ચોથું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. શોધી શોધીને હું તો થાકી ૨. અંધ કન્યાનો ગીત-ગરબો 3. માનું સામૈયું

૧. શોધી શોધીને હું તો થાકી

શોધી શોધીને હું તો થાકી માડી, સાચું સરનામું આપો,
અંધારું ઉલેચીને થાકી માડી, સાચું અજવાળું આપો.

માડીને શોધ્યા ચોક, ચૌટે ને દીપમાં,
સાગર, નદીને બંધ મોતીની છીપમાં,
શોધ્યા ઠેકાણાં તમામ,
વાવડનું પરવાળું આપો.
શોધી શોધી….

માડીને શોધ્યા ઢોલ, ગરબા ને રાસમાં,
સુર, લય, તાલ, રાગ-રાગિણી ને પ્રાસમાં,
હવે આપો ખાલી એક ઠામ માડી,
પાકું જડવાનું આપો.
શોધી શોધી…

કીધી પરીક્ષા પણ સાક્ષાત પધાર્યા,
દર્શન દીધા ને હેતે હૈયે વળગાડ્યા,
બીજે બધે પછી જો, પહેલા તારા અંતરમાં જો,
એજ મારું પાકું સરનામું
એજ મારું સાચું અજવાળું
એજ છે સનાતન અજવાળું.

૨. અંધ કન્યાનો ગીત-ગરબો

મારી દસે રે આંગળીએ બેઠી આંખ મારી સહિયરો,
કઈ તે આંખ એ વખાણશે રે લોલ.

મારાં ટેરવાં અડે તો ફૂટે પાંખ મારી સહિયરો,
ક્યારે એ પાંખ પહેરી આવશે રે લોલ.

મને અજવાળાં ભાસે બારે માસ મારી સહિયરો,
ફાગણિયે માસ એ પધારશે રે લોલ.

કાળા રંગમાં છે રંગ, બાકી રાખ મારી સહિયરો,
બધી તે રાખ એ ઊડાડશે રે લોલ.

હું તો ભૂલું ભૂલું ને આવે યાદ મારી સહિયરો,
એવી કોઈ યાદથી રડાવશે રે લોલ.

એક શમણું રોપું ને ઊગે લાખ મારી સહિયરો,
બાગ એ લાખનો બનાવશે રે લોલ.

આજ કંકુથાપાની પાડું છાપ મારી સહિયરો,
એવી તે છાપ જોડે પાડશે રે લોલ.

આખું આયખું ધરું ને કહું ચાખ મારી સહિયરો,
પડઘા એ ચાખના લજાવશે રે લોલ.

3. માનું સામૈયું

માનું સામૈયું કરવાને ચાલો, ડુંગર કેરી હારે,
માડી ગાશું રે વધાઈ તારા લય ને સૂર-તાલે.

માની ટપકિયાળી ચૂંદડીને તારલિયાની કોર,
માની છડી રે પોકારે ચૌટે કળાયેલા મોર,
રૂડી ઘૂઘરીઓ ટંકાવી લાલ માંડવડીની ધારે.
માનું સામૈયું…

લાખ દીવડીઓ પ્રગટાવી, મા તારા સ્વાગત કાજે,
હૈયે ઉમંગ ન માય હરખે આંખો ભીની આજે,
ચાંદ આભેથી ઊતરીને માની નજરું રે ઉતારે.
માનું સામૈયું…

માનો સોને મઢેલ હીંચકો હેતે આવીને ઝૂલો,
વાજો સુગંધી સમીર હળવે વીંઝલડો વીંઝો,
ઠેસે ગરબા રે ગવાય માના ઝાંઝરના ઝણકારે.
માનું સામૈયું. ..

~ યામિની વ્યાસ (સુરત)

આપનો પ્રતિભાવ આપો..