ચાર કાવ્યો ~ ડો. નીલેશ રાણા ~ ૧. આંગળ ચીંધી, ને! ૨. ધુમ્મસની ધાર ૩. વર્ષા ૪. શ્વાસોનો ધબકારો

૧. આંગળ ચીંધી, ને….!

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ખાલી પેટે
ગયું દોડતું મા પાસે
લઈને હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું;
મા…. મા…..
આ ફળ વાવું તો શું ઊગશે?

અશ્રુભીની આંખે
બાળકના માથે હાથ ફેરવતા
ચીંધી આંગળી….
પતિની કબર તરફ…!

૨. ધુમ્મસની ધાર

આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
તોય મને દેખાતું બધું આરપાર

સ્થળ અને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઈ લીધું પળપળનું તળિયું
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું   વૃંદાવન   ફળિયું
તારા હોવાની ભાવના સંભાવનાથી
નિરાકારને  હું  આપું  આકાર
– આજ મને વાગી ગઈ……!

વ્હાલમના વાઘાનું લીલામ તો થાય નહિ
ના  મોરપીંચ્છના  મૂલ અંકાય
વાંસળીના  સૂરને  ઝીલવા  હું  જાઉં
ત્યાં  યમુનાનાં  વ્હેણ  વંકાય
તારી ભૂજામાં  ભીંસાતી,  ભૂંસાતી  હું
હવે જોઈએ નહિ કોઈનો આધાર

૩. વર્ષા

આજ  ભીંજાવું  શું  છે જાણ્યું
વર્ષાએ કરી કમાલ
મારે  આંગણ  સાગર  વરસે
લઈને નદીઓનું વ્હાલ

સોળ વરસની વર્ષા નાચે
પહેરી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમર પર
પીડાની  છલકે  ગાગર

વાત  ચઢી વંટોળે,
હું થઈ ગઈ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું,
વર્ષાએ કરી કમાલ

આભ અરીસે મીટ જો માંડી
કાયા થઈ ગઈ  કંકુવરણી
ફોરાં અડતા  મહેક્યા  સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી
ભીતર કનડે ભીનાં રાગો,
સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું,
વર્ષાએ કરી કમાલ

૪. શ્વાસોનો ધબકારો

સૂકા હોંઠોને ચૂમે
તારા શ્વાસોનો  ધબકારો
પળભરમાં ખોવાયો
મારો મારાથી સથવારો

ઝરમર જીવન છાનુંમાનું
વાંછટ થઈને વાગે
ક્યાં જઈને સંતાવું,
નમણી વસંત આંખ ઉઘાડે
કોરી ધરતીને વળગે છે
લીલોછમ મુંઝારો

આજ અચાનક નવલું દીઠું,
પ્રતિબિંબને ફૂટી વાચા
એક અજાણ્યો ટહુકો,
આળસ મરડે છે અભિલાષા
સપનાઓની જાન પોંખવા,
આંખોને શણગારો

હર્ષ તણાં આંસુઓ વચ્ચે,
નદી કુંવારી સરતી
શરમાયું જો વરસ સોળમું,
કનડે પૂનમની ભરતી
મોંજા જેવું મનડુ માંગે,
કાંઠાઓથી છુટકારો

નીલેશ રાણા

આપનો પ્રતિભાવ આપો..