(આજથી શરુ) | ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:1 (12માંથી) ~

આશા વીરેન્દ્ર શાહ (વલસાડ), જન્મતારીખ: 2-9-1950, અભ્યાસ-બી.એસ.સી.

મુંબઈથી પ્રસિધ્ધ થતાં ‘જન્મભૂમિ-પ્રવાસી’માં અવારનવાર લેખો ઉપરાંત ‘આસવ’ નામની કોલમ અંતર્ગત ટૂંકી વાર્તાઓ નિયમિત રીતે પ્રગટ થાય છે. અખંડ-આનંદ, જનકલ્યાણ, નવનીત સમર્પણમાં કૃતિઓ છપાય છે. વડોદરાથી નીકળતાં પખવાડિક સર્વોદય મુખપત્ર ‘ભૂમિપુત્ર’નાં છેલ્લાં પાનાંની વાર્તાનું લેખનકાર્ય 2010ની સાલથી સંભાળ્યું છે.

‘ભૂમિપુત્ર’માં છપાયેલી 40 વાર્તાઓના સંગ્રહનાં પુસ્તકો ‘તર્પણ’ ભાગ 1 થી 4 તથા ‘જનનીનાં હૈયામાં’ પ્રગટ થયાં છે. કિશોરીઓ અને ‘સ્ત્રીઓને લગતી વાર્તાઓનાં સંપાદનનાં બે પુસ્તકો ‘અદીઠી ભોંયનાં રાતાં ફૂલ’ અને ‘ગાંઠે બાંધ્યાં અગનફૂલ’ બકુલા ઘાસવાલા સાથે કર્યાં.

‘સર્વ શિક્ષા અભિયાન’ બાળકો માટે વાર્તાનાં બે પુસ્તકો ‘મેઘધનુષી પાંખો’ અને ‘ખોબો ભરીને ખુશી’ તથા શિક્ષક સમુદાય અને વાલી સમુદાય માટેનાં પુસ્તકો માટે વાર્તાઓ લખી. થોડા લેખ અને પુસ્તકોના પણ અનુવાદ કર્યા.

સાહિત્ય,સંગીત અને અભિનયમાં વિશેષ રુચિ. સાહિત્યના જુદા જુદા પ્રકારોમાં લેખન કરવું ગમે જેમ કે, ટૂંકી વાર્તાઓ, નિબંધ, બાળવાર્તા, હાસ્યલેખો, નાટકો વગેરે.

***
પ્રકરણ:1

સાંજે હળવું ભોજન લીધા પછી લટાર મારવા જવાનો સુધાંશુભાઈનો નિયમ, એટલે રાત્રે ડાઈનીંગ ટેબલ પર આભા અને પ્રશાંત બે એકલાં જ હોય.

‘મલાઈ કોફ્તા મસ્ત બન્યા છે હં! લાવ, તારા આંગળાં કરડવા દે તો!’

‘મારી બનાવેલી દરેકે દરેક સારી આઈટમ માટે આ જ એવોર્ડ મળવાનો હોય તો હું તો થોડા વખતમાં ઠુંઠી થઈ જઈશ.’ હસીને બંનેની પ્લેટમાં એક એક પરાઠું મુકતાં આભાએ કહ્યું.

‘જુઓ મેડમ, આ તો ચાર દિન કી ચાંદની જેવું છે. નવીનવી બીબીને રાજી રાખવા શરુશરુમાં આવું બોલતા રહેવું એવી અનુભવી દોસ્તોની સલાહ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરું છું. બાકી કોફ્તામાં એવું કંઈ ખાસ વખાણવા જેવું તો…’ પ્રશાંતના અધુરા વાક્યએ જ આભાએ ઊભા થઈ, એની લગોલગ જઈને એનો કાન પકડી લીધો.

પ્રશાંતે નાટકીય ઢબે બે હાથ જોડીને માફી માગી ને બંને હસી પડ્યાં. પ્રિયતમમાંથી પતિ બનેલા પ્રશાંતના વાળમાં મમતાથી હાથ ફેરવતાં આભા બોલી,

‘આ બધી વાતો તો ઠીક, પણ ખાસ તો મારે તને કહેવું હતું કે, મમ્મીને હવે ઘરે લઈ આવીશું હં ને?’

હવા ભરેલા ફુગ્ગામાં ટાંકણીની અણી જરાક જ લાગે ને બધી હવા  ફૂસ કરતી નીકળી જાય એમ આ એક જ વાતથી પ્રશાંતનો રોમેંટીક મૂડ ફટ કરતો ઊડી ગયો.. કંઈક અણગમતી કે અજુગતી વાત સાંભળી  હોય એમ એનો પ્લેટમાં ફરતો હાથ અટકી ગયો.

અત્યાર સુધી પ્રણયની મસ્તીભર્યા લાગતા સ્વરમાં થોડી કરડાકી ભળી. ‘કેમ?’ નાનકડા એવા પ્રશ્ન પર પૂરેપૂરો ભાર મૂકીને એણે પૂછ્યું.

‘કેમ એટલે? સૌની મા પોતાના પરિવાર સાથે જ હોય ને?’ પોતાના પ્રસ્તાવનો વિરોધ થવાનો જ છે એવું પહેલેથી જાણતી હોય એમ આભાએ પૂછાયેલા સવાલનો સામનો કર્યો.

‘એ તો મને પણ ખબર છે કે બધાની મા પોતાના દીકરા – વહુ અને કુટુંબ સાથે જ હોય, એ તારે મને સમજાવવાની જરૂર નથી.’ પ્રશાંતના સ્વરમાં હવે થોડી તીખાશ પણ ભળી, ‘પણ મારી મા બીજા બધાની મા જેવી હોય તો ને? ને તું તો કાલ સવારે પરણીને આવી છે. જરા વિચાર, કે જેને પરણ્યાને પાંચ- છ વર્ષ થઈ ગયાં છે એવાં નીલેશભાઈ કે વિશાખાભાભીને કોઈ દિવસ વિચાર નહીં આવ્યો હોય કે એને આપણી સાથે લાવીને રાખવી જોઈએ? ઘરમાં બધાં સમજે છે કે એ જ્યાં છે ત્યાં જ રહેવાને લાયક છે. એક તારાં મગજમાં જ આ તૂત ક્યાંથી ભરાયું છે કોણ જાણે?’

નવી પરણેતર સાથે હસી- મજાકથી શરુ થયેલી વાત આમ આડે રસ્તે ફંટાઈ ગઈ એનો તીવ્ર અણગમો પ્રશાંતનાં વર્તનમાં ડોકાતો હતો.

જમવાનું અધૂરું મૂકી, પ્લેટમાં ચમચી પછાડીને એ ઊભો થઈ ગયો પણ આભા એનાથી જરાય વિચલિત ન થઈ. વૉશબેસીન પાસે જઈને હાથ ધોઈ રહેલા પ્રશાંતના હાથમાં નેપ્કીન પકડાવતાં એ બોલી,

‘આ તૂત આજે એકાએક જ નથી ભરાયું. તારા કુટુંબમાં કોણ કોણ છે, કોણ શું કરે છે એ બધું જાણીને, સમજીને તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મમ્મીને આપણી સાથે જ રાખીશું અને પ્લીઝ, આપણી વાતમાં તું વચ્ચે ભાઈ – ભાભીને ન ખેંચી લાવતો.

આપણાં લગ્ન થયા એ પહેલાં એ લોકો સાજા-સારા પપ્પાજીને ય પોતાની સાથે રાખવા તૈયાર નહોતાં તો પછી મમ્મીને લઈ આવવાની તો વાત જ ક્યાંથી આવે? એમને જે ઠીક લાગે એ એ લોકો કરે, આપણને જે યોગ્ય લાગતું હોય એ આપણે કરવાનું.’

‘આપણને નહીં, તને. આખા કુટુંબમાં ફક્ત તને જ મમ્મીને લઈ આવવાનું યોગ્ય લાગે છે, બીજા કોઈને નહીં, સમજી?’ ઊંચા સાદે બોલીને આભાને ચૂપ કરવાનો પ્રયત્ન કરતાં પ્રશાંતે કહ્યું.

‘સો વાતની એક વાત- મારે મમ્મીને ઘરે લાવવાં  છે, લાવવાં છે ને લાવવાં છે.’

‘હજી તો આ ઘરમાં પગ મૂક્યો ન મૂક્યો ત્યાં ઘરની અંગત વાતોનો નિર્ણય લેવાનો અધિકાર તને કોણે આપ્યો એ કહીશ? અહીં પપ્પા જે કહે એ લાસ્ટ એંડ ફાઈનલ વર્ડ એવું સ્વીકારાતું આવ્યું છે. આ બાબતમાં પણ પપ્પા જે કહે એ જ માન્ય રાખવું પડશે અને સાંભળ, આ વાત પપ્પાને કરવા જવાનું મને ન કહેતી, હું એમને કહેવા નહીં જાઉં. તું જ તારી રીતે કહેજે.’

‘ઓ.કે. નો પ્રોબ્લેમ. આમ પણ મારા પ્રશ્નો મારી રીતે જ હલ કરવાની મને ટેવ છે. એ માટે બીજા કોઈને તકલીફ આપવાનું મને ગમતું નથી.’ દરવાજાની બેલ વાગતાં એ તરફ જતાં એ બોલી, ‘પપ્પા જ અવ્યા લાગે છે.’
*  *  *
ત્રણ જગ્યાએ નામું લખવાનું કામ કરીને સુધાંશુભાઈ રાજીખુશીથી પોતાનો ઘરસંસાર ચલાવતા હતા. નીતા જેવી સંતોષી અને હસમુખી પત્ની, આંગણે રમતો કલૈયા કુંવર જેવો દીકરો નીલેશ અને પત્નીના ગર્ભમાં વિકસી રહેલું બીજું સંતાન – ભયો ભયો. આનાથી વધુ કોઈને શું જોઈએ?

ભૂલેશ્વરની નાની નાની ઓરડીઓમાં રહેવાવાળાં સૌનાં દિલ વિશાળ હતાં. એમાંય સુધાંશુભાઈની તો વાત જ ન્યારી. એવા મળતાવડા કે વા સાથે ય વાતો કરતા જાય. બે દાદર ચઢીને પોતાની ઓરડી સુધી પહોંચતામાં તો બધાય ના હાલ-ચાલ પૂછી લે. ઘરડાં-બુઢ્ઢાં તો હસમુખા ને બોલકા સુધાંશુની ઘડિયાળને કાંટે રાહ જોઈને બેસતા.

‘ઘડિયાલમાં છ વાયગા કે? સુધાંશુ અબઘડી આબ્વો જ જોવે. મારે હારુ તમખીર લાબ્વાનું કીધું છે તે લાઈવા વગરનો નઈ રે.’

‘એમ તો મેંય હવારમાં કીધુ’તુ કે ભાઈ,કામેથી આવતી ફેરા મારા ચહમાની દાંડી હરખી કરાવતો આવજે. બળ્યું આ ચહમા વગર તો જાણે હાવ આંધળા. ઈવડો ઈ આવે તો જરા છાપું-બાપું વાંચીએ.’

સુધાંશુ માળામાં પગ મૂકે એટલે હલચલ મચી જાય. જમનામાસીની ચંપલ કે છોટુકાકાનો રુમાલ ભલે લાવવાનો હોય પણ એ બધાની સાથે નીતા માટે મોગરાનાં ફુલનો ગજરો અને નીલેશ માટે શીંગ-ચણા લાવવાનું એ કદી ન ચૂકે.

તો નીતાય ક્યાં કમ હતી? મણિમાસીએ દાંત પડાવ્યા છે  ને બચાડાં એકલ પંડે છે તે મેં કીધું લાવ જરા શીરો હલાવી નાખું.’ કે ‘ભારેવગીને ખાટું ખાટું ખાવાનું મન થાય ને નવી વહુ સાસરીમાં કોઈને કહેતાં શરમાય. મને ખબર છે, સુધાવહુને મારા હાથની ડબકાવાળી કઢી બહુ ભાવે છે .આજે તો ખાસ એને માટે બનાવી.’ એમ કરતી અડધી રાતેય સૌને હોંકારો દેતી.

વડીલો રામ-સીતાની જોડી કહીને એમને અંતરથી આશીર્વાદ દેતા. આ દંપતી સૌ કોઈને પ્રિય. રવિવારની સાંજ પડે એટલે એમની સવારી ક્યાંક ને કયાંક ઊપડવાની જ હોય એ આખો માળો જાણે.

આ રવિવારે ચોપાટી તો બીજા રવિવારે પાલવા, ક્યારેક નીલેશને પ્રાણીઓ બતાવવા રાણીબાગ તો વળી એની જીદ પૂરી કરવા એકાદ રવિવારે હેંગીંગ ગાર્ડન જવાનું.

સુધાંશુનો લાવેલો ગજરો અંબોડે સજાવી, રૂપિયા જેવો ગોળ, લાલચટાક ચાંદલો કરી સજીધજીને નીતા નીકળે ત્યારે બાજુવાળાં કાંતાબેન અચૂક નજર ઊતારતાં. કહેતાંય ખરાં,

’મૂઈ, બૌ ફુલફટાક થઈને ફર મા. કોઈ દિ’ નજરાઈ જઈશ, નજરાઈ.’ નીતા ખડખડાટ હસી પડતી અને કહેતી, મેં શું નખરા કર્યા, કો તો માસી?’ કાંતાબેનેય જો કે મનોમન કબૂલ કરતાં,’ વાત તો હાવ હાચી. ઉપરવાળાએ રૂપ જ દોથો ભરીને દીધું છે ત્યાં…’

નીલેશની સુવાવડ વખતે નીતા બહુ હેરાન થઈ હતી. ડૉક્ટરે કહ્યું હતું, ’બાળક આડું છે. નોર્મલ ડિલિંવરી કરવામાં જોખમ છે એટલે ઑપરેશન કરવું પડશે.’

આ સાંભળીને સુધાંશુ તો ઢીલોઢફ પણ કાંતાબેન મનમાં ફફડતાં હોવા છતાં બહારથી મક્કમ રહ્યાં. ’સુધાંશુ, એમ ગભરાયે ન ચાલે. છોકરું જણવું એટલે અમારો બૈરાંઓનો બીજો અવતાર જ કહેવાય. આવું તો ચાલ્યા કરે. મેં શંકર ભગવાનના સોળ સોમવાર માન્યા છે. ભોળા શંભુ સૌ સારાં વાનાં કરશે. જા, તું તારી સાસુને ફોન કરી આવ કે, નીતાને હૉસ્પિટલ લઈ આવ્યા છીએ. એ નહીં આવે ત્યાં સુધી હું અંઈથી ખસવાની નથી. તું ફકર ચંત્યા કરીશ મા.’

નીતાની બા આવ્યાં ત્યાં સુધી કાંતાબેન ‘ઓમ નમ: શિવાય’ ના જાપ કરતાં બેઠાં ને નર્સે આવીને પુત્રજન્મની અને મા-દીકરો બેઉ સુખરૂપ હોવાની વધામણી ન સંભળાવી ત્યાં સુધી એમણે મોં માં પાણીનું ટીપું ય ન નાખ્યું. એટલે જ આ વખતે સુધાંશુએ ડિલિવરી માટે નીતાને પિયર મોકલવાનું નક્કી કર્યું હતું.

નીતા ભલે આ વ્યવસ્થાનો જોરશોરથી વિરોધ કરતી હોય પણ સુધાંશુને કાંતાબેનનો મજબૂત ટેકો હતો એટલે એનું કંઈ વળ્યું નહીં. સુધાંશુના ખાવા-પીવાની ચિંતા કરી રહેલી નીતાની કાંતાબેને બરાબર ઝાટકણી કાઢી, ‘હવે વેવલાંવેડા કર મા. અમે કંઈ મરી નથ પરવાર્યા કે તારે વિચારવું પડે કે મારા વરનું ધ્યાન કોણ રાખશે?’

‘ના માસી, એમ નહીં પણ તમારે હવે આ ઉંમરે આ બધી ઉપાધિ કરવી પડે…’ નીતાને વચ્ચેથી અટકાવતાં કાંતાબેને ઉપાય બતાવ્યો, ‘અરે, મારે ક્યાં હેરાન થવું પડે એમ છે? હવે તો મારી અંકિતાએ ઘરનું બધું કામ માથે ઉપાડી લીધું છે. ઈ બે ટાણાં તારે ઘરે આવીને સુધાંશુ માટે રાંધી જશે તો એ કામકાજમાં વધારે પલોટાશે ય ખરી, સુધાંશુને ગરમાગરમ જમાડશે ય ખરી ને બધા કરતાં સારી વાત એ કે મારાં ઘરમાંથી રોટલાય ઓછા નઈ થાય. લે, હવે હાંઉ?’

કાંતાબેને અંકિતા વાળી વાત કરી એનાથી નીતાને શાંતિ થઈ ગઈ. આ રમકડાં જેવી ફરફરણી છોકરી આખો દિવસ નીતાભાભી, નીતાભાભી કરતી એનાં ઘરમાં આંટાફેરા કર્યા કરતી. મૂડ આવે ત્યારે ડબ્બા ખોલીને નાસ્તાના બે બૂકડા ય મારી લેતી ને મન થાય એ ચટપટી વાનગી ખાવાની ફરમાઈશ પણ કરતી, ’નીતાભાભી, કેટલા વખતથી હાંડવો નથી બનાવ્યો! કે પછી મને મૂકીને એકલાં એકલાં ખાઈ લીધો?’

નીતા એનો કાન પકડીને વહાલથી ખેંચતી ને કહેતી ,’ચાંપલી, તને ખવડાવ્યા પહેલાં મેં કોઈ દિવસ મોંઢામાં કશું મૂક્યું છે?’

બંને વચ્ચે આવી મીઠી મજાક મસ્તી ચાલ્યા કરતી. બેઉના જીવ મળી ગયા હતા એટલે જ પોતાનાં ઘરના ખૂણેખૂણાથી પરિચિત અંકિતા આવીને સુધાંશુને જમાડી જાય એ વાત નીતાને જચી ગઈ. શુભ દિવસ અને સારું મૂર્હત જોઈને નીતાને એનો ભાઈ આવીને લઈ ગયો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..