પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:5 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

પાનખરમાં ખરતાં પર્ણની જેમ સમયરજ સતત ખરતી રહે છે અને તેજીથી ફૂંકાતી હવામાં દૂર સુધી ફંગોળાઈને વાતાવરણને રજોટી દે છે. એ પણ દૂર સુધી ફેંકાઈ જાય વેરાન રણમાં કે અફાટ મહાસાગરમાં એ ડરથી શેફાલી પોતાની અંદર પુરાઈને જીવે છે, ઘવાયેલું પશુ બોડમાં ભરાઈ એના ઘા ચાટે એમ!

ઘણીવાર પિતાપુત્રી આથમતી સંધ્યાએ બાલ્કનીમાં બેસે છે. અસંબદ્ધ વાતોના તાણાવાણામાંથી એ મૂળ વાતનું પગેરું શોધવા મથે છે.

“આઇ એમ સૉરી શેફાલી.”

“કેવી વાત કરો છો પપ્પા?”

“તારા લગ્નની વાત આવી પછી બધું ખબર નહીં કેમ જલદી જલદી… ગોઠવાતું ચાલ્યું.. જે રીતે થયું તે ઠીક ન થયું.”

“કોઈનોય વાંક નથી પપ્પા. આર્યનનો નિખાલસ સ્વભાવ મને ગમવા લાગ્યો હતો… પણ માણસ જુદે જુદે સમયે જુદી જુદી અવસ્થામાં જીવતો હોય છે એ વાત મને બહુ મોડી સમજાઈ પપ્પા. મારી ભૂલ કે નાસમજ જે ગણો… તમને બધાને… મેં…”

રડવું ન હતું છતાં આંસુના ગોરંભોમાં એ ઘેરાઈ ગઈ.

“ચલ બેટા, થયું તે થયું.”

રાતને ઉંબર દીવો મૂકી સંધ્યા વિદાય લઈ રહી હતી. નિમુબહેને દીવો કર્યો અને ઘંટડીનો રણકાર નિશ્ચલ હવાને આંદોલિત કરી ગયો. એક ધ્રૂસકું તે ગળે ઉતારી ગઈ,

એક સવારે તે ઘરને ઉંબર આવીને ઊભી રહી હતી ત્યારે પિતાએ એને ગળે વળગાડી દીધી હતી. મમ્મી તો આઘાતથી ઊભી જ વહેરાઈ ગઈ,

“અરે શેફાલી! ઘર છોડીને આવી? આવી છોકરમત કરાય, ડાહી દીકરી થઈને? તારાથી કંઈ ભૂલ થઈ હશે. ચાલ બેટા, હું મૂકવા આવું છું.”

“પણ મમ્મી…”

“તમે ઊભા છો શું? ઝટ ગાડી કાઢો. ચાલ બેટા.”

પગ મૂળિયાં બની જમીનમાં ઊતરી ગયા હોય એમ એ ઊભી જ રહી હતી,

“ના મમ્મી, એ ઘરે હું પાછી જવાની નથી.”

મમ્મીએ પડી જવાની હોય એમ બારસાખ પકડી લીધી,

“સંસાર છે શેફાલી, ઊંચીનીચું થયા કરે. ભાંગ્યું ગાડે ઘલાય. નાનીમોટી વાતમાં કોઈ પહેરેલે કપડે નીકળી પડતું હશે! ચાલ જોઉં, અને તમે હજી ઊભા છો?”

“નિમુ, અત્યારે આ બધી વાતોનો સમય છે? આવ શેફાલી.”

ગરજી ઊઠ્યા હોય એમ મમ્મી બોલી હતી,

“તમને વ્યવહારની વાતમાં શી સમજણ પડે? પછીથી એ ઘરમાં જતાં પગ ભારે થઈ જાય. વાત ફેલાઈ જાય, ખરું ખોટું લોક બોલે. સ્ત્રીની આબરૂને નંદવાતા વાર શી? ડાહી મારી દીકરી, ચાલ. હું માફી માગી લઈશ, અનિલાબેનની. સમજું બાઈ છે. એય સમજે. વહુ તો આબરૂનું ઢાંકણ.”

એ બે ડગલાં પાછળ હટી ગઈ. આ ક્ષણ જોખમી હતી. મન કાઠું કર્યું જ હતું, જાણે ખીણની ધારે ઊભી હતી!

“સૉરી મમ્મી, માફી ન તારે માગવાની છે ન મારે. હા, તારી માફી હું બે હાથ જોડીને માગું, મેં તને દુઃખ પહોંચાડ્યું છે. હું જ બીજે રહેવાની વ્યવસ્થા કરી લઈશ.”

એ જવા પાછળ ફરી, પાછળ જુઈ ઊભી હતી.

“મમ્મી, દીદી અહીં ન રહેવાની હોય તો હું પણ એની સાથે જઈશ.”

મમ્મી વરસી પડી હતી,

“અરે ગાંડી થઈ ગઈ કે તું?”

પહેલી જ વાર મમ્મીની આંખમાં તિખારો જોયો હતો,

“નાતમાં, સમાજમાં તમારે બેસે અમારું નાક કપાવવું છે? તમે કંઈ બોલતા નથી! બેય દીકરીઓએ સામે મોરચો માંડ્યો.”

“નિમુ, પ્લીઝ…”

‘આર્યનને પરખી લેવા દે’ કહી તમે જ એને એની સાથે ફરવાની છૂટ આપી હતીને? ત્યારે હું કંઈ બોલી હતી? ગામ ગરજીને લગ્ન કર્યા છે, આ વાત કાંઈ છાની રે’શે?

મન મક્કમ કરીને જ એ ઘરેથી નીકળી ગઈ હતી. તોય ડરી ગઈ. મમ્મીનું આ રૂપ કદી જોયું ન હતું, ન કલ્પ્યું હતું પણ હા, એની વાત સાચી હતી. નાતજાત સમાજમાં વાતો થશે એવું સૂઝ્યું જ ન હતું.

જે થયું તે, પાછે પગે એ ઘરમાં નહીં જ જાય. જ્યાં ગૃહપ્રવેશ કર્યો હતો એ ઘર છોડી એ એવા ઘરને ઉંબર આવીને ઊભી હતી, જે છોડી દીધું હતું, ફરી ગૃહપ્રવેશ માટે.

કેવી વિચિત્ર પરિસ્થિતિ હતી!

પણ પપ્પાએ તરત એનો હાથ પકડી લીધો,

“આ શું બોલે છે નિમુ? એવી વાતોનો આ સમય છે? ચાલ બેટા.”

મમ્મી ઢીલી પડી ગઈ,

“ખબર તો પડે શું થયું છે? ભર્યુંભાદર્યું ઘર છોડીને કોઈ સ્ત્રી નીકળી પડે? લોક તો મારો જ વાંક કાઢે કે હું જ દીકરીને સંસ્કાર આપવામાં પાછી પડી. એવા તેં વળી શાં દુઃખાં ઝાડવાં ઊગી નીકળ્યાં કે આમ એકાએક…”

રોષ પીગળીને આંખ વહેતી રહી. આજે બધા જ એની સામે ઊભા રહી ગયા! કઠેડામાં ઊભી હોય એમ એ ચૂપચાપ ઊભી રહી ગઈ હતી.

એકાએક!

ના. એકાએક તો કશું બનતું નથી.. અગણિત ક્ષણોમાંથી કોઈ એક ક્ષણ પર આંગળી મૂકીને કહી તો શકાતું નથી કે ક્યારે શેનો આરંભ અને અંત થયો હતો? ક્ષણ તો વીતી જાય છે પણ એનો શિરોટો દૂર સુધી લંબાતો રહે છે. ઝીણા સામાન્ય લાગતા પ્રસંગો.. અછડતા બોલાયેલા શબ્દો… ગોળી જેવી વીંધતી નિર્મમ નજર નહોર ભેરવી ઉઝરડા ભરે છે. બાજુમાં જ આર્યન સૂતો હતો, માતાના ગર્ભાશયમાં શિશુ નિશ્ચિંતતાથી સૂતું રહે એમ. આ વિશાળ ઘર, અનેક રીતે ભેગી કરેલી સંપત્તિ, સોશિયલ સ્ટેટસ એની એક એક ઈંટથી ચણાયેલા આ સુવર્ણ કારાગારમાં એ બંદીવાન હતો.

ના. આ વાત આર્યનને કદી નહીં સમજાય. માએ મમતાના નામે પણ દાણા ફેંકી એને મંતરી લીધો છે. પતિ સમજે છે પણ એમણે નભાવી લીધું છે. સળિયા વિનાના આ કારાગારમાં શું એનું જીવન જશે? જીવી શકશે?

એ કંપી ઊઠી હતી.

ટેબલ-લૅમ્પનો આછો પ્રકાશ આર્યનના ચહેરા પર હતો. શું હાથની જેમ ચહેરાની રેખાઓ પણ ભવિષ્ય કહી શકતી હશે? એના વિખેરાયેલા વાળમાં વહાલથી હાથ ફેરવવા જતી એનો હાથ થંભી ગયો હતો. વહાલ, મમતા, લાગણી, અનુકંપા એ બધાથી પ્રેમનો ભાવ અલગ જ હશે! આર્યન પ્રત્યે એને લાગણી હતી કે પ્રેમ?

જીવનનો એક લાંબો રસ્તો, ત્યાં ન છાંયો હતો ન વિસામો. આખી રાત એણે અસમંજસમાં વિતાવી હતી અને વહેલી સવારે એ આર્યન પાસે એક ચિઠ્ઠી મૂકી નીકળી ગઈ હતી.

અને હવે એ ઊભી હતી બે ઘરની સરહદ પર.

પપ્પાએ કડક સ્વરે કહ્યું હતું,

“નિમુ, અત્યારે આવી વાતોનો સમય છે?”

“તમે સમજો, આ જ તો સમય છે. પછી પગ ભારે થઈ જાય એટલે કહું છું, વાત વણસે એ પહેલાં અત્યારે જ શેફાલીને પાછી મૂકી આવીએ. ચાલ બેટા, ભૂલ થઈ જાય હોં! હું અનિલાબેનની માફી માગી લઈશ. વાતનો ફંફેરો થાય એ પહેલાં જ… કહું છું ચાલો.”

“ના મમ્મી, તારે વળી શેની માફી માગવાની? હું ત્યાં રહી શકું તેમ નથી, કોઈ કાળે નહીં.”

જુઈ એની બાજુમાં અડોઅડ ઊભી રહી,

“અને હું દીદીની સાથે છું, મમ્મી પ્લીઝ.”

“વૅલકમ હોમ બેટા. નિમુ બધી વાતો પછીથી ઓ.કે.”

મમ્મી ઝંખવાઈ ગઈ હતી,

“આ તારું ઘર છે એની ના થોડી છે? પણ ખબર તો પડે શું થયું છે?”

પપ્પાનો હાથ પકડી એણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે જીવમાં ઊંડે સુધી હાશકારો થયો, સાથે મન ઉદ્વિગ્ન પણ. જીવનનો એક પડાવ છોડી એ આગળ નીકળી ગઈ હતી, હવે આ નવી કેડી એને ક્યાં લઈ જવાની હતી?

———–*———–*———–*———–

“શેફાલીદીદી, તમારા મનની મૂંઝવણો મારી સાથે પણ શેર ન કરી? ધેટ્સ નૉટ ફૅર. લડું કે રિસાઉં?”

“શીશ્.. દીવાલને કાન છે કે નહીં તે તો ખબર નથી, પણ મમ્મીના કાન સરવા છે.”

“પહેલાં જવાબ આપો, રાઇટ નાઉ.”

શેફાલીએ સ્નેહથી જુઈનો હાથ હાથમાં લીધો. છેલ્લા થોડા સમયમાં આ નાનીબહેન કેટલી સમજદાર થઈ ગઈ હતી! ઘરબહારની દુનિયામાં પગ મૂકી અનેક પ્રવૃત્તિઓમાં પરોવાયેલીય મમ્મીને મક્કમતાથી કહી શકેલી, હમણાં મૅરેજનું નામ જ ન લેતી.

“જૂઇ, મારે જ મારી જાત પાસે સ્પષ્ટ થવું હતું. હું કોઈ ઉતાવળિયું પગલું ભરું અને મારો સંસાર ભાંગુ એની ચિંતા હતી મને, એટલે હું મૅરેજ કાઉન્સિલર પાસે ગઈ હતી.”

“ઓહોહો! તમે તો બહાદૂર થઈ ગયા?”

“શટ અપ. મારી સ્કૂલફ્રૅન્ડ ફોરમ યાદ છેને? એક દિવસ ક્લબમાં મળી ગઈ. એણે ગયે વર્ષે જ ડાયવોર્સ લીધા. પિયરના ઘરે સંયુક્ત કુટુંબ, ત્યાં એના માટે ન ઘરમાં જગ્યા હતી, ન સ્વજનોના દિલમાં.”

“તમારી વાત કરોને? આ ફોરમ પુરાણ…”

“એ પુરાણમાં મારો પણ એક અધ્યાય છે.”

“ઓ.કે. પંડિતજી.”

“એ વર્કિંગ વીમેન હોસ્ટેલમાં રહે છે, એના ફ્રૅન્ડ સાથે ક્લબમાં આવી હતી. એણે જ મને અરૂંધતી કુલકર્ણીનો મોબાઈલ નં. સરકાવી દીધો.”

“આ સરકાવી દીધો, વળી શું?”

“મને વ્હૉટ્સએપ કરે તો મને વહેમ છે ક્યારેક અનિલાબહેન મારો ફોન ચેક લેતા.”

“ઓ માય ગોડ!”

ઍક્ઝેટલી. એકવાર તો હું નહાઈને બહાર આવી ત્યારે એમના હાથમાં મારો મોબાઈલ! જરાય સંકોચ શરમ વિના મને ફોન આપતાં કહે, જસ્ટ જોતી હતી. લેટેસ્ટ ફોન છે, આર્યન હંમેશાં એ-વન ગિફ્ટ જ આપે. ત્યાર પછી હું સાવધ થઈ ગઈ, આર્યને કોઈ પ્રોગ્રામનો વ્હૉટ્સએપ કર્યો હોય એ હું તરત ડિલીટ કરી નાખતી.”

“ઓ માય ગોડ! આ તો મમ્મીની સાસવહુ સિરીયલનો સિનારીયો!”

“ના. જુઈ. એવું નથી.”

“એટલે?”

“પાવરપ્લે. આસપાસના બધાં પર આધિપત્ય જમાવવું, તું સમજે છેને? ઑન ધેમ. એમનાં તન, મન અને વિચારોને પણ પોતાની કાબૂમાં રાખવા. જોકે અઘરું છે સમજાવવું…”

“સાઇકોલૉજિકલ થ્રિલર છે તમારી વાત તો.”

“અરૂંધતીએ કહ્યું, આ મારી કૅબિનેટમાં તું જુએ છેને કેસ ફાઇલ્સ? એમાં કેટલાય દંપતીની જિંદગી કેદ છે, સંપત્તિનાં, બાળકોના કબ્જાનાં દહેજ, અફેર…. તું ગણતાં ભૂલે એટલી કથાઓ છે, આત્મહત્યા અને ખૂનની પણ.”

“બાપ રે!”

“પણ એણે કહ્યું, મારા જેવી વિશેષ કથાઓ ઓછી હોય છે.”

“ગો ઑન દીદી. આ વિશેષ વળી શું?”

“મને કહે તારી કથા આત્મસન્માનની છે, એમની સંપત્તિ, સ્ટેટસનો તને મોહ લાગતો નથી.”

જુઈ અધીર હતી,

“પણ એમની સલાહ આખરે શી હતી?”

“હું એમને અવારનવાર મળી, આ એક ને એક બે જેવી તો વાત નથી. આર્યનને પણ સાથે લઈ આવવાનું એમણે કહ્યું હતું પણ એ કદી ન આવે એ હું જાણું છું. એ માના પડછાયામાં જીવે છે. કદાચ એની ગર્ભનાળ તૂટી જ નથી. આ બધું મમ્મી શી રીતે સમજી શકે?”

“હા, મમ્મી સ્ત્રીની સહનશીલતાની, સમર્પણ, ત્યાગ એની વાત ઉત્સાહથી કરતી હોય છે.”

“પણ જુઈ જ્યારે સ્ત્રીઓ સંસારની ભીંસમાં આવે છે ત્યારે આ જ શબ્દો ગ્લોરીફાઇ થઈ એના આત્મસન્માનને ગીરવે મુકાવે છે. એ કુંડાળામાં મારો પગ પડવા મેં માંડ મારી જાત બચાવી છે. મને અરુંધતીએ સલાહ નથી આપી, મને વિચારતાં શીખવ્યું. મારે મન એ જ મોટી વાત છે.”

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..