પ્રકરણ:30 ~ પ્રોફેસર થયો ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
મુંબઈની સિડનહામ કૉલેજમાં ભણવાથી એક ફાયદો એ થયો એ કે મને અંગ્રેજી પ્રમાણમાં સારું આવડતું હતું.
સાવરકુંડલામાં તો મારું ભણતર ગુજરાતી માધ્યમમાં જ થયું હતું, એટલે સિડનહામ કોલેજનું ઈંગ્લીશ મીડિયમ મને બહુ આકરું લાગેલું. પણ કૉલેજનાં ઈંગ્લીશ મીડિયમના ચાર વર્ષો અને મુંબઈના વસવાટને કારણે અંગ્રેજી ભાષાની સગવડ વધી હતી.
એટલાન્ટા યુનિવર્સિટીમાં ભાષાની બાબતમાં કોઈ વાંધો નહી આવ્યો. ભણવાના વિષયો પણ મને મુખ્યત્વે સહેલા લાગ્યા. પ્રોફેસરો ક્લાસમાં શું બોલે છે કે ભણાવે છે એ સમજવામાં મુંબઈમાં જે મુશ્કેલી પડી હતી, તે એટલાન્ટામાં ન પડી!
જેમ મુંબઈના કોઈ પ્રોફેસરની બુદ્ધિમત્તાથી હું અંજાયો ન હતો, તેવું જ એટલાન્ટામાં થયું, જોકે અહીંના પ્રોફેસરો પોતાના વિષયની બરાબર તૈયારી કરીને આવતા અને પોતાના વિષયના નિષ્ણાત દેખાતા.
સિડનહામ કૉલેજમાં પ્રોફેસરો વેઠ ઉતારતા હતા એવું લાગતું, જ્યારે અહીં પ્રોફેસરોને પોતાના વિષયમાં અને વિદ્યાર્થીઓમાં રસ હોય એવું દેખાતું. આ બધામાં એટલાન્ટાનું પહેલું વરસ તો ક્યાં ગયું તેની ખબર જ ન પડી.
મારો અભ્યાસ પૂરો થાય તે પહેલાં મારે ફૂલટાઈમ જોબ શોધવાનો હતો. હું જ્યારે જોબ શોધવા નીકળ્યો ત્યારે ખબર પડી કે એટલાન્ટા યુનિવર્સિટીમાં ભણવાની મર્યાદાઓ શું હતી. મેં જોયું તો અમારી સાથે જે કાળા છોકરાછોકરીઓ હતાં તેમને ફટ ફટ સારી સારી કંપનીઓમાં જોબ મળવા મંડ્યા, જ્યારે અમને દેશી વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂના પણ ફાંફા!
અમેરિકાની સમૃદ્ધિથી કાળાઓને વેગળા રાખવાથી એમની કપરી દશા થઈ હતી. અમેરિકન સમૃદ્ધિ જે અહીં સામાન્ય ગોરા માણસોને પણ મળતી હતી, તે કાળા લોકોને નહોતી મળતી.
એમને નસીબે ગરીબી અને કાળી મજૂરી ને હલકાં કામો જ લખાયાં હતાં. ખાસ તો મોટી કંપનીઓની અને ફેડરલ કે સ્ટેટ ગવર્ન્મેન્ટની સારી સારી નોકરીઓમાંથી એમને બાકાત રાખવામાં આવ્યા હતા.
1960ના દાયકામાં કાળી પ્રજાની સિવિલ રાઈટ્સની મોટી ઝુંબેશ શરૂ થઇ.
બ્લેક પાવરના હિંસક આંદોલનને કારણે મોટાં શહેરોમાં હુલ્લડો થયાં. ગોરી પ્રજા ચેતી. દેશના આર્થિક તંત્રમાં ફેરફાર કરવાની જરૂરિયાત ગોરાઓને વરતાણી.
ફેડરલ ગવર્ન્મેન્ટનું કંપનીઓ ઉપર દબાણ આવવા માંડ્યું કે એમણે કાળી પ્રજાને સારા જોબ આપવા, પ્રમોશન આપવું. આ સરકારી વ્યવસ્થાને અહીં “અફીર્મેટીવ એક્શન” કહેવામાં આવે છે.
આપણા દેશમાં લઘુમતિઓ માટે જેમ સારી નોકરીઓ, મેડિકલ કૉલેજના એડમિશન વગેરેના અમુક ટકા રિઝર્વ રખાય તેવું જ.
ક્વોટા રાખવાની અમેરિકનોને મોટી સૂગ, પણ હકીકતમાં આ કાળા લોકોને સારા જોબ આપવાના ક્વોટા જ હતાં.
સારી સારી કંપનીઓ પોતાના ક્વોટા જલદી ભરવા બ્લેક કૉલેજોમાં જાય અને છોકરાછોકરીઓને પસંદ કરે. ભલે સાવ નબળો બ્લેક વિદ્યાર્થી હોય, છતાં પણ એને ઝેરોક્સ કે આઇબીએમ જેવી કંપનીઓ સામેથી મોટી ઓફર આપે અને અમે દેશી વિદ્યાર્થીઓ જોતા રહી જઈએ. અમને ઇન્ટરવ્યૂમાં પણ ન બોલાવે.
અહીં દરેક યુનિવર્સિટીમાં જોબ પ્લેસમેન્ટ સેન્ટર હોય. એની ફરજ વિદ્યાર્થીઓને સારી નોકરીઓ અપાવવાની હોય છે. કંપનીઓ યુનિવર્સિટીઓમાં સામેથી આવે અને સારા વિદ્યાર્થીઓને પસંદ કરે. જોબ પ્લેસમેન્ટ ઑફિસર વિદ્યાર્થીઓને મદદ કરે.
હું પ્લેસમેન્ટ સેન્ટરમાં જાઉં ત્યારે મને મારા મુંબઈના દિવસો યાદ આવે. સિડનહામ કૉલેજમાં પ્લેસમેન્ટ સેન્ટર કેવું ને વાત કેવી? બી.કોમ થયા પછી મુંબઈમાં એક સાવ સામાન્ય ક્લર્કની નોકરી લેતા મને નાકે દમ આવી ગયો અને છેવટે જે નોકરી મળી તે લાગવગથી જ મળી.
હવે મારે અમેરિકામાં જોબનો પત્તો પાડવાનો હતો, અને તે પણ તરત જ. પૈસાની જરૂર તો ખરી જ, પણ મારે જલદી જલદી ગ્રીન કાર્ડ મેળવવું હતું.
એ મળે તો જ અમેરિકામાં રહી શકાય. મારે કંઈ દેશમાં પાછા જવું નહોતું. પાછા જઈને દેશસેવા કરવી છે કે દેશ તમારી રાહ જોઈને બેઠો છે એવા શેખચલ્લીનાં શમણાં હું ક્યારેય જો’તો નહોતો.
ગ્રીનકાર્ડ મેળવવા માટે જોબ હોવો અનિવાર્ય હતું. મારો હિસાબ સીધો હતો: જોબ હોય તો તમારા એમ્પ્લોયર તમને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરે. ભવિષ્યમાં વધુ સારો જોબ મેળવવા માટે પણ ગ્રીન કાર્ડ હોવું જરૂરી હતી. વળી ગ્રીન કાર્ડ વગર નલિનીને કેમ બોલાવી શકાય? એના એકસૂરી કાગળો તો નિયમિત આવતા જ હતા: ક્યારે બોલાવો છો?
ગ્રીનકાર્ડ મળે તો પછી પાંચ વરસે સિટીઝનશીપ માટે પણ એપ્લાય કરી શકાય. ભાઈ, બહેન, માબાપ વગેરેને જો દેશમાંથી બોલાવવા હોય તો અમેરિકન સિટીઝનશીપ હોવી જ જોઈએ. એટલે જે એમ્પ્લોયર સ્પોન્સરશીપ આપવા તૈયાર હોય ત્યાં જોબ લેવાનો હતો.
બ્લેક કૉલેજો સ્પોન્સરશીપ આપવા તૈયાર હતી. તેમને બિઝનેસ, મેથ્સ અને એન્જિનિયરીંગના પ્રોફેસરોની ખૂબ જરૂર હતી. આવા પ્રોફેસરોની ત્યાં તંગી હોવાને કારણે ઈમિગ્રેશન સર્વિસ બ્લેક કૉલેજોની સ્પોન્સરશીપ તરત માન્ય કરતી અને ગ્રીનકાર્ડ આપતી.
બ્લેક કૉલેજમાં જોબ શોધવાનું એક બીજું રહસ્ય હતું. એટલાન્ટા યુનિવર્સિટી જેવી બ્લેક કૉલેજમાં ભણ્યા હો તો તમારે ભાગ્યમાં બ્લેક કૉલેજ જ લખી હોય ને!
હવે મને ખબર પડી કે જારેચા શા માટે અહીં એટલાન્ટા યુનિવર્સિટીમાં કામ કરતા હતા. અમારે જોબ જોઈતો હોય તો કોઈ બ્લેક કૉલેજમાં જ મળવાનો હતો. ત્યાં ઘણી જગ્યાઓ ખાલી પડી હતી.
એક જમાનામાં જ્યારે બ્લેક લોકોને વ્હાઈટ કંપનીઓમાં નોકરી નહોતી મળતી ત્યારે એટલાન્ટા યુનિવર્સિટીના સ્નાતકો આવી બ્લેક કૉલેજોમાં નોકરી કરતા. પણ હવે તો મોટી કંપનીઓ અને ફેડરલ અને સ્ટેટ ગવર્ન્મેન્ટ આ બ્લેક સ્નાતકોને જેવા યુનિવર્સિટીમાંથી નીકળ્યા કે તરત ઊપાડી જાય.
કંપનીઓની જેમ વ્હાઈટ યુનિવર્સિટી ઉપર પણ બ્લેક પ્રોફેસરોને જોબ આપવાનું ફેડરલ ગવર્ન્મેન્ટનું પ્રેશર હતું. આમ બ્લેક કૉલેજોમાં જે પ્રોફેસરો હતા તેમને પણ વ્હાઈટ કૉલેજો અને યુનિવર્સિટીઓ સારી સારી ઓફર આપી લઈ જતી.
બ્લેક પ્રોફેસરો જો વ્હાઈટ કૉલેજ અને યુનિવર્સિટીમાં જતા રહે તો પછી બ્લેક કૉલેજોમાં ભણાવશે કોણ? અમેરિકામાં ત્યારે લગભગ સોએક જેટલી બ્લેક કૉલેજો અને યુનિવર્સિટીઓ હતી. ત્યાં હવે નવા બ્લેક સ્નાતકો તો જતા બંધ થયા. બ્લેક કૉલેજમાં પ્રોફેસરોની, ખાસ કરીને બિઝનેસ, મેથેમેટિક્સ, એન્જિનિયરીંગના પ્રોફેસરોની ખૂબ તંગી થઈ.
લાઈબ્રેરીમાં જઈને બ્લેક કૉલેજોનું લીસ્ટ હું લઇ આવ્યો. ફટ ફટ એપ્લીકેશન કરવા માંડી.
આપણે એપ્લીકેશન કરવામાં તો હોશિયાર હતા. મુંબઈની ટ્રેનીંગ હતી ને? જોકે આ વખતે મુંબઈની જેમ હાથે લખીને નહીં, પણ ટાઈપ કરીને ઘણે ઠેકાણે એપ્લીકેશન મોકલાવી દીધી. ચાર ઠેકાણેથી ઇન્ટરવ્યૂ માટે મને બોલાવ્યો. ગયો. ચારેય ઠેકાણેથી જોબ ઓફર આવી.
મેં નોર્થ કેરોલિના સ્ટેટના ગ્રીન્સબરો નામના એક નાના શહેરની બ્લેક પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી લીધી. નોર્થ કેરોલિના સ્ટેટની એગ્રીકલ્ચરલ એન્ડ ટેક્નિકલ યુનિવર્સિટી (એ. ઍન્ડ ટી.)નું ફંડિંગ રાજ્ય તરફથી હતું, તેથી પ્રમાણમાં નાણાંકીય રીતે એ સદ્ધર હતી.
મોટા ભાગની પ્રાઈવેટ બ્લેક કૉલેજો ફંડીગને અભાવે મરવા પડી હતી. ગ્રીન્સબરોની જ એક પ્રાઈવેટ બ્લેક કૉલેજ બેનેટ કૉલેજમાં પણ મને જોબ મળેલો. મેં વિનયપૂર્વક ના પાડી. તે ફંડના અભાવે ફડચામાં પડવાની તૈયારી હતી. જેવું એટલાન્ટાનું ભણવાનું પત્યું કે આપણે તરત જ બેગ ઉપાડીને બસમાં બેસી ગયા, ગ્રીન્સબરો જવા માટે.
હું કાંઈ ગ્રેજ્યુએશન સેરેમનીમાં માર્ચ કરીને ડિગ્રી લેવા રોકાયો નહીં. મને થયું કે યુનિવર્સિટી એની ફૂરસદે ડિગ્રી મોકલવાની છે, તો પછી એને માટે કંઈ ગાઉન અને કેપનો ખોટો ખર્ચ શા માટે કરવો?
મારી સાથે ભણતા અમેરિકનોને આ વાત વિચિત્ર લાગી. એમને માટે કોલેજ ગ્રેજ્યુએશન એ બહુ મોટી વાત હતી. એ સેરેમની માટે આખું કુટુંબ ભેગું થાય. દૂરદૂરથી સગાં વહાલાંઓ આવે, મોટા ડિનર થાય, ફોટા પડે, વગેરે, વગેરે.
મારે માટે એવું કંઈ થવાનું નહોતું. જે કુટુંબમાં ઉચ્ચ અભ્યાસનું મહત્ત્વ હોય તે કૉલેજ ગ્રેજ્યુએશનનો ઉત્સવ કરે, પણ અમારા કુટુંબમાં હું શું ભણું છું તેની જ કોઈને ખબર ન હતી.
કાકા તો એમ માનતા હતા કે હાઇસ્કૂલ પછી કંઈ ભણવું એ જ નકામું છે, તો પછી હું ક્યાં મોઢે કહું કે મારું ગ્રેજ્યુએશન થવાનું છે તો તેની સેરેમનીમાં તમે આવો. આ કારણે મારી પાસે પીએચ.ડી સુધીની આજે ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાં મેં કયારેય ગ્રેજ્યુએશન સેરેમનીમાં માર્ચ કરીને એકેય ડિગ્રી લીધી નથી કે ફોટા પડાવ્યા નથી.
મુંબઈમાં મને બી.કોમ. અને એલ.એલ.બી.ની ડિગ્રીઓ મળી ત્યારે ખબર પણ નહોતી કે સેરેમની ક્યારે હતી! જોબ શોધવાની મથામણ જ એવડી મોટી હતી કે ગ્રેજ્યુએશન સેરેમનીનો વિચાર પણ નહોતો કર્યો.
1966ના સપ્ટેમ્બરમાં હું ગ્રીન્સબરો પહોંચ્યો ત્યારે એ. ઍન્ડ ટી.નું સેમેસ્ટર શરુ થતું હતું. મારે જલદીથી જોબ શરુ કરી દેવાનો હતો. ગ્રીન્સબરોમાં હું એકલો હતો.
એટલાન્ટાના મારા એક વરસના વસવાટમાં મને જારેચાની સલાહ, સૂચના અને માર્ગદર્શન સતત મળતાં રહેતાં. મારો એમની સાથેનો સંપર્ક રોજનો હતો.
ગ્રીન્સબરોમાં હવે મારે જ બધું સાંભળવાનું હતું. બસ સ્ટેશને મને કોઈ લેવા આવવાનું નહોતું. જ્યાં સુધી મારું અપાર્ટમેન્ટનું નક્કી ન થાય ત્યાં સુધી મેં રહેવાની વ્યવસ્થા કૉલેજની ડોર્મમાં કરી.
એટલાન્ટામાં હું ડોર્મના વસવાટથી ટેવાયેલો હતો તેથી અહીં કાંઈ નવું નહીં લાગ્યું. એક વસ્તુ ખાસ કઠી અને તે એ કે મારી પાસે કાર નહોતી.
ન્યૂ યોર્ક કે શિકાગો જેવા ગણ્યાંગાંઠ્યાં મોટાં શહેરોને બાદ કરતા, અમેરિકાનાં નાનાં શહેરોમાં કાર વગર રહેવું ખૂબ મુશ્કેલ. બસ કે ટ્રેનની સગવડ નહિવત. એટલાન્ટામાં જારેચા એમની કારમાં મને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જતા. અહીં એ માટે કોને કહેવું?
એ. ઍન્ડ ટી. યુનિવર્સિટીમાં મારું મુખ્ય કામ એકાઉટીન્ગ ભણાવવાનું. બ્લેક કૉલેજ એટલે લગભગ સો ટકા બ્લેક વિદ્યાર્થીઓ. મોટા ભાગે મધ્યમવર્ગ કે ગરીબ ઘરોમાંથી આવેલા. ઘણા તો એવા કુટુંબોમાંથી આવેલા કે જ્યાંથી કોઈ આ પહેલાં કૉલેજમાં ગયું જ ન હોય.
માબાપ છોકરાછોકરી ઉપર ઘણો મદાર માંડી બેઠા હોય. ક્લાસમાં પહેલે દિવસે જઈને ઊભો રહ્યો. મારી સામે બધાં જ બ્લેક છોકરાછોકરીઓ બેઠેલા. હું એમના કરતાં ઉંમરમાં દસેક વરસે મોટો હોઈશ, પણ એમના કદાવર શરીર સામે નાના છોકરા જેવો દેખાયો હોઈશ.
હું થોડી વાર તો ગભરાયો. હું જે કાંઈ બોલીશ તે આ લોકો સમજશે ખરા? મારા ઉચ્ચારો અને ઈંગ્લીશ હજી દેશી જ હતા. વળી અત્યાર સુધી હું જાહેરમાં ઇંગ્લીશમાં ક્યારેય બોલ્યો નહોતો.
એટલાન્ટા યુનિવર્સિટીમાં ક્લાસમાં પ્રોજેક્ટનું પ્રેજન્ટેશન જરૂર કરેલું, પણ એ તો બીજાઓ સાથે. અહીં તો હું એકલો. મેં જો કોઈ ભૂલચૂક કરી તો કોઈ મારી મદદે આવવાનું નહોતું. આગલે દિવસે તૈયારી ખૂબ કરી હતી, અરીસા સામે ઉભા રહીને પ્રેક્ટીસ પણ કરી હતી.
સ્વીમીંગ પૂલના ડાઈવીંગ બોર્ડ પર ઊભેલા શીખાઉ સ્વીમર જેવી મારી દશા થઈ. ત્યાં ઉપર પહોંચ્યા પછી પાણીમાં પડવા સિવાય છૂટકો થોડો છે? મેં તો યા હોમ કરીને ઝંપલાવ્યું. આગલે દિવસે જે ગોખ્યું હતું તે ઓકવાનું શરૂ કરી દીધું.
પહેલી પાંચ મિનિટ હું શું બોલ્યો તેની કાંઈ મને ખબર ન પડી, પણ બોલ્યો ખરો અને જોયું તો સામે બેઠેલા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળતા હતાં, હું જે બોલતો હતો તેની નોટ્સ લેતા હતા. ખાસ કરીને કોઈ ઊભું નહોતું થતું, કે અંદરોઅંદર વાત કરતું નહોતું.
દેશની કૉલેજોમાં જેમ પ્રોફેસરોનો હુરિયો બોલાવાય તેવું કાંઈ થશે તો એવો મને ભય હતો. એવું કાંઈ ન થયું. પહેલી પાંચ મિનિટ પછીની બાકીની ચાલીસ મિનિટ ઝડપથી ગઈ. મેં ક્લાસ પૂરો કર્યો. એ જ વિષય મારે દિવસના બે વાર ભણાવવાનો હતો.
મારા શંકા અને ભય પહેલા ક્લાસ પછી ગાયબ થયા. બીજો ક્લાસ બરાબર ગયો. રાત્રે શાંતિથી સૂતો.
પ્રોફેસર તરીકે એકાદ અઠવાડિયું પસાર કર્યા પછી મને ખબર પડી કે પ્રોફેસર હોવાનો એક મોટો ફાયદો છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ તો એમ જ માને છે કે તમારામાં એમના કરતાં વધુ બુદ્ધિ, અનુભવ અને વિષયની જાણકારી છે, નહીં તો તમારી પ્રોફેસર તરીકે પસંદગી થઈ કેવી રીતે? વધુમાં આગળ જણાવ્યું છે તેમ અહીં જે ગ્રેડ અપાય છે તે પ્રોફેસર પોતે જ આપે.
દેશની જેમ યુનિવર્સિટી એક્ઝામ અહીં નથી હોતી, કે જેમાં હજારો વિદ્યાર્થીઓ એક જ સરખી એક્ઝામ આપે. આપણે ત્યાં પેપરનું ગ્રેડિંગ કોણ કરે છે તે વિદ્યાર્થીઓને ખબર પણ ન હોય. અહીં તો પ્રોફેસર જ એક્ઝામ પેપર નક્કી કરે, એ જ તપાસે, અને એ જ ગ્રેડિંગ કરે. એટલે કોઈ પણ વિદ્યાર્થી પ્રોફેસરની સાથે જીભાજોડી કરતાં બે વાર વિચાર કરે.
દેશમાં જે પ્રોફેસરોનો હુરિયો બોલાવાય એવું અહીં થયું હોય એમ મને યાદ નથી. એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને પ્રોફેસર સામે ફરિયાદ કરવાનો કોઈ હક્ક નથી કે એવી ફરિયાદો થતી નથી. થાય જ છે, પણ કૉલેજના ડીન એવી કોઈ ફરિયાદ આવતા એ બાબતની તપાસ કરે અને પછી તે બાબત યોગ્ય પગલાં જરૂર લે.
કોઈ વિદ્યાર્થીને પ્રોફેસર ન ગમતા હોય, કે એની સામે વાંધો હોય તો એ જ વિષય ભણાવતા બીજા પ્રોફેસરના ક્લાસમાં દાખલ થાય.
સદ્ભાગ્યે હું લોકપ્રિય પ્રોફેસર નીવડ્યો.વિદ્યાર્થીઓ માટે મારી ઑફિસનાં બારણાં હંમેશ ઉઘાડાં હોય એ એમને ગમતું. કોઈ પણ વિદ્યાર્થી મારી પાસે કોઈ પ્રોબ્લેમ લઈને આવે તો એ હું ધ્યાનથી સાંભળું એ એમને ગમે.
એક વાર અપાર્ટમેન્ટ લીધા પછી હું થોડા થોડા વિદ્યાર્થીઓને ઘરે પણ બોલાવતો. તે એમને ખૂબ ગમતું. વધુમાં હું ઇન્ડિયન છું, બીજા પ્રોફેસરોથી જુદો છું,
વિદ્યાર્થીઓને મળવાનો, તેમના પ્રશ્નો સાંભળવાનો મારી પાસે ટાઈમ છે, મને તેમનામાં રસ છે – આ બધાંને કારણે હું પોપ્યુલર થઇ ગયો. વધુમાં હું જે કાંઈ ભણાવતો હોઉં તેનું વર્તમાન બિઝનેસ સાથે અનુસંધાન કરું, સમજાવું કે આજે આપણે જેની ક્લાસમાં ચર્ચા કરીએ છીએ એવું ક્લાસ બહારની દુનિયામાં થતું હોય છે. આ એપ્રોચ એમને ગમ્યો.
હું નવો નવો પ્રોફેસર હતો તેથી ક્લાસ માટે બરાબર તૈયારી કરતો, જેથી ક્લાસમાં ભણાવવામાં કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવામાં ભાગ્યે જ મુશ્કેલી પડતી.
(ક્રમશ:)