હું જ હસતો હોઉં મારા ખ્યાલ પર ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
‘ભાઈ, હસવું બસ. જ્યારે ક્લેશનો કોઈ ઉપાય ન જડે ત્યારે બધું હસી કાઢવું.’ રમેશ પારેખે ‘બાપુએ કહ્યું’ કાવ્યમાં આ પંક્તિઓ ગાંધીજીના મોઢે મૂકી છે.
દર્દનો સામનો બે રીતે થઈ શકે : રડીને અથવા સ્વીકારીને. રોદણાં સહાનુભૂતિ તરફ લઈ જઈ શકે, સમાધાન તરફ નહીં. જમિયત પંડ્યા દર્શનલક્ષી અભિગમ સમજાવે છે…
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો
મુસીબત હકીકત છે. કેટલીક વ્યક્તિગત હોય તો કેટલીક સામૂહિક હોય. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં માતૃભાષાના પ્રસાર અને સાહિત્યના સંવર્ધનનું કામ એકલદોકલ નહીં પણ સહિયારા પ્રયાસોથી જ રંગ લાવી શકે. ગુજરાતી અખબારો વાંચનારી પેઢીની સરાસરી ઉંમરની કલ્પના કરો તો ભવિષ્ય વિશે ચિંતા થાય.
ગુજરાતી નાટકોના પ્રયોગોમાં અંદાજે ૩૦થી ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. સાહિત્યિક સામયિકોની વાત છેડીશું તો છોલાઈ જઈશું. સરકારે આઝાદીનાં સો વર્ષ થાય ત્યારે વિકસિત દેશ બનવાનું લક્ષ્ય સામે મૂક્યું છે.
૨૦૪૭માં આમચી મુંબઈમાં ગુજરાતી સાહિત્યની શું હાલત હશે એ વિશે વિચારીને ચિંતા કરવી નથી, પણ ચિંતન જરૂર કરવું છે. આ ચિંતનનો નિષ્કર્ષ શું હોઈ શકે? લો હમણાંથી જ વાંચી લો બાલુભાઈ પટેલની પંક્તિઓમાં…
કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઈ પીંછાં ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહુકો ડાળ પર
ગુજરાતી ભાષા આર્થિક ઉપાર્જનમાં ખપમાં આવે તો જ ટકી શકે. ઈકૉનૉમિક્સ સામે આદર્શો લાંબું ટકી શકતા નથી. બોલાતી ભાષા જલદી ભૂંસાતી નથી, પણ લખાતી અને વંચાતી ભાષાને ટકવામાં મુશ્કેલી પડવાની. શરીરના સ્વાસ્થ્ય માટે આપણે તબીબોની સૂચના પ્રમાણે પરેજી પાળીએ છીએ. એ જ રીતે માતૃભાષાના સ્વાસ્થ્ય માટે પણ નિષ્ણાતોનાં મંતવ્યો વિશે વિચારવું જોઈએ. બકુલેશ દેસાઈ એવી અવસ્થાનો નિર્દેશ કરે છે જે આપણને ગમતી નથી, છતાં સ્વીકારવી પડે છે…
અલગતા જુઓ વસ્ત્ર જેવી તમારી
અમે છૂંદણાં થૈ જડાયા ત્વચા પર
મુલાયમપણાના ગયા સર્પ સરકી
હવે તો કરચલીની ભાષા ત્વચા પર
કરચલી અનુભવની કમાણી છે. વૃદ્ધાવસ્થામાં પણ જે સક્રિય હોય છે એનું સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું રહે છે. વિવિધ રોગોના માલિક ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ હોદ્દો ગ્રહણ કર્યા પછી કામકાજની ઉપાધિમાં એવા તન્મય થઈ ગયા કે શારીરિક વ્યાધિઓ ભુલાઈ ગઈ. વિશ્વભરમાં ભારતની આર્થિક સ્થિતિ નાજુક હતી અને હૂંડિયામણ ગરીબડું થઈને તળિયે બેસી ગયું હતું એવા સમયમાં તેમણે અને મનમોહન સિંહે ક્રાંતિકારી આર્થિક સુધારાઓ શરૂ કર્યા. ખાલી તિજોરીએ મક્કમ રાજ ચલાવવું અઘરું હોય છે.
ગની દહીંવાળા મુલાયમ પરીક્ષાની વાત કરે છે…
સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઇશારા પર
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર
મળ્યું વ્યાકુળ હૃદય તેમાંય ચિનગારી મહોબ્બતની
જીવનદાતા! મૂકી દીધી ખરેખર આગ પારા પર
તાજેતરમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કૅનેડિયન નાગરિકત્વ ધરાવતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના ખૂન બાબતે ભારત પર આરોપ મૂક્યો.
જે શાસકમાં વાણિયાગિરી ન હોય તે જ આવાં બેતુકા બયાનો કરી શકે. આ બફાટને કારણે ભારત-કૅનેડાના સંબંધોમાં સ્થિર થવાનો પ્રયાસ કરતો પારો ઉપર ચડી ગયો છે. આતંકીઓની ફેવર કરવાનું શું કારણ હશે એ તો કૅનેડાનો કિરતાર જાણે, પણ શેખાદમ આબુવાલાની પંક્તિઓ સાથે આતંકીઓને સદૈવ સહયોગ આપતા પાકિસ્તાન અને સનાતન ધર્મની પાછળ આદું ખાઈને પાછળ પડી ગયેલા કેટલાક ભારતીય નેતાઓના ચહેરા પર શેખાદમ આબુવાલાના આ બે શેર મોટા ફોન્ટમાં પ્રિન્ટ કરાવી ફેવિકૉલથી ચોંટાડાવાનું મન થાય…
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું
ઊઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું
ભલે ઠંડો રહ્યો હું ગર્વ તો તારો થયો ખંડિત
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું
લાસ્ટ લાઇન
ના અમે ભૂલી શક્યા હર હાલ પર
વ્હાણ ડૂબ્યાં’તાં સમયની ચાલ પર
ચૂપ છે આજે સળગતા પ્રશ્ન પર
ગર્વ જે કરતા રહ્યા ગઈ કાલ પર
ના જ કહેવી હોય તો ખચકાવ નહીં
રાખશો ના વાત મારી કાલ પર
વાત ઉચ્ચારું જરા અન્યાયની
લોક ઊતરી જાય છે હડતાલ પર
વાત કાને કોઈના પણ જાય નહીં
છે ભરોસો એટલો દીવાલ પર
લોક પાગલ કહી શકે છે એ વખત
હું જ હસતો હાઉં મારા ખ્યાલ પર
તેજ હોવી જોઈએ તલવાર પણ
એકલો વિશ્વાસ ના હો ઢાલ પર
~ ગૌતમ વકાણી
~ (“તમન્ના” સામયિકમાંથી)