|

આરંભમાં હતો એક માત્ર નાદ: એક વાર્તા અનુવાદની… ~ સૌજન્ય: પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી – PARI) ~ અનુ. મૈત્રેયી યાજ્ઞિક

(વિશ્વ અનુવાદ દિવસ નિમિત્તે PARI (People’s Archive of Rural India), https://ruralindiaonline.org/en/ જે એક ડિઝીટલ પત્રકારત્વનું સમૃદ્ધ પ્લેટફોર્મ છે, તેમાં પ્રકાશિત થયેલો વિસ્તૃત લેખ આ સાથે મૂક્યો છે.

આ લેખ વિસ્તૃત પણ છે અને સમૃદ્ધ પણ છે. નિરાંતે વાંચવા બેસો અને બ્લુ કલરમાં માર્ક કરેલી વાર્તા કે લેખમાં ઊંડા ઉતરવાનું રાખો તો એકાદ અઠવાડિયું જોઈશે. સલામ છે આવું કાર્ય કરનાર સંસ્થાને.

અમે વિશેષ આભારીએ છીએ અનુવાદક મૈત્રેયી યાજ્ઞિકનો જેમણે આ જ્ઞાનની ગંગામાં આંખ પખાળવાની તક આપી છે. – સંપાદક)
***

પારી પર પ્રકાશિત થતી દરેક વાર્તાનો 14 ભારતીય ભાષાઓમાં પુનર્જન્મ થાય છે. પરંતુ પુનર્જન્મની આ આખી પ્રક્રિયામાં સમાયેલ આનંદ અને પીડા ઘણીવાર અવ્યક્ત રહી જાય છે.

30મી સપ્ટેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ પર આપણી ભારતીય ભાષાના સંપાદકો વાતો કરે છે પોતાના અનુભવોની.

ચાલો ત્યારે શરૂઆતથી માંડીને વાત કરીએ…

પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી – PARI) 2014થી ભારતની વિવિધતાની જે મહાકથા કહી રહ્યું છે એની શરૂઆત થાય છે ભારતીય ભાષાઓથી – ગ્રામીણ ભારતના 83.3 કરોડ લોકો દ્વારા બોલાતી 700 થી વધુ ભાષાઓ અને 86 લિપિઓ, અને કેટલીક તો કે લિપિ વિનાની પણ ખરી.

ભારતની સાંસ્કૃતિક વિવિધતાના હાર્દમાં છે આ ભાષાઓ. અને એટલે જ એમના વિના કોઈ લોકસંગ્રહના અસ્તિત્વની વાત તો દૂર રહી, એની કલ્પના સુદ્ધાં ન થઈ શકે. વિવિધ ભારતીય ભાષાઓમાં થતા અનુવાદો પારીની એકેએક વાર્તાની સફરમાં એક વિશેષ ભૂમિકા ભજવે છે.

સ્મિતા ખાતોર કહે છે, “પારી પત્રકારત્વના ક્ષેત્રમાં આગવી રીતે અગ્રણી બની રહ્યું છે; આ આર્કાઇવ અનુવાદને સામાજિક ન્યાયની દ્રષ્ટિએ જુએ છે. આજે જયારે મોટાભાગના ગ્રામીણ ભારતીયો હજી પણ અંગ્રેજી ભાષાથી કંઈ કેટલાય પ્રકાશ વર્ષો દૂર વસે છે ત્યારે આ આર્કાઇવ જ્ઞાનનું ઉત્પાદન અને પ્રસાર એ માત્ર અંગ્રેજી-શિક્ષિત, અંગ્રેજી બોલતા વર્ગોનો ઈજારો ન બની રહે એ સુનિશ્ચિત કરે છે.”

ભાષા સંપાદકો અને અનુવાદકોની અમારી ટીમ અવારનવાર શબ્દોના સાંસ્કૃતિક સંદર્ભ અને શબ્દસમૂહોની યોગ્યતા બાબતે વિચારોની આપ-લે કરે છે, દલીલો કરે છે અને ચર્ચા-વિચારણા કરે છે. થોડા જ દિવસ પહેલાની વાત છે…

સ્મિતા: યાદ છે પુરુષોત્તમ ઠાકુરની પેલી વાર્તા ? જેમાં તેમણે એક દ્રશ્યનું વર્ણન કર્યું છે, તેલંગાણામાં (ઈંટોના) ભઠ્ઠામાં કામ કરતા કુરુમપુરી પંચાયતના સ્થળાંતરિત શ્રમિકો તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા?

એક વડીલ તેમને કહે છે, ‘ઘણા વખત પછી હું કોઈ એવી વ્યક્તિને મળ્યો જે ઓડિયા બોલતી હોય. તમને મળીને હું ખૂબ રાજી થયો!”

અને જ્યોતિ શિનોલીની મહારાષ્ટ્રની પેલી વાર્તા, રઘુ નામના સ્થળાંતરિત શ્રમિકના દીકરાની? આ છોકરાનો સૌથી મોટો પડકાર હતો એક એવી નવી શાળાથી ટેવાવાનો જ્યાં શાળાના શિક્ષકો અને મિત્રો એ બિલકુલ સમજતો જ નહોતો એવી ભાષામાં વાતો કરતા હતા.

વાર્તામાં છોકરાની માતા ગાયત્રી કહે છે, “માત્ર ત્રણ અઠવાડિયા સુધી ચેન્નાઈની એ શાળામાં ગયા પછી એક  દિવસ રઘુ રડતો રડતો ઘેર પાછો આવ્યો. તેણે કહ્યું કે હવે એને શાળામાં જવું જ નથી. એને ત્યાં કંઈ જ સમજણ પડતી નથી અને એને લાગે છે કે બધા તેની સાથે ગુસ્સે થઈને વાત કરે છે.

ગ્રામીણ ભારતના લોકો માટે ભાષાકીય ઓળખ ખૂબ મહત્વની છે, ખાસ કરીને જ્યારે તેઓને આજીવિકાની શોધમાં દૂર-દૂરના સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે ત્યારે.

શંકર: પણ સ્મિતા, ક્યારેક શબ્દો પણ સ્થળાંતર કરતા હોય છે. હું સેંથાલિરની હેન્ડ-પોલિનેટર (હાથેથી પરાગનયન કરાવવામાં નિષ્ણાત લોકો)ની વાર્તા પર કામ કરી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે એ ખેતરમાં કામ કરતી મહિલાઓ હાથેથી ફૂલોનું પરાગાધાન કરાવવાના તેમના કામનો સંદર્ભ આપવા અંગ્રેજી શબ્દ – ‘ક્રોસ’ અથવા ‘ક્રોસિંગ’નો ઉપયોગ કરે છે.

એક અંગ્રેજી શબ્દ હવે તેમની બોલચાલની ભાષાનો ભાગ બની ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવા ઘણા શબ્દો તમને સાંભળવા મળશે.

આ રોમાંચક અને પડકારરૂપ છે. કેટલીકવાર એવું પણ થાય છે કે હું મારા પોતાના રાજ્ય, કર્ણાટકની, અંગ્રેજીમાં લખાયેલી કેટલીક વાર્તાઓ વાંચું છું અને ત્યાંના કામ કરતા શ્રમિકોના સંવાદો જાણે કે એ લોકો ત્યાંના હોય જ નહીં એવા લાગે છે.

તેઓ કોઈ પુસ્તકના કાલ્પનિક પાત્રો જેવા લાગે છે. એ સાવ ફિક્કા જણાય છે, જીવંત લાગતા જ નથી. તેથી હું જ્યારે અનુવાદ કરવા બેસું છું ત્યારે ઘણીવાર લોકોને સાંભળું છું કે તેઓ કઈ રીતે વાત કરે છે, અને પછી એ વાર્તા માત્ર એક ‘કલાત્મક’ અહેવાલ ન બની રહે અને ખરેખર તેમની જ વાર્તા છે એવું લાગે એ સુનિશ્ચિત કરું છું.

પ્રતિષ્ઠા: (અનુવાદની આ આખી) પ્રક્રિયા હંમેશા સરળ કે સીધી હોય છે એવું નથી. પોતાની માતૃભાષામાં લખતા પત્રકારોની વાર્તાની પ્રત સાથે હું અનેક વાર સંઘર્ષ કરું છું. મૂળ ગુજરાતી કે હિન્દીમાં લખાયેલી વાર્તા વાંચવામાં ખરેખર સારી લાગે છે. પરંતુ જ્યારે હું મૂળ વાર્તાને વફાદાર રહીને તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરું છું, ત્યારે એ ગોઠવણી, વાક્યનું માળખું, શબ્દ-ભંડોળ, લખવાની શૈલી એ બધું બિલકુલ સહજ લાગતું નથી. અને ત્યારે મને થાય છે કે આવી પરિસ્થિતિઓમાં મારી વફાદારી કોના પ્રત્યે હોવી જોઈએ?

વાર્તાના ભાવ પ્રત્યે વફાદાર રહી અનુવાદમાં વંચિત સમુદાયોના અનુભવને વાચા આપું, કે પછી મૂળ વાર્તા, એમાં વપરાયેલ શબ્દો, એના બંધારણ પ્રત્યે વફાદાર રહું?

શું હું ભારતીય ભાષામાં લખાયેલી વાર્તા નવેસરથી લખું, કે પછી અંગ્રેજીમાં લખાતી વાર્તામાં ફેરફાર કરું? છેવટે એ વિચારોની આપ-લે અને ક્યારેક સામસામી દલીલો સાથેની એક લાંબી પ્રક્રિયા બની રહે છે.

અનુવાદ શક્ય છે કારણ કે દરેક ભાષાઓમાં જોડવાની ક્ષમતા અને વાતચીત કરવાની રીતો છે. પરંતુ શબ્દો વડે ઊભાં થતાં કલ્પનો, શબ્દોના ધ્વનિ, શબ્દભંડોળ, લખવાની શૈલી, કોઈ પણ ભાષાના જ્ઞાનનો ભંડાર અને તેનું સાંસ્કૃતિક વિશ્વ, એ ભાષાનું એક આગવું વૈશિષ્ટ્ય – આ બધા વચ્ચેના ગાઢ સંબંધો પારી સાથે કામ કર્યા પછી જ હું સમજી શકી છું.

એવું પણ બન્યું છે જ્યારે અમે એક જ વાર્તાને બે ભાષામાં બે અલગ-અલગ સંસ્કરણોમાં પ્રકાશિત કરી હોય – અલગ વાર્તાઓ તરીકે નહીં પરંત એ બંને વાર્તાઓ એટલી તો અલગ હોય કે એક સંસ્કરણને બીજાનો અનુવાદ કહેતા સંકોચ થાય.

જોશુઆ: પ્રતિષ્ઠા દી, શું અનુવાદ એ હંમેશા પુનઃસર્જન – એક અનુસર્જન નથી?  હું જ્યારે બાંગ્લામાં ગ્રાઇન્ડમિલ ગીતો પર કામ કરું છું (ગ્રાઈન્ડ-મિલ ગીતોનો બાંગ્લામાં અનુવાદ કરું છું), ત્યારે ખરેખર તો હું અનુસર્જન કરું છું.

મારી માતૃભાષામાં ઓવીનું પુનઃસર્જન કરતી વખતે મારે છંદ અને બોલચાલની ભાષા ફરી ફરી શીખવાની અને ભૂલવાની જરૂર પડે છે. મને લાગતું હતું કે કવિ થવું અઘરું છે પણ કવિતાનો અનુવાદ કરવો એ વધારે અઘરું છે!

અભિવ્યક્તિ, વિચાર, કલ્પન, શબ્દપ્રયોગ, લેખન શૈલી, છંદ, લય અને રૂપકોને અકબંધ રાખીને કોઈ મરાઠી મૌખિક સાહિત્યનું અનુસર્જન શી રીતે કરી શકે?

ગ્રામીણ ગાયક-ગીતકારો દ્વારા પ્રેરાઈને હું મારી કવિતાને એક મહિલાની જેમ વિચારવા અને જાતિ વ્યવસ્થા, પિતૃસત્તા અને વર્ગ સંઘર્ષની ચક્કીમાં આડેધડ પીસાઈ રહેલ અનાજની જેમ વહેવાની ફરજ પાડું છું.

દરેક વખતે હું ગ્રામીણ બંગાળના પોતીકા વ્યાપમાં મહિલાઓની તુશુ, ભાદુ, કોલોઝાડા ગાન અથવા બ્રોતોકોથા (વ્રતકથાઓ) જેવી સંગીતમય-કાવ્યાત્મક મૌખિક પરંપરાઓમાં કોઈ આનુષાંગિકતા શોધતો રહું છું.

આ આખી પ્રક્રિયા એકસાથે, નિરાશાજનક અને આકર્ષક, બંને છે.

મેધા: એનાથી વધુ પડકારરૂપ શું છે કહું? રમૂજનું ભાષાંતર. સાંઈનાથના લેખો! એલિફન્ટ મેન એન્ડ ધ બેલી ઓફ ધ બીસ્ટ (Elephant man and the belly of the beast) વાંચીને હું હસવું તો રોકી નહોતી જ શકી પણ માથું પણ ખંજવાળતી થઈ ગઈ હતી.

એ લેખનું દરેકેદરેક વાક્ય, એનો દરેકેદરેક શબ્દ, એક સાલસ હાથી, પાર્બતીની ઉપર બેસીને તેની સંભાળ રાખનાર પ્રેમાળ મહાવત પરભુ સાથે ગપસપ કરી રહેલા ત્રણ પુરુષોનું ક અનોખું, આકર્ષક ચિત્ર ખડું કરે છે. આ મહાકાય પ્રાણીને ભરપેટ ચારો શી રીતે મળી રહે છે એ સમજવાનો તેમનો પ્રયાસ વ્યર્થ જાય છે.

લેખની વિગતો સાથે સમાધાન કર્યા વિના અને હાથીની સવારીના લય અને ગતિ જાળવીને એ અનુભવનો મારે મરાઠીમાં અનુવાદ કરવો પડ્યો હતો.

મોટાભાગની પારીની વાર્તાઓ સાથે થાય છે તેમ, પડકારની શરૂઆત થઈ હતી વાર્તાના શીર્ષકથી જ. અંતે, આ કદાવર પ્રાણીને સતત ખવડાવવાની જરૂરિયાત મને દોરી ગઈ ‘બકાસુર ’ ના જાણીતા પાત્ર તરફ, જેને રોજેરોજ ગામ આખાએ ખવડાવવું પડતું હતું. તેથી મરાઠીમાં મેં તેનું શીર્ષક આપ્યું હતું: હત્તી દાદા આણિ બકાસુરચં પોટ .

મને લાગે છે કે બેલી ઓફ ધ બીસ્ટ અથવા પાન્ડોરા’સ બોક્સ અથવા થિયેટર ઓફ ધ ઓપ્ટિક (belly of the beast or Pandora’s box, or theatre of the optic) જેવા શબ્દસમૂહોનો અનુવાદ કરતી વખતે આપણી ભાષાના વાચકો માટે જાણીતા શબ્દો, વિભાવનાઓ, પાત્રો શોધવાનું મહત્વપૂર્ણ છે.

પ્રતિષ્ઠા : બીજી સંસ્કૃતિની કવિતાઓનો અનુવાદ કરતી વખતે તો આવી છૂટછાટ લેવામાં હું હંમેશાં અચકાતી હોઉં છું. પરંતુ પારીની વાર્તામાં કોઈ આવું શા માટે કરે એ હું સમજી શકું છું. મને લાગે છે કે અનુવાદનો અર્થ ઘણા અંશે તમે એ અનુવાદ કોના માટે કરી રહ્યા છો એના પર પણ નિર્ભર રહેવાનો.

કમલજીત: ચાલો હું તમને કહું કે પંજાબીમાં શું થાય છે. હું ભાષાંતર કરું ત્યારે ઘણી વખત એવું બને છે કે મારે મારી ભાષાના નિયમોને મરોડીને મારા પોતાના નિયમો બનાવવા પડે છે! અને આવું કરવા બદલ અવારનવાર મારી ટીકા થાય છે.

ઉદાહરણ તરીકે, અંગ્રેજીમાં બધી વાર્તાઓ સામાજિક ભેદભાવોને ધ્યાનમાં લીધા વિના તમામ વ્યક્તિઓ માટે સમાન સર્વનામનો ઉપયોગ કરે છે. બીજી ભારતીય ભાષાઓની જેમ, પંજાબીમાં પણ વ્યક્તિના પદ, ઉંમર, વર્ગ, સામાજિક સ્થિતિ, લિંગ અને જાતિના આધારે સર્વનામો બદલાય છે. તેથી પારીની વાર્તાનો અંગ્રેજીમાંથી પંજાબીમાં અનુવાદ કરતી વખતે જો મારે મારી ભાષાના સામાજિક-ભાષાકીય ધોરણોનું પાલન કરવાનું હોય તો એ આપણી સૈદ્ધાંતિક વિચારસરણી સાથે અસંગત હશે.

તેથી આપણે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે અનુવાદની પ્રક્રિયામાં આપણે તમામ મનુષ્યો સાથે સમાન આદરથી વર્તીશું, પછી ભલે એ ગુરુ હોય, રાજકારણી હોય, વૈજ્ઞાનિક હોય કે સફાઈ કામદાર હોય, પુરુષ હોય કે પછી ટ્રાંસવુમન .

તેથી જ્યારે આપણે તરન તારનમાં જમીનદારોના ઘરોમાં ગાયનું છાણ ઉપાડતી દલિત મહિલા મનજીત કૌરની વાર્તા પંજાબીમાં પ્રકાશિત કરી ત્યારે મને વાચકોના સંદેશા આવવા લાગ્યા અને મને પૂછવામાં આવ્યું કે, “તમારી (તમારા લેખની) ભાષામાં તમે મનજીત કૌરને આટલું બધું માન શા માટે આપો છો? મનજીત કૌર ઇખ મઝહબી સીખ હાંય. ઓહ જીમીદારાં દે ઘરાં દા ગોહા ચૂકદી હાંય?”

મેં નિયમોનું પાલન કર્યું નહોતું અને ‘હૈ’ની જગ્યાએ ‘હાંય’નો ઉપયોગ કર્યો હતો એટલે ઘણા વાચકોએ વિચાર્યું કે હું મશીનની મદદથી અનુવાદ કરી રહી છું.

દેવેશ: અરે, વંચિત સમુદાયો વિષે આદરપૂર્વક વાત કરતા હોય એવા શબ્દો હિંદીમાં પણ નથી. તેમની વાસ્તવિકતાનો ઉપહાસ ન કરે તેવા શબ્દો શોધવા મુશ્કેલ છે. પરંતુ અનુવાદની પ્રક્રિયા અમને આ સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવાની અને (એ માટે) બીજી ભાષાઓમાંથી સંકેત લઈને નવા શબ્દો બનાવવાની ફરજ પાડે છે.

પ્રકૃતિ, વિજ્ઞાન, લિંગ અથવા લૈંગિકતા, અથવા તો વિકલાંગતા સાથે સંબંધિત યોગ્ય શબ્દો શોધવામાં પણ મને સમસ્યાઓ નડી છે.

હિન્દી લેક્સિકોનમાં (એને માટેના) યોગ્ય શબ્દો નથી. કેટલીકવાર માત્ર ભાષા દ્વારા મહિમાન્વિત કરીને મૂળભૂત પ્રશ્નો જાણે અસ્તિત્વમાં જ ન હોય એવી છાપ ઊભી કરવામાં આવતી હોય છે – જેમ કે મહિલાઓને દેવીઓ તરીકે વર્ણવવામાં આવે અથવા વિકલાંગ લોકોને ‘દિવ્યાંગ’ તરીકે ઓળખવામાં આવે; પરંતુ હકીકતમાં જોઈએ તો એ લોકોની હાલત પહેલા કરતાંય વધુ બદતર હોય છે.

જ્યારે આપણે કવિતા ઐયરની ‘નસબંધી માટે હું એકલી ચાલી નીકળી’ ‘મૈં નલબંદી કે લિએ ઘર સે અકેલી હી નિકલ ગઈ થી’ ) જેવી વાર્તાનો અનુવાદ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આટઆટલું વિશાળ સાહિત્ય હોવા છતાં હિન્દીમાં બિન-સાહિત્યિક શૈલીમાં લોકોની વેદનાનું હૂબહૂ ચિત્રણ ભાગ્યે જ જોવા મળે છે. જ્ઞાન, વિજ્ઞાન, ચિકિત્સા અને આરોગ્ય અને સમાજને લગતા મુદ્દાઓને સંબોધી શકે એવું શબ્દભંડોળ પૂરતું વિકસિત જ થયું નથી.

સ્વર્ણ કાન્તા: ભોજપુરીનું પણ એવું જ છે. અથવા કહો કે એથીય ખરાબ છે, કારણ કે એ એક એવી ભાષા છે જેમાં લખનારા કરતાં બોલનારા વધારે છે. શિક્ષણનું અધિકૃત માધ્યમ ન હોવાને કારણે ભોજપુરીમાં તબીબી, એન્જિનિયરિંગ, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા વગેરે જેવા નવા નવા વ્યવસાયોને લગતા વિશિષ્ટ શબ્દો અભાવ છે.

દેવેશ, તમે કહ્યું એ પ્રમાણે નવા શબ્દો બનાવી તો શકાય, પરંતુ તે મૂંઝવણભર્યું છે. ‘ટ્રાન્સજેન્ડર’ જેવા શબ્દો માટે પરંપરાગત રીતે અમે ‘હિજરા’, ‘છક્કા’, ‘લોન્ડા’ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, આપણે અંગ્રેજીમાં જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેની સરખામણીમાં આ શબ્દો અત્યંત અપમાનજનક છે. એ જ રીતે આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ છતાં કેટલાક શબ્દો જેવા કે, વિમેન્સ ડે, મેન્ટલ હેલ્થ, કાયદાઓ અથવા અધિનિયમોના નામ (હેલ્થકેર એક્ટ), રમતગમતની સ્પર્ધાઓના નામ (મેન્સ ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ) વગેરેનો અનુવાદ કરવો અશક્ય છે.

મને યાદ છે મેં બિહારના સમસ્તીપુર જિલ્લાની 19 વર્ષની શિવાનીની વાર્તાનો અનુવાદ કર્યો હતો, એક મહાદલિત છોકરી જાતિ અને લિંગ-ભેદ વિરુદ્ધ તેના પોતાના પરિવાર અને બહારની દુનિયા સામે લડતી હતી. ત્યારે મને સમજાયું કે આવી ભેદભાવપૂર્ણ પ્રથાઓ વિશે મને ઘણી સારી જાણકારી હોવા છતાં વાસ્તવિક જીવનની આ પ્રકારની વાર્તાઓ ક્યારેય મારા વાંચવામાં આવી નહોતી હતી.

મારું માનવું છે કે અનુવાદો સમુદાયના બૌદ્ધિક અને સામાજિક વિકાસમાં ફાળો આપે છે.

નિર્મલ: કોઈ એક એવી ભાષા સાથે તમારે કામ કરવાનું હોય જેમાં એક પ્રમાણિત ભાષા જ ન હોય ત્યારે પણ મુશ્કેલી ઊભી થાય છે.

છત્તીસગઢના પાંચ ભાગો – ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યમાં છત્તીસગઢી ભાષાના બે ડઝનથી વધુ અલગ-અલગ સ્વરૂપો છે. તેથી છત્તીસગઢીમાં અનુવાદ કરતી વખતે કોઈ એક પ્રમાણભૂત સ્વરૂપની ગેરહાજરી એ પડકારરૂપ બની રહે છે.

ઘણીવાર હું કોઈ એક ચોક્કસ શબ્દ પસંદ કરવામાં ખૂબ મૂંઝવણ અનુભવું છું. હું પત્રકાર મિત્રો, સંપાદકો, લેખકો, અને શિક્ષકોની મદદ લઉં છું અને એ ઉપરાંત પુસ્તકોનો સંદર્ભ પણ લઉં છું.

સાંઈનાથની વાર્તા ભેટ લઈને આવતા કોન્ટ્રાક્ટરોથી સાવધાન બિવેર ઓફ કોન્ટ્રેક્ટર્સ બેરિંગ ગિફ્ટ્સ ) પર કામ કરતી વખતે મને સામાન્ય વપરાશમાં ન હોય એવા ઘણા છત્તીસગઢી શબ્દો જાણવા મળ્યા હતા.

છત્તીસગઢનો સુરગુજા વિસ્તાર ઝારખંડની સરહદને અડીને આવેલો છે જ્યાં ઉરાંઓ આદિવાસીઓની બહુમતી છે. તેમની છત્તીસગઢી બોલીમાં જંગલોને લગતા શબ્દો સામાન્ય છે.

વાર્તા એ જ સમુદાયની એક મહિલા પર કેન્દ્રિત હોવાથી મેં એ આદિવાસીઓ સાથે ઘરોબો કેળવવાનો પ્રયત્ન કર્યો હતો, તેમના વિસ્તારમાં તેમના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા શબ્દો વાપર્યા હતા. જો કે એ સમુદાયના લોકો કુરુખમાં વાતચીત કરે છે.

મને એ જાણીને ખૂબ નવાઈ લાગી હતી કે સુકુડદુમ, કૌવ્વા, હાંકા, હાંકે, લાંદા, ફાંદા, ખેદા, અલ્કરહા જેવા શબ્દો જે એક સમયે રોજિંદા જીવનમાં વણાયેલા હતા તે હવે ઉપયોગમાં લેવાતા નથી કારણ કે એ સમુદાયોના પાણી, જંગલો અને જમીન હવે તેમની પહોંચમાં રહ્યાં નથી.

પંકજ: જે લોકોની વાર્તાનો અનુવાદ થઈ રહ્યો હોય તેમની દુનિયામાં પ્રવેશવાનું એક અનુવાદક માટે કેટલું મહત્વનું છે એનો મને ખ્યાલ છે.

આરુષની વાર્તા પર કામ કરવાથી મને માત્ર ટ્રાન્સજેન્ડર પુરુષ અને મહિલા વચ્ચેના પ્રેમની તીવ્રતાનો પરિચય થયો એટલું જ નહીં, પરંતુ તેમના સંઘર્ષની આંટીઘૂંટી પણ મને સમજાઈ.

યોગ્ય શબ્દ શોધવા માટે પરિભાષાઓ વિશે હું કાળજીપૂર્વક વિચારતા શીખ્યો, દાખલા તરીકે, ‘પુનઃસોંપણી શસ્ત્રક્રિયા’ એ શબ્દને કૌંસમાં મૂકી તેની જગ્યાએ ‘લિંગ પુષ્ટિકરણ શસ્ત્રક્રિયા’ શબ્દ તરફ વાપરવો.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના અપમાનજનક ન હોય અથવા તેમને નીચા દેખાડે તેવા ન હોય એવા શબ્દો મેં શોધી કાઢ્યા: રૂપાંતોરકામી પુરુહ (રૂપાંતરકામી પુરુષ) અથવા નારી, અથવા જો લિંગની પુષ્ટિ કરવામાં આવે તો અમે તેમને રૂપાંતોરિતો પુરુહ (રૂપાંતરિત પુરુષ) અથવા નારી કહીએ છીએ.

એ એક સુંદર શબ્દ છે. ફરી એકવાર, અમારી પાસે લેસ્બિયન અથવા ગે માટે એક શબ્દ છે – હોમોકામી (સમકામી). પરંતુ ક્વિયર સમુદાયના લોકોની ગરિમાને જાળવી શકે એવો કોઈ પ્રમાણભૂત શબ્દ આજ સુધી અમારી પાસે નથી તેથી અમે એ શબ્દનું માત્ર લિવ્યંતરણ કરીએ છીએ.

રાજસંગીતન: પંકજ, હું કોવિડ-19 મહામારીના સમયગાળામાં, દેહ વ્યાપારનો વ્યવસાય કરનાર મહિલાઓની શી હાલત થઈ હતી એની સાથે સંકળાયેલી બીજી વાર્તા વિશે વિચારી રહ્યો છું.

એ વાર્તા વાંચીને હું ભાવુક થઈ ગયો હતો. આખી દુનિયા જ્યારે આ નવા રોગનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે આ રીતસરના ઘમંડ અને ગરીબો પ્રત્યેની ઉદાસીનતાએ સામાન્ય ભારતીયોની સમસ્યાઓમાં વધારો કર્યો હતો.

એવા સમયે જ્યારે વિશેષાધિકૃત લોકો માટે પણ જીવન મુશ્કેલ બન્યું હતું ત્યારે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા, વંચિત લોકોનું ધ્યાન રાખનાર કોણ હતું? આકાંક્ષાના કામઠીપુરાના લેખે આપણને એવા લોકોની વેદનાઓ સમજવા મજબૂર કર્યા જે લોકો વિષે આપણે અગાઉ ક્યારેય સભાનપણે વિચાર્યું જ નહોતું.

એ નાનકડી ગૂંગળાવતી ઓરડીઓ, જ્યાં તેઓ રહેતા હતા અને તેમના ઘરાકો આવતા હતા તેમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે હવે શાળાએથી ઘેર પાછા ફરેલા નાના-નાના બાળકોને સમાવવાના હતા. આ નવી પરિસ્થિતિની પરિવારના બાળકો પર શી અસર પડશે?

દેહ વ્યાપારનો વ્યવસાય કરતી એક મહિલા અને એક માતા તરીકે પ્રિયા માટે એક તરફ તેની લાગણીઓ હતી તો બીજી તરફ હતો જીવન ટકાવી રાખવા માટેનો સંઘર્ષ, આ બેઉ વચ્ચે પ્રિયાની હાલત કફોડી હતી. અને તેનો દીકરો વિક્રમ તેમના અસ્તિત્વને ઘેરતા અંધકાર વચ્ચે પોતાના જીવનનો અર્થ શોધવા મથી રહ્યો હતો.

કુટુંબ, પ્રેમ, આશા, સુખ અને બાળકોના ઉછેર, માવજત અને શિક્ષણ વિશેના વિચારો આ વાર્તામાં આઘાતજનક રૂપ લે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે એ જ સામાજિક અર્થોને જાળવી રાખે છે. જ્યારે મેં આ વાર્તાઓનું ભાષાંતર કર્યું ત્યારે જ હું માણસમાત્રની હતાશામાંય આશાની આંતરિક ખોજને સમજી શક્યો.

સુધામયી : હું રાજસંગીતન સાથે સંપૂર્ણ સહમત છું. એલજીબીટીક્યુએ + સમુદાયની વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું તે પહેલાં મને એ સમુદાય વિશે બિલકુલ ખ્યાલ નહોતો.

સાચું કહું તો હું એ લોકોથી અને એ વિષયથી ગભરાતી હતી. જ્યારે હું ટ્રાન્સ સમુદાયના લોકોને રસ્તાઓ પર કે સિગ્નલો નજીક જોતી અથવા જ્યારે તેઓ અમારે ઘેર આવતા ત્યારે મને તેમની સામે જોવામાં પણ ડર લાગતો. હું પણ વિચારતી હતી કે એ લોકો કંઈક અકુદરતી રીતે વર્તે છે.

મારે એવા લોકોને શોધવા પડ્યા હતા કે જેઓ આ વિષયને જાણતા હોય અને જ્યારે આ સમુદાય પરની વાર્તાઓનો અનુવાદ કરવાની વાત આવે ત્યારે પરિભાષિક શબ્દોને ન્યાય આપી શકે. અને એ વાર્તાઓ વાંચવાની, સમજવાની અને પછીથી સંપાદિત કરવાની પ્રક્રિયામાં, મેં વધુ જાણકારી મેળવી અને ટ્રાન્સ સમુદાયના મારા ખોટા અને વધુ પડતા ડરથી (ટ્રાન્સફોબિયામાંથી) મેં મુક્તિ મેળવી. હવે હું તેમને જ્યાં પણ અને જ્યારે પણ જોઉં છું ત્યારે હું ખૂબ જ પ્રેમથી તેમની સાથે થોડીક વાતો કરી લઉં છું.

હું તો કહીશ કે અનુવાદ એ પોતાના પૂર્વગ્રહોથી છૂટકારો મેળવવા માટેનો એક માર્ગ છે, વિકાસ સાધવા માટેનો એક માર્ગ છે.

પ્રણતિ: અમે અનુવાદ કરેલી ઘણી સાંસ્કૃતિક વાર્તાઓ માટે મને એવું લાગ્યું હતું. અલગ-અલગ સાંસ્કૃતિક સ્ત્રોતોમાંથી આવતી સામગ્રીને માત્ર ધ્યાનથી વાંચીને અને તેનો કાળજીપૂર્વક અનુવાદ કરીને અનુવાદકને વિવિધ સાંસ્કૃતિક પ્રથાઓ વિશે જાણવાનો પૂરતો અવકાશ મળી રહે છે.

મૂળ ભાષામાં આપેલ સામગ્રીના સાંસ્કૃતિક ભેદોની બારીકાઈઓ સમજવી અતિ આવશ્યક બની જાય છે.

ભારત જેવી ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતોમાં અંગ્રેજી એ લોકોને જોડતી ભાષા બની ગઈ છે. કેટલીકવાર આપણે લોકોની મૂળ ભાષા જાણતા નથી અને આપણા કામ માટે અંગ્રેજી પર આધાર રાખીએ છીએ. પરંતુ ખંતપૂર્વક અને ધીરજપૂર્વક વિવિધ સાંસ્કૃતિક પ્રથાઓ, ઈતિહાસ અને ભાષાઓ શીખીને કામ કરનાર એક પ્રામાણિક અનુવાદક વધુ સારું પરિણામ આપી શકે છે.

રાજીવ : હું ગમે તેટલી ધીરજ રાખું તોય કેટલીક વાર મને મારી ભાષામાં સમકક્ષ શબ્દ મળતો જ નથી, ખાસ કરીને જ્યારે હું કોઈ ચોક્કસ વ્યવસાયને લગતી વાર્તાનો અનુવાદ કરતો હોઉં.

એ અટપટી પ્રક્રિયાઓનું, તેને માટે જરૂરી સાધનો વિગેરેના યોગ્ય નામો સાથે, વિગતવાર વર્ણન કરવું એક પડકાર છે.

કાશ્મીરના વણકરોની ઉફાક ફાતિમાની વાર્તામાં ચારખાના અને ચશ્મ-એ-બુલબુલ જેવા વણાટના સ્વરૂપોના નામોનું ભાષાંતર કરવામાં મને આવી મુશ્કેલી પડી હતી.

મલયાલમમાં એને માટેના કોઈ સમકક્ષ શબ્દો નહોતા અને તેથી છેવટે મેં કેટલાક વર્ણનાત્મક શબ્દસમૂહો વાપર્યા હતા. પટ્ટુ શબ્દ પણ રસપ્રદ હતો. કાશ્મીરમાં એ એક ઊની કપડું હતું, જ્યારે મલયાલમમાં પટ્ટુ એ એક રેશમી કાપડ છે.

કમાર: શબ્દભંડોળની તકલીફ ઉર્દૂમાં પણ રહે છે, ખાસ કરીને જ્યારે પારી પર આબોહવા પરિવર્તન અને મહિલાઓના પ્રજનન અધિકારો પરના લેખોનો અનુવાદ કરવો હોય ત્યારે.

હિન્દીની વાત જરા જુદી છે. હિન્દી એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત ભાષા છે; તેને રાજ્ય સરકારનો ટેકો મળે છે. તેમની પાસે એ ભાષાને સમર્પિત સંસ્થાઓ છે. તેથી, ઉર્દૂથી વિપરીત, હિન્દી ભાષામાં નવી પરિભાષાઓ ઝડપથી ઉમેરાય છે, જ્યારે ઉર્દૂ અનુવાદમાં ઘણી વસ્તુઓ માટે આપણે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ.

એક સમયે ઉર્દૂનું મહત્ત્વ હતું. ઈતિહાસ કહે છે કે દિલ્હી કોલેજ અને ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ જેવી સંસ્થાઓ ઉર્દૂ ગ્રંથોના અનુવાદ માટે પ્રખ્યાત હતી. કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજનો પ્રાથમિક હેતુ બ્રિટિશ અધિકારીઓને ભારતીય ભાષાઓમાં તાલીમ આપવાનો અને અનુવાદોનું કામ હાથ ધરવાનો હતો.

આજે એ બધીય જગ્યાઓ મરી પરવારી છે. આપણે સૌએ ઉર્દૂ અને હિન્દી વચ્ચેની લડાઈ જોઈ છે જે 1947 પછી પણ ચાલુ છે અને ઉર્દૂ ભાષા નું મહત્વ સાવ ચાલ્યું ગયું છે.

કમલજીત: શું તમને લાગે છે કે વિભાજનને કારણે ભાષાનું વિભાજન થયું? હું નથી માનતો કે કોઈ પણ ભાષાઓ ભાગલા પડાવે એવી (વિભાજનકારી) હોય, હા, લોકો એવા હોય છે ખરા.

કમાર : એક સમય હતો જ્યારે ઉર્દૂ સમગ્ર દેશની ભાષા હતી. એ દક્ષિણમાં પણ હતી. તેઓ એને દખાની (અથવા ડેક્કની) ઉર્દૂ કહેતા.

એ ભાષામાં લખનારા કવિઓ હતા અને તેમની રચનાઓ શિષ્ટ ઉર્દૂ અભ્યાસક્રમનો એક ભાગ હતી. પરંતુ મુસ્લિમ શાસનના અંત સાથે એ બધાયનો અંત આવ્યો. અને આધુનિક ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ સહિતના રાજ્યો આપણે જેને હિન્દી બેલ્ટ કહીએ છીએ તેમાં જ ઉર્દૂ ટકી રહી.

અહીં લોકોને શાળાઓમાં ઉર્દૂ શીખવવામાં આવતું હતું. અને આનો હિંદુ કે મુસ્લિમ હોવા સાથે કોઈ સંબંધ નહોતો.

હું એવા લોકોને, હિન્દુઓને, પ્રસાર માધ્યમોમાં કામ કરતા વરિષ્ઠ લોકોને જાણું છું, જેઓ મને કહે છે કે તેઓ ઉર્દૂ જાણે છે. તેઓએ તેમના બાળપણમાં, શાળામાં આ ભાષાનો અભ્યાસ કર્યો હતો. પરંતુ હવે તેઓ શાળાઓમાં ઉર્દૂ શીખવતા નથી. જો તમે કોઈ એક ભાષા શીખવવાનું જ બંધ કરી દેશો તો એ ટકશે શી રીતે?

પહેલા ઉર્દૂનો અભ્યાસ કરીને નોકરી મેળવી શકાતી હતી, પરંતુ હવે એ શક્ય નથી. હા, થોડાં વર્ષો પહેલાં થોડાઘણા ઉર્દૂ અખબારો અને ઉર્દૂ પ્રસાર માધ્યમ માટે લખનારા લોકો હતા ખરા. પરંતુ 2014 પછી અખબારો પણ બંધ પડી ગયા છે કારણ કે તેમને નાણાકીય ભંડોળ મળતું બંધ થઈ ગયું છે. લોકો હજી ઉર્દૂ ભાષા બોલે છે ખરા, પરંતુ આ ભાષામાં વાંચી અને લખી શકતા લોકોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો થયો છે.

દેવેશ :  કમાર દા, ભાષા અને રાજકારણની આ એક સાચી અને કરુણ કથની છે. પણ તો પછી આજે તમે અહીં જે વાર્તાઓના અનુવાદ કરો છો તે વાંચે છે કોણ? તમને શું લાગે છે તમારા આ કામનો કોઈ અર્થ છે ખરો?

કમાર : ઓહ, એ તો પારી સાથે જોડાયા પછી તરત જ, પહેલી જ વાર હું પારીની વાર્ષિક બેઠકમાં હતો ત્યારે જ મેં કહ્યું હતું. મને લાગ્યું કે અહીંના લોકોને મારી ભાષા બચાવવામાં રસ છે.

આ કારણે આજે પણ હું પારી સાથે છું. વાત માત્ર ઉર્દૂની નથી, આ આર્કાઇવ લુપ્તપ્રાય થઈ રહેલી દરેકેદરેક ભાષાને લુપ્ત થતી અને ભૂંસાઈ જતી બચાવવા માટે પ્રતિબદ્ધ છે.

આ વાર્તા પરીભાષાના ટીમ દેવેશ (હિન્દી), જોશુઆ બોધિનેત્રા (બાંગ્લા), કમલજીત કૌર (પંજાબી), મેધા કાળે (મરાઠી), મોહમ્મદ કમાર તબરેઝ (ઉર્દૂ), નિર્મલ કુમાર સાહુ (છત્તીસગઢી), પંકજ દાસ (આસામી), પ્રણતિ પરિદા (ઓડિયા), પ્રતિષ્ઠા પંડ્યા (ગુજરાતી), રાજસંગીતન (તમિળ), રાજીવ ચેલનાત (મલયાલમ), સ્મિતા ખટોર (બાંગ્લા), સ્વર્ણ કાંતા (ભોજપુરી), શંકર એન. કેંચનુરુ (કન્નડા), અને સુધામયી સત્તેનાપલ્લી (તેલુગુ) દ્વારા લખવામાં આવી છે. અને સ્મિતા ખાતોર, મેધા કાળે, જોશુઆ બોધિનેત્રાના સંપાદકીય સહયોગ સાથે પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા સંપાદિત કરવામાં આવે છે. ફોટો-સંપાદન બીનાઇફર ભરૂચા દ્વારા કરવામાં આવ્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

મૂળ લેખની લિંક:
https://ruralindiaonline.org/en/articles/in-the-beginning-was-the-word-a-story-in-translation-guj/

આપનો પ્રતિભાવ આપો..