પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:4 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

એ ઝબકીને જાગી ગઈ.

હજી હમણાં તો એ પેલે ઘરે હતી અને હમણાં આ ઘરે! કે પછી એ નો મૅન્સ લૅન્ડ પર ઊભી હતી! કાનમાં કોઈ મીઠું ગણગણતું હતું. આઇ લવ યુ, આઇ મિસ યુ.

એ હમણાં તો ડાયવોર્સ ઍગ્રીમેન્ટ પર સહી કરીને આવી હતી અને આંખ મળી ગઈ હતી. બધા જલદી તૈયાર થઈ ગયા. શોનો ટાઇમ થઈ ગયો હતો. નિમુબહેન નારાજ હતા, ડાયવોર્સ કાંઈ સેલિબ્રેશન છે કે આજે ને આજે ફિલ્મ જોવાની! પણ જુઈ પાસે કોનું ચાલે!

થિયેટર હાઉસફૂલ હતું. અંગ્રેજી કૉમેડી ફિલ્મ હતી. શેફાલી મન પરોવવાની કોશિશ કરતી હતી. ઇન્ટરવલમાં રોહન બહાર ગયો. નિમુબહેન નિરાંતે ઊંઘતાં હતાં. શેફાલીનું ધ્યાન ગયું, રીના એની જ રોમાં બેઠી હતી અને એની તરફ આંગળી ચીંધી બાજુમાં કોઈને કશું કહી રહી હતી.

શેફાલીએ મોં ફેરવી લીધું. એની જ વાત હશેને! અનિલાબેન, રીનાએ એના વિષે વાતો વહેતી મૂકી હશે, એની અણઆવડત, ફૅશનને નામે મીંડું કે એવું જ કંઈક. રીના આર્યનના કાકાની દીકરી, આર્યનની બર્થ ડે પાર્ટી માટે આર્યને રિઝોર્ટમાં બુકીંગ કર્યું હતું, આપણે બે જ જણા પણ રીના અને અનિલાબહેને ઘરે પાર્ટી રાખી હતી. રીઝોર્ટ બુકિંગ આર્યને કેન્સલ કર્યું હતું.

લો, આજે જ મહારાજ બીમાર પડ્યો. શેફાલી, કિચન તારે હવાલે, તારી પાંઉભાજી સરસ બને છે. પછી એ રસોડાની ગરમીમાં શેકાઈ હતી સહુ એ.સી. હૉલમાં લહરેથી ગૅમ રમતા હતા.

આ જ રીનાએ મોટેથી કહેલું,

`માય ગૉડ! મારા મણિબેન ગુજ્જુભાભી! પાંઉભાજી ઇઝ યમી!’

કોઈએ ટહુકો કર્યો.

`એમને ઘરે મહારાજ નહીંને એટલે રસોઈની ટેવ હોય ને! આઇ ડોન્ટ નો હાઉ ટુ મેઇક ટી.’

`ભાભી! તમે ગુજરાતી સ્કૂલમાં ભણ્યા છો રાઇટ! આજકાલ કોણ ભણે છે એવી સ્કૂલમાં?’

`એટલે જ ભાભીને અંગ્રેજીના ફાંફાં પડે છે ને! ચાલો એમ તો એમ.’

એ રાત્રે આર્યન પાસે રડી પડી હતી. આર્યને સમજાવવાની કોશિશ કરી હતી,

`શેફાલી, તારી ગેરસમજ છે, તું સરસ રસોઈ કરે છે, એ સહુ જાણે એટલે મમ્મીએ ઘરે પાર્ટી રાખી, તારી પાંઉભાજી બધાને કેટલી ભાવી?’
* * *
એ દિવસે એને પહેલીવાર થયું હતું કે આ ઘર એક ટાપુ છે, એની પર એ એકલી છે, સદંતર એકલી.

આવી નાની નાની રમતો આર્યન સમજી શકતો નથી. આંખો તો એની છે પણ શૈશવથી માએ પહેરાવેલા ચશ્માંથી જ એ દુનિયા જોવા શીખ્યો છે.

ફિલ્મ પૂરી થઈ. ઘરે પહોંચતાં જુઈ રસોડામાં ફ્રીઝમાં ખાંખાંખોળા કરતી હતી. શેફાલીના મોબાઇલમાં નોટિફિકેશન આવ્યું, આર્યનનો જ મૅસેજ હશે. રાત્રે બાર વાગ્યે વળી કોનો મૅસેજ હોય! મોબાઇલ જોઉં ન જોઉંની દ્વિધામાં સ્વિચઑફ કરી દીધો.

રાત શાંત અને નીરવ હતી. એ બારી પાસે ઊભી રહી. ઘર પાછળના રસ્તા પર સ્ટ્રીટ-લૅમ્પમાં આજે બત્તી ન હતી એટલે આકાશ થોડું વધું ઝગમગતું હતું. એ ઉપરની તરફ મીટ માંડી રહી. અગણિત પ્રકાશવર્ષ દૂર રહેતા ગ્રહોએ પૃથ્વી પરના સાવ અજાણ્યા બે મનુષ્યોને શા માટે બંધનમાં બાંધ્યા હતા! મમ્મી કહેતી, આ બધા કિસ્મતના ખેલ. વિધાતાના લખ્યા લેખ બીજું શું?

ફરી રોષનો તિખારો એને દઝાડી રહ્યો. કોણ હતી આ વિધાતા! શો હક્ક હતો એને મારા લેખ લખવાનો! આ તે કેવો ખેલ કે અદૃશ્ય હાથો પાસાં ફેંકે અને તમારા વતી એ ચાલ ચાલે? મનુષ્ય શું એક પ્યાદું જ!

જુઈ થોડા બિસ્કીટ લઈને આવી,

`ફ્રીઝ પર હલ્લો કર્યો દીદી પર કુછ મિલા નહીં. એક સિક્રેટ, તમારી અને મારી વચ્ચે ઓ.કે.!’

`તારાથી કોઈ વાત ખાનગી રખાય છે?’

`આ તો ટોપ સિક્રેટ. તમારો અનુભવ, મારે માટે લેસન છે. હું મમ્મીના હાથમાં નહીં આવું, મતલબ ગોઠવેલા, દોકડા ગણી ગણીને કરેલા લગ્ન તો નો નો. પહેલા ડિગ્રી, નોકરી, મારું પોતાનું બૅંકબૅલેન્સ પછી સરેરાહ ચલતે ચલતે કોઈ મિલ ગયા તો કન્યા પધરાવો સાવધાન નહીં તો ફ્રૅન્ડશીપ રાખીશ પણ મારી મરજીની હું જ માલિક. બરાબરને?’

`બકબક છોડ અને સૂઈ જા.’

`તમેય શાંતિથી સૂઈ જાઓ. મૅરેજ વૉઝ અ બેડ ડ્રીમ.’

વાંચતાં વાંચતાં જુઈ સૂઈ ગઈ. શેફાલીએ એના હાથમાંથી પુસ્તક લઈ લીધું,

`લાઇફ ઇઝ અ મિરેકલ’ જુઈ કેટલું મોકળે મને વિચારી શકે છે!

ફરી મોબાઇલ હાથમાં લીધો. જોઉં કોઈનો મૅસેજ.. મિસ્ડ કૉલ..

કોઈનો એટલે આર્યનનો! લગ્ન પછી મિત્રોના, સ્કૂલના વ્હૉટ્સએપ ગ્રુપના મૅસેજ ઓછા ને ઓછા થતા ગયા હતા. આર્યનના ફરી ફરી મૅસેજ આવતા રહ્યા હતા, શો અર્થ હતો? અને છતાં એનો મૅસેજ આવશે એવી છાની આશા પણ હતી. કેવી વિચિત્ર સ્થિતિ!

આંખ ભારે હતી, છતાં આંખમાં નીંદર ન હતી. ઘર આખું જંપી ગયું હતું. એ રસોડામાં આવી. પાણીની બૉટલ માટે ફ્રીજ ખોલ્યું ત્યાં નિમુબહેનનો ધીમો અવાજ સાંભળ્યો,

`આ શેફાલીનું શું કરીશું?’

એ થીજી ગઈ. પપ્પા-મમ્મી એના વિષે છાની રીતે વાતો કરી રહ્યા હતા! એણે ન સાંભળવું જોઈએ પણ એ ત્યાંથી ખસી ન શકી. પપ્પા શું કહેશે?

`કેમ એનું શું કરવાનું છે?’

`અનંત, મારી વાત શાંતિથી સાંભળો.’

મમ્મી પપ્પાને એકાંતમાં નામથી બોલાવતી હતી. એને નવાઈ લાગી. અનિલાનો આદેશ હતો, આપણી સોશિયલ ઇમેજ, સ્ટેટસ, ઘરમાં નોકરો… જો શેફાલી, ભૂલેચૂકે આર્યનને તું નહીં કહેવાનું, તને આવી એટીકેટની શી ખબર પડે?

નિમુબહેનનો અવાજ સાંભળી એ ફરી નક્કર ધરતી પર આવી ગઈ,

`મારી વાત સમજો, દીકરી પર ડિવોર્સની છાપ લાગી ગઈ પછી આપણા સમાજમાં જલદી બીજું ઠેકાણું થોડું મળે છે!’

`અરે પણ હજી ડાયવોર્સ…’

`હમણાં થઈ જશે. આ વખતે તો મૅરેજ બ્યુરોમાં જ નામ નોંધાવવું છે, છુટ્ટાછેડાવાળો જ છોકરો, કદાચ સંતાન સાથે બીજવર મળી તો જશે.’

ખૂંચે એવો પપ્પાનો તીવ્ર સ્વર,

`નિમુ, બસ કર. અત્યારે આ બધું. હવે કોઈ અર્થ છે? મહેરબાની કરી છોકરાઓ સામે તારું લગ્નપુરાણ વાંચવા ન બેસતી.’

`હું નથી સમજતી! પણ મા છું, મોટી દીકરી ઘરમાં હોય એટલે જુઈ અને રોહનનુંય આપણે વિચારવાનું ને?’

`નિમુ, પ્લીઝ બંધ કરીશ આ વાત?’

પપ્પાનો ઊંચો સ્વર અને મમ્મીનો ઘેરો નિઃશ્વાસ. વીજળીના ખુલ્લા તારને સહજ સ્પર્શ થઈ ગયો હોય એમ શેફાલી કંપી ઊઠી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..