|

‘ખાદીનું કફન’ ~ ખ્વાજા અહેમદ અબ્બાસની खद्दर का कफ़न વાર્તા આધારિત ભાવાનુવાદ: રાજુલ કૌશિક

વાત હશે આઝાદી પહેલાંની. ખ્વાજા અહેમદ અબ્બાસની બાજુમાં એક ગરીબ વૃદ્ધા રહેતી હતી. ઉંમર સાઠ વર્ષ. નામ એમનું હકીમન, પણ વહાલથી સૌ એમને હક્કૂ કહેતાં. યુવાનીમાં જ વૈધવ્ય આવ્યું. જીવનભર કામ કરીને પોતાનાં સંતાનોને ઉછેર્યાં.

ઉનાળો હોય કે શિયાળો ગામ આખું રજાઈ ઓઢીને સૂતું હોય, પણ સૂર્યોદય થાય એ પહેલાં તો હક્કૂ જાગી જતી. ચક્કી પર અનાજ દળતી, ચરખો ચલાવતી. ભરતગૂંથણ, ખાવાનું બનાવવામાં, કપડાં ધોવામાં એનો આખો દિવસ ક્યાંય પસાર થઈ જતો.

ખ્વાજા અહેમદનાં મોટામસ આંગણાની સરખામણીમાં સાવ નાનું એનું ઘર. નામ પૂરતી ઓસરી અને બે ઓરડીઓ, પણ ઘર એવું તો સાફ રાખતી કે હક્કૂના ઘરમાં જમીન પર પડેલી ચીજ પણ નિરાંતે ખાઈ શકાતી.

આખો દિવસ કામ કર્યાં પછી પણ હક્કૂનો ચહેરો ખુશહાલ. ઘેરા શ્યામ વર્ણ પર સફેદ વાળ, મજબૂત કાઠી, મરી ત્યાં સુધી સીધી ચાલ. હંમેશાં યાદ રહી જાય એવી હસમુખ હતી એ. છેલ્લા દિવસોમાં દાંત પડવાં માંડ્યા હતા એટલે બોલતી ત્યારે બોખલાતી, પણ એની વાતો હતી મઝાની. ક્યારેક શાહજાદાની, ક્યારેક પરીઓની તો ક્યારેક જીનની વાતો કરતી.

હક્કૂ ભણેલી નહોતી, પણ ક્યારેય એ પર્દામાં રહી નહોતી. આમ તો સ્ત્રી-પુરુષની બરાબરીની વાત ક્યારેય એણે સાંભળી નહોતી. જનતંત્ર, સમાજવાદ વિશે એને કોઈ માહિતી નહોતી હતી, પણ સ્વતંત્ર મિજાજની હક્કૂ પોતાનો કારોબાર બરાબર સંભાળતી. ક્યારેય કોઈ અમીર, અફસર કે કોઈ થાણેદારથી એ ડરતી નહીં.

જીવનભર મહેનત કરીને પોતાનાં સંતાનો માટે એણે રૂપિયા એકઠા કર્યા હતા. એને બેંક શું છે એની ખબર નહોતી એટલે એ રૂપિયાના ચાંદીનાં દાગીના બનાવીને પહેરતી. ચાંદીનાં ઠોળિયાથી તો એના લચી પડેલા કાન જેણે જોયાં હશે એને હંમેશાં યાદ રહી ગયા હશે. એ દાગીના એની વૃદ્ધાવસ્થા માટેની પૂંજી હતી એટલે એને મન એ દાગીનાનું મૂલ્ય ઘણું હતું.

પણ, એક દિવસ હક્કૂને જોઈ તો જોનારાં સૌ ડઘાઈ ગયા. ન તો એનાં કાનમાં બુટ્ટીઓ, ન તો ગળામાં હાંસડી કે ન તો હાથમાં કડાં, પણ ચહેરા પર એ જ હંમેશનું સ્મિત.

બન્યું એમ કે, એ દિવસોમાં મહાત્મા ગાંધી અલી બિરાદારાન સાહેબ સાથે પાણીપત આવ્યા હતા. ખ્વાજા સાહેબના નાનાના ઘરે ગાંધીજીનું ભાષણ હતું. સ્વરાજ્ય અને અસહકાર આંદોલન બાબતે હક્કૂને મુદ્દલ જ્ઞાન નહોતું, પણ સૌની સાથે એણે આ ભાષણ ભારે રસથી સાંભળ્યું. અંતે ફાળો ઉઘરાવવાનું શરૂ થયું તો હક્કૂએ પોતાની ઘડપણની પૂંજી જેવા તમામ દાગીના ઉતારીને આપી દીધા. હક્કૂની દેખાદેખીથી મહોલ્લાની અન્ય સ્ત્રીઓએ પણ પોતાના દાગીના ઉતારીને ફાળામાં આપી દીધા.

બસ, એ દિવસથી હક્કૂ ખિલાફતી બની ગઈ. ખ્વાજા સાહેબના નાનાના ઘેર જઈને એમના અબ્બા અને નાના પાસેથી સમાચાર સાંભળતી. ખિલાફત અથવા કોંગ્રેસના સમારોહ થતા તો ભારે ઉત્સાહથી એ જતી. પોતાની સૂઝબૂઝ મુજબ સિયાસી આંદોલનને સમજવા મથતી. અંગ્રેજ રાજ્ય ક્યારે ખતમ થશે એની પૃચ્છા કરતી.

અંતે જીવનભરની એની મહેનતના લીધે શરીર ખોખલું થવા માંડ્યું. પહેલાં આંખો ગઈ, પછી પગ ગયા. હક્કૂએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું, પણ ચરખો ચલાવવાનું ન છોડ્યું. છોકરાંઓ મના કરતાં રહ્યાં છતાં આટલાં વર્ષોના અનુભવને લઈને આંખોની રોશની વગર એ કંઈક તો વણ્યાં કરતી. જાણવા મળ્યું કે એ એનું પોતાનું કફન વણતી હતી.

એની અંતિમ ઇચ્છા હતી કે, એ જ્યારે મરે ત્યારે સ્વહસ્તે વણેલું કફન એને ઓઢાડવું. જો અંગ્રેજી કપડાનું કફન ઓઢાડશો તો એના આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.

એની અર્થી નીકળી ત્યારે સૌ સગાંસ્નેહી અને પાડોશીઓ જોડાયાં. એની અંતિમ ઇચ્છા મુજબ ન સરઘસ, ન ફૂલ કે ઝંડો.

બસ એક માત્ર જાતે વણેલું ખાદીનું કફન અને એ કફનમાં લપેટાયેલો એનો દેહ.

~ ભાવાનુવાદઃરાજુલ કૌશિક

આપનો પ્રતિભાવ આપો..