આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૮ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૪૮
પ્રિય દેવી,
કેરેબિયન ક્રુઝમાંથી પાછી આવી ગઈ અને સાવ બે અંતિમ છેડાની ઋતુનો અનુભવ લઉં છું. આવ્યા તે દિવસથી વરસાદી ઝરમર ઝરમર અને ગોરંભાયેલા આકાશ નીચે ફરી જીવનની રફતારમાં ગોઠવાઈ ગઈ. આ દેશમાં આવ્યે ૪૮-૪૮ વર્ષ થયા, દેવી, તોય હજી આવું મૂંઝાતું – ગ્રે વાતાવરણ જોઈને એવું થાય કે મન મૂકીને કેમ વરસતો નથી?
કુદરતની સાવ નજીક રહીને શું અનુભવ્યું તે કહેવા માટે કદાચ શબ્દો ઓછા પડે! નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી અને છેવાડે ક્ષિતિજ અને ક્ષિતિજ પર ક્યારેક આંખો આંજી દેતો સૂર્ય હોય તો ક્યારેક ધોળા-ધોળા તો વળી ક્યારેક કાળા ડિબાંગ વાદળોનાં ટોળે ટોળાં ઉમટી આવે! અને સૌથી વધુ જોવાનું તો ગમે આકાશનું પ્રતિબિંબ ઝીલતો સમુદ્ર.
પાણીના બદલાતાં રંગો જોઈને મન તરબતર થઈ જાય! ક્રુઝમાં જ્યારે ‘સી ડે’ હોય ત્યારે આખો ને આખો દિવસ બસ પૃથ્વીના ત્રીજા ભાગમાં તરતા રહેવાનું અને જરાય ભીંજાવાનું નહીં!
એ સમય દરમ્યાન ક્રુઝ પર એટલી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય પરંતુ મને એનું જરાય આકર્ષણ નહીં એટલે મેં તો સમુદ્રને મનભર માણ્યો છે. સાથે મારું ગમતું સંગીત અને ભેગી લઈ ગઈ હતી કાજલ ઓઝાની ‘પૂર્ણ અપૂર્ણ’.
સાચે જ દેવી, ઘણા સમય પછી રીલેક્સ થતાં શીખી. તને કદાચ થશે કે વળી રીલેક્સ થવાનું કાંઈ શીખવાનું હોય? પરંતુ મારા પૂરતું હું કહી શકું કે એક સમય એવો હતો કે સ્કૂલ-કોલેજની પરીક્ષાઓ પતી નથી ને નવલકથાના થોકડાં લાયબ્રેરીમાંથી લઈ આવું. પછી કલાકો સુધી વાંચવું અને ભાઈઓ સાથે રમવું એવા બિન્દાસ જીવનમાંથી ધીમે ધીમે સંસારની અંદર એવી તો ગૂંથાઈ ગઈ હતી કે રીલેક્સ થવાનું ભૂલી ગઈ હતી. કોઈ ને કોઈ ચિંતા વગર જાણે જીવન આગળ જ વધતું ન્હોતું!
આઠ આઈલેંડ પર ફર્યાં. કેરેબિયન લોકો ખૂબ જ સરળ લાગ્યા. કુદરત અહીં મન મૂકીને વિસ્તરી છે. જ્યાં નજર પડે ત્યાં લીલુંછમ! બધાં જ ફળોનાં છોડ/ઝાડ પણ ઈન્ડિયા કરતાં મોટાં દેખાય. પરંતુ સૌથી વધુ વાત કરવાનું મન થાય છે, દેવી, તે એ કે મેં ત્યાં ‘લજામણી’ જોઈ!!
માનવીય સ્પર્શે સંકોચાઈ જાય પરંતુ કુદરતના સ્પર્શે ચારે તરફ પથરાઈ જાય! અદ્ભૂત રોમાંચ થયો એ જોઈને! ભારેલા અગ્નિ જેવા લાવાને લીધે ખદબદતું પાણી જોયું અને હજુય ક્યાં ક્યાંકથી જમીનમાંથી વરાળ નીકળતી જોઈ.
આકાશ જોયું, પાણી જોયું, ક્રોધિત ધરતીનું સ્વરૂપ જોયું અને અંતે સમુદ્રને તળિયે જઈને ત્યાંના જગતમાં થોડીકવાર માટે ડોકિયું કર્યું. આ જોવાનો રોમાંચ પણ અવર્ણનીય રહ્યો.
જ્યાં એક વખત જમીન હશે તેને પાણીમાં જોવી અને જ્યાં એક સમયે પાણી હતું એ પૃથ્વી પર શ્વાસ લેવાનો રોમાંચ જ… સમજ નથી પડતી કયા શબ્દોમાં એને વર્ણવું.
ચાલ, હવે મારું પ્રવાસવર્ણન અટકાવીને તારા પત્ર તરફ વળું.
તેં પણ જાણ્યે-અજાણ્યે સર્જન અને સંવેદનાની વાત કરી એની જ મેં ઉપરનાં મારા પ્રવાસવર્ણનમાં પૂર્તિ કરીને!
ફળ કે ફૂલનાં બીજ વાવીને આપણે છૂટ્ટાં, પછી ધરતી એને ઉછેરે. હા, તેં કહ્યું તેમ ક્યારેક ખાતર આપીને કે જીવાતથી બચાવવા માનવીય સ્પર્શ આપવો પડે એ ખરું.
મને એ વાંચી એવો એક વિચાર આવ્યો કે આપણે બીજ નાખીને નિમિત્ત માત્ર બનીએ છીએ તો પણ જો રોજ એનો વિકાસ જોવાનો આનંદ થાય છે તેમ આપણું સર્જન કરી સર્જનહાર આપણો વિકાસ જોઈને પણ પોરસાતો જ હશે ને? અને જ્યારે એના આપેલા જીવનને અમર્યાદ ઈચ્છાઓ, માત્ર શારીરિક સુખ, નકારાત્મક જીવન અને અવગુણોની જીવાત લાગી ગઈ હોય ત્યારે એને કેવું થતું હશે?
એના સંદર્ભમાં હમણાં આ પત્ર લખું છું ત્યારે જે ભજન આવે છે તે ખૂબ જ અર્થસભર છે. સુરેશભાઈ દલાલની પુષ્ટીમાર્ગ માટે લખેલી રચનાઓ સાચે જ સાંભળવા જેવી છે. હમણા જે ભજન આવે છે…એનાં શબ્દો છે…
’તમે ચરાવવા આવો મ્હારા જાદવા,
મારી ઈચ્છાઓ છે કામધેનુ,
તમે ચરાવવા આવશો નહીં તો
જીવનભરનું તમને મ્હેણું.
ઘાસ પાસે અમે એકલા જશું તો
થઈ જાશે એવું ખડ,
તમારી સંગે વૃંદાવન થાશે
વેરાન હોય કે ઉજ્જડ
બીજું પણ સુંદર ભજન હતું…’જેણે મને જગાડ્યો, એને કેમ કહું કે જાગો?
એક એકથી ચઢિયાતાં ભજનો છે.
ખેર, હવે થોડી કહેવતોની વાતો કરું તો ઘણીવાર બે કહેવતો એકબીજાથી વિરુદ્ધ લાગે, જેમકે ‘બોલે તેના બોર વેચાય’ અને બીજી કહેવતમાં એમ કહે કે, ‘ન બોલ્યામાં નવ ગુણ’. વિરોધી નથી પરંતુ કયા સંજોગોને અનુસરીને એ કહેવત વાપરીએ તે અગત્યનું છે.
જ્યાં બોલવા જેવું ન હોય ત્યાં પણ ચૂપ રહે ત્યારે તેને કહેવું પડે કે ‘બોલે તેના બોર વેચાય’ પરંતુ કોઈને કામનું-નકામનું બોલબોલ કરવાની ટેવ હોય તેને કહેવું પડે કે ‘ન બોલ્યામાં નવ ગુણ’. તેને લગતી જ મારા ભાભીનાં બા એક રમૂજી કહેવત કહેતાં, ‘જો ભગવાને તને લાકડાની જીભ આપી હોત ને તો સાંજને છેડે મણ ભૂકો પડતે!’
અને હવે પેલા બે ધડાકાની વાત કરીએ. આ ધડાકાનાં પરિણામ તો ભવિષ્યના હાથમાં છે આપણે તો ધીરજથી એના સાક્ષી બનવાનું જ રહ્યું! અમેરિકાની જનતાએ કરેલા નિર્ણયે પ્રજાની સત્તાનું ભાન કરાવ્યું અને ભારતમાં બનેલી ઘટનાએ રાજ્યની સત્તાનું ચિત્ર બતાવ્યું. આના પરિણામો માટે સૌએ તૈયાર રહેવું પડશે જ. ભવિષ્યના ગર્ભમાં શું છે કોને ખબર? પરંતુ એક દેશનો ખોટો નિર્ણય આખી દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે અને એક સત્તાધારીનો નિર્ણય સમગ્ર વિશ્વ માટે આદર્શ સમાજનો માર્ગ ખોલી શકે!
આજે મારી કલમ (એટલે કે લેપટોપનું કી-બોર્ડ) અટકવાનું નામ નથી લેતી છતાં હવે વિરમું, એક હાસ્યાસ્પદ કહેવત સાથે, ‘માછલા નદીમાં રહે છે તો ય ગંધાય’ – પાણીથી સ્વચ્છ જ થવાય એવું કોણે કહ્યું?’
નીનાની સ્નેહ યાદ