|

“કુરેઈ ફૂલ ~ જંગલ સળગે છે!” ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ પારમિતા શતપથી ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની

મે મહિનાનો વચલો ગાળો – તાપમાન  દરરોજ ચુમાલીસ પિસ્તાલીસ ડીગ્રી પહોંચે છે.

આકાશમાંથી જાણે અગ્નિ વરસે છે. ઝાડપાન, પશુપક્ષી, માણસ દરેકના શરીરમાંથી પાણી, જીવન શક્તિ ચૂસી લે છે આ તાપ. પ્રકૃતિનો આ અસહ્ય આક્રોશ મૂંડી નીચી કરી સહન કર્યા વગર છૂટકો નથી. આવા વાતાવરણમાં થાકી જવાનો, છટપટ થવાનો પણ જાણે અવકાશ નથી. ચારે બાજુ ભેંકાર ભાસે છે.

પહાડ વચ્ચે સર્પાકાર રસ્તો છે. ક્યાંક ક્યાંક હજુ પણ રસ્તાનું કામ ચાલે છે. રસ્તાની જરી અંદરની બાજુ જાવ તો કેટલાક ગામડાં વસ્યા છે, જેનાં ઘરો એક બીજાને અડી અડીને છે. કેટલાંક તો નીચા, કાચા ઝૂપડાં વાંસના છાપરા, તો વળી ક્યાંક પતરા કે એસબેષ્ટસની છત!

રસ્તા વચ્ચે સહેજ અંદર ત્રણ ચાર પાકા મકાનની ઉપર પતરાં નાખેલાં. ત્યાં આંગણવાડી અને પ્રાથમિક શાળા એક સાથે ચાલે. ક્યારેક વળી સાંજે પ્રૌઢશિક્ષણના ક્લાસ ચાલે.

ઉનાળામાં ઓછાં બાળકો આવે છે. આમ પણ પ્રાથમિક શાળામાં ઉનાળાનું વેકેશન છે. આંગણવાડીના બાળકો ક્યાં ગયા, કોણ જાણે?

રીનાને થયું ગરમીના કારણે કદાચ નહીં આવ્યા હોય. પણ બપોરે જમવા તો આવે જ! બે મૂઠી રાંધવું પણ અઘરું છે. પાંચ દિવસથી ગેસ ખલાસ થઈ ગયો છે. બજારમાં આવશે પણ હજુ પહોંચ્યો નથી. કોણ જાણે કેટલા દિવસ થશે આવતા.

આટલી ગરમીમાં લાકડાં બાળી રાંધવું એટલે ગરમીમાં બફાઈ મરવું. આમ પણ એસબેષ્ટસની છત, એટલે ઘર ખૂબ ધખે છે. ઘરમાં કે બહાર ક્યાંય ચેન નથી પડતું. વળી બે દિવસથી લાઈટ પણ નથી. હમણાં આવશે એવી આશા પણ રાખવી નકામી છે. રીના ખાલી અંદર બહાર થાય છે. બહાર મૂકેલી કુંડીમાંથી પાણી લઈ વારંવાર મોં ધુવે છે.

બહાર મોટરસાઈકલનો અવાજ સંભળાયો. કોણ આવ્યું હશે? અત્યારે તો કોઈ આવવાનું  ન હતું.  ટુકુ કહેતો હતો બપોરે જમવા નહિ આવે. ક્યાંક અંદરના ભાગમાં એ લોકોની મીટીંગ છે. બધી જગ્યાથી કાર્યકર્તા આવવાના છે. એટલે એ સવારના વહેલો નીકળી ગયો છે. કહેતો હતો મોડું થશે, સાંજ પડી જશે, કદાચ રાત પણ થાય.

બહારનું બારણું પણ ખૂલ્લું છે. એટલે ગરમીમાં કોણ વાસે? આંગણમાંથી રીના બહારની બાજુ આવી, ખુલ્લા બારણાંમાંથી બહાર ડોકિયું કર્યું.

મોટરસાઈકલ પર બેઠેલાં બે અજાણ્યા માણસો બહાર અટકી ઊભા રહ્યા – નીચે ઊતર્યા નથી. ખુલ્લા દરવાજા તરફ જોઈ રહ્યા છે. રીનાને થયું બહાર જઈને એમને પૂછું કે – શું શોધો છો? આ રસ્તો ક્યાં જાય છે કે પછી કયા ગામમાં કે ક્યાં શું કામ ચાલે છે એ પૂછવા આવ્યા છે?

ઘણી સંસ્થાઓમાંથી પણ ક્યારેક ક્યારેક ઘણા લોકો આવતા હોય છે. પણ ભરબપોરે આ બે  માણસ…..! રવિ જાની પણ હજુ આવ્યો નહીં. એના માટે પખાળ ભાત ઢાંકી રાખ્યા છે.

ના, આ બે જણા તો જતા નથી. બાઈક પરથી ઉતરતા પણ નથી. અહીં આજુબાજુ કોઈ ક્યાંય દેખાતું નથી. પોતે સાવ એકલી છે. જો એ લોકો આ વાત જાણી જશે તો! રીનાને ડર લાગ્યો. થયું દોડીને સાંકળ વાસી દઉં.

“જરી પીવા માટે પાણી મળશે?”

ઉતાવળમાં બે હાથેથી દરવાજો બંધ કરવા ગઈ ત્યારે રીનાને સંભળાયું. મોં ઊંચું કરીને બાઈક પરના લોકો તરફ જોયું. એ લોકો આશાભરી નજરે એની તરફ જોઈ રહ્યા હતા. પેન્ટ, ટી શર્ટ અને માથે કેપ પહેરેલા બે યુવાન હતા. કોઈ કામે નીકળ્યા હશે, તરસના માર્યા અહીં ઊભા છે.

દરવાજો બંધ કરવા જઈ રહેલા રીનાના હાથ સ્થિર થઈ ગયા. બાઈક સ્ટેન્ડ પર ચઢાવી બન્ને નીચે ઉતરીને, રીના તરફ આગળ વધ્યા.

રીનાને બીક લગતી હતી. શું કરવું? જોરથી બારણું વાસી દેવું? પણ બન્ને જણા તરસથી આકુળ-વ્યાકુળ લાગે છે. કેટલે દૂરથી આવ્યા હશે કોણ જાણે? ખરેખર જો પાણીની જરૂર હશે તો …?

ખૂબ તડકો છે. તરસથી ગળું સુકાય છે. આજુબાજુ કંઈ નથી. ગાડીચાલક રીના તરફ જોઈ બોલ્યો અને રીના કંઈ બોલે એ પહેલાં ઓટલા પર આવી બેઠો. બીજો સામે જોતો ઊભો રહ્યો.

રીના એક ક્ષણ ઊભી રહી. હવે બન્ને એની તરફ જોતા નથી. એણે લાંબો નિસાસો નાખ્યો અને જવાબ આપ્યા વગર અંદર ગઈ. એક મિનિટમાં બે ગ્લાસ માટલાનું ઠંડું પાણી લઈ બહાર આવી.

હાથમાંથી ઝૂંટવી લેતા હોય તેમ લઈ બન્ને ‘ઢક ઢક’ પાણી પીવા લાગ્યા. એક સાથે ખાલી ગ્લાસ સાથે બે હાથ આગળ આવ્યા.

“એક ગ્લાસ વધારે મળશે?” એ લોકો એની સામે જોતા ન હતા પણ વિંનંતીભર્યા સ્વરે બોલ્યા.

ફરી એક શબ્દ બોલ્યા વગર રીના અંદર ગઈ અને એક મિનિટમાં બે ગ્લાસ પાણી લઈ બહાર આવી. ખાલી ગ્લાસ પાછા લઈ જતી વખતે, બાઈકની પાછળ બેઠેલા માણસે પ્લાસ્ટિકની ખાલી બોટલ ધરી.

“પ્લીઝ, આમાં પાણી ભરી આપશો ?”

ના પડાય નહીં. રીનાને ચિંતા થતી હતી કે આ લોકો કોણ છે? એકલી જાણી પાછળ પાછળ તો નહીં આવે ને? પણ એવું કશું ન થયું. રીના પાણીની બોટલ ભરી બહાર આવી અને એ લોકોને આપ્યું.

“ખૂબ ધન્યવાદ.” ગાડી ચલાવનાર માણસ તેની તરફ જોઈ કૃતજ્ઞતાભર્યું હસ્યો અને બાઈક સ્ટાર્ટ કરી. રીના સાંકળ વાસી દરવાજાને અઢેલીને ઊભી રહી.

“ખૂબ ધન્યવાદ…..” તે ધીમા સ્વરે ગણગણીને જરીક હસી. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. આમ તો આ પહાડી પ્રદેશની ગરમીમાં ખાસ પરસેવો થાય નહીં, અહીં તો સૂકી ગરમી પડે.

બે માટલાં પીવાનું પાણી, બળતણ માટે લાકડાં, બહાર કુંડીમાં હાથ મોં ધોવા પાણી લઈ આવવા માટે કેટલી ખુશામત કરવી પડે છે – રવિજાનીની! એટલા અમથા કામ માટે એ અહીં બપોરે જમે. બધાં બાળકો આવે ત્યારે બે ડોલ પાણી વધારે લાવવું પડે. જુઓને, આજે હજુ સુધી એ આવ્યો નથી. કાળઝાળ ગરમીમાં ભરબપોરે એ સાવ એકલી છે.

ટુકુએ કહ્યું હતું સાંજે પાછો આવી જશે. કદાચ રાત પણ થાય. એની રાહ જોતાંજોતાં અડધી રાત થઈ. હજુ સુધી એનો પત્તો નથી. એનો મોબાઈલ પણ એ લઈ ગયો છે.

મોટા ભાગે મોબાઈલમાં સિગ્નલ હોતું નથી. આજે સવારે પણ દેખાયો નહીં – બપોરે પણ નહીં. ક્યાં ગયો ટુકુ? છેલ્લા બે ત્રણ મહિનાથી આવી રીતે રખડે છે. પોતાની દુકાનનું પણ ધ્યાન રાખતો નથી.

નીચે બજારમાં એણે એક એસ.ટી.ડી. બૂથ ખોલ્યું છે. આજ કાલ મોટા ભાગે બંધ રહે છે. રીનાને ચિંતા થઈ. રવિજાની આવ્યો કે ઘર એને સોંપી રીના સાઇકલ પર બજારમાં જવા નીકળી. થોડી ચીજ-વસ્તુ લેવાની છે. રવિ બરાબર લાવી ન શકે. રીના બેધ્યાન હતી.

પાછળ બાઈકનો અવાજ. રીના રસ્તાની ડાબી બાજુ ખસી. બાઈક બરાબર એની પાસે આવી ઊભી રહી. રીના મો ફેરવી પાછળ જોયું. આ તો પેલા  ભાઈ, કાલે જે પાણી પીવા આવ્યા હતા. પણ આજે એકલા છે, એમની સાથેના બીજા  ભાઈ નથી.

“કાલે બે ગ્લાસ પાણી ન પીધું હોત તો જીવ જતો રહેત. સારું થયું, આજે બીજી વાર થેંક્યું કહેવાનો મોકો મળ્યો.”

રીના સાઈકલ પરથી નીચે ઉતરી અને એની સામે જોઈને હસી.

“અહીં શું હંમેશા આવી ગરમી પડે છે. માણસનો જીવ લઈ લે એવી. ઓહ!” પોતાની જાતને કહેતો હોય એવી રીતે  માણસ બોલ્યો.

“આ જ તમારું વતન  છે?” રીના તરફ જોઈ એણે પૂછ્યું. રીનાએ ડોકું હલાવી ના કહી.

“પેલી આંગણવાડી છે. હું એમાં કામ કરું છું. અમારું ગામ કેસીન્ગા પાસે છે.” રીના સહજ રીતે  બોલી.

“હું આ બાજુ પહેલી વાર આવ્યો છું- છેલ્લા આઠ  દિવસથી આવી ગરમીમાં  ફરું છું, આ રસ્તો બનાવવાનું કામ ચાલે છે ને?“

રીનાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.

“મારું નામ રતનસિંહ છે. મારું વતન ચંડીખોલ છે. ખબર છે એ ક્યાં આવ્યું?”

રીનાએ માથું હલાવી ના કહી.

“અત્યારે ક્યાં ચાલ્યા? એમ જ?”

“બજાર તરફ જતી હતી.” રીનાએ જવાબ આપ્યો.

“હું પણ ત્યાં જઉં છું.” માણસે ઉત્સાહથી કહ્યું.

રીના સાઈકલ પર બેસવા ગઈ.

“ફરી કોઈ વાર પાણી પાશો ને?” માણસ રીના તરફ તાકી રહ્યો હતો. રીનાએ જવાબ આપ્યો નહીં. ખાલી હસી.

“ઠીક ત્યારે, ફરીવાર થેંક્યુ.” માણસે બાઈક સ્ટાર્ટ કરી.

બજારેથી પાછી આવી ત્યારે સાંજ પડી ગઈ હતી દૂરથી જોયું તો ટુકુ ઓટલા પર બેઠો હતો.

“અરે, તું બે દિવસથી ક્યાં હતો ? કોઈ સમાચાર નહીં.” રીના ચિડાઈને બોલી.

“મોટી બહેન, પહેલા મને કંઈ ખાવાનું આપ. પખાળ ભાત છે?” ટુકુએ અધીરા બની પૂછ્યું.

રીના સાઈકલ મૂકી બજારમાંથી લાવેલી વસ્તુ લઈ જલદી, જલદી અંદર ગઈ. પખાળનો મોટો વાડકો અને બટાકાની સુકી ભાજી લાવી ટુકુ સામે મુક્યા અને પાસે બેસી ડુંગળી છોલવા લાગી.

“શું સમજે છે એ લોકો પોતાને? આપણને પગ નીચે કચડી નાખશે. માટીમાં મિલાવી દેશે. માટી પર કારખાના નાખશે, રૂપિયા ભેગા કરશે!”

ટુકુનો હાથ પખાળના વાડકામાં એમ જ હતો. આંખો લાલ હતી, નાકના ફોયણા ફૂલેલા હતા. અંધારા તરફ જોઈ એ બબડતો હતો. એ બેધ્યાન  લાગતો હતો, જાણે કોઈ ચિંતામાં હતો. રીના પાસે બેઠી છે એ વાત જાણે ભૂલી ગયો હતો.

“શું બડબડ કરે છે તું? બે દિવસથી રખડે છે. ખાવાપીવાનું ભાન નથી – પહેલા ખાઈ લે.” રીનાએ એને ઠંડો પાડ્યો.

“મોટીબેન અમે લડીશું. અમે જીવતા છીએ ત્યાં સુધી એમને એક ડગલું પણ આગળ વધવા નહીં દઈએ. અમારા શરીરમાં લોહીનું છેલ્લું ટીપું હશે ત્યાં સુધી અમે લડીશું. અમારા પછી તમે લોકો આગેવાની લેજો. બધી આદિવાસી સ્ત્રીઓ, દિકરીઓ અને બાળકો…”

ટુકુ અંધારામાં પોતાની જાતને નિર્ણય સંભળાવતો હોય એ રીતે બોલતો હતો.

રીનાએ કંઈ જવાબ આપ્યો નહીં. બન્ને લગભગ ત્રણ ચાર મિનિટ ચૂપ રહ્યા. ટુકુ બેધ્યાનપણે અંધારામાં મોંમો કોળિયા નાખતો હતો.

રીના એનો ખાલી વાડકો જોઈ અંદર બીજા પખાળ ભાત લેવા ગઈ અને મનોમન વિચારતી રહી. ‘આ લોકો શું કરે છે કોણ જાણે? ટુકુ વચ્ચે વચ્ચે આવી અડધીપડધી વાત કરે છે. પૂછો તો વધારે કંઈ કહે નહીં. એ લોકો ભેગા મળીને જુદાજુદા ગામમાં, અંદર જંગલમાં ‘મેટિંગ’ કરે છે. આ બે દિવસે પાછો આવ્યો…!’  એક લાંબો નિસાસો નાંખી વાડકામાં ભાત લઈ બહાર આવી.

બીજા દિવસે પણ ગરમી એટલી જ છે. રીનાને હતું થોડી ઓછી થશે. પણ કંઈ ફેર પડ્યો નહીં. ટુકું વહેલી સવારે ઊઠી ક્યાંક જતો રહ્યો છે. ‘પલાળેલા પૌંવા ખાઈને જા’ એમ કહ્યું, પણ એ એમ જ જતો રહ્યો. આજે પણ છોકરાઓ આવે એવું લાગતું નથી. હજુ સુધી આવ્યા નહીં, રીના વિચારતી હતી.

બહાર બાઈકનો અવાજ સંભળાયો રીના સહજ ભાવે બહાર આવી. જાણે એ કોઈની રાહ જોતી હતી. કાલવાળો એ માણસ, રતનસિંહ, આજે એકલો આવ્યો હતો.

“આજે  ખરેખર ખૂબ તરસ લાગી છે. બે ગ્લાસ માટલાનું પાણી મળશે?” રતનસિંહ બાઈક મૂકી ઉતાર્યો.

રીનાના ચહેરા પર મૃદુ હાસ્ય છવાયું અને અંદરથી બે હાથમાં, બે ગ્લાસ પાણી લઈને  આવી.

“તમારે અહીં ઈલેક્ટ્રીસિટી છે?” રતનસિંહ ગ્લાસ લઈ ઓટલા પર બેસી ગયો હતો.

“હા, ખાલી અહીં જ છે. પણ ચાર દિવસથી લાઈન નથી. ટેબલ ફેન છે પણ કામ નથી લાગતો”

“કેમ નથી? અત્યારે તો વરસાદ નથી.” રતનસિંહએ એની તરફ જોઈ કહ્યું

“કોણ જાણે? આ ગરમીમાં કદાચ તાર બળી ગયો હશે. રીપેર નહીં થયો હોય. આવી રીતે દસ પંદર દિવસ નીકળી જતા હોય છે.” રીનાએ કહ્યું.

“અહીં વાત કરવાવાળું પણ કોઈ નથી. નીચે બજારમાં પણ એવું છે.” રતનસિંહએ ઉતાવળે કહ્યું, રીના ઓટલા પરથી ગ્લાસ ઉપાડતી હતી.

“અહીં તમારા  મા-બાપા પણ રહે છે? સાથે સ્કૂલ પણ હોય એવું લાગે છે.”

“ના. અહીં નાનો ભાઈ રહે છે. સ્કૂલ છે, પણ હમણા ઉનાળાની રજાઓ છે.“ રીનાએ જવાબ આપ્યો.

“છોકરાં  ભણવા આવે છે? માસ્તર છે?” રતનસિંહએ પૂછ્યું .

“હા, થોડા ઘણાં આવે, ન આવે, એવું જ. પહેલા તો બપોરે ખાવા વધારે સંખ્યામાં આવતા. એક માસ્તર છે, પણ એ પણ અનિયમિત, આવે ને જાય.“

“અને ભાઈ? એ શું કરે છે? ભણ્યો છે?

“હા, મેટ્રિક પાસ છે. આગળ ભણવાની સગવડ ન હતી.” રીનાએ સહજ ભાવે કહ્યું.

“ભાઈએ નીચે બજારમાં એસ. ટી. ડી. દુકાન ખોલી છે. બીજી વસ્તુ પણ રાખશે એમ કહેતો હતો.” રીના ઉદાસ થઈ આગળ બોલી.

“ચાલો જઉં. થેંક્યું.” રતનસિંહ રીના તરફ જોઈ જરી હસ્યો અને બાઈક સ્ટાર્ટ કરી.

“કાલે આવીશ.“ રતનસિંહએ મોં  ફેરવી રીના તરફ જોયું. કોણ જાણે, શુ હતું એ શબ્દોમાં કે રીનાનું મોં લાલ થઈ ગયું.

બીજે દિવસે બપોરે રીના થોડી બેચેન હતી. બે ત્રણ વખત વગર કારણે બહાર આંટો મારી આવી. એને લાગતું હતું હમણાં રતનસિંહ આવશે. પણ કેમ આવશે એ ખબર નથી. એ આવશે તો શું વાત કરશે, એ પણ ખબર નથી. ખાલી બેચેની ઘેરી વળી હતી એને.

રતનસિંહ આવ્યો નહીં. તડકો નમી સાંજ પડવા આવી. રીનાએ મોં પર પાણી છાંટ્યું અને ચટાઈ બિછાવી આળોટવા લાગી.

અચાનક બાઈકનો અવાજ સંભળાયો. રીના ઝડપથી  બેઠી થઈ ગઈ.
“આજે તરસ જોડે ભૂખ પણ લાગી છે. થયું આજે ચા પણ પીએ.” રતનસિંહે  પ્રેમભરી નજરે જોયું અને હસ્યો. એ હાસ્ય રીના સુધી પ્રસરી ગયું.

“ભાઈ નથી? મને થયું સાંજે આવું તો એ પણ મળે.” રતનસિંહએ કહ્યું.

“ના, હજુ સુધી આવ્યો નથી. દુકાને હશે.”

“ઠીક ત્યારે, હું આ બેઠો.” કહી રતનસિંહ ઓટલા પર બેઠો.

“દૂધ નથી”. રીના શરમથી પાણી પાણી થઈ ગઈ.

“કંઈ નહિ, ચા, ખાંડ તો છે ને?” રતનસિંહએ સહજ ભાવે એની તરફ જોઈ પૂછ્યું. રીનાએ માથું હલાવી હા કહી.

“લાલ ચા ચાલશે. રતનસિંહ હસ્યો. અને એક ક્ષણમાં રીના અંદર જતી રહી.
ગેસ નથી. રીનાએ વિચાર્યું, ‘પાંદડાં સળગાવી ચા બનાવવી પડશે…!’ થોડીવારમાં એક કપ ચા સાથે પ્લાસ્ટિકની પ્લેટમાં ચાર મિલ્ક બિસ્કીટ લઈને રીના બહાર આવી.

“ઘણી વાર લાગી?”

“ગેસ ખલાસ થઈ ગયો છે.“ રીના જરી હસી અને ફરી અંદર જવા લાગી. “હું એક ગ્લાસ પાણી લઈ આવું.” અને રીના પાણી લઈને આવી.

“અહીં બેસો.”

પાણીનો ગ્લાસ રતનસિંહ સામે મૂકી દીધો, પણ બેઠી નહીં, એમ જ ઊભી રહી.

“અહીં આ પરિસ્થિતિ હવે વધારે સમય નહીં રહે. હંમેશા ગેસ મળશે. વીજળી હંમેશા મળશે. બજાર મોટી થશે. સારી સ્કૂલ બનશે. કોલેજ પણ બની શકે. દવાખાનું બનશે અને દાકતર પણ હંમેશા રહેશે. આ જગ્યાની આખી સિકલ બદલાઈ જશે, તમે જોજોને!” રીના તરફ જોતા રતનસિંહ બોલ્યો. ચા તરફ એનું ધ્યાન ન હતું.

રીના ચૂપચાપ ઊભી હતી.

“અમે લોકો શું કરીએ છે ખબર છે? આ પહાડથી પાછળ જે મોટો પહાડ છે, ત્યાં સુધી પાકો રસ્તો બનાવીએ છીએ – બે ગાડી આરામથી જઈ શકે એટલો પહોળો.” રતનસિંહ બોલ્યો.

“એ પહાડ કાપી. પથ્થર ફોડી ખાણ બનશે એવું સંભળાય છે.” રીનાના સ્વરમાં થોડો ક્ષોભ હતો.

“વાત સાવ સાચી નથી. પણ જે થશે, બધાં માટે સારું હશે. જેટલાં લોકો આ બે પહાડ પર છે અને આજુ બાજુ નાના નાના ગામોમાં રહે છે બધાંની ઉન્નતિ થશે.” રતનસિંહ શાંતિથી બોલ્યો.

“આ લોકોની કેવી ઉન્નતિ થશે? કેવી રીતે?

“બધાંને નોકરી મળશે! રોકડા રૂપિયા મળશે – શર્ટ પેન્ટ, કપડાં-લત્તા મળશે. માણસ જેવા માણસ બનશે. સુસંસ્કૃત થશે.” રતનસિંહ સમજાવતો હોય એ રીતે બોલ્યો.

“માણસ જેવા માણસ એટલે શું? એ લોકો આપણા જેવા જ છે. તમે બધાં જે રીતે સુખ દુઃખ, ઠંડી ગરમી અનુભવો છો એ લોકો પણ અનુભવે છે. તમે જે સગવડો ભોગાવો છો, એ એમની પાસે નથી- ફેર ત્યાં છે. પણ એ લોકો એને અગવડ નથી ગણતાં. એ લોકોએ ક્યાં કદી માગ્યું છે કે અમને પણ એ બધું આપો, જે તમે ભોગવો છો?” રીનાનો સ્વરમાં  ઉત્તેજના હતી.

“તમે જ કહો, સભ્યતાએ એમને કંઈ નથી આપ્યું? ગામેગામ સ્કૂલો થવાથી છોકરાઓ બે અક્ષર ભણે  છે. દાકતરી દવા મળે છે. પીવાના પાણી માટે ટ્યુબ વેલ બની છે. ઘણા ગામોમાં વીજળી આવી છે. આ બધું થયું છે કે નહીં?”

“હા, થોડું ઘણું થયું છે, પણ ચમકારા જેવું. દેખાય અને તરત જ અદ્રશ્ય થઈ જાય એવું. સ્કૂલોની હાલતની વાત કરવા જેવી નથી. દવાઓ કેટલી મળે છે? બજારમાં જે દવાખાનું છે, એમાં દાકતર નથી. આ ગામમાં આંગણવાડી અને સ્કૂલમાં વીજળી છે, પણ બે દિવસ લાઈન હોય અને દસ દિવસ ગાયબ!” રીનાના શબ્દોમાં દુઃખ હતું.

એ જ વખતે રવિજાની આવ્યો. કાવડમાં બે માટલાં પાણી લઈને. દરવાજામાં બે ઘડી ઊભો રહી ગયો. પહેલાં રતનસિંહ અને પછી  રીનાના મોં તરફ જરી જોયું. અંદર જઈ માટલાં મૂક્યા અને ચૂપચાપ અંધારામાં ભળી ગયો.

“જરી ચાલવા જઈશું? તમારી આજુબાજુની જગ્યા મને જરી દેખાડશો?” રતનસિંહએ નરમ સ્વરે કહ્યું.

રીના એક ક્ષણ ઊભી રહી. પાછી વળી દરવાજો બંધ કર્યો અને સાંકળ ચઢાવી. ચપ્પલ પહેરી ઓટલા પરથી નીચે ઉતરી.

આંગણવાડીની ડાબી બાજુ આવેલા રસ્તા પર બન્ને ચાલવા લાગ્યા. એ બાજુ કોઈ ઘર ન હતા. આમ પણ આ બાજુના ગામોમાં ઘરો એક બીજાથી થોડે દૂર દૂર હોય. એક ગામથી બીજું ગામ લગભગ દસ-બાર કિલોમીટર દૂર હોય.

“ગમે તે કહો, અહીં આ આદિવાસીઓ ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે. એ લોકોને થોડી વધારે સગવડ મળવી જોઈએ. ખરું કે નહીં?” રતનસિંહ ધીમેથી બોલ્યો.

“સારી રીતે રહેવા માટે એ લોકોને શા માટે પોતાની ભાવનાઓ પર લગામ કસવી પડે? પેઢીઓથી રહેતાં ઘરો જંગલો છોડવા પડે? તમે લોકો તમારી ઉન્નતિ માટે તમારી પરંપરા છોડી દો છો કે તમારા ઘર જમીન ભૂલી જાવ છો? એ લોકોને પોતાના દેવ-દેવી કેમ છોડી દેવા પડે? તમારા મંદિરો શું તોડી પડાય છે?”

રીનાના મુખેથી ધગધગતા શબ્દો એવી રીતે સરી પડ્યા કે જાણે ઘણા વખતથી આગ અંદર સંઘરી ન રાખી હોય! અને એણે પછી આગળ ચલાવ્યું.

“અને, એક રીતે તો તમે એ જ કહો છો કે તમે  લોકો જે જિંદગી જીવો છો એ સૌથી ઉત્તમ છે, એટલું જ નહીં, આ લોકોની જિંદગીથી વધારે સારી પણ છે! આ લોકો પોતાનું કામ કરે છે. કોઈના ટાંટિયા નથી ખેંચતાં. જેટલું જોઈએ એટલું જ ખાય. કોઈના પેટ પર પાટું નથી મારતા. તમે જ કહો, તો આ લોકો કઈ રીતે ઉતરતા કહેવાય?”

“તમે તો ગુસ્સે થઈ ગયા. હું એ એમ નથી કહેતો. દેશ, સરકાર જે મિલો કારખાના નાખે  છે એ એમને કામ આવશે. એ લોકો હમણા ભલે ન સમજતાં, પછી એમને સમજાશે. હું તમારી સાથે સહમત છું. આ લોકોને હેરાન કરવાનો કોઈનો ઈરાદો નથી, જરાક ભરોસો રાખો.” રતનસિંહ થોડીવાર ચૂપ રહ્યો.

“આ લોકોને સ્વચ્છ કરી સારા કપડા પહેરાવી પાંજરામાં વાંદરાની જેમ પૂરી રાખવાથી સારું રહેશે. પૈસાદારો આ જોઈ ખુશ થશે.” રીનાના સ્વરમાં વ્યંગ હતો.

“તમે આ લોકોની આટલી ચિંતા કરો છો, મને નવાઈ લાગે છે.” રતનસિંહે એકદમ શાંતિથી કહ્યું.

“સાહેબ આ લોકોની જોડે બે વર્ષથી રહું છું. અહીં એટલી શાંતિ લાગે છે કે ન પૂછો વાત.” રીનાએ પણ ધીરેથી કહ્યું.

“મને સાહેબ ન કહો. મારું નામ રતન છે.”

એ લોકો ચૂપ ચાપ ચાલતા રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો હતો. અંધારું ધીરે ધીરે સ્પર્શતું હતું. આટલી ગરમીમાં પણ આશ્વાસન આપતો હોય તેમ ઠંડો પવન ઝાડોમાં વહેતો હતો.

“આ મીઠી સુગંધ શેની આવે છે?” રતનસિંહ જરી વાર માટે ઊભો રહી ગયો અને ચારેબાજુ જોવા લાગ્યો.

“આમ  ડાબી બાજુ જુઓ. ડિમિરિનું ઝાડ. પાકા ફળોથી ભરેલું છે. રાત પડી ગઈ છે એટલે દેખાતા નથી. એની આ સુગંધ છે.”

એ લોકો આગળ ને આગળ ચાલતા ગયા. અચાનક રીના થંભી ગઈ.

“આ સુગંધ આવે છે ને? ખૂબ સુંદર મધુર સુગંધ છે. કુરેઈ ફૂલની આ સુગંધ છે” પાસેની ઝાડીમાંથી નાના મોગરાના ફૂલ જેવા સફેદ ફૂલોનો ગુચ્છો રીનાએ તોડ્યો અને રતનસિંહના હાથમાં થમાવવા હાથ આગળ કર્યો.

“કુરેઈફૂલ…” રતનસિંહએ ફૂલનો ગુચ્છો અને રીનાના હાથને સ્પર્શ કર્યો.

બન્ને થોડીવાર ચૂપ રહ્યા. જંગલમાં એટલી શાંતિ હતી કે એક પાંદડું પડે તો પણ અવાજ આવે.

“બધાં સફેદ ફૂલો કોણ જાણે કેમ રાતે ખીલતા હોય છે.” રીના નીચું જોઈને ગણગણી.

“બધા સફેદ ફૂલ…” રતનસિંહએ રીનાનું મોં બે હાથમાં લીધું.

“કાલે આ સમયે આવીશ. હું બે ઓરડાનું ઘર ચણાવું છું – ઉપરની બાજુ  અહીંથી બે કિલોમીટર જેટલું દૂર હશે. તમને ત્યાં લઈ જઈશ.” બન્ને હાથમાં હાથ નાખી એ જ રસ્તા પર પાછા ફરતાં  હતા.
****
*
…અચાનક તે દિવસે વહેલી સવારે રતનસિંહને ઘર પાસે ઊભેલો જોઈ રીના નવાઈ પામી. એ લોકો હંમેશા સાંજે મળતા. હજુ ગઈકાલે સાંજે એ લોકો રતનના નવા ઘેર મળ્યા હતા. તો પછી કેમ …

સારું થયું ટુકુ  ઘરે નથી. કાલે બપોરનો ગયો છે હજુ સુધી  પાછો આવ્યો નથી. રીના રતનસિંહની પાસે આવી ઊભી. કેવો દેખાય છે! વાળ ઓળ્યા નથી. આખો ફૂલેલી ફૂલેલી.. રીના ડરી ગઈ. શુ થયું હશે?

“ટુકુ ક્યાં? ઘરે છે કે નહીં?” બાઈક પરથી ઉતર્યા વગર રતનસિંહએ ગંભીર બની  પૂછ્યું.

રીનાને શંકા ગઈ કે નાક્કી કંઈ થયું છે. એણે ટાળવા માટે ટૂંકો જવાબ આપ્યો, “ઘેર નથી. કદાચ દુકાને ગયો હશે.”

“ક્યારે ગયો?” રતનસિંહનો અવાજ  તદ્દન જુદો લાગતો હતો.

“થોડો વખત પહેલા જ – સવારે.” રીનાને ખબર પડી ગઈ કે એનો અવાજ ધ્રૂજે છે. એણે પોતાની જાતને કાબુમાં લીધી અને પછી હિંમત કરીને પૂછ્યું. “કેમ? શું થયું?”

“કાલે રાતે કોઈએ પ્રદીપને મારી નાખ્યો છે. આજે વહેલી સવારે એનું શબ બજાર વચ્ચે પડેલું મળ્યું. આગળથી કોઈએ છરો ભોંક્યો છે. પોલીસ ચારે બાજુ હત્યારાને શોધે  છે. જેણે એને માર્યો છે એ નહીં બચે.” રતનસિંહ જાણે જાહેર જનતાને કહેતો હોય એમ બોલતો હતો.

રીના મૂર્તિની જેમ ઊભી હતી. એને લાગ્યું જાણે પગમાંથી એના પ્રાણ જતા રહ્યા છે! પહેલીવાર રતન સાથે બાઈક પર બેસી પ્રદીપ અહીં આવ્યો હતો. પછી બે ત્રણ વાર રતનસિંહના ઘેર મળ્યો હતો. કોણે મારી નાખ્યો એને?

“હું જઉં છું. પછી મળીએ. પરિસ્થિતિ ગંભીર બનશે.” રતનસિહે બાઈક સ્ટાર્ટ કર્યું.

રીના બહાર દીવાલને અઢેલીને એમ જ ઊભી રહી. આ માણસને કોણે મારી નાખ્યો? ટુકુ કાલનો ક્યાં જતો રહ્યો? રતનસિંહ પાસે ખોટું બોલી કે દુકાને ગયો છે. પણ ખરેખર તો… ના, ના એનો ભાઈ ગમે તે કરે પણ કોઈને મારી ન શકે. મારનારામાં ભળી પણ ન શકે. એનું મન કેટલું કોમળ છે!

ગઈ સાલ સાહેબો સ્કૂલ જોવા આવ્યા હતા. એમને સસલાનો શિકાર કરી  માંસ ખાવાનું મન હતું. તો ટુકુએ તો સીધી ના પાડી દીધી, “એ નહિ બને. અહીં નિર્દોષ વન્યપશુઓનો શિકાર નહીં થાય, સાહેબ. એમને પણ નિર્ભયતાથી એમના વનમાં રહેવાનો હક છે.”

જોકે, ત્યારે રીનાને ડર લાગ્યો હતો કે કદાચ આ સહેબો એમને આંગણવાડીમાંથી  કાઢી મુકશે, પણ એવું કશું થયું નહીં.

“તું પેલા સિંહ કોન્ટ્રાકટર જોડે કેમ ભળે છે?” એક વખત ટુકુએ એને પૂછ્યું હતું, એ યાદ આવ્યું.

“ના, ના એવું કંઈ નથી. ક્યારેક, ક્યારેક એમ જ મુલાકાત થઈ જાય.” રીનાએ એમ કહી એને ટાળ્યો હતો.

“એ લોકો સારા માણસો નથી. કોષ્ટલથી આવ્યા છે. એ લોકોનો ઈરાદો જુદો છે. પહાડો તોડવા અને આદિવાસીઓને બરબાદ કરવા, એ જ એમનું લક્ષ છે. એ લોકોથી દૂર રહેવું.” આમ બોલતી વખતે ટુકુનો અવાજ ગંભીર હતો.

રીના તરત કોઈ જવાબ આપી શકી નહીં. નાનાભાઈને શું કહેવું? આમ પણ એ ઘરમાં વધારે રહેતો નથી.

પોતે રતનસિંહનને પ્રેમ કરે છે અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. રતનસિંહ કંઈ એવો ખરાબ નથી. આદિવાસીઓ પ્રત્યે એણે સહાનુભુતિ છે. ક્યારેક ભાઈને એ પાસે બેસાડીને વાત કરશે એવું રીનાએ વિચાર્યું હતું. અને હવે આજે, અચાનક જ… ! હે ભગવાન, આ શું થઈ ગયું?

સાંજ સુધી  ટુકુ પાછો આવ્યો નહીં. રીના આશંકા અને ઉત્કંઠાથી એની રહ જોતી બેસી રહી. રાત વીતી સવાર થઈ. ટુકુ દેખાયો નહીં. એક દિવસ કે બે દિવસ નહીં, પણ ચારચાર દિવસ સુધી ટુકુ દેખાયો નહીં.

આ દિવસોમાં રતનસિંહ પણ મળવા આવ્યો નહીં. પાંચમા દિવસે રાતે બારણાં પર ધીમો અવાજ સંભળાયો. રીના ચમકીને જાગી ગઈ. અડધી રાતે ઊંઘમાંથી ઉઠી હોવાથી એનું શરીર ધ્રૂજતું હતું.

“મોટીબેન દરવાજો ખોલ.” ટુકુનો અવાજ સંભળાયો.

રીનાએ જલ્દી જલ્દી બારણું ખોલ્યું.  ટુકુ જોડે બીજા ત્રણ ચાર જણા હતા.

“કંઈ ખાવાનું છે?” ટુકુના અવાજમાં ખૂબ જરૂરી છે એવો ભાવ હતો.

ઘરમાં કંઈ નથી. રીના મૂંઝાઈ ગઈ. પૌંઆ પાણીમાં પલાળી ખાંડ નાખી એ લોકોની સામે મૂકયા અને હતાશ થઈ  ત્યાં બેસી પડી.

“સાંભળ, પોલીસ અમને શોધે છે. પણ અમે એ માણસને નથી માર્યો. મોટીબેન મારા પર વિશ્વાસ કર, બીજા કોઈએ આ કર્યું છે, અમારા પર ખોટું આળ ચઢાવે છે.”

ટુકુ આટલું અમથું  બોલીને હાંફતો હતો. રીનાની નજર એ લોકોએ નીચે મુકેલા છરા, પિસ્તોલ અને ધરિયા પર પડી. એ સાપ જોયો હોય એમ ચમકી.

“મોટીબહેન આ બધું તો ખાલી અમારા બચાવ માટે છે. અમે છુપાતા ફરીએ છીએ, – ના છુટકે આટલું રાખ્યું છે. થોડા પૈસા છે?” ટુકુએ અધીરા બની પૂછ્યું.

રીના ટ્રંક તરફ દોડી. પરચૂરણ સાથે જે હતું બધું કાઢી લાવી, પાંચસો છપ્પન રૂપિયા હતા. ટુકુને પકડાવ્યા. ટુકુ પલકારામાં હાથમાંથી તરાપ મારી લઈ પાછળની વાડીના રસ્તે અદ્રશ્ય થઈ ગયા.

રીના ઊભી હતી ત્યાં જ બેસી ગઈ. આખી રાત એમ જ બેસી રહી. સવારે માંડમાંડ ઊઠી. એક પછી એક ઘરના કામ પતાવ્યા. આંગણવાડીમાં કેટલાક છોકરા આવ્યા હતા, એમને ગીત શીખવાડ્યા અને એમના માટે રાંધવાનું અને ખાવા આપવાનું વિચાર્યું. પણ મન ન થયું એટલે એમને એકએક બિસ્કીટ પેકેટ આપી વિદાય કર્યા.

એટલામાં રવિજાની આવ્યો, “પાણી લાવવાનું  છે?” એણે પૂછ્યું.

“તેં રતનસિંહને જોયો છે?” એમ રીનાએ સામું પૂછ્યું. એણે માથું હલાવી ના કહી. રવિજાની ગયા પછી બારણાંને સાંકળ વાસી રીના નીકળી પડી.

આખા રસ્તે એણે એમ લાગતું હતું હમણાં રતનસિંહ બાઈક લઈ સામે ઊભો રહેશે. કાનમાં એની બાઈકના અવાજના ભણકારા સંભાળાતા હતા. પણ રસ્તમાં કોઈ ન હતું.

અંધારામાં ત્રણ કિલોમીટરના ચઢાણવાળા રસ્તા પર ચાલતા એ હાંફી ગઈ. રતસિંહના ઘરે પહોંચી ત્યારે ખાસ્સું મોડું થઈ ગયું હતું. એણે હજુ પણ નિરાશ થવાનું બાકી હતું. એના ઘરના બન્ને રૂમને બહારથી તાળાં મારેલાં હતા. થોડીવાર માટે એ બહારના ઓટલા પર બેસી ગઈ. કોઈ ક્યાંય ન હતું. પાણી મળવાની કોઈ આશા ન હતી.

ગમે તેમ કરીને અડધું ચાલીને ને અડધું દોડીને એ ઘરે પહોંચી. આખી રાત બેચેનીમાં પસાર કરી. સવારે એણે નક્કી કર્યું ગમે તેમ કરીને રતનસિંહને શોધી કાઢશે. જો એના ઘરે નહીં મળે તો નીચે બજારમાં જઈ એની જગ્યાઓ પર શોધશે. રતનસિંહની જોડે એ ટુકુને મળાવશે અને બન્નેની દોસ્તી કરાવશે. આ વાત આખો દિવસ એ ગોખતી રહી.

આખો દિવસ એ બેચેન રહી, ક્યારે સૂર્યાસ્ત થાય અને એ નીકળી પડે. આખો દિવસ અંદર બહાર થતી રહી. હજુ તો સાંજ પડી નથી અને એ બારણાંની સાંકળ વાસી સાઈકલ લઈ નીકળી પડી. ચઢાણ ચઢવામાં આમ પણ વાર લાગશે.

રતનસિંહના ઘરની પહેલા રસ્તાની એક બાજુ એણે સાઈકલ સંતાડી દીધી, કોઈ જોઈ ન જાય એવી રીતે, અને જે પાછલા દરવાજેથી એ અંદર જાય રીના એ રસ્તે ધીમે ધીમે આગળ વધી.

રતનસિંહના ઘરનો વાડી તરફનો દરવાજો ખુલ્લો હતો. દૂરથી જોયું બહાર મોટી ગાડી ઊભી છે. કદાચ કોઈ આવ્યું હશે. આમ રતનસિંહએ કહ્યું ન હોય તે દિવસે રીના આવતી નહીં. કારણ રતનસિંહ અહીં ઘણી વાર હોતો નથી અને હોય ત્યારે બીજું કોઈ ને કોઈ સાથે હોય.

રીના થંભી ગઈ. અંદર જવું કે નહીં. ચોક્કસ બીજા લોકો છે. એમની સામે પહોંચી જવું ઠીક નહીં. ઈશારો કરીને જો રતનસિંહને બોલાવી શકાય તો કેવું, એમ વિચારતી આગળ વધતી હતી. પાછળના દરવાજેથી અંદર ન જઈ, ડાબી બાજુ વળી, બારી નીચે  ઊભી રહી.

અંદર રૂમમાં ઈલેક્ટ્રિક બલ્બ બળતો હતો, બે ટેબલ ફેન ફરતાં હતા, અને હસી-ખુશીનું વાતાવરણ હતું. રીનાએ થોડી રાહ જોઈ. આદિવાસી છોકરો જે રતનને ત્યાં રસોઈ કરે છે કદાચ એ મળી જાય તો સારું.

“આ લોકો ખુબ સીધા હોય. પગ કાપી નાખો તો પણ ખબર ન પડે.” રતનનો અવાજ સંભળાયો.

“પણ પેલા છોકરાઓ ખુબ ચાલાક છે. પ્રદીપને એ લોકોએ જ મારી નાખ્યો ને.” બીજા કોઈનો અવાજ હતો.

“આપણે કહીં પ્લાન કરીએ એ પહેલા એ લોકોએ પોતાની કરામત દેખાડી દીધી.” લાંબો નિસાસો નાખી એક જણ બોલ્યો.

“ચિંતા ન કરો. જલ્દી એ લોકોનો પત્તો લાગી જશે. લીડરની બહેનને મેં ફસાવી છે.”

આ રતનસિંહનો અવાજ છે એવો રીનાને  પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો.

“તમે તો ખરા ગુરુ નીકળ્યા! નહીંતર આવી જગ્યાએ ન રહી શકાય. ગુરુ, માલ કેવો છે?”

“થોભો ક્યારેક દેખાડીશ, ચખાડીશ.” રતનનો અવાજ હતો. પછી જોરજોરથી હસવાનો અવાજ આવ્યો.

રીના પથ્થરની જેમ ખોડાઈ ગઈ. અંદર જવું કે પછી પાછા જતા રહેવું નક્કી કરી શકતી નથી.

“આમ પણ અહીંની છોકરીઓ ખુબ સુંદર. એકદમ કાચો માલ.” બીજા કોઈનો અવાજ સંભળાયો.

“…” થોડો ધીમો અવાજ – રીનાને સંભળાયો નહીં. કદાચ એ સાંભળવાની શક્તિ ગુમાવી બેઠી હતી.

“પણ ભાઈ એડ્સ-બેડ્સ તો નહીં થાય ને?”

“એ વાતનું ધ્યાન રાખવાનું. થોડા મહિના પછી આપણું કામ પતી  જશે એટલે ડેરા તંબુ ઉપાડીને રવાના. આપણું શુ જાય?

“પણ પ્રદીપના મર્ડરનું વેર લેવું પડશે ને.”

“હા, આ વાત પર ઘણા ખલાસ થઈ જશે.”

રીના એક એક ડગલું પાછળ ચાલી. ખુબ સાવધાનીથી – જંગલ એટલું શાંત હતું કે એક પાંદડું ખરે તો પણ અવાજ થાય. સાઈકલ લેવાનો પણ ટાઇમ ન હતો. સીધા રસ્તે ન જતા એ જંગલમાં થઈને ઘર તરફ દોડી. એ એવી રીતે દોડી કે ઓરડામાંના માણસો એને પકડવા એની પાછળ પડ્યા હોય!

આંગણવાડી સામે બીજુ એક આશ્ચર્ય એની રાહ જોતું હતું. ઘર ખુલ્લું હતું. ટુકુનો એક મિત્ર અંદર બહાર આંટા મારતો હતો, કદાચ ચોકી કરતો હતો. રીનાને જોઈ ઊભો રહ્યો.

રીના એની સાથે વાત કર્યા વગર અડધી ચાલતી અડધી દોડીને અંદર જતી રહી. અંદરના વરંડામાં એક ખૂણામાં ટુકુ અને એના પાંચ છ મિત્રો બેઠા હતા. એ લોકોને પણ રીનાએ કશું કહ્યું નહીં અને પોતાના ઓરડામાં જતી રહી.

વોલ્ટેજ ઓછો હોવાથી એ ઓરડામાં ચાળીસ પાવરનો બલ્બ ઝાંખો બળતો હતો. રીના દિવાલ પર ટીંગાડેલા દર્પણ સામે ઊભી રહી ગઈ અને પોતાનું પ્રતિબિંબ જોઈ ચમકી ગઈ.

“મોટીબહેન, તને ખબર છે આજે પેલા માણસનો હત્યારો પકડાઈ ગયો. એવું સંભળાય છે કે એમના કોઈ વિરોધીએ એણે મારી નાખ્યો…!’

ઉત્સાહથી બોલતો ટુકુ અચાનક ચૂપ થઈ ગયો. કારણ રીના એની સામે મોં કરીને ઊભી હતી. આછાં અજવાળાંમાં પણ ટુકુ જોઈ શકયો  રીનાના ગાલ પર ઉઝરડા પડેલા છે અને એમાંથી લોહીની પાતળી ધાર વહે છે. શરીર પર ઓઢણી નથી, કુરતાની ડાબી બાંય ઉપરની બાજુથી ફાટેલી છે. એક ક્ષણ માટે ટુકુ પથ્થરની જેમ જડાઈ ગયો.

“મોટીબહેન, શું થયું? કોણે કર્યું? કહે, કોણ છે એ?” ટુકુના સ્વરમાં જાણે ગંભીરતા અને ક્રોધનો વિસ્ફોટ થયો.

રીના એમ જ એની સામે લાકડાની જેમ સ્થિર ઊભી હતી. એની બન્ને આંખોમાંથી બે ધાર આસુંની વહેતી હતી.

“મોટીબહેન તને પૂછું છું!” ટુકુ ગરજ્યો. એનો અવાજ સાંભળી એના મિત્રોએ બારણાંમાંથી ડોકિયા કર્યા.

“પેલો…. કોન્ટ્રાકટર સાહેબ – એના દોસ્તારો…” ધીમા પણ સ્પષ્ટ અવાજે રીનાએ કહ્યું. એ ટુકુ સામે જોતી હતી. એની આંખોની પાંપણ પડતી ન હતી, પણ આસુંની ધાર વહેતી હતી.

“ક્યાં છે એ લોકો?”

“એના ઘરે…ઉપરની બાજુ.” હવે ટુકુ ઉપરથી રીનાએ એના દોસ્તારો તરફ નજર ફેરવી.

એક પણ શબ્દ બોલ્યા વગર ટુકુ ફર્યો અને વાવાઝોડાની જેમ એ ઓરડામાંથી નીકળ્યો. એની પાછળ પાછળ એના દોસ્તારો પણ ચાલ્યા. વીજળીની ગતિએ વરંડાના બીજા ખૂણામાં એ લોકો પહોંચ્યા અને વરંડામાં ધાતુનો શબ્દ સંભળાયો. રીનાએ જોવાનો પ્રયત્ન કર્યો – છરી કે બીજું કોઈ કોઈના હાથમાં ચળકતું હતું.

જંગલી પશુની જેમ એ લોકો છલાંગ મારી જંગલના અંધારામાં અદૃશ્ય થઈ ગયા.

બે હાથે બે બારણાં પકડી રીના ઉંબરા પર ઊભી હતી. પેલા અંધારાને જોતી હતી અને એની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી.
***
મૂળ લેખકઃ પારમિતા શતપથી  (૧૯૬૫) – પારમિતા શતપથી સાહિત્ય એકેડેમી પુરસ્કાર વિજેતા પ્રતિભા શતપથી અને નિત્યાનંદ શતપથીના પુત્રી છે અને સ્વયં ખૂબ જ પ્રતિભાવાન લેખક છે.  જન્મસ્થળ: કટક. વાર્તાકાર. કૃતિ: વિવિધ અસ્વપ્ન, ભાષાક્ષરા, બિરળ રૂપક, અંતરંગ છળ વગરે વાર્તાસંગ્રહ. સન્માન: કેન્દ્ર સાહિત્ય અકાદમી  પુરસ્કાર ૨૦૧૬ (‘પ્રાપ્તિ’~ ટૂંકી વાર્તાસંગ્રહ), ભારતીય ભાષા સાહિત્ય યુવા પુરસ્કાર.

આપનો પ્રતિભાવ આપો..