પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:3 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા
લગ્ન પહેલાના એ રંગીન પતંગિયાં જેવા ઉડાઉડ દિવસો!
બી.કૉમ. થઈ ગઈ. કમ્પ્યૂટર શીખવાની હોંશ, નિમુબેને તો કહ્યું હતું મારા નાટ્યગ્રુપનું કામ સંભાળજે. મૅમ્બરશીપની ફીમાં વર્ષનાં પાંચ નાટકો સભ્યોને બતાવવાના એ તો તને ખબર છે, પણ એણે તો ના જ પાડેલી.
અને એક દિવસ ગ્રુપના સભ્ય કાલિન્દીબેન ઘરે આવ્યાં,
`નિમુબેન, તમારી શેફાલી માટે સરસ પ્રપોઝલ લઈને આવી છું.’
`પ્રપોઝલ? ના રે. હજી ભણે છે.’
`લગ્ન પછી ન ભણાય? પાર્ટી કોણ છે જાણશો તો ઊછળી પડશો, દફ્તરી ગ્રુપનું નામ તો સાંભળ્યું છેને? અનિલાબહેન આપણા પ્રોગ્રામમાં ચીફગૅસ્ટ હતા તે જ તો!’
`અરે પણ એ લોકો ક્યાં, અમે ક્યાં? એમની પાસે તો અમે મિડલક્લાસ. એમને તો વળી દીકરા માટે વહુની શી ખોટ? ના ના. મારો વિચાર નથી.’
`આર્યન એકનો એક દીકરો. આટલી મોટી ઇન્ડસ્ટ્રી પણ સીધી લાઇનનો હં કે? લે, મને તો ખબર જ હોયને? મારા હસબન્ડને બિઝનેસ રિલેશન્સ છે, એમને પૈસાદાર કુટુંબની, ફૅશનેબલ વહુ નથી જોઇતી એટલે તો શેફાલીના ચાન્સ છે. તમારી દીકરી કેટલી શાંત અને સાદીસીધી! કોઈ વાર આપણા શોમાં આવે, મને તો એવી ગમી ગઈ છે.’
`પણ આપણો ગજ ક્યાં વાગે?’
`મળવામાં શું જાય છે? બાકી ઉપરવાળાના હાથમાં.’
દફ્તરી ગ્રુપની જાદુની છડી ફરી કે નિમુબેન પીગળી ગયાં. દીકરી રાજકુંવરીની જેમ હિંડોળાખાટે ઝૂલતી દેખાવા લાગી. પછી ઘરમાં શરૂ થયું હતું લગ્ન અભિયાન. બધા જ સભ્યોની ઘસીને ના, જુઈએ કહ્યું હતું,
`મમ્મી, તારી ટી.વી. સિરીયલની હીરોઇનની જેમ સેંથામાં એક મૂઠી સિંદૂર પૂરીને ઝટ ચોરીએ ચડવાનું દીદી માટે સ્ટ્રિક્લી નો નો.’
હા ના કરતાં ક્લબમાં મળવાનું ગોઠવાયું. દમામદાર અનિલાબેનને મળી નિમુબેન અંજાઈ ગયા. અવાક! આમ પણ અનિલાબેન સાથે થઈ શકે એવી વાતો જ ક્યાં હતી એમની પાસે? અનંતભાઈ અને કિશોરભાઈ પોલિટીક્સની ચર્ચામાં હતાં.
સ્વિમિંગપુલ પાસેના ટેબલ પાસે આર્યન અને એ બેઠા હતા. આજે પણ એ દૃશ્ય એવું જ છે. એ ગભરાઈ ગઈ હતી. પણ આર્યનની વાતો, એમાંથી ફોરતી ઉષ્મા એને સ્પર્શી ગયાં હતાં. પણ અનિલાબહેનના પરફ્યુમ સાથે અભિમાનની છાંટથી એ નરવસ હતી. ના. આવા કુટુંબમાં શી રીતે ફાવે? ત્યાં આર્યને પૂછ્યું હતું,
`હવે ફરી ક્યારે મળશો? નૅક્સ્ટ સંડે?’
એ મૂંઝાઈને તાકી રહી હતી.
`અરે! તમે ગભરાઈ ગયા? જસ્ટ ફોર અ કપ ઑફ કૉફી? પ્લીઝ? મને… મને તમને મળવું ગમશે.’
ધસમસતા પૂરની જેમ આર્યન એની જિંદગીમાં આવ્યો હતો અને તાણી ગયો હતો દરિયામાં દૂર સુધી. કદીક લૉન્ગ ડ્રાઇવ.. ક્યારેક ફિલ્મ… તો ભીની રેતીમાં ચૂપચાપ સાથે ચાલવું. અછડતો સ્પર્શ, પણ એને રણઝણાવી દેતો. જીવનમાં પ્રથમ પુરુષના શરીરનો સ્પર્શ લોહીમાં ઉછાળ લાવતો.
અને જે પળની પ્રતીક્ષા હતી એ પળ દબાતે પગલે આવી પહોંચી,
`શેફાલી, વીલ યુ મૅરી મી?’
એણે આર્યનને કહ્યું હતું, આપણે સાદાઈથી લગ્ન ન કરી શકીએ? મારા.. મારા… પપ્પા… અમે પહોંચી નહીં વળીએ..
`મમ્મીની બહુ ઇચ્છા છે ધામધૂમ કરવાની પણ તમારે કશી જ ચિંતા કરવાની નથી. બધું થઈ જશે.’
અને લગ્નના સૂત્રધાર અનિલાબહેન જ રહ્યા. નિમુબહેન ભારે ઉત્સાહમાં. પણ અનંતભાઈ સમજતા હતા. હવે કશું જ એમના હાથમાં ન હતું. જાણે એમનું અધિકારક્ષેત્ર જ નહીં! મનમાં એક સંદેહ ઘર કરી ગયો હતો, શું દીકરી શેફાલીના જીવનનો દોર પણ અનિલાબહેનના હાથમાં જ રહેશે!
એ પ્રશ્નનો જવાબ એમને ત્રણ વર્ષ પછી મળ્યો હતો પણ શેફાલીને તો એ સત્ય લગ્ન પછી તરત સમજાઈ ગયું હતું! હા, એના જીવનનો દોર સાસુના હાથમાં હતો, સાથે એમના પતિ અને પુત્રનો પણ.
નવદંપતી માટે ઘરની નીચે જ સરસ ફ્લૅટ ખરીદાયો હતો. આર્યને કહ્યું હતું,
ખાલી જ ઘર રાખ્યું છે, તારી ઇચ્છા પ્રમાણે તું સજાવજે. તું અને હું.
એ ડરી ગઈ હતી, એનો વળી ઇન્ટેરીયરનો શો અનુભવ કે પસંદગી? એણે વૈભવી ઘર પણ ક્યારે જોયાં હતાં? એણે કહી દીધું હતું,
`આર્યન, મારી પસંદગી તો સાવ સાદી હોય, તમને ન ગમે તો…’
`ના. મને પણ સાદું ઘર જ ગમશે. તારી સાદાઈ મને ગમે છે એટલે જ તું મને ગમે છે.’
* * *
જુદું ઘર!
ખરેખર એ ઘર એનું હતું! દફ્તરી કુટુંબનાં વિશાળ પૅન્ટહાઉસની નીચે જ એનું ઘર હતું, આર્યને બતાવેલું, પણ એ ફ્લૅટનું તાળું કદી ખૂલ્યું જ નહીં. એક બે વખત આર્યનને કહી જોયેલું પણ અસંબદ્ધ જવાબે વાત વાળી લીધેલી. પછી એને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે એ તાળું કદી ખૂલવાનું ન હતું. એની આસપાસ પણ અનેક અદૃશ્ય તાળાઓ લાગવા લાગ્યાં હતાં. જિંદગીના બંધ કમરામાં એ કેદ હતી.
દીવાલો વિનાના કારાગારમાં એ બે જ સ્ત્રીઓ. સામસામે છેડે ઊભેલી. વચ્ચે એક પુરુષ. એને પૂર્ણપણે પોતાનો કરવાની બે વચ્ચે હોડ હતી આ.
સાસુવહુનો સંઘર્ષ. જાણે જુગજૂની વાત. એના વિષે સાંભળેલું. મમ્મી સાસવહુ સિરીયલની વાર્તા કહેતી ત્યારે એ અને જુઈ હસી પડતાં.
શું આ એનાં જીવનમાં બની રહ્યું હતું?
પપ્પાએ તો લગ્ન પછી સંયુક્ત કુટુંબમાંથી નીકળી નાનું ઘર ભાડે લીધું હતું. મોટાભાઈનો સંસાર અને હવે એમનો. જગ્યાની સંકડાશમાં ગૂંગળાવું, સપનાંઓની અથડામણમાં જીવવું એના કરતાં ભાભીને પગે લાગી નીકળી ગયા હતા. પછી કુટુંબ સાથે કેવા સુમેળભર્યા સંબંધો રહી શક્યા!
આર્યન એવું ન કરી શકે?
અનિલાબહેન એકવાર આયુર્વેદ રિઝોર્ટમાં ગયા હતા ત્યારે એને પતિ સુવાંગ મળેલો. એણે આર્યનને કહ્યું હતું, આપણે નીચેનો ફ્લૅટ ખોલાવીને ન રહી શકીએ? મમ્મીજી પાસેથી ચાવી લઈ લો, નહીં તો પપ્પા બીજો ફ્લૅટ..
આર્યન એકીટશે તાકી રહેલો.
`ક્યારેક તો બોલો આર્યન! આ તમારી જિંદગીનો પણ સવાલ છે એવો વિચાર તમને ક્યારેય નથી આવતો?’
જરા ચમકીને એણે કહેલું,
`ના ના શેફાલી. મમ્મી આપણાં વગર રહી જ ન શકે. એણે અમારા માટે ઘણો ભોગ આપ્યો છે.’
`મમ્મીજી અને ભોગ!’
`યસ, બિઝનેસમાં પપ્પાના ભાગીદારે ગોટાળા કર્યા, મને અભાવોમાં ઉછેર્યો. પપ્પાએ દફ્તરી ઇન્ડસ્ટ્રી ઊભી કરી. હું.. આપણે કેમ જુદાં થઈએ?’
`ના આર્યન! સત્ય તો એ છે કે એ જ આપણને નહીં જવા દે, નહીં તો કોના પર રાજ્ય કરે?’
એ હિંમત કરી બોલી ગઈ હતી, આ વાતનો છેડો લાવવો હતો. પણ આર્યને ઉદાસ સ્મિત કરતાં એટલું જ કહેલું.
`આઇ લવ યુ. શું એટલું તારા માટે બસ નથી?’
`ના આર્યન, લવ ઇઝ ટુ ગીવ સ્પૅસ. એવું હવે મને સમજાયું છે, મોકળાશથી સાથે જીવવું.’
ત્યાં આર્યનનો મોબાઇલ રણકી ઊઠ્યો હતો. સ્ક્રીન પર નામ ઝબકી ઊઠ્યું, મમ્મી. દૂર આયુર્વેદ રીઝોર્ટમાંથી નિયમિત કેટલા ફોન! શું કરે છે બેટા? તારો ફોન ન આવ્યો?… ધીસ રીઝોર્ટ. ઇટ્સ ટ્રીટમેન્ટ ઇઝ ઍક્સલન્ટ… તને લઈ આવીશ.. ડ્રાઇવર રજા પરથી આવી ગયો?.. કાલે તારે અને તારા પપ્પાએ અગ્રવાલને ત્યાં વેડિંગમાં જવાનું છે…
ધીરે ધીરે પ્રજ્વલિત દીવો ઓલવાય એમ દિવસનું તેજ ઝાંખું થતું ચાલ્યું, અંધકારની જવનિકા ઊતરી આવી. એ રાત્રે પતિપત્ની વચ્ચે પણ એક પારદર્શક જવનિકા ઊતરી આવી હતી.
શેફાલી પડખું ફરી ગઈ. એના પ્રશ્નોના ઉત્તર આર્યન પાસે ન હતા.
(ક્રમશ:)