બીજું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. માની આંખલડી ૨. માડી તારા 3. પિયરના આંબેથી 

૧. માની આંખલડી

હાં રે માની આંખલડી પરબડી રે લોલ,
માંહી વરસે અમરતની હેલી રે લોલ,
ગેબથી અનહદ જળ એકધારું ઝરપે,
ભરો ભરો સાચવી તબકડી રે લોલ.

અલખના નાદથી ગુંજતા રે મનડાં,
મઘમઘ થાતાં સહુ માનવીનાં તનડાં,
તુષ્ટિ અનુપમ થાતી એ જાણવાની,
લાગી જુઓ તાલાવેલી રે લોલ.
ના કોઈએ એ લીલા ઉકેલી રે લોલ.
હાં રે માની…

પરદો હટાવી જરા જોને ભીતર તું,
કરુણામય કીકીથી વહાલ નીતરતું,
કોમળ લીલીછમ પાંદડી લહેરાતી,
એમાં ફાલી રે સુવાસમય વેલી રે લોલ.
કેવી ફોરે જુઈ, જાઈ ને ચમેલી રે લોલ.
હાં રે માની…

૨. માડી તારા

માડી તારા મંદિરીએ શત દીવડા ઝગે
ઝાંઝર ઝીણા રણઝણે કે વરસે મેહ નભે

ઓરસિયે રૂડું ચંદન ઘસીને પૂજાથાળ મહેકાઉં
વિવિધ ફૂલડાં ચૂંટી લાવીને હરખે હાર પહેરાઉં
જાણે આજે અવની ઉપર અત્તરદાની ઢળે
માડી તારા…

પ્રેમને પગથારે આવી માડી આશિષો વરસાવે
નવલી રાતે ઊર્મિ છાંટીને એમાં ખૂબ ભીંજાવે
જાણે માડીનાં હૈયામાંથી હેતનું ઝરણું વહે
માડી તારા…

ભાવ ધરીને ભક્તિ કરવાની શક્તિ અંબે આપો
ચરણકમળમાં શીશ નમે માડી સૌના દુઃખડા કાપો
અખંડ દીવો જલતો રહે મા હર કોઈ શગે
માડી તારા…

3. પિયરના આંબેથી 

પિયરના આંબેથી લાવી રે મરવા,
પિયરના આંબેથી લાવી રે લોલ
(મરવો = નાની કાચી કેરી)

પાલવડે બાંધીને લાવી રે મરવા,
પાલવડે બાંધીને લાવી રે લોલ.

મારી ઉંમર જેટલા લાવી રે મરવા,
મારી ઉંમર જેટલા લાવી રે લોલ.

ઝીણા તે ચીરિયા પાડીને મરવા,
હળધર મીઠામાં આથ્યા રે લોલ,

લાલચટાક સંભાર ભરીને મરવા,
તાજું અથાણું બનાવ્યું રે લોલ.

પહેલા તે ભાણે સસરાજી પધાર્યા,
હોંશે અથાણું મેં તો પીરસ્યું રે લોલ.

મારું અથાણું જરી ના વખાણ્યું,
તીખું તમતમતું એમને લાગ્યું રે લોલ.

બીજા તે ભાણે સાસુજી પધાર્યા,
હોંશે અથાણું મેં તો પીરસ્યું રે લોલ.

ચાખી અથાણું એમણે મોં મચકોડયું,
ખારું તે વખ એમને લાગ્યું રે લોલ.

ત્રીજા તે ભાણે દિયરજી પધાર્યા,
હોંશે અથાણું મેં તો પીરસ્યું રે લોલ.

ચાખી અથાણું એણે પાણી રે માંગ્યું,
ગળે ડચૂરો જાણે બાઝયો રે લોલ.

ચોથે તે ભાણે નણદલડી આવી,
હોંશે અથાણું મેં તો પીરસ્યું રે લોલ.

લે! વાંકુ ને ચૂકું મોં પહેલે તે કોળિયે,
ખાટુંખટ્ટાક એને લાગ્યું રે લોલ.

પાંચમા તે ભાણે પિયુજી પધાર્યા,
હોંશે અથાણું મેં તો પીરસ્યું રે લોલ.

બધાંની હાજરીમાં કાંઈ ના બોલ્યા,
નેણના ઈશારે હેત ઢોળ્યા રે લોલ.

~ યામિની વ્યાસ (સુરત)

આપનો પ્રતિભાવ આપો..