રાહીન ક્રુઝ કેસલ અને ચર્ચ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:10 ~ ઉત્કર્ષ મઝુમદાર
ઓબર્વેસાલમાં પણ યહૂદીઓને સાંકળતી એક કરુણ કથા સંકળાયેલી છે. ૧૨૮૯માં બંધાયેલું સેન્ટ વેર્નર ચર્ચ લોક્પ્રિય ધાર્મિક પ્રવાસસ્થળ છે.
૧૨૭૧માં જન્મેલો સોળ વર્ષનો વેર્નર ઓફ ઓબર્વેસાલ જે વેર્નર ઓફ બખારખ તરીકે પણ ઓળખાય છે તેના મોત માટે યહૂદીઓને જવાબદાર ઠેરવાયેલા ને તેના મોતનો બદલો લેવા સેંકડો યહૂદીઓની કત્લેઆમ કરાયેલી – માત્ર જર્મની જ નહિ પરંતુ યુરોપમાં ઠેરઠેર.
૧૨૮૭ના એક દિવસ એનું શબ બખારખ આગળ મળી આવે છે. અમુક ખ્રિસ્તીઓ એનો ઇલજામ યહૂદીઓને માથે નાખે છે કે એમણે ખ્રિસ્તી બાળકનું લોહી એમની ધાર્મિક ક્રિયા માટે વાપર્યું, જે એ સમયે બહુ પ્રચલિત માન્યતા હતી. બસ થઇ રહ્યું. યહૂદીઓ પર કાળો કેર વર્તાયો.
યહૂદીઓએ રાજા રુડોલ્ફ સમક્ષ ધા નાખી.

રાજાએ પણ કબુલ્યું કે આક્ષેપ બિનપાયાદાર હતો. એણે યહૂદીઓની કતલ કરનારાઓને સજા આપી ને વેર્નારના શબને બાળી મુકવાનું ફરમાન કાઢ્યું જેથી એને સંત બનાવી કોઈ એની પૂજા ન કરે. કમનસીબે એનો અમલ નહિ થયો.
તથાકથિત ચમત્કારો એના નામે ચઢવા લાગ્યા ને પછી એની પૂજા અર્ચના શરુ થઇ ગઈ. ઠેઠ ૧૯૬૩માં એનું નામ ત્રિયાર બિશપની હકૂમતવાળા પ્રદેશમાંથી કાઢી નાખવામાં આવ્યું ને એને સમર્પિત ચેપલના દરવાજે પૉપ જ્હોન ત્રેવીસમાંનો સંદેશ મુકવામાં આવ્યો છે.
તેમાં યહૂદીઓ ને ખ્રિસ્તીઓના સહોદરાપણા પર ભાર મુકવામાં આવ્યો છે ને યહૂદીઓ પર આચરેલા કૃત્યની બદલ ક્ષમા માગી છે. ૨૦૦૮માં એ ચેપલનું નામ પણ બદલી નાખવામાં આવ્યું. ચાલો મોડી મોડી પણ સદબુદ્ધિ સૂઝી.
આપણા સૌની એ માન્યતા કે યહૂદીઓ વિરુદ્ધ આટલું બધું હિટલરે ઝેર રેડ્યું ને જર્મન પ્રજાજનોના મન બગાડ્યા પણ હકીકત એ છે કે હિટલરે તો હજારો વર્ષથી જનમાનસમાં યહૂદી તરફ ફેલાયેલા ધિક્કારને હવા આપી.
થોડુંક વિષયાંતર કરીએ. સન ૧૦૯૫માં પૉપ અર્બન બીજાએ જેહાદનો નારો આપ્યો અને ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે પ્રથમ ધર્મયુદ્ધ છેડાયું. જે ‘કૃસેડ’ ને નામે ઓળખાયું.
એ વખતે જર્મનીમાં એકે મુસ્લિમ તો હતો નહિ એટલે કરવું શું? કાંઈ નહિ યહુદીઓ તો હતા ને! એટલે ખ્રિસ્તીઓએ બધ્ધો ગુસ્સો સ્થાનિક યહૂદીઓ પર કાઢ્યો, જેઓ સફળ અને ધનવાન હતા.
પીટર ધ હર્મિત અને કાઉન્ટ એમિકોની આગેવાની હેઠળ ‘ધ રાહીનલેન્ડ માસાકેર (કત્લેઆમ)’ થયો.
યહૂદીઓનો સુગઠિત રીતે થયેલો આ પ્રથમ હત્યાકાંડ હતો જેની પરિણીતી હિટલરે આચરેલા હોલોકોસ્ટમાં થઇ.

ઓડિયો ગાઈડે ટેકરી પર આવેલા કેસલની વાત કરતા કહ્યું, “ટેકરીની ઉપર જે કેસલ દેખાય છે તે છે શોનબર્ગ કેસલ.

બારમી સદીમાં બંધાયેલા આ કેસલને ૧૬૮૯માં ફ્રેન્ચ લશ્કરે બાળી નાખ્યો. માલિકી બદલાતા બદલાતા છેવટે નગર પાસે આવીને એમણે હટ કુટુંબને લાંબા ગાળાના કરાર પર સોંપ્યો જેઓ હાલ ત્યાં હોટેલ ને રેસ્ટોરન્ટ ચલાવે છે.
ઓબેર્વેસાલ પસાર કર્યા પછી અમે નદીમાં એક કૌતુક નિહાળ્યું. એક કેસલ તો નદીની વચમાં જ હતો બોલો! અમે અમારી ઓડિયો ગાઈડ આના પર કઈ પ્રકાશ પાડે એમ ઇચ્છતા હતા ને તેણે પ્રકાશ તરત જ પાડ્યો.
“નદીની મધ્યમાં તમને જે દેખાય છે તે છે ફાલ્સગા ફેનસ્ટાઇન કેસલ. જે ફાલ્સ કેસલ તરીકે પણ જાણીતો છે. વેપારી વહાણો પાસેથી દાણ ઉઘરાવવા માટે એ બંધાયેલો. એની સામે કાઉપ ગામની ઉપર જે દેખાય છે તે છે ‘ગુટન ફી’ કેસલ. બંને કેસલ સાથે મળીને કામ સાધતા.

આપણે ‘કાઉપ’ ગામે આવી પહોંચ્યા છીએ. જોરદાર વહેણને લીધે જહાજોએ એ જમાનામાં કાંઠા પરથી જ પસાર થવું પડતું.
મધ્યમાં આવેલા કેસલને કાંઠે આવેલા કાઉપ ગામ વચ્ચે સાંકળ રહેતી તેથી જહાજોને કર આપ્યા સિવાય છૂટકો ન હતો. ન આપનાર ને ફાલ્સ કેસલના કેદ કરી લેવાતા ને પછી નીચે આવેલા ભંડકિયામાં કેદ રખાતા ને ખંડણી આપ્યા પછી જ છોડતા.
આ કેસલની એક ખાસિયત એ છે કે રાહીન નદી પર આવેલા બીજા કેસલની જેમ આ કેસલ ક્યારેય જિતાયો ના હતો કે એનો નાશ ન હતો થયો એટલું જ નહિ કુદરતી હિમશીલાઓ કે પૂર ને લીધે પણ આને ક્યારેય નુકસાન નહોતું થયું.
૧૮૬૬માં પ્રશિયાએ આને હસ્તગત કર્યું ને પછીના વર્ષથી દાણ ઉઘરાવવાનું પણ બંધ થયું. નદી પરના જહાજોના આવાગમનની સહુલિયત માટે સિગ્નલ સ્ટેશન તરીકે એક સદી સુધી કાર્યરત રહ્યો.”
મેં માહિતીમાં ઉમેરો કરતાં કહ્યું, “ઓગણીસમી સદીમાં એન્જિનિયરિંગમાં સધાયેલા વિકાસને લીધે નદી પરના અંતરાયો દૂર થયા ને આજે કોઈને ખબર પણ ન પડે કે ભૂતકાળમાં કેવા પડકારો હતા. સમય જતાં રાજ્યે આ કેસલને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દીધો. ચૌદમી સદીની એની ઓળખ કાયમ રહેવા દીધી છે એટલે મુલાકાતીઓને અહીં વીજળી કે આધુનિક ટોયલેટની સુવિધાઓ નહિ જડે.”
આ ગામની એક બીજી વિશિષ્ટતા એ છે કે ૧૮૧૩ ને ૧૮૧૪ના નવા વર્ષની રાતે બ્લુશરની આગેવાની હેઠળ પ્રશિયન અને રશિયન સૈન્યએ ફ્રેન્ચ લશ્કર પર હલ્લો બોલવા કાઉપ શહેરથી રાહીન નદી ઓળંગી હતી.”
“આ બ્લુશર કોણ હતો?” અમારામાંથી કોઈએ સવાલ કર્યો.
કાઉન્ટ જી.એલ. બ્લુશર પ્રશિયાનો ફિલ્ડમાર્શલ હતો એની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. ૧૮૧૫માં ‘બેટલ ઓફ વૉટરલૂ’માં નેપોલિયન સામે લડેલો ને એને પરાજિત કરવામાં મહતવનો ભાગ ભજવેલો.

કાઉપમાં એના નામનું મ્યુઝિયમ છે ને મૃત્યુ બાદ એની પ્રતિમાઓ જર્મનીમાં ઘણે બધે ઠેકાણે મુકવામાં આવી હતી. ઘણી બધી ફિલ્મમાં એનું પાત્રાલેખન થયું છે.
જર્મન નૌકાસૈન્યએ એમની ત્રણ નૌકાને એનું નામ આપેલું. એન્જિનના શોધક જ્યોર્જ સ્ટીવન્સસે એના એક એન્જિનને એનું નામ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરેલી. જર્મન ભાષામાં એક રૂઢિપ્રયોગ છે ‘ચાર્જ લાઈક બ્લ્યુશર’ જેનો અર્થ છે સીઘી અને આક્રમક રીત અપનાવવી યુદ્ધમાં કે અન્ય કોઈ ક્ષેત્રમાં.
“કલાકાર, આટલું બધું સંશોધન કરવા ને અમને જાણકારી આપવા બદલ તારો આભાર. મને લાગે છે કે આટલું બધું બોલીને તારું ગળું પણ સુકાઈ ગયું હશે, તો તેની વ્યવસ્થા કરું છું.” કહી સીજેએ બિયર ઓર્ડર કર્યો.
હિના સિવાય અમારા ત્રણે માટે નાની બોટલમાં બિયર આવ્યો. નામ હતું ‘સાયન કોશ’.
સ્વાદ સારો પણ જરા જુદો હતો. ટુરનો દિવસ દરમ્યાનનો પહેલો બિયર.
અચાનક સીજે ઊભો થઇ ગયો ને કહે હું જરા પગ છૂટો કરી આવું. કોઈને સાથે આવવું હોય તો ચાલો. હિના અને નિશ્ચિન્ત તૈયાર થઇ ગયા. બંને સાથે જતાં જતાં સીજે મને કહેતો ગયો, “ઉત્કર્ષ, આ બિયર પર તું કોઈ નવું શોધી લાવે તો તને માનું.”
મેં પડકાર ઝીલી લીધો. મેં તો ઈન્ટરનેટ પરના માહિતીના મહાસાગરમાં ઝપલાવ્યું. પંદર વીસ મિનિટ પછી ત્રણેય પાછા આવ્યા. સીજે મને પૂછે “કાં બાપુ, સિંહ કે શિયાળ?” બાપુ મૂછ મરડતા બોલ્યા “સિંહ” અને માહિતી વરસવા લાગી.
“કોશ એ જર્મનીના કોલોન શહેરની એક વિશિષ્ટ શૈલીની બનાવટનો બિયર છે. એ ટોપ ફર્મેન્ટેડ બિયર છે. બોટમ ફર્મેન્ટેડ બિયર સાથે સ્પર્ધા વધી ગઈ ત્યારે કોલોન શહેરના સત્તાધીશોએ નક્કી કર્યું કે કોલોનમાં માત્ર આ ટોપ ફર્મેન્ટેડ બિયરનું જ ઉત્પાદન થશે ને સન ૧૬૦૩માં બધા બિયર ઉત્પાદકની પાસે એમ કરવાના વચન લેવડાવ્યાં.
બોટમ ફર્મેન્ટેડ બિયરના શહેરની અંદરના વેચાણ ઉપર પણ બંધી મૂકી. આ શૈલીનો બિયર ૧૯૧૮થી કોશ બિયર તરીકે જાણીતો થયો. આની બનાવટમાં લાગર યિસ્ટને બદલે એલ યીસ્ટ વપરાય છે ને જેનાથી એમાં પીનારને ફળની ખુશ્બૂ અથવા સ્વાદ મળે છે. આખું વર્ષ આ પીવાની મઝા આવે છે. ઇતિ બિયર પુરાણ સંપયેત.”
સીજે મેં કરેલી મહેનતથી પ્રભાવિત થઇ ગયો ને મારા માટે બીજો બિયર મંગાવ્યો.
ખુશનુમા વાતાવરણમાં ઠંડા બિયરની સીપ મારતા મેં સીજેને કહ્યું “તને જર્મન બિયર વિષે હજી રસિક વાતો કહું.” એણે પણ બિયરની સીપ મારતા કહ્યું. “ફરમાવો, ફરમાવો.” ને હું શરુ થયો.
“જર્મનીમાં પાંચસો વર્ષ પહેલા બનેલા ‘શુદ્ધતાના કાયદા’ હેઠળ બિયરમાં પાણી, હોપ્સ અને યીસ્ટ એટલે કે આથા સિવાય બીજી કોઈ પણ પાંચમી સામગ્રી નાખવાની મનાઈ છે. અલબત્ત નિકાસલક્ષી બિયરને આ કાયદો લાગુ પડતો નથી. એટલા જુદા જુદા પ્રકારના અને બ્રાન્ડના બિયર અહી મળે છે કે તમે રોજ બીયર પીતા હો તો પંદર વર્ષ પછી તમારો એ બ્રાન્ડનો બિયર રિપીટ થાય.”
સીજે ઉવાચ: “ઓહોહો, શું વાત કરે છે?”
“એટલું જ નહિ તમે એક વસ્તુ નોંધી આપણે ખુલ્લામાં બેઠા છીએ અને બિયર પી રહ્યા છીએ પણ કોઈ વાંધો ઉઠાવતું નથી. જર્મનીમાં બાગ, બગીચા કે જાહેર જગ્યામાં બિયર પીવો બિલકુલ કાયદેસર છે. તમે ગમે ત્યાં બિયર પી શકો છો.”
“જેમ પાણી પીએ તેમ? હિનાએ કહ્યું.
“હા કારણકે આપણે માટે જેમ ખાદ્યપદાર્થ અને પીવાનું પાણી સામાન્ય છે તેમ જ જર્મનો માટે બિયર અને વાઈનનું છે. આપણે રેસ્ટોરાંમાંથી ‘ટેક અવે’ – ફૂડ પાર્સલ લઇ જઈએ છીએ તેમ ખુલ્લમખુલ્લા બિયર પણ લઇ જઈ શકીએ. એટલું જ નહિ રસ્તામાં પીતા પીતા પણ જઈ શકાય. પોલીસ તમને રોકશે નહિ. બિયર ‘ટેક અવે’ માટે એક જર્મન શબ્દ છે ‘વેગબીયર’.
નિશ્ચિંત તો આ વાત સંભાળીને આભી બની ગઈ. “એ વાત પર ચીયર્સ” સીજે એ કહ્યું,. બિયર પ્રકરણ સમાપ્ત થયું ને એક ઘૂંટડામાં બાકી રહેલો ઘૂંટ પણ ખતમ થયો ને ફેરી પણ અટકી.
(ક્રમશ:)