકાર અને ગુજરાતી ફિલ્મોમાં એવોર્ડ વિનીંગ ગીતો લખનાર, મુશાયરામાં ગઝલપઠન થકી સૌની વાહ વાહી મેળવનાર મિલિન્દ ગઢવી જૂનાગઢથી એકેડેમીના આમંત્રિત મહેમાનોમાં શામિલ હતા.

મુખ્ય મહેમાન શ્રી વિનોદભાઈ જોશીએ જન્મ અને મૃત્યુ વચ્ચેનાં જીવનની ફિલસૂફી દર્શાવતું વક્તવ્ય રજૂ કર્યું. માણસ સર્જન કરવા જન્મ્યો નથી. જીવન સપના, કલ્પના અને વર્તમાનમાં જીવીએ છીએ તે સત્ય એ ત્રણ પર નિર્ભર છે તે સિવાય કંઈ જ નથી. તેમજ જીવનની અકળ ફિલસૂફીની વાત આટલા ઓછા સમયમાં થઈ ન શકે છતાં પણ તેમણે ટૂંકા વક્તવ્ય તેમણે ખૂબ સરળ, સહજ અને અસરકારક રજૂઆત કરી.

અશોકભાઈ મેઘાણીએ અંબાદાનભાઈ રોહડિયાને લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણીસાહિત્ય વિશે વક્તવ્ય આપવા આમંત્રણ આપ્યું. અંબાદાનભાઈએ  ચારણોનાં ઈતિહાસનાં પરિચય સાથે રાજદરબારમાં અને સમાજમાં ચારણોનાં નોખા કાર્ય અને તેઓ દાનદક્ષિણા નહીં લેનાર, ખુદ્દાર સ્વભાવના હતા – તે ચારણોનાં સ્વભાવ સાથે લોકસાહિત્ય મુખોપમુખ કેવી રીતે પ્રચલિત થયું, જેવી અનેક વાતો કરી. તેની સાથે જ લોકગીત, ચારણીસાહિત્ય અને સંતસાહિત્યનાં ગીતોની રમઝટ  શરૂ થઈ.

સુપ્રખ્યાત મહેમાન કલાકાર લોકગીત ગાયક નીતિન દેવકા, વત્સલા પાટીલ, ફોરમ શાહ, દર્શના ઝાલા અને કેલિફોર્નિયાથી આમંત્રિત હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ જે ગીત, ગઝલ, સુગમસંગીત, ફિલ્મસંગીત દરેક જાતનાં ગીત ગાનાર વર્સેટાઈલ ગાયિકાઓ છે, તે સૌએ તેમની મધુર ગાયકીથી સૌ પ્રેક્ષકોને ડોલાવી દીધાં.

ગાયક કલાકારોને તબલા પર સંગત આપી રમેશ બાપોદરાએ, બેન્જો પર હરીશ ટેલર હતા, તો જયેશ સરૈયાએ પર્કશન પર સાથ આપ્યો. ૧૫મીની સંગીતસભર સાંજ  પ્રેક્ષકોએ મન ભરીને માણી.

૧૬મી સપ્ટેમ્બરની સવાર ચા, ફાફડા, જલેબી, ઉપમા જેવા અનેકવિધ ગરમાગરમ નાસ્તા સાથે શરૂ થઈ. રામભાઈ  અને આશિષભાઈએ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપી.

ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી ભાગ્યેશભાઈને ઉદ્દબોધન માટે આમંત્ર્યા. તેમણે પ્રખર વિદ્વાનની શૈલીમાં સંસ્કૃતમાં પ્રવચનની શરૂઆત કરી. સંસ્કૃતમાં પ્રવચન સાંભળી કોઈ ઋષિને સાંભળતા હોય તેવું લાગ્યું. તેમનું હળવું ફૂલ છતાં દમદાર વક્તવ્ય પૂરું થયું તો પ્રેક્ષકો જાણે હજુ વધુ તેમને સાંભળવા માગતા હતા. તેમની કવિતા ‘ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન’ ના કાવ્યગાને સૌને ભાવુક કરી દીધાં.

‘વાર્તા રે વાર્તા’ વિષય પર ઊંચા ગજાના સાહિત્યકાર શ્રી મધુ રાય, ભાગ્યેશભાઈ, વિનોદભાઈ તેમજ ભાષાશાસ્ત્રી શ્રી બાબુભાઈ સુથારે પણ નવોદિત લેખકોએ જાણવા અને સમજવા જેવી વાતો કરી. જેમાં બાબુભાઈની એક લીટીમાં પણ વાર્તા લખાય તેનું ઉદાહરણ કાબિલેદાદ હતું.

હેમલ વૈષ્ણવે પણ ટૂંકી વાર્તા વિશે વાત કરી. ’વાર્તા રેવાર્તા’નાં કાર્યક્રમનું સંચાલન, જે પોતે રમુજી વાર્તાઓ લખે છે, તે રાહુલભાઈ શુક્લએ રમુજી શૈલીમાં જ કરી ફરી સૌને મોજ કરાવી દીધી. પછીનાં દોરનું સંચાલન પરેશભાઈ નાયકે લીધું.

‘જીવન: આશા અને આનંદનો કાફે‘ પર ઉપનિષદો, વેદોનો નિચોડ અને તેમના વિશાળ વાચનની પ્રસાદી પ્રેક્ષકોને સુભાષ ભટ્ટે તેમના વક્તવ્ય દ્વારા વહેંચી. હવે સૌના પ્રિય જય વસાવડાને ભ્રમણયાત્રા પર પ્રવચન કરવાનું હતું.

જે મનમોજી પ્રવાસી છે અને જે વિશ્વની ઈમારતો અને ઈતિહાસને જોવાની નોખી દ્રષ્ટિ ધરાવે છે, એ જ્ઞાનના ખજાનાએ, તેમનો ભ્રમણયાત્રાનો અનુભવોનો પટારો સૌ સમક્ષ ખોલ્યો. જયભાઈએ સૌએ કેમ ભ્રમણ અને યાત્રા કરવી જોઈએ, એના થકી શું ઉપ્લબધિ હોઈ શકે, તેની સુંદર રજૂઆત કરી.

પછી વારો હતો જામનગરનાં વિરલ રાચ્છનો અને ગુજરાતી રંગભૂમિની આજ અને કાલ વિશે બોલવાનો. મીડિયાપર સતત ઠલવાતાં મનોરંજન કાર્યક્રમ વચ્ચે, નાટ્યકારોએ, દિગ્દર્શકોએ, નવીનતાસભર વિષયો લાવી, કેવી રીતે યુવા પ્રેક્ષકોને થિયેટર સુધી આવવું જ પડે, તેવા નાટક  સર્જવા જોઈએ, તેની સુંદર રજૂઆત કરી અને કલાના સંવર્ધનમાં સર્જકોની સાથે સાથે પ્રેક્ષકોની જવાબદારી પણ સમજાવી.

ભોજનનાં રસથાળ બાદ શ્રી નટવરભાઈ ગાંધીનાં સંચાલનમાં ગમતીલા ચોટદાર કવિઓનાં કાવ્યપઠનની શરૂઆત થઈ.

May be an image of 1 person, flute, dais and text
નટવર ગાંધી

કવિ શ્રી  વિનોદ  જોશી,  યજ્ઞેશ  દવે,  અનિલ  ચાવડા,  નંદિતા  ઠાકોર, નિલેશ રાણા,  મિલિન્દ ગઢવી, તેમ જ શિકાગોથી આમંત્રિત અશરફભાઈ ડબાવાલા અને કેલિફોર્નિયાથી આમંત્રિત જયશ્રી મર્ચન્ટે પોતપોતાની આગવી શૈલીની કવિતાઓનું મનહર અને કર્ણપ્રિય કાવ્યપઠન કર્યું.

May be an image of 9 people, lighting, wedding and dais

ચા કોફીનાં વિરામ બાદ ‘નારી સંવેદના’નું સત્ર પરેશ નાયક અને પ્રજ્ઞા દાદભાવાળાનાં સંચાલન હેઠળ શરૂ થયું. સૌનાં ગમતીલાં કવયિત્રી ‘વિદેશીની’ પન્નાબહેન નાયક, નેહલ ગઢવી, નંદિતા ઠાકોર, મધુમતી મહેતા, સૂચિ વ્યાસ આ સૌ સ્વતંત્ર વિચાર ધરાવતી સન્નારીઓએ પોતપોતાનાં વિચારોને સરળ શૈલીમાં પણ ધારદાર રીતે રજૂ કર્યા.

મોટીવેશનલ સ્પીકર નેહલબહેને તેમની અસરદાર શૈલીની રજૂઆતથી પ્રેક્ષકોના મન જીતી લીધા. તો પન્નાબહેને તેમની અતિ પ્રસિદ્ધ સિગ્નેચર કવિતા “કોઈની બુધ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ, ટહુકયા કરવાનું મને મંજૂર નથી’ અને એક ટૂંકી વાર્તાનું પઠન કરી નારી સંવેદના પરના એમના વિચારો રજૂ કર્યા.

સાહિત્ય સંમેલનનાં કાર્યક્રમમાં હંમેશની જેમ સાહિત્યનાં વિવિધ પાસાંને આવરી લઈ કાર્યક્રમનું માળખું બનાવ્યું હતું. હવે કાર્યક્રમ હતો, પુસ્તક વિમોચનનો.

કવિ શ્રી વિનોદભાઈ જોશી, મધુ રાય, ભાગ્યેશભાઈ જ્હા, અંબાદાનભાઈ રોહડિયા અને વિરલ રાચ્છના હસ્તે કેલિફોર્નિયાથી આમંત્રિત જિગીષા દિલીપનાં “કબીરો’ એક અલગારી ફકીર” પુસ્તકનું વિમોચન થયું.

ત્યારબાદ હેમલ વૈષ્ણવની ધબકતી વાર્તાનું પુસ્તક ‘પ્રિઝમ’ જે એકેડમી તરફથી રામભાઈએ પ્રકાશિત કર્યું હતું, તેનું વિમોચન થયું અને ત્યારબાદ  એક નાની ૧૫ વર્ષની દીકરીનાં પુસ્તકનું વિમોચન હતું. “Udaya rise of the sun” દીકરીનું નામ હતું આરના વછરાજાની, નાની દીકરીનાં ઉપક્રમે સૌ પ્રેક્ષકોને વિસ્મયસભર કરી દીધાં હતાં.

૨૦૨૩નાં વર્ષમાં ‘શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષક’ એમના સાહિત્ય ક્ષેત્રે કરેલા બૃહદ પ્રદાન માટે ડો. નિલેશ રાણાને, ડો. નવીન મહેતાના હસ્તે આપવામાં આવ્યું.

નિલેશ રાણા

નિલેશ રાણાએ અનેક નવલકથાઓ, વાર્તાસંગ્રહો તેમજ કવિતા સંગ્રહનું સર્જન કર્યું છે. તેઓ અનેક સામાયિકોમાં પોતાની કોલમ અને ધારાવાહિક પણ લખે છે. “ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક“ જેવા અનેક પારિતોષિક તેમણે મેળવ્યા છે.

૨૦૨૩નું ‘શ્રી રમેશભાઈ પારેખ પારિતોષિક’ કેલિફોર્નિયાનાં ગૌરવવંતા સાહિત્યકાર શ્રી જયશ્રી વિનુ મરચંટને તેમના કાવ્ય ક્ષેત્રે કરેલા ઉમદા પ્રદાન માટે શ્રી કેની દેસાઈને હસ્તક આપવામાં આવ્યું.

જયશ્રી વિનુ મરચંટ

વ્યવસાયે ક્લિનિકલ લેબોરેટરીનાં ડાયરેક્ટર રહી ચૂકેલ શ્રી જયશ્રી મરચંટ ઉત્તમ કક્ષાની ગઝલ, અછાંદસ કવિતા, નવલકથાઓ, વાર્તા અને લલિત નિબંધોનું સર્જન કરે છે. તેમને આ જ વર્ષે મોરારી બાપુના હસ્તે ઉમાશંકર જોશી ‘વિશ્વ ગુર્જરી’ 2023 સન્માન પ્રાપ્ત થયું છે.

ત્યારબાદ લાડુ, વાલ, ભજિયાંનું ભાવતું ભોજન કરી, સૌ પ્રેક્ષકો વિરલ-મિલિન્દની સંગતની રંગત, રમતિયાળ સદાય હસતી હસાવતી નંદિતા ઠાકોરનાં સંચાલન હેઠળ માણવા બેઠાં.

વિરલ રાચ્છે ગુજરાતી અને મિલિન્દ ગઢવીએ ઉર્દૂ ગઝલોની સામસમી બૈતબાજીની જમાવટથી પ્રેક્ષકોનાં મનને આનંદથી તરબતર કરી દીધાં.

May be an image of 2 people, dais and text

ગાયકવૃંદનાં સૂરીલા ગાયકો નીતિન દેવકા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, વત્સલા પાટીલ, ફોરમ શાહ, દર્શના ઝાલાએ આપણા ગુજરાતી પદ્ય સાહિત્યનાં અમૂલ્ય વારસાની ઝાંખી કરાવતાં ગીત – ગઝલોની સુરીલી રજૂઆત કરી.

૧૭મી સપ્ટેમ્બરે નાસ્તા બાદ પહેલું સેશન નેહલ ગઢવી, જય વસાવડા અને સુભાષ ભટ્ટનાં પરિસંવાદનું હતું.

May be an image of 3 people, dais and text

ત્યારબાદ સ્થાનિક અને આમંત્રિત સર્જકોનાં પઠનનો કાર્યક્રમ હતો. સર્જકની પસંદગી, આવેલ એન્ટ્રીમાંથી અશોકભાઈ વિદ્વાંસે કરી હતી. સંચાલન હેમલ વૈષ્ણવે કર્યું હતું.

સૌ પ્રથમ કેલિફોર્નિયાથી આમંત્રિત સર્જક જિગીષા દિલીપે કબીરાની આધ્યાત્મિક ઓળખ રજૂ કરી વાતાવરણને તત્વસભર કર્યું.

જિગીષા દિલીપ

ત્યારબાદ પૂર્ણિમા ગાંધી, પૂર્ણેન્દુ બક્ષી, મોના નાયક, ભૂપેન્દ્રસિંહ રાઓલ, પ્રિતી ચોલેરા, જતિન મહેતા અને રમેશ શાહે  પોતપોતાની કૃતિઓનું પઠન કર્યું.

ત્રણ દિવસના અંતે જે ઉપક્રમ આયોજન થયું હતું તે રામભાઈ માટે પણ ‘સરપ્રાઈઝ’ હતું. દાયકાઓથી ગુજરાતી ભાષાને વિદેશમાં જીવતી રાખવા મથતાં આ અપરાજિત યોદ્ધાનું ગુર્જરી ડાયજેસ્ટ તરફથી “લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ”થી સન્માન કરવામાં આવ્યું. આ સન્માન માત્ર રામભાઈને નહીં પણ તેમનાં દરેક કાર્યમાં ખભેખભા મેળવી સાથ સહકાર આપતાં તેમના જીવનસંગીની ભાનુબહેનને પણ આપવામાં આવ્યું.

તાળીઓનાં અવિરત ગડગડાટ, સ્ટેન્ડીંગ ઓવેશન, વાતાવરણમાં આનંદ સાથે છુપાએલ ગમગીની અને દરેકે દરેક પ્રેક્ષકની અશ્રુભીની આંખો સાથે  ભારતથી લાવેલ ભાષાને ધબકતી રાખનાર જૈફ ઉંમરે પણ નવયુવાન જેવા ઉત્સાહ સાથે કાર્યરત રહેતાં રામભાઈને સૌએ ઉષ્માસભર બિરદાવ્યા.

રામભાઈની વ્હાલપનાં વડલાની હૂંફ હેઠળ સૌ તરબતર થઈ ગયાં. ત્યારબાદ સૌની વિનંતીને માન આપી ગઢવીની આગવી અદાથી સરસ દુહા ગાઈને રામભાઈએ આભારવિધિ કરી. દરેકે દરેક મહેમાનનો આભાર માની, સૌને શ્રીખંડ, પુરી, પાત્રા, સમોસાનું રસથાળ સમું ભોજન અને ડેઝર્ટમાં આઈસ્ક્રીમ  ખવડાવી કાર્યક્રમનું સમાપન કર્યું.

સૌ ત્રણ દિવસનાં કાર્યક્રમનાં માણેલ મનભાવન મનોરંજનના નશા સાથે, રામભાઈના સુંદર આયોજનની પ્રશંસા કરતાં વિદાય થયાં.

દેશવિદેશની ધરતી પર જ્યાં સુધી રામભાઈ ગઢવી જેવા ગુજરાતીના અદના સેવકો છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને ઊની આંચ પણ આવી શકવાની નથી, તે વાત નક્કી છે!

~ જિગીષા દિલીપ
કેલિફોર્નિયા – સેન હોઝે

આપનો પ્રતિભાવ આપો..