પહેલું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. હરખ ધરીને ૨. રાત લંબાતી ચાલી ૩. રંગો પૂરિયા રે લોલ (ઓડિયો સાથે)
નવરાત્રિ પર્વની શુભકામનાઓ. આ નવરાત્રિ દરમ્યાન સુરતસ્થિત કવયિત્રી, નાટ્યલેખિકા, અભિનેત્રી અને અનેકવિધ પ્રતિભા ધરાવતાં યામિની વ્યાસ રચિત ગરબા અહીં મુકવામાં આવશે.આ કાવ્યસભર આ સંવેદના આપને ગમે તો આપના વિવિધ ગ્રુપમાં share કરવા નમ્ર વિનંતી.
૧. હરખ ધરીને
હરખ ધરીને મોકલું છું નોતરું તું આવ મા
નયન બિછાવી વાટ જોઉં, આવીને બિરાજ મા
ઉપર ધજા તો ફરફરે, સજાવી ચોક તોરણે
છે ધમધમાટ ઢોલનો, પધાર રમવા રાસ મા
ચૂડી રૂડી તો રણઝણે, ગગન તો જાણે ઝરમરે
દસે દિશાઓ સૂરમાં છે રાગિણી ને રાગમાં
ચમક દમકતી ઝગમગે લલાટે માની ટીલડી
સજીધજીને ચંદ્ર જાણે ચમકે આખા આભમાં
ખનક ખનક ચરણકમળ, બજે રે માની ઝાંઝરી
કનક બનીને ઝળહળે ગુલાલ આસપાસમાં
લહર લહર છે નવનિશા, ઊડે જો માની ચુંદડી
ખીલી ખીલીને મઘમઘે છે રાતરાણી રાતમાં
ઝલક જરા મળે પલક, હૃદયફલક બને ખલક
નીરવ રવે કથક કરે ત્રિલોક ભક્તિભાવમાં
ઝડપ ઝડપથી ઘુમ્મતું વિરાટ ચક્ર કાળનું
નમી નમી નમન કરું, તું રાખ છત્રછાયમાં
હે મા તમસને દૂર કર પ્રકાશપુંજ પાથરી
ઓ શક્તિ ચૌદ લોકને તું ઘેરી લે ઉજાસમાં
સમય અમારો ક્રૂર છે, દુઃખો ઘણાં વધી ગયાં
ભવાની માત કર કૃપા, ત્રિશૂળ લઈ બચાવ મા
૨. રાત લંબાતી ચાલી
ઢમ ઢમ ઢમકે રૂડા ઢોલ, રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના પરોઢ, રાત લંબાતી ચાલી
સૂરજ માને ભાલે ચમકે, સૂરજ દીવડે દીવડે ઝળકે
સૂરજ ઠેસ મારીને ઠમકે,સૂરજ રાસે રાસે રણકે
સૂરજ ગરબામાં ખોવાય ને રાત લંબાતી ચાલી
એનું મનડું ઝાકમઝોળ ને રાત લંબાતી ચાલી
સૂરજ ગરબામાં ખોવાય…
માનો ચૂડલો ખનકે લાલ, એમાં હીરલા જડ્યા બાર
ચૂડલો સૂરજને હરાવે, રાત લંબાતી ચાલી
સૂરજ ગરબામાં ખોવાય..
માની ડોકે ચંદન હાર, માંહીં મોતીડાં હજાર
હારલો સૂરજને હંફાવે, રાત લંબાતી ચાલી
સૂરજ ગરબામાં ખોવાય…
માની ઝાંઝરિયું રૂપાળી, છમછમ કરતી ઘૂઘરીયાળી
ઝાંઝર સૂરજને નચાવે, રાત લંબાતી ચાલી
એનું હૈયું નાગરવેલ, રાત લંબાતી ચાલી
ઊગે ઊગે
સૂરજ ગરબામાં…
૩. રંગો પૂરિયા રે લોલ (ઓડિયો સાથે)
સ્વર: સોનલ વ્યાસ
સંચાલન: કિરણસિંહ ચૌહાણ
ગેરુ મંટોડું લાવિયા ને કાંઈ લાલ લાલ ચોકને લીંપિયો રે લોલ
ચોક પર ઝીણા ઝીણા મીંડા કરીને અલખનો સાથિયો પૂરિયો રે લોલ
અલખનો સાથિયો પૂરતાં પૂરતાં સાત સાત રંગો ખૂટિયા રે લોલ
નભેથી મેઘધનુષ આવિયું ને સાત સાત રંગો પૂરિયા રે લોલ
દીવડાં ને ફૂલડાંથી ચારેકોર અમે સાથિયાને શણગારિયો લોલ
પંચશીલનો ચંદરવો બાંધતા કાંઈ જીવતર કાપડ ખૂટિયું રે લોલ
કાપડ મખમલી વાદળનું લઈ પછી ઘુમ્મટ ગગનનો સજાવિયો રે લોલ
ઘુમ્મટમાં ઠેર ઠેર તેજદીપ ઝૂલતા દીપશિખામાં પરોવિયા રે લોલ
રુમઝુમતાં મા તમે આવી બિરાજો રૂડો ચંદનચોક છંટાવિયો રે લોલ
લાલચટક ચુંદડી ને કનક કંદોરે મા ગેબના ગબ્બરથી આવિયા રે લોલ
સોનાનો ગરબો શિરે લઈને માએ લખચોરયાસી ઘુમાવિયો રે લોલ
અંધારે અટવાતાં પંથ ભૂલેલાંને તેજરૂપ જ્યોતિથી વાળિયા રે લોલ
~ યામિની વ્યાસ (સુરત)