ભારતવર્ષ ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખક: પ્રદોષ મિશ્ર ~ અનુવાદ: ડૉ. રેણુકા સોની
અચાનક ઠંડા પવનનો ઝોંકો ક્યાંકથી આવીને શરીરને ધ્રૂજાવી ગયો. એવું લાગ્યું કે જાણે કોઈક બરફનો ભુક્કો શરીર પર છાંટી જતું રહ્યું.
વરસાદનું જોર થંભી જાય પછી આગળ ચાલુ એમ વિચારીને હું રસ્તા પર કોઈ એક દુકાન બહાર મૂકેલા, એક તૂટેલા બાંકડા પર હું વધારે સંકોચાઈને બેઠો. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. મારી પાસે લાંબા નિસાસા નાખવા સિવાય કોઈ ઉપાય ન હતો.
એક છોકરો દીવાલને અઢેલીને ચૂપચાપ ઊભો હતો. એના શરીર પરથી પાણીના રેલા નીતરી દીવાલને વધારે ભીનો કરી રહ્યા હતા. ઠંડો પવન એને લગીરે ધ્રુજાવતો ન હતો. જાણે પ્રતિકુળ વાતાવરણે એની પાસે હાર માની લીધી છે. એ ઘડીકમાં સામે જોઈને ફરી નીચે જોતો હતો. ક્યારેક વળી આકાશ તરફ નજર નાખી વરસાદની સ્થિતિ જાણવાનું કરતો હતો.
છોકરો પૂરેપૂરો ભીંજાઈ ગયો છે છતાં પણ ત્યાં કેમ ઊભો છે, હું એ વિષે તર્ક-વિતર્ક કરતો હતો. મારી પાસેથી કંઈ પામવાની આશાએ ઊભો છે? એના મિત્રોની રાહ જોઈને ઊભો છે? મને એકલો ભાળી એ લોકો મને હેરાન તો નહીં કરેને? આવડો અમથો છોકરો મારું શું બગાડવાનો? તો પણ એના વેશ જોઈને લાગે કે કોઈની કુસંગે પણ ચડી ગયો હોય તો નવાઈ નહીં! ચૂપ રહેવા કરતાં એની જોડે વાતચીત કરીએ તો કંઈ સમજાય. એવું વિચારી મેં એને મારી પાસે આવવા ઈશારો કર્યો.
આજ્ઞાંકિત બની એ જરીક જ પાસે આવ્યો. એ થોડો ગભરાયો હોય એવું પણ લાગ્યું. મેં એને મારી પાસે બાંકડા પર બેસવા ઈશારો કર્યો પણ કદાચ મારા જેવા સાહેબ પાસે બેસવાની હિંમત ન હતી.
એણે ધીમા સ્વરે કહ્યું; “સાહેબ અહીં જ ઠીક છું.”
મેં કહ્યું, “ઘણી જગ્યા છે, અહીં બેસ.“
“અહીં જ ઠીક છું. આરામથી બેસીશ તો વધારે ઠંડી લાગશે. વરસાદ થોડો ધીમો પડશે એટલે જતો રહીશ.”
છોકરો નિરુપદ્રવી લાગે છે. મેં એને વધારે કંઈ કહ્યું નહીં. હું મારી ચિંતામાં પડ્યો.
હું રસ્તાની બાજુ પર આવેલી જે પાનની દુકાનની આગળ, નાની છાપરી હેઠળ મૂકેલા, તૂટેલા બાંકડા પર બેઠો હતો, એ દુકાનવાળો દુકાન બંધ કરીને કદાચ વહેલો નીકળી ગયો હશે. ભારે વરસાદથી બચવા મારે ત્યાં આશરો લેવો પડ્યો હતો. વરસાદના છાંટા ઉડીને ક્યારેક ત્યાં પણ શરીરના કોઈ ભાગને ભીંજવી જતા હતા. ક્યારેક આકાશમાં વીજળી ચમકી જતી હતી.
વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વરસાદના અવાજોમાં દ્રુતવિલંબિતમાં તાલ પૂરાવી જતાં હતાં. માથા પરનું તૂટેલું છાપરું ઊંચું નીચું થઇ પોતાના અસ્તિત્વને બચાવવા પ્રયત્ન કરતું હતું. એમાં રહેલા કાણામાંથી પણ પાણી ટપકતું હતું. તોપણ મૂશળધાર વરસાદમાં એની નીચેથી બહાર જવા હિંમત ચાલતી ન હતી.
મેં આકાશ તરફ જોયું. વરસાદ થોભવાનું નામ લેતો ન હતો પણ વધતો જતો હતો. છોકરો ચૂપચાપ દીવાલને અઢેલીને પહેલાની જેમ જ ઊભો હતો. એને જોઈને એમ લાગતું હતું કે એ અહીં આસપાસનો જ રહેવાસી હશે. મને ખૂબ એકલું લાગતું હતું. એની સાથે વાત કરવાથી સમય પસાર થશે એમ વિચારીને મેં જ વાત શરુ કરી.
એને મેં ફરી ઈશારો કરીને પાસે બોલાવ્યો અને પૂછ્યું , “તારું નામ શું છે?”
એ જાણે ડરતા ડરતા બોલતો હોય એમ એક જ શબ્દમાં જવાબ આપતા કહે; “સુર.”
“સરસ નામ છે. તો, સુર, આજુબાજુ અહીં કોઈ દુકાન ખુલ્લી હશે જ્યાંથી એકાદ સિગરેટ મળી શકે?
એણે આંખો ફાડીને મારી સામે જોયું. હું જરીક ભોંઠો પડયો. એને આમ મારી સામે જોતો જોઈને એકાદ મિનિટ તો થયું કે હું કંઈ ખોટું તો નથી બોલ્યોને?
એ તો એવી રીતે જ મારી તરફ તાકી રહ્યો હતો.
મને પછી ખ્યાલ આવ્યો કે એને લાગતું હશે કે હું એને આવા વરસાદમાં મોકલીને સિગરેટ લાવવાનું કહીશ. આથી ચોખવટ કરતા મેં કહ્યું; “હું કંઈ તને જવાનું નહોતો કહેતો. તું નાનો અમથો છોકરો વરસાદમાં શી રીતે જાય? હું સમજી શકું છું.”
હવે એણે મોં ખોલ્યું, ”અરે સાહેબ, વરસાદ મારું શું બગાડવાનો હતો. એનાથી હું નહિ બીતો. તડકો વરસાદ તો અમારા સાથી છે. પણ તમે આટલા મોટા સાહેબ થઈને સિગારેટ પીશો અને બીજાને નહિ પીવાની શિખામણ આપો! આ તે વળી કેવું? સિગારેટ પીવાથી રોગ ના થાય?”
સુરની વાત સાંભળી હું પોતાને તુચ્છ સમજવા લાગ્યો. પણ તેની સામે ભૂલ સ્વીકારી શકતો ન હતો. છોકરો ઘણો સમજુ લાગતો હતો. નાની હાફપેન્ટ અને પોતાની સાઈઝથી મોટું શર્ટ એની ગરીબાઈની ચાડી ખાતું હતું. મારી એના પ્રત્યેની ધારણા ધીરેધીરે બદલાતી જતી હતી.
મેં કહ્યું, “વરસાદમાં ભીંજાય છે, શર્દી થશે તો? અહીં આવીને બેસ!”
“ઉહું! હું તો અહીં જ રહું છું!”
“તો પછી અહીં કેમ ઊભો રહ્યો છે? ઘેર જતો રહેને! આમેય આટલો ભીંજાયેલો તો છે!”
“આવા વરસાદમાં જઈને શું કરું? અને વળી હું જતો રહીશ તો તમે એકલા પડી જશો!”
વાહ! કેવી ઉદાર ભાવના! એની વાતેય સાચી છે. એ જતો રહેત તો ખરેખર, હું એકલો પડી જાત. એ છે તો વાત ન કરીએ તો પણ સમયની ખબર નથી પડતી. એની આ ભાવનાએ મને જાણે ખૂબ નાનો કરી નાખ્યો. અને આવા ધોધમાર વરસાદમાં જો હું નથી જઈ શકતો તો આવા વરસાદમાં એ શી રીતે જઈ શકે, એ વિચારે મને વધુ નાનપ લાગી.
મારું ઘર અહીંથી થોડે દૂર હતું. હું નવોસવો આ નાના શહેરમાં આવ્યો હતો. રસ્તાઓની મને ખાસ ખબર નથી. કોઈક કામ માટે બજાર આવ્યો હતો અને અચાનક વરસાદ શરુ થઇ ગયો.
જોકે હું જાણતો હતો કે વરસાદની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવી શકે. તોપણ સાવચેતી રાખ્યા વગર નીકળી પડ્યો. અને રસ્તામાં હેરાન થવું પડ્યું! પછી વિચાર્યું કે ભીંજાતો ભીંજાતો ઘરે જતો રહીશ, પણ મારા સ્કૂટરે દગો દીધો. રસ્તામાં એક મોટા ખાડામાં ખાબક્યું કે બહાર નીકળ્યું જ નહીં. ઘણો પ્રયત્ન કર્યો પણ ચાલુ થયું નહીં.
અસહાય બની ચારે બાજુ નજર કરી. સ્કૂટર ખેંચી આગળ લઇ જવાની મારામાં તાકાત ન હતી. રસ્તા પર કોઈ પસાર નહોતું થતું હતું એવું પણ નહોતું, પણ મને મદદ કરવાની એમને ઈચ્છા નહીં હોય કે પછી આવા વરસાદમાં એ લોકો હેરાન થવા નહીં માંગતા હોય. કારણ જે હોય તે, પણ કોઈકોઈ જાણીતા લોકો પણ ‘જોયું, ના જોયું’ કરીને જતાં રહ્યાં!
હવે શું કરવું કંઈ સુજતું ન હતું. કાદવમાં વ્યર્થ પ્રયત્ન કરતો હતો. અચાનક લાગ્યું કે ઓછી મહેનતે ગાડી આગળ વધે છે. કંઈ સમજાયું નહીં. પાછળ જોયું તો એક દસ બાર વર્ષનો છોકરો પાછળથી ધક્કો મારે છે. આખો ભીંજાઈને એના કપડા ચોંટી ગયા છે. ઘણા વખતથી નહીં કપાયેલા વાળમાંથી મોં પર ‘ઠપ્, ઠપ્’ પાણી ઝરે છે. એની પરવા કર્યા વગર એ જરી હસ્યો.
મનોમન એનો આભાર માની મેં સ્કૂટર સ્ટાર્ટ કર્યું. પાછળનું પૈડું કાદવમાં ફર્યું અને છોકરાના કપડા પર કીચડ ઊડ્યો. પણ એને એ બાબતની કંઈ પડી હોય એવું લાગ્યું નહીં.
હવે કદાચ કંઈ તકલીફ નહીં પડે એમ ધારી હું આગળ આવેલી પાનની દુકાન પાસે જઈ ઊભો રહ્યો. પાછળ જોયું તો એ છોકરો ખાડાના પાણીથી કીચડથી લથપથ પોશાક સાફ કરી રહ્યો હતો.
મને થોડું દુઃખ થયું. પણ પછી મનમાં થયું કદાચ એ મેલા કપડાં પહેરવા ટેવાયેલો હશે! તોપણ, મારે એનો આભાર માનવો જોઈતો હતો. પણ હું પોતાની ચિંતામાં એવો ખૂંપેલો હતો કે એ વિષે મને ત્યારે વિચાર પણ ન આવ્યો. પછી મને થયું, કે, એને થોડા પૈસાની મદદ કરી હોત તો પણ સારું હતું.
એ દુકાનની દીવાલ પાસે આવી ઊભો રહ્યો. કંઈ બોલતો પણ નહોતો કે મારી તરફ જોતો પણ ન હતો. ક્યારેક અવિરત વરસતા વરસાદ તરફ જોઈ એ દીવાલ તરફ વધુ ને વધુ દબાતો હતો, જાણે કે એમ કરવાથી આ કાતિલ વરસાદની ધારા એને અડ્યા વિના જતી રહેશે!
સુષુપ્ત રીતે, કદાચ એ ગરીબ હતો એટલે એણે કરેલી મદદને મેં એટલું મહત્વ આપ્યું નહીં. અને, મારો અહંભાવ આ વિષે મને કંઈ બોલવા પણ દેતો ન હતો.
થોડીવાર સુધી તો હું ચૂપ રહ્યો. એ પણ મારી જોડે બોલવાની હિંમત કરતો ન હતો. વરસાદ થોભવાનું નામ લાતો ન હતો. એકલતાથી બચવા એની જોડે વાત કરવામાં કંઈ નુકશાન નથી એમ વિચારી એની તરફ જોયું. વિચાર્યું કે એ કેમ મારી પાસે આવી ઊભો છે.
કંઈ પામવાની આશાએ આવી ઊભો લાગે છે. ‘જોયું જશે’ એમ વિચારી તેની જોડે વાત કરવા એણે પાસે બોલાવ્યો હતો.
એણે તો એકવાર મારી તરફ જોઈ માથું નીચું કરી દીધું. મેં પૂછ્યું, “સુર, તું ક્યાં રહે છે?”
એણે મારી તરફ એવી રીતે જોયું, જાણે કે મેં કોઈ અજુગતો સવાલ ન પૂછી નાખ્યો હોય.
મેં ફરી પૂછ્યું. “અલ્યા તારું ઘર ક્યાં આવ્યું?”
એ કદાચ મારા સવાલનો જવાબ આપવા નહીં માંગતો હોય. પછી થુંક ગળામાં ઉતારી બોલ્યો, “ભારતવર્ષ.”
હું જોરથી હસી પડ્યો. એને એમ કે હું કંઈ જાણતો નથી. જાણે હું એક વિદેશી કે પછી એની નિશાળનો માસ્તર છું.
મેં હસીને કહ્યું, “એ તો મને ખબર છે. પણ ભારતમાં તારું ઘર ક્યાં આવેલું છે? કોઈ સરનામું તો હશે ને?” હવે એની સાથે વાત કરવાનો મારો આગ્રહ વધ્યો.
થોડીવાર વિચારીને એ બોલ્યો, “ખબર નથી. મારી મા તો એમ જ કહે છે કે જ્યાં જઈએ ત્યાં આપણું ઘર. આજે આ શહેરમાં તો કાલે બીજા. ઉનાળામાં રસ્તાની બાજુ પર મૂકેલા પાઈપમાં રહેતા હતાં, પણ વરસાદ આવ્યો એટલે રહેવાયું નહીં. હવે અહીં મંદિરની બાજુમાં આવેલા ગોદામની બાજુના ઓટલા પર રહીએ છીએ.”
તો, મારું અનુમાન સાચું પડ્યું હતું. નહિતર, આટલા ભારે વરસાદમાં બહાર કેમ રખડે? જે પણ હોય, તેની વાત કરવાની ઢબ મને ગમવા લાગી. એના વિશે વધારે જાણવાની મને ઈચ્છા થઈ.
મેં ધારીને એના મોં તરફ જોયું તો એવું લાગ્યું કે ગરીબાઈએ તેના મોં પરના તેજ જરી પણ ઓછું નથી કર્યું. સારા કપડાં પહેરે તો કોઈ મોટા ઘરનો છોકરો લાગે. એનામાં કોઈ અવ્યક્ત આકર્ષણ હતું. મેં ફરીવાર એણે પાસે બોલાવ્યો અને બળજબરીથી એને મારી પાસે બેસાડ્યો.
મારા વર્તનથી હવે એનામાં હિંમત આવી. એ થોડું અંતર રાખી કોકડું વળીને ત્યાં બેઠો.
મેં પૂછયું, ”સુર, આખું ભારત ક્યારથી તારું સરનામું થયું? એવું તે શું બન્યું કે આખું ભારતવર્ષ જ તારું સરનામું બન્યું?”
“જ્યારથી મારી માએ કહ્યું અને જે દિવસથી અમારી વસ્તી ઉજડી ગઈ. પહેલાં અમે બધાં એક વસ્તીમાં રહેતાં હતાં. અમારા જેવાં ઘણા લોકો હતાં. બધાં ક્યાંક ને ક્યાંક કામ કરતાં હતા. ત્યાં બહુ ગમતું. બધાં ગરીબ હતાં, પણ બધાંનું ચાલી જતું. કોઈ મજુરી કરતું તો કોઈ લારી ખેચતું. પણ એક વખત વરસાદની ઋતુમાં કંઈ અજુગુતું બન્યું. શું થયું કોણ જાણે એક બુલડોઝર આવ્યું અને બધાં ઘરો તોડી પડ્યા. ત્યારે ઘેર હું એકલો હતો. ઘોંઘાટ સાંભળી હું બહાર દોડી આવ્યો. બધાં બૂમાબૂમ કરતાં હતાં. કોઈ વળી રડતું હતું. પણ ત્યાં બુલડોઝર લઈને આવેલા કોઈએ સાંભળ્યું નહીં. બુલડોઝરથી બધાંનાં ઘર તોડી પાડ્યા. ઝૂંપડા તોડતા બહુ વાર ન લાગી. હું અવાક બની જોતો રહ્યો.”
“પછી?” હવે મારું કુતૂહલ વધતું જતું હતું.
“પછી તો શું.. મા બાપ દૂર મજૂરી કરવા ગયા હતાં. અમારી બધી ઘરવખરી માટીમાં દબાઈ ગઈ. આખી વસ્તી મેદાનમાં ફેરવાઈ ગઈ. એ પછી કોણ કયાં ગયું ખબર ના પડી.
અમે ઝાડ નીચે આવીને રહ્યાં. બાપા પાસે બીજે ક્યાંય જઈ રહેવાનાં પૈસા ન હતા. એવામાં એમને તાવ આવ્યો, પછી ઊતર્યો જ નહીં. અમે ઝાડ નીચેથી રસ્તા પણે એક કોરે પડેલા પાઈપમાં આવી રહ્યાં. માએ બન્ને બાજુ કપડા લગાવી ઘર બનાવી દીધું!”
“બીજે ઝૂંપડી ના બાંધી?”
“ના, પૈસા નહોતા. બાપા તાવના લીધે પછી કામ પર ના જઈ શક્યા. ભૂખે મરવાનો વારો આવ્યો. મને નાનો જોઈ કોઈ કામ ના આપે. બધાં સરકારના નિયમથી ડરે. મા આમતેમ માંગી લાવી દિવસો કાઢે. પણ બાપાને ન બચાવી શકી. તોયે માની હિંમત વધી ગઈ. મને એકલો મૂકી મજૂરી કરવા જતી. કંઈ મુશ્કેલી ન પડત. પાઈપ ઘર જેવું જ લાગતું. પણ એક દિવસ એ ઘર પણ જાતું રહ્યું. એક દિવસ મોટી ક્રેન આવી તે ઊંચકી લઇ ગઈ. ફરી એકવાર અમારી ઘરવખરી અહીંતહીં વિખરાઈ ગઈ. તે દિવસે પણ હું એકલો હતો!”
એના ‘તે દિવસે પણ હું એકલો હતો.’ વાક્યની અંદર રહેલું દુઃખ મને સ્પર્શી ગયું. મેં પ્રશ્નાર્થભરી નજરે એની સામે જોયું. અને એ જાણે સમજી ગયો હોય એમ આગળ બોલવા માંડ્યો.
“પછી મા આવી અને માથે હાથ દઈ બેઠી. પછી અચાનક શું થયું કોણ જાણે, એણે કહ્યું, “ચાલ જઈએ.”
મેં પૂછયું, ”મા, હવે ક્યાં રહીશું?” એ જરા પણ ગભરાયા વગર બોલી, “હવે તો કંઈ ચિંતા નથી. જ્યાં જઈશું ત્યાં રહીશું. ઝાડ નીચે, સ્ટેશન પર, રસ્તાની એક બાજુ…. આ આખું ભારતવર્ષ હવે આપણું ઘર છે. અહીંથી કોઈ આપણને ન કાઢી શકે.” અને આટલું બોલીને એ ચૂપ થઈ ગયો!
મેં લાંબો નિસાસો નાખ્યો. સુર પણ ખામોશ હતો. એના મનની હાલત અને એની સરળતા હું અનુભવી શક્યો. એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા મારી પાસે ન ભાષા હતી કે ન શબ્દો હતા. મેં વાત બીજે વાળવા એને પૂછ્યું, “ “સુર, તુ કંઈ ભણ્યો નથી?”
“વસ્તીમાં હતો ત્યારે ભણતો હતો. પણ ઘર તૂટ્યા પછી ભણવાની ઈચ્છા ન થઈ. માએ પણ કહ્યું, કે, તુ ભણ. આપણે એવી જગ્યાએ રહીએ જ્યાંથી તું ભણવા જઈ શકે. પણ મને મન ન થયું. કોઈ મારી જોડે ભળતું નહીં.
પાઈપવાળો છોકરો કહી બોલાવતા. પહેરવાના કપડાં કે ભણવાના ચોપડાં ન હતા. પછી માએ પણ કહ્યું,” ચાલ અહીંથી જતા રહીએ. કામ ખોળીએ. આપણે પાસે ક્યાં કંઈ છે. ગમે ત્યાં જઈશું ચાલશે.”
ઝાડ નીચેથી અમે ઓવરબ્રીજ નીચે જઈ રહ્યા. પણ ત્યાં સારા માણસો રહેતા ન હતા. રાતે એ લોકો ચોરી કરતાં, દિવસે ખિસ્સાં કાતરતા. માને એક દુકાનમાં કામ મળી ગયું હતું. અમે ગમે તેમ ચલાવી લેતા. એક દિવસ પોલીસ આવી બધાને પકડી લઈ ગઈ. છોકરાઓને જેલમાં પૂરી દીધાં.
એટલાં નસીબ સારા કે અમે ત્યારે ત્યાં ન હતાં. નહિતર, અમારું નામ પણ ચોર તરીકે લખાઈ જાત. એ જગ્યા છોડી અમે આગળ ચાલ્યા. છેલ્લે એક મંદિર પાસે પહોંચ્યાં. માને અહીં ખૂબ સારું લાગ્યું. સવારસાંજ ઘંટ વાગે, આરતી થાય, ભક્તોની ભીડ થાય.
એનું મન શાંત થઈ ગયું અને એણે કહ્યું, “અહીં રહી પડીએ. ખરાબ છોકરાઓની સંગત પણ નહીં થાય.”
મંદિરના પૂજારી પણ ખૂબ સારા હતા. ક્યારેક રાંધેલો પ્રસાદ પણ આપે. હું મંદિરમાં કચરો વાળું, મા વાસણ ઘસે. બહાર પણ કામ કરે. કંઈ અગવડ ન પડે. હવે તો હું પણ મોટો થઈ ગયો છું. થોડા દિવસ પછી મને પણ કામ મળશે. માને આરામ આપીશ. એણે ઘણું દુઃખ વેઠયું છે.”
વરસાદનાં અવિરત ‘ટીપ્ ટીપ્’ વરસતાં પાણી સાથે બોલવાની એણે હોડ ન માંડી હોય, એમ અટક્યા વિના બોલ્યો.
છોકરો ઘણો હોશિયાર લાગ્યો. મિનિટો પહેલાં સાવ ચૂપચાપ ઊભેલો છોકરો આટલું બધું બોલશે એવું ધાર્યું ન હતું. થોડી હિંમત અપાતાં જ પોતાની જિંદગીના બધાં પાનાં એણે ખોલી નાખ્યાં.
હજુ પણ વરસાદ ચાલુ હતો, તેની વાતોમાં મને રસ પડ્યો. “આજકાલ તો સરકાર ઘણી મદદ કરે છે. તમને પણ મળી શકી હોત.”
“કોણ જાણે! મળતીયે હશે કદાચ. પૂજારી દાદા કહેતા હતા, એ બધાંમાં લાંચ અપાવી પડે. અમારી પાસે લાંચ આપવાના પૈસા ક્યાં છે? અમે તો આમ જ સારા. મન થાય ત્યાં જાવ અને કામ મળે ત્યાં કરો. મા કહે છે કે જાતમહેનત જ સારી.”
હું આ નાના છોકરાની વાતોથી અભિભૂત થયો હતો. જે વાત આપણાં લોકોના મોટા છોકરાંઓને ના સમજાય, એ વાત આટલો નાનો અમથો છોકરો સમજે છે!
અચાનક સુરએ એક અજબ પ્રશ્ન મને પૂછીને, મારા તરફ જોયું. “સાહેબ, આ બધાં લાંચ કેમ માંગતા હોય છે? એ લોકો તો અમારા જેવા ગરીબ નથી હોતા. એમને તો એમનાં કામ માટે પૈસા મળતા હોય છે.”
હું હસી પડ્યો. આ નાના છોકરાને શું કહું, જેને આખું ભારત એનું ઘર છે એવી સમજણ છે! એને સ્વાર્થી લોકોની વાત શી રીતે કહેવી, જેથી એને સમજાય! તોપણ હું બોલ્યો,
“કોણ કહે છે કે તું ગરીબ છે? એ લોકો ગરીબ અને ભિખારી છે. એ લોકો પાસે બધું છે છતાં કંઈ નથી. એ લોકો જ આખી જિંદગી બધાં પાસે હાથ ફેલાવે છે. સુર, તુંતો ખુબ ધનવાન છે!”
“સાહેબ, તમે તો સરકારી માણસ લાગો છો.”
હું તેની વાતનો મરમ સમજી ગયો. એ મને પણ એ કક્ષાનો ધારે છે કે શું? ગુસ્સે થવાના બદલે, મારો અહંભાવ જતો રહ્યો. મને થયું કે હું સુરનો મિત્ર બની ગયો છું અને તેના ભલાબૂરામાં જોડાઈ ગયો છું.
હું એને કોઈ જવાબ આપું, એના કરતાં એની જોડે એના પરિવારની વાતો કરવી સારી. એ પણ હવે મારી જોડે ભળી ગયો હતો.
મેં કહ્યું, “તારી મા તો હજુ એટલી મોટી નહીં હોય! બીજાના ઘરે રહીને કામ તો કરી શકે.”
સુર થોડો ખચમચાયો અને બોલ્યો, “મને લઈને ક્યાં જાય? બે જણને કોણ રાખે? કોઈ કોઈ એને બીજા જોડે ભાગી જવાની સલાહ આપે છે. પણ મારા મોં સામે જોઈ એ ક્યાંય જતી નથી. મા ખરીને!”
“તને દુઃખ થાય છે ખરું?”
“થાય જ ને! હવે થોડા વર્ષ કાઢવાનાં છે. પછી તો હું મોટાં મોટાં કામ કરીશ.”
“શું કરીશ? તું ભણ્યો તો નથી. ચોરી-ચપાટી કરીશ? “
“એ બધું તો અત્યારે પણ થાય. મારી માને એ જ વાતનો ડર છે. અમારા જેવડાં છોકરાં આડા રવાડે ચડી જાય. મારી મા ખૂબ સમજદાર છે. એટલે તો મને કમાવાનું નથી કહેતી. અને પોતે ખૂબ મહેનત કરે છે.”
મને થયું, છોકરાની ભાવના સારી છે. પણ આજના જમાનામાં પોતાની ઈચ્છા પ્રમાણે કામ મળવું કેટલું મુશ્કેલ છે, હજુ એ જાણતો નથી. મને એ છોકરાની સમજણ માટે સાચે જ અહોભાવ થવા માંડ્યો હતો.
સુરે કહ્યું, ”મને મેકેનિક થવાની ખૂબ ઈચ્છા છે. એ માટે ક્યારેક મેકેનિકની દુકાનમાં જઈ બેસું. એના ટાપાં ટૈયા કરું. મોટો થઈ આવા મેકેનિકને ત્યાં કામ કરીશ. કમાઈશ. મા માટે એક ઘર લઈશ. એમાં તો કંઈ લાંચ આપવી નહીં પડે.
માને કહ્યું છે, મારી ચિંતા ના કરીશ. હું જલ્દી મોટો થઈ જઈશ. મારી મા ખૂબ સારી છે. મને કપડાંલત્તા, ભણતર કંઈ આપી નથી શકતી એટલે ક્યારેક મને અને એને, બેઉને દુઃખ થાય છે. પણ સાંજે કામ પરથી આવી મારા માથે એ હાથ ફેરવે, ત્યારે મને જાણે બધું મળી જાય, અને હું ધનવાન બની જઉં છું. માના પ્રેમનો બદલો શી રીતે વાળીશ, બસ, હું એના સપના જોઉં છું.”
આટલી નાની ઉમરના બાળકની આવી ઉચ્ચ ભાવના જોઈ હું મુગ્ધ થયો. પરિસ્થિતિ ભલે એની ઉંમર વધારી ન શકી, પણ, એની જિંદગીનો મકસદ ખૂબ નાની વયે સમજાવી દીધો.
હજુ પણ વરસાદ ચાલુ હતો. પણ મને હવે કોઈ ફેર પડતો ન હતો. સુર મરો મિત્ર બની ગયો હતો. હું તેની ઉંમરનો બની ગયો છું. વરસાદ ભલેને પડે મને કોઈ વાંધો નથી.
હું હવે સુરની વધારે નજીક ખસક્યો, અને બોલ્યો, “કોઈએ મારી તરફ નજર કરી નહીં ત્યારે તેં મને ઘણી મદદ કરી. હું તારા માટે શું કરું, કહે?”
“મેં વળી શું કર્યું? વરસાદ અને કાદવ-કીચડ મારા હંમેશના સાથી છે. કોઈએ શું કર્યું એનું મારે શું? હું નાનો છું એટલે ભલે મને કામ ના મળે, પણ કોઈને મદદ તો કરી શકું ને?
“હા, બરાબર છે. પણ, તું જેને મદદ કરે એની પણ કંઈ ફરજ ખરી કે નહીં?”
“સાહેબ, અમારા જેવા બાળકોને નફરત કરીને અવળે રસ્તે જતા રોકો. ક્યારેક આ બાબતે મન ખાટું થઈ જાય. ગરીબ બાળકો પશુ જેવા લાગે.”
હું ધીમેધીમે સુરની વાતમાં અભિભૂત થતો ગયો. આટલો નાનો છોકરો… કેટલો સમજદાર છે! તોપણ, કોણ જાણે કેમ, મને હજુ એવું લાગતું હતું કે એ મારી પાસેથી કંઈ આશા રાખે છે. નહિતર એ વરસાદમાં એના કહેવાતા ઘેર જઈ શક્યો હોત. વગર કારણે અહીં શા માટે ખોડાઈ રહ્યો હતો, એ સમજાતું નહોતું.
મેં કહ્યું, “સુર, તું ઘરે જતો રહે, મા રાહ જોતી હશે.”
“ના, એ ચિંતા નહીં કરે, એના માટે પાઉં લેવા જતો હતો. આજે રસોઈ બની શકી નથી. રસ્તામાં વરસાદ પડ્યો. જુઓને હાથમાં પૈસા છે.” સુરએ ભીના પોકેટમાંથી થોડું પરચુરણ કાઢી બતાવ્યું અને કહ્યું “થોડું આગળ જવું છે. હજુ વખત છે.”
સુર સાથે આગળ શું વાત કરું? આ ઉંમરે એ કેવો ઘડાઈ ગયો છે! પરિસ્થિતિએ એને હવે નાનો નથી રહેવા દીધો. આ ઉંમરે છોકરાઓ આડે રસ્તે ચઢી જાય. પણ સુર એ કેડી ઓળંગી આગળ નીકળી ગયો છે. આખું ભારતવર્ષ જેણે પોતાનું માન્યું છે, એનાથી વધુ સંસ્કારની શી આશા કરવી?
વાત આગળ વધારવા મેં પૂછ્યું, “તમારી આવી હાલતમાં કોઈ તમારી મદદ કરતું નથી ?”
“જી, કરે છેને! બધાં લોકો કંઈ ખરાબ હોય? નહિતર અમારું કેવી રીતે ચાલે? આજુબાજુના લોકો માને કામ આપે. ગાડીનો મેકેનિક, ક્યારેક નાનામોટાં કામ માટે થોડાં પૈસા આપે. અને મંદિરના પૂજારીદાદા તો ખૂબ સારા. ગોદામની બાજુમાં જગ્યા આપી છે. પ્રસાદ પણ આપે. અમારા પર ખૂબ પ્રેમ રાખે છે.”
સુરની નજરમાં એનાં જીવનનું અને દુનિયાનું આ એક સુંદર, સ્વસ્થ અને સુભગ ચિત્ર હતું, જે એની મનોભૂમિ પર છપાઈ ચૂક્યું હતું અને કદાચ એમાંથી જ એને જીવનને રંગોસભર જોવાની શક્તિ મળતી હતી.
વરસાદનું જોર ઓછું થઈ ગયું હતું. પણ હજી ક્યારેક આકાશમાં વીજળીના ચમકારા પણ થતાં હતા. હવે કદાચ વાતાવરણમાં પલટો આવી શકે. હું જવા નીકળ્યો. સ્કૂટર પાસે પહોંચી પોકેટમાંથી સો રૂપિયા કાઢ્યા અને કહ્યું, “લે સુર, માને આપજે. વરસાદમાં કામ ન મળે ત્યારે કામ લાગે.”
સુર હસ્યો. એ હાસ્ય મારી મૂર્ખતા સૂચવતું હતું. એ બોલ્યો “કેમ ન મળે? અમારા માટે તડકો વરસાદ બધાં સરખા. કામ કરીએ તો સારું લાગે. માગીને લઈએ તો ભીખ કહેવાય.”
મેં કહ્યું, “તેં મારું ઘણું કામ કર્યું છે. કંઈક તો મારે પણ તને આપવું જોઈએને?”
“ના, મેં કામ નથી કર્યું, પણ મદદ કરી છે. પૂજારીદાદા કહે છે કે મદદની કિંમત ન લેવાય.”
મેં ખાસિયાણા પડીને હવે સો રૂપિયા ખિસ્સામાં મૂક્યા અને સ્કૂટર સ્ટાર્ટ કરવાની કોશિશ કરી. ઘણી કિક મારી, પણ સ્કૂટર ચાલ્યું નહીં.
સુરે કહ્યું, “મને તો ખબર જ હતી, એટલે તો અત્યાર સુધી ઊભો હતો. મેકેનિકની દુકાને હું આવું જોતો રહું છું. ચાલો, હું ધક્કો મારીશ એટલે ચાલુ થઈ જશે.” અને ખરેખર ધક્કો મારીને એણે થોડે સુધી દોડાવ્યું એટલે ચાલુ પણ થઈ ગયું.
હું ઊભો રહ્યો અને કહ્યું; “સુર, ક્યારેક ફરી મળીશું. તારું સરનામું જાણી લીધું છે.”
સુર જરી મોટેથી હસ્યો. “ભારતવર્ષ તો ખૂબ મોટું છે. એટલું સહેલું નથી. અમે તો આજકાલમાં અહીંથી પણ જતાં રહીશું. પૂજારીદાદા કહેતા હતા કે બેચાર દિવસમાં સરકાર મંદિર તોડી નાખશે અને ત્યાં રસ્તો બનશે. તમે જાવ, સાહેબ. નહીં તો ગાડી ફરી બંધ પડી જશે.”
સુરની વાત સાચી હતી. ‘તકલીફ પડશે,’ એ સમજાતાં, સુરને પાછળ મૂકીને હું આગળ વધ્યો. મનમાં ટીસ ઉપડી અને થયું, કદાચ, હવે આગળ કોઈ બીજો સુર નહીં મળે! હું આગળ જવા માંડ્યો પણ મારું મન તો જાણે પાછળ ખેચાતું હતું.
મારા મનમાં જાણે કેટલુંય દિવ્યજ્ઞાન ભરી, એક સુંદર દુનિયાનું ચિત્ર દોરનારો સુર પાછળ રહી ગયો હતો.
‘ભારતવર્ષ’માં હવે વરસાદ થંભી ગયો હતો અને ધીમેધીમે ઉઘાડ નીકળી રહ્યો હતો.
***
(મૂળ લેખકનો પરિચય:
પ્રદોષ મિશ્ર (૧૯૫૧). જન્મસ્થળ: ગામ તરાડીગ, આઠગઢ જિ, કટક. વાર્તાકાર, નવલકથાકાર. કૃતિ: શીતરાણી, આકાશકુ રાસ્તા, આમ ગાં કેડે નાં, મુક્તિ પથ, એમિતિ બી હુએ, સુના હરિણ, વગેરે. ૧૮ વાર્તાસંગ્રહ: સુબ્રત, સમયાન્તર, મણિષ અમણિષ. વગેરે. ૧૦ નવલકથા. પુરસ્કાર: નીળચક્ર, બેદબ્યાસ, સારળા સન્માન, વગેરે.)