ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:2 (12માંથી)

ચાલીને આવીને ઘરમાં પગ મૂક્યો ત્યારથી સુધાંશુભાઈને પ્રશાંત અને આભાના ચહેરા તંગ હોય એવું લાગતું હતું પણ તાજાં પરણેલાં દીકરા-વહુને ‘શું થયું’ એમ પૂછવામાં મર્યાદાભંગ થાય એવું લાગતાં ચૂપચાપ પુસ્તક લઈને વાંચવા બેઠા.

રોજ ખીલખિલાટ કરતાં પ્રશાંત-આભાને આટલા ગંભીર જોઈને મનમાં અનેક શંકા-કુશંકાઓ ઊઠતી હતી પણ પુરુષ માણસથી જુવાનિયાઓની આવી અંગત વાતમાં માથું થોડું મરાય?

હા, મારી જગ્યાએ નીતા હોત તો… એકાએક નીતા વળી ક્યાંથી આવી ચઢી? એમને નવાઈ લાગી. પોતાના વિચારોમાંથી બહાર આવીને ત્રાંસી નજરે એમણે જોયું તો આભાને બોલાવ્યા વિના કે પોતાને ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યા વિના પ્રશાંત એના બેડરૂમમાં ચાલ્યો ગયો હતો.

એમનું મન બેચેન બની ગયું. ‘શું થયું હશે આ મિયા-બીબી વચ્ચે? અમારે તો ગમે તેવો ઝઘડો થયો હોય તો યે હું ને નીતા.. ‘શું થઈ ગયું છે આજે? આમ વારંવાર નીતા કેમ યાદ આવ્યા કરે છે?’

“‘પપ્પા, લો તમારું દૂધ.” આભા દૂધનો ગ્લાસ લઈને ઊભી હતી. એને કંઈ કહેવું છે એમ લાગતાં એમણે કહ્યું “બેસને દીકરા!”

“એક વાત કહેવી છે પપ્પા.” આભા પોતાને જે વાત કહેવી છે એ કઈ રીતે રજૂ કરવી એની અવઢવમાં હતી.

“કહેને, જે કંઈ કહેવું હોય તે સંકોચ વિના કહે. હુંય તારો પપ્પો જ છું. મારા અને તારા પપ્પા વચ્ચે કદાપિ કોઈ ફરક ન સમજીશ દીકરા! ખુલ્લાં મનથી વાત કર.”

બાજુમાં પડેલી ખુરશી પર ઉભડક જીવે બેસતાં એણે કહ્યું, “પપ્પા, વાત જાણે એમ છે કે… એટલે કે, હું પ્રશાંતને કહેતી હતી કે”.. ધીમી ગતિએ ચાલતી લોકલ ટ્રેન અચાનક સુપર ફસ્ટ ટ્રેનની ઝડપે દોડવા લાગે એમ અત્યાર સુધી બોલવામાં થોથવાયા કરતી આભાએ બાકીનું વાક્ય એકી શ્વાસે પૂરું કર્યું, “આપણે મમ્મીને ઘરે  લઈ આવીએ તો કેવું?”

આ પ્રશ્ન સાંભળીને સુધાંશુભાઈને એવું લાગ્યું જાણે આ ત્રીજા માળેથી ધક્કો મારીને કોઈએ એમને નીચે પટકી દીધા હોય. આઘાતની અસરમાંથી જેમતેમ કરીને બહાર આવતાં એમણે કહ્યું,

“‘નીતાને લાવવી કે નહીં એ વાત પછી કરીએ, પહેલાં મને એ કહે કે, તને આ વિચાર કેવી રીતે આવ્યો?”

“પપ્પા, પિયરનું ઘર છોડીને સાસરિયે આવતી દરેક કન્યા પોતાની સાથે અનેક અરમાનો તો લાવે જ છે પણ એ બધાની ભેગો એક ઝૂરાપો પણ લાવતી હોય છે. એ હોય છે વહાલાંઓના વિયોગનો ઝૂરાપો.

મારે માટે પણ મમ્મી-પપ્પાને છોડવાનું બહુ અઘરું હતું, બહુ વસમું હતું. મારા ભાઈ આલોકની ઓચિંતી ગેરહાજરીનો અવકાશ ભરવો મમ્મી માટે લગભગ અશક્ય હતો પણ મારો આધાર લઈને એ ટકી ગઈ.

આલોકના ગયા પછી હું અને મમ્મી એકબીજામાં એવા તો એકાકાર થઈ ગયેલાં કે મને હંમેશા થતું કે મારા વિના મમ્મી અને મમ્મી વિના હું જીવી જ નહીં શકીએ.

તેથી  જ્યારથી હું લગ્ન માટે વિચારતી થઈ ત્યારથી મેં ગાંઠ વાળી હતી કે, એવા પુરુષને પરણીશ જેની માને ગળે વળગીને મારી બધીય સુખ-દુ;ખની લાગણીઓને હું વહેંચી શકું. એની સાથે ઝઘડીય શકું ને એને વ્હાલથી ભેટીય શકું. પણ…”

બોલતાં બોલતાં આભાની આંખો નીતરી રહી.રહી.

“પ્રશાંત સાથે ઓળખાણ થઈ, પ્રેમ થયો. જ્યારે મળીએ ત્યારે મા વિશે એને પૂછ પૂછ કરું પણ એ સરખો જવાબ જ ન આપે. જ્યારે મને ખબર પડી કે મા તો છે પણ એકલી, અટૂલી, પોતાના પરિવારથી દૂર, ગાંડાની હૉસ્પિટલમાં!

આ જાણીને મને જે પીડા થઈ છે પપ્પા, એ તમને કેમ સમજાવું? માફ કરજો, પણ તે દિવસથી મેં મનોમન નક્કી કરી લીધું કે, મમ્મીને એમનાં પોતાનાં ઘરે લઈ આવવા અને એમનું સ્થાન અપાવવા મારું બધું હોડમાં મૂકી દઈશ.

મા માટે આટલું ન કરી શકું તો મારી સાઈકોલૉજીની ડિગ્રી શું કામની? પપ્પા, તમે જ પ્રશાંતને સમજાવી શકશો. મહેરબાની કરીને મને આ કામમાં સાથ આપો. પ્લીઝ પપ્પા!” આવેશમાં આવીને એણે સુધાંશુભાઈનો હાથ પકડી લીધો.

પ્રેમપૂર્વક આભાને માથે હાથ મૂકી એને આશ્વસ્ત કરતાં એમણે કહ્યું,

“‘જ્યારે તું, એક નવી પરણેલી પુત્રવધૂ આટલા પ્રેમથી પોતાની સાસુને એટલેકે, નીતાને ઘરે લઈ આવવાનું કહે ત્યારે હું શા માટે ના પાડું?

પણ એટલું સમજી રાખજે કે જેને પોતાની કૂખેથી જન્મ આપ્યો એ લાડલી દીકરીને ગળે ટૂંપો દઈ શકે એવી માનસિકપણે અસ્વસ્થ સ્ત્રીની સાથે તારે દિવસ-રાત રહેવું પડશે. રહી શકીશ? ડર નહીં લાગે?

સગી દીકરી પણ જેને પોતાની ન લાગી એ તને દીકરી તરીકે સ્વીકારશે?આ બધું શાંતિથી વિચારજે અને વિચાર્યા પછી જે કરવું હોય તે કરવાની તને છૂટ છે”’

ગદગદ થતાં આભાએ કહ્યું, “ડર લાગવાનો તો કોઈ સવાલ જ નથી રહેતો પપ્પા, કેમકે, હું માનતી જ નથી કે એમણે દીકરીને મારી નાખી હોય”’

“‘બેટા, આ વિચિત્ર હકીકત ગળે ઉતારતાં મારા મન પર શી વીતી હશે એની તું કલ્પના કરી શકે છે? જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એવી પત્ની ગાંડપણના ઉન્માદમાં પેટની જણી માસૂમ પુત્રીને મોતને ઘાટ ઉતારે અને પતિ સામે ઊભો ઊભો લાચાર બનીને જોયા કરે એવું સાંભળ્યું છે કદી? મેં તો આ જ સગી આંખે એ નિર્દોષ જિંદગીને તરફડીને શાંત થઈ જતી જોઈ છે”

સુધાંશુભાઈની નજર સામે અત્યારે પણ વર્ષો પહેલાનું એ દ્રશ્ય તરવરી રહ્યું અને તેઓ ધ્રૂજી ઊઠ્યા.

“પપ્પા, હું તમારી વાતનો ઈનકાર તો કરી જ ન શકું પણ લગ્ન પહેલાં હું ને પ્રશાંત હૉસ્પિટલમાં મમ્મીને પગે લાગવા ગયાં હતાં ત્યારની વાત મારાં મનમાં કોતરાઈ ગઈ છે.

એમને કદાચ એવો આછો-પાતળો ખ્યાલ આવ્યો હતો કે, હું એમની પુત્રવધૂ છું. એ વખતે એમની આંખોમાં જે સ્નેહનો દરિયો ઘૂઘવતો દેખાયો એણે મને વિચારવા મજબૂર કરી દીધી કે, કંઈક તો એવું બન્યું હશે કે જેને કારણે આ દુર્ઘટના ઘટી.

આ કંઈક શું હતું એ શોધ્યે, સમજ્યે જ છૂટકો છે. આ ગૂંચ નહીં ઉકલે ત્યાં સુધી મારા જીવને ચેન નહીં પડે પપ્પા! અને એટલે જ,આ કામ માટે હું તમારી રજા માગું છું.”

આભા બોલવાનું પૂરું કરીને આશાભરી આંખે એમની સામે જોઈ રહી પણ સુધાંશુભાઈ ફક્ત ‘જોઉં, જરા વિચારીને કહું’ એમ કહી, એક નિ:સાસો નાખીને કશું બોલ્યા વિના સૂવા ચાલ્યા ગયા, પણ એમ ઊંઘ શેની આવે?

આમ તો એક સમયે સુધાંશુનો ય હર્યોભર્યો પરિવાર હતો. મા-બાપુ,પ્રેમાળ મોટાભાઈ, નાના દિયરિયાને ભરપૂર વ્હાલ કરનારી ભાભી, બે મોટીબેનો અને પોતે. કચ્છનાં નાનાં શા ગામમાં રહેતા આ ખાનદાન ખોરડાની ખાનદાનીની શાખ ચોપાસ પ્રસરેલી.

વજાશેઠનું નામ પડે એટલે ભલભલા પાઘડી ઉતારીને માન આપે અને ગામની વહુવારુઓ છેટેથી વજાબાપુને જુએ એટલે આદરથી વેંત એકનો ઘૂમટો ખેંચી, પીઠ ફેરવીને ઊભી રહી જાય.

ભણતર સાથે બહુ લેણું નહીં એટલે પોતે તો ન ભણી શક્યા પણ સુધાંશુ ભણીગણીને ખૂબ આગળ વધે એવી મોટાભાઈની ઈચ્છાને બાપુનોય ટેકો હતો.

ગામડાં ગામમાં મેટ્રિક સુધી ભણીને સુધાંશુ જ્યારે મુંબઈ આવવા નીકળ્યો ત્યારે ગામના નાના- મોટા સૌ એને પાદર સુધી વળાવવા આવેલા.

દીકરાને કોઈ દિ’ પોતાની આંખોથી આઘો નહોતો કર્યો એટલે માની તો રડી રડીને આંખો સૂજી ગયેલી. ભાભીએ યાદ કરી કરીને એને ભાવતી ગોળપાપડીનો ડબ્બો, થેપલાં અને ગોળ-કેરીનાં અથાણાંની બાટલી  સામાનમાં મૂકી દીધેલી.

ત્યારે તો મુંબઈ જવું એ પરદેશ જવા જેવું જ હતું એટલે કેટલાય દોસ્તો અને ફળિયાના લોકોએ એને હાર પહેરાવીને બહુમાન કરેલું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..