રાહીન ક્રુઝની મનમોહક સફર ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-9 ~ ઉત્કર્ષ મઝુમદાર

રૂદેશાઈમ આઇમ રાહીન તરફ જતા માર્ગમાં અસંખ્ય દિલચસ્પ ગામો અને કેસલ્સ પાસેથી પસાર થવાના હતા.

કેસલ યા બુર્જ એટલે મધ્યકાલીન યુગનું કિલ્લેબંધ મકાન. એ કોઈ ઉમરાવ કે સામંતનું નિજી રહેઠાણ હોય. ઘણા કેસલ્સ નદીમાંથી પસાર થતા વ્યાપારી જહાજો પાસેથી દાણ ઉઘરાવવાની ચોકીઓ માટે પણ બંધાયેલા.

સૌથી પહેલા જે માહિતી અમારા ઓડિયો ગાઇડમાં આવી તે હતી સેન્ટ ગોરહાઉસેનના ‘કેટ કેસલ’ વિશેની.

Katz Castle - Wikipedia
Katz Castle

એ પણ ગામની ઉપર ટેકરી પર આવેલું છે. એ સૌ પ્રથમ ૧૩૭૧માં જેણે રહિંફેલ્સ બંધાવ્યું એણે જ બંધાવેલું. ૧૮૦૬માં નેપોલિયનના લશ્કરે એના પર ગોલંદાજી કરીને ખાસું નુકસાન પહોચાડેલું. ૧૮૯૬-૯૮માં એનો પુનરોદ્ધાર થયો. હાલ એ ખાનગી માલિકીનું છે એટલે ત્યાં મુલાકાતીઓ માટે પ્રવેશ નિષેધ છે.

એ જ તરફ એક બીજો કેસલ આવેલો છે જે માઉસ કેસલ તરીકે ઓળખાય છે.

Maus Castle

એનું બાંધકામ ત્રિયારના ઇલેકટોરે (જેને હોલી રોમન એમ્પરરને ચૂંટવાનો અધિકાર હોય એવો પ્રિન્સ) ૧૩૫૬માં શરુ કર્યું ને તે બીજા ત્રીસ વર્ષ ચાલ્યું. આ બાંધવાનું કારણ હતું ટ્રાયરને ત્યારે જ રાહીન નદી પર દાણ ઉઘરાવવાનો અધિકાર મળેલો ને કાઉન્ટ કાટ્ઝેનેલબોગેનની સામે એમની સરહદનું રક્ષણ કરવા.

પેલા બે કેસલથી ભિન્ન આ કેસલપર ક્યારેય તોપમારો નહોતો થયો. અલબત્ત સમય જતાં મરમ્મતની જરૂર પડેલી. બીજા વિશ્વયુદ્ધમાં નુકસાન થયેલું.

આજે અહીં પક્ષીઘર છે ને બાજ, ગરુડ અને ઘુવડના ઉડ્ડયનના કરતબ મુલાકાતીઓને માર્ચથી ઓક્ટોબર દરમ્યાન બતાડવામાં આવે છે.

નિશ્ચિન્તને જિજ્ઞાસા બહુ એટલે એણે લાગલું પૂછ્યું, “પણ એમને કેટ અને માઉસ એવા નામો કેમ અપાયા?”

ગઈ કાલે રાતે કરેલું ઘરકામ કામ લાગ્યું. મેં પણ ટપક દઈને ઉત્તર વાળ્યો, “એની પાછળ એક રસિક કથા છે. લોકમાન્યતા પ્રમાણે બંધાતા ત્રીસ વર્ષ લાગ્યા એટલે કાઉન્ટે ઈલેક્ટોરની મજાક ઉડાવતા કહ્યું કે આ કેસલ તો ઉંદરડું છે જેને મારો કેટઝ કેસલ ખાઈ જશે. મૂળમાં કેસલનું નામ બીજું હતું પણ લોકજીભે પછી માઉસ અને કેટ એટલે કે ઉંદર – બિલાડી જ ચઢી ગયું.”

અમારી ફેરી ચાલવા લાગેલી અને અમે જમણી તરફ બેઠેલા તે નદીની વચ્ચે નાની જમીન જેવું જોયું એટલે અમે વિચારમાં પડી ગયા કે શું હશે?

ત્યાં જ ઓડિયો ગાઇડમાં પ્રાણ ફૂંકાયા ને કહેવા લાગ્યું, “જમણી બાજુએ તમને જે પૂતળું દેખાય છે તે છે ‘લોરલઈ’નું છે. આ સ્થળે નદીનું વહેણ એકદમ ખતરનાક, દગાબાજ છે. નતાશા એલેક્ઝાન્ડરોવાએ ૧૯૮૩માં આ કાંસાનું  શિલ્પ બનાવ્યું.

Statue of Loreley – Sankt Goarshausen, Germany - Atlas Obscura
Statue of Loreley

સોળ ફૂટ ઊંચી આ પ્રતિમા રાહીન ખીણની જલપરીની દંતકથાને સજીવન કરે છે. લોરલાઈ એ ૪૩૩ ફૂટ ઊંચો સીધો સપાટ સેન્ટ ગોરસહાઉસેન તરફ આવેલો ખડક છે. એની ઉપર આવેલું લૉરલો એમફી થિયેટર યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ છે”.

undefined

મેં એમાં ઉમેરણ કર્યું, “સદીઓથી આ કુદરતી રીતે આકાર પામેલો ખડક જે નાવિકોને ભરમાવી મોતને ઘાટ ઉતારતી રૂપાળી લલના જે અસંખ્ય વાર્તા, કવિતાનો વિષય રહી છે તે પ્રવાસીઓને અહીં આવવા આકર્ષે છે. લોરલાઈનો અર્થ થાય છે ગણગણાટ, ગુંજન. જેનો સેલ્ટીક ભાષામાં અર્થ થાય છે ખડક.

Lorelei Rock (Loreley Rock) - What To Know BEFORE You Go | Viator
Lorelei Rock (Loreley Rock)

આ ખડક એક આગવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જળપ્રપાત અને નદીના ખળખળ વહેતા અવાજને લીધે આ ખડકને આ નામ મળ્યું છે. ખડકને ટોચેથી સેન્ટ ગોરનો અદભુત નજારો દ્રષ્ટિગોચર થાય છે.

સ્વિત્ઝરલેન્ડ, જ્યાંથી આ નદી નીકળે છે અને નોર્થ સમુદ્ર જ્યાં એ ભળે છે તેની વચમાંનો આ સૌથી સાંકડો માર્ગ છે.

અહીં નદી 82 ફૂટ ઊંડી અને માત્ર 371 ફૂટ પહોળી ને નીચે ખડકોવાળી છે તેથી આ 65 કિલોમીટર લાંબો માર્ગ એના જોરદાર વહેણને લીધે ભયંકર જોખમવાળો છે.

અસંખ્ય વહાણો અહીં ડૂબી ગયા છે ને તેથી જ કવિઓએ આ લૉરલોઈ વિસ્તારને એમની કરુણ કૃતિઓમાં અમર કરી દીધો છે. જોકે વર્તમાન સમયમાં આ જોખમ ટળી ગયું છે કારણ કે સિગ્નલ્સ ગોઠવાયા છે જેને વોરસાવ કહે છે જેનો અર્થ થાય છે સાવધાન/ ધ્યાન રહે.” બધા એકસાથે બોલી ઉઠ્યા “અચ્છા અચ્છા એટલે આ સિગ્નલ્સ અહીંયા મુકાયા છે!” નદીમાં સિગ્નલ્સ જોઈને બધાને કૌતુક થયેલું તે એનું શમન આ જાણકારીથી થયું.

લૉરલોઇ સાથે એક કરુણ કથા સંકળાયેલી છે. દગાબાજ પ્રેમીથી આઘાત પામીને એક સુંદરીએ અહીં ડૂબીને આપઘાત કર્યો ને પછી જળસુંદરી બની નાવિકોને મોહાંધ કરીને ખડક તરફ લઇ આવી તેમનાં વહાણો ડુબાડી દેતી. આ પવાડો ઉર્ફે બેલાડ સ્વરૂપે સૌથી પ્રથમ વાર ૧૮૦૧માં ક્લીમેન્સ બ્રેનટનોની કૃતિમાં પ્રથમવાર આવી.

અનુપમ સૌંદર્ય ધરાવતી લોર લે દગાબાજ પ્રેમી પાછળ મરવા તૈયાર થઇ ગઈ છે એ વખતે એના સૌંદર્યથી ઘાયલ થયેલો એક પાદરી એનો જીવ બચાવે છે અને ત્રણ સુભટો એને કોન્વેન્ટ (સ્ત્રીઓનો ધાર્મિક મઠ) તરફ લઇ જાય છે ત્યારે એ નદીમાં  છલાંગ લગાવી આપઘાત કરી નાખે છે. બ્રેનટનોની કથામાં થોડો ફેરફાર છે અહીં પેલી વિલાપ કરતી શોકાતુર રમણી નાવિકો પર ભૂરકી નાખી એમને વિનાશ તરફ લઇ જાય છે.

૧૮૨૪માં હેન્રીખ હેઇન નામના જર્મન કવિ આનો આધાર લઇ એની પ્રખ્યાત કવિતા લખે છે જેમાં ખડક પર બેસી પોતાના સોનેરી વાળ ઓળતી બેખબર બનીને નાવિકોને પોતાના ગાનથી ચલિત કરે છે ને એમના વહાણો ખડક સાથે અથડાતા ભાંગી જતા હોય છે.

‘The Lorelei’
by Heinrich Heine (1797-1856)
Original: German Language
Translation by Anna Leader

I do not know what it might bode
That I should be so sad,
A fairytale from long ago
Now will not leave my head.
The air is cool and darkening
Above the quiet Rhine;
The mountaintops are sparkling
In afternoon sunshine.

The loveliest young maiden sits
So beautifully up there,
Her golden jewelry gleams and glints,
She combs her golden hair,
She combs it with a golden brush
And while she combs she sings;
The tune is both miraculous
And overpowering.

It grips the sailor in the ship
With a wild and aching woe;
His eyes are only looking up,
Not at the rocks below.
I believe that in the end the waves
Devoured ship and boy,
And that is what the Lorelei
Accomplished with her voice.

૧૮૩૭માં એના આ ગીતનું ફ્રેડરિખ સિલચર સ્વરાંકન કરે છે ને જર્મનભાષી પ્રદેશમાં એ લોકપ્રિય થઇ જાય છે. પછી તો બીજા અનેકે એના સ્વરાંકનો કર્યા પણ હેન્રીખનું ગીત શ્રેષ્ઠ રહ્યું.

નાઝી સમયગાળામાં હેન્રીખને આ ગીતના રચયિતા તરીકેનું શ્રેય ના અપાયું. કારણ? એ યહુદી હતો! એ જન્મે યહુદી હતો પણ પાછળથી ખ્રિસ્તી ધર્મ અપનાવેલો તે છતાં. યહુદીઓનું જર્મન કલા સંસ્કૃતિમાં પ્રદાન કેવી રીતે હોઈ શકે? ગીતનો નાશ કરી શકે એમ નહોતા તેથી કોઈ અજ્ઞાત કવિની રચના તરીકે એને ફેલાવી. ઇતિહાસ સાથે કેવા ચેડાં!

આજે પણ દુનિયામાં આવા આપખુદશાહી પક્ષો આ રસમ અપનાવે છે ને તેના અનુયાયીઓ હોંશે હોંશે એનો સ્વીકાર કરી લે છે. આ ભયજનક બાબત છે.

યહુદીઓ સામે એટલું બધું વેર કે ૧૮૯૭માં એની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે ‘લૉરલોઈ  ફાઉન્ટન’ એના જન્મસ્થળે ઊભો કરવાની યોજનામાં પણ ફાચર મારી ને એ છેવટે અમેરિકાના ન્યુયોર્કના પરા બ્રોન્ક્સમાં ૧૮૯૯માં ઊભું કરાયું. આજે એ ફુવારો હેન્રીખ હેઇન મેમોરિયલ તરીકે પણ ઓળખાય છે.

undefined

સન ૨૦૦૨માં લૉરલોઈ વિસ્તારને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેનો દરજ્જો આપ્યો છે. આજે પણ અહીંથી પસાર થઇ ફેરીઓમાં નૌકાઓમાં આ ગીત વગાડવામાં આવે છે. અમારી ફેરીમાં પણ આ ગીત ગુંજી ઉઠ્યું.

અમારી ફેરી પણ આ વિસ્તારની બહાર આવી ગઈ હતી ને પાણી પર સરતા સરતા ડાબે જમણે વળાંકો લેતી, પ્રવસીઓને લહેર કરાવતી ઓબેર્વેસેલ ગામ ભણી જઈ રહી હતી જે સેન્ટ ગોરની તરફ જ આવેલું છે.

ઓડિયો ગાઇડમાં બોલાય કે હવે આગલો પડાવ છે ઓબેર્વેસલ. એણે જે માહિતી આપી ને મેં જે માહિતી એકઠી કરેલી તેના આધારે આ બયાન કરું છું.

“આ ગામ પણ હજાર વર્ષ જૂનું છે ને એના શાસનકર્તાઓ સતત બદલાતા રહ્યા છે. એ ફ્રેન્ચના આધિપત્ય નીચે હતું ને વિયેનામાં ભરાયેલી બેઠક પછી જ રાહીન નદીના ડાબી બાજુના કાંઠા પરના પ્રદેશોની જેમ પ્રસિયાનો ભાગ બન્યું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..