ત્રીજું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. સઘળી શેરીઓ વળાવો ૨. પાપડ કરવા છે 3. આ પૂજારણ નીસરી
૧. સઘળી શેરીઓ વળાવો
સઘળી શેરીઓ વળાવો,
સહુના આંગણિયા છંટાવો,
મખમલ ગાલિચા પથરાવો,
માડી અંબરથી પધારે,
માનાં મંગળગીત ગાઓ.
લીલાં તોરણિયાં બંધાવો,
રંગીન ચંદરવા ચિતરાવો,
બારણે સાથિયા પૂરાવો,
માડી ડુંગરથી પધારે,
માનાં મંગળગીત ગાઓ.
મઘમઘ ફૂલડાં મંગાવો,
રૂડાં ગજરાઓ ગુંથાવો,
મંડપ અત્તરથી મહેકાવો,
માડી ગબ્બરથી પધારે,
માનાં મંગળગીત ગાઓ.
મોંઘા ચમ્મરિઆ વીંઝાવો,
કુમકુમ આરતી સજાવો,
ઝગમગ દીવડાઓ પ્રગટાવો,
માડી ત્રિલોકથી પધારે,
માના મંગળગીત ગાઓ.
ઢોલ શરણાઈઓ વગડાવો,
ઘમઘમ ઘૂઘરાઓ ઘમકાવો,
ગરબો આનંદે ઘુમાવો,
માડી અંતરમાં પધારે,
માના મંગળગીત ગાઓ.
૨. પાપડ કરવા છે
પાપડ કરવા છે સવા મણના રે લોલ
મોંઘેરા અડદ લાવિયા ને,
ઝીણો લોટ રેશમિયો દળિયો રે લોલ.
નવલી તે વહુ થઈ સાસરિયે આવી,
મારે પાપડ કરવા છે સવા મણના રે લોલ.
ઘંટીએ ઘુઘરી બાંધી ગયું કોઈ,
એ તો રુમઝુમ રુમઝુમ ખનકે રે લોલ.
વહાલી નણંદ નાની ઓરવા લાગે,
પડ ઘંટીનું લયમાં ઘુમતું રે લોલ.
કેળનાં પાણીએ પાપડ બાંધું,
પાપડખારો સાસુજીના માપનો રે લોલ.
ગુણિયલ જેઠાણીની સાથે રહીને
મેં તો લોટ સાંબેલે કેળવ્યો રે લોલ.
પગને અંગૂઠે પાકી દોરી બાંધીને,
વડસાસુએ ગુલ્લા પાડિયા રે લોલ.
લીલા લસણ, તીખાં મરીનાં કુરિયા,
બે ભાગમાં ગુલ્લા વહેંચિયા રે લોલ.
ફળિયાની વહુવારુ વણવા આવી,
ઢીચ-વેલણ સાથ સાથ લઈને રે લોલ.
અલકમલકની વાતડીઓ માંડી,
નવા સહિયરપણાં મેં બાંધિયા રે લોલ.
નાના દિયરે પાથરી પરાળ ને
પાપડ ચોકમાં સૂકવ્યા રે લોલ.
તાજો પાપડ જરી શેકીને જોયો,
એની મહેક ચાર ફળિયે મહેકી રે લોલ.
સોનેરી પાપડ ને ઉપર નજરિયા,
જેઠજીએ પાપડ વખાણિયા રે લોલ.
ચાખીને પિયુજી કાંઈ નહીં બોલ્યા,
બસ મરક મરક એ તો મલક્યા રે લોલ.
3. આ પૂજારણ નીસરી
આ પૂજારણ નીસરી તારી પૂજા કાજ
કે હૈયું મારું રુમઝુમ થાય.
કંકું, કેસર ને અબીલ ગુલાલ લઈ
સજાવી આરતીની થાળ
કે હૈયું મારું રુમઝુમ થાય.
નદીનું જળ લીધું ત્રાંબા કળશમાં
સાથે મનડું પણ છલકાય
કે હૈયું મારું રુમઝુમ થાય.
અતલસ રેશમનો સાળુડો પહેર્યો
છેડલે ફુમતા ઝૂલે સાત
કે હૈયું મારું રુમઝુમ થાય.
સોળે શણગાર ને અંતરના ઓરતાં
સજી નીકળી જોગણ નાર
કે હૈયું મારુ રુમઝુમ થાય.
~ યામિની વ્યાસ (સુરત)