હું અને મારી ભાષા બંને ગુજરાતી ~ સંપાદક: હેમરાજ શાહ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
“મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી… પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” – કવિ નર્મદ.
૨૪ ઑગસ્ટ, નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ. જેમને આપણે સૌ ગુજરાતીઓ આદ્યકવિ નર્મદ તરીકે ઓળખીએ છીએ.
કવિ નર્મદની ઓળખ આપણાં માટે ફક્ત કવિ તરીકેની છે પરંતુ આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે તેમણે કરેલાં અથાક પ્રયત્નોને જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને તેમને સવિશેષ વંદન કરવાનું મન થાય છે.
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ – નર્મકોશ તૈયાર કરવાનું ખૂબ જ કઠોર કાર્ય કવિ નર્મદે એકલાં હાથે કર્યું હતું.
ડાંડિયો નામનું છાપું ચલાવવું, પોતાની આત્મકથા લખવી, સાધનોનાં અને આર્થિક ઉપાર્જનની કોઈ આશા વગર સમાજને રૂઢીવાદી માનસિકતામાંથી બહાર લાવવાનું અઘરું કાર્ય કરવું જેવાં અનેક સામાજિક અને સાહિત્યિક કાર્યો કરનાર અર્વાચીનની યુગમૂર્તિ સમા એકમાત્ર ગુજરાતી સાહિત્યસર્જક આદ્યકવિ નર્મદને શબ્દાંજલિ અર્પણ કરવા માટેનો એક નિશ્ચિત દિવસ તેમનાં જન્મદિવસથી વિશેષ ક્યો હોઈ શકે?
બસ, આવાં જ એક ઉત્તમ વિચારને અમલમાં મૂકીને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ૨૪ ઑગસ્ટના રોજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ‘ ભવ્ય ઉજવણી થાય છે.
વર્ષ ૨૦૧૦માં જ્યારે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ઉજવણી દર વર્ષે ૨૪ ઑગસ્ટના રોજ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આ ઉજવણીમાં દરેક ગુજરાતીને પણ સામેલ કરવાનું નક્કી થયું અને તેનાં ભાગ રૂપે આયોજન થયું એક અનોખી નિબંધસ્પર્ધાનું.
‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી શા માટે? કઈ રીતે?’ આ શીર્ષક હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને મુંબઈ સમાચાર દ્વારા એક ઈનામી નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશ-વિદેશમાં વસતાં ૩૫૯ ગુજરાતીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રા. દીપક મહેતાએ અહીં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી.
આ તમામ નિબંધોમાંથી વિજેતા નિબંધો અને બીજાં નોંધપાત્ર નિબંધોનું એક સુંદર પુસ્તક તૈયાર કરવાનું દુર્લભ કાર્ય તે વખતનાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી હેમરાજ શાહે કર્યું.

લોકપ્રિય લેખક તથા સંપાદક શ્રી હેમરાજ શાહ દ્વારા દર વર્ષે કચ્છ-શક્તિ ઍવોર્ડ આપવામાં આવે છે તથા તેઓ દર વર્ષે ખૂબ જ મોટાં ઈનામો એનાયત કરતી લોકપ્રિય સ્પર્ધાઓનું આયોજન પણ કરે છે.
હાલમાં જ શ્રી હેમરાજ શાહની વરણી વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ પદે કરવામાં આવી છે. અનેકવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રણેતા શ્રી હેમરાજ શાહ દ્વારા દર વર્ષે ૨૪ ઑગસ્ટના રોજ કવિ નર્મદ પારિતોષિક પણ આપવામાં આવે છે.
આ વર્ષે આ પારિતોષિક કવિ રાજેન્દ્ર શુક્લને આપવામાં આવશે. ગુજરાતી ભાષાને ગૌરવવંતી રાખવામાં અમૂલ્ય ફાળો આપનાર શ્રી હેમરાજ શાહ દ્વારા સંપાદિત આ પુસ્તક ગુજરાતી ભાષાને મળેલી અનોખી ભેટ છે.
‘હું અને મારી ભાષા બંને ગુજરાતી’ પુસ્તકમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત નિબંધનાં લેખિકા સુધા ધીરેન્દ્ર રેલિયા આપણી ગુજરાતી ભાષા વિશેનું વર્ણન કરતાં લખે છે,
‘સંતોના સૂર અને દેવતાઈના નૂરથી અલંકૃત ભાષા…, મેઘાણી અને મુનશીની માતૃભાષા…, મહાકવિ ન્હાનાલાલનો વસંતલ વીંઝણો લઈને આવેલી ભાષા…, વીર નર્મદ- લોકકવિ દુલેરાય અને કવિ તેજની તેજસ્વી ભાષા…, ગુલામીની જંજીર તોડવાનો બૂંગીયો ફૂંકતી અને રણબંકાની ભાષા…, ક્રાંતિનો પાંચજન્ય શંખ ફૂંકતી ભાષા…, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દસેમ આંગળીએ આશિષ પામેલી દેદીપ્યમાન ભાષા…, અરે! વિશેષણો વામણાં અને શબ્દો સીમિત લાગે એવી સમૃદ્ધ છે આપણી ભાષા…’
તો, આ વખતની ૨૪ ઑગસ્ટની ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ ઉજવણી તમે કેવી રીતે કરવાનાં છો? તમે તમારી માતા ગુજરાતી ભાષાને કાયમ માટે યાદગાર રહે એવી કઈ ભેટ આપવાનાં છો? જાતે જ નક્કી કરજો પણ એક વાત યાદ રાખજો કે આપણી માતૃભાષાનું સંવર્ધન કરવાનું કાર્ય આપણાં ઉપર જ છે.
ચાલો, આ પુસ્તકમાં પ્રથમ પુરસ્કાર વિજેતાએ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તે વિશે જણાવ્યું છે તે લખીને ગુજરાતી ભાષાની સેવામાં પ્રવૃત્ત થઈએ.
* ગુજરાતીમાં જ બોલવાનો અને લખવાનો આગ્રહ રાખીએ.
* ગુજરાતી પુસ્તકો વાંચીએ, વાગોળીએ અને વહેંચીએ.
* ગુજરાતી ભાષાનું ગૌરવગાન કરીએ.
* ગુજરાતી ભાષાનાં ઉત્કર્ષ માટે સૌ સાથ અને સહકાર આપીએ.
પુસ્તક પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ
ઈમેલ: nsmmum@yahoo.co.in
કિંમત: ₹ ૧૭૫/-
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬૫૯૬૫૫