એ વહાલસોયો જણ ~ આશા વીરેન્દ્ર (વલસાડ)

બાળપણ પણ કેવું અવળચંડું છે નહીં? આમ તો વર્ષો સુધી મનનાં ભંડકિયામાં આજ્ઞાંકિત વિદ્યાર્થીની માફક અદબ-પલાંઠી વાળી, હોઠ પર આંગળી મૂકી ચુપચાપ બેઠું હોય ને અચાનક કોણ જાણે એને શું ધૂન ભરાય તે કૂદકો મારીને ભંડકિયામાંથી બહાર નીકળીને આપણને પૂછવા લાગે, ‘મને કેમ ભૂલી ગયાં?’

આજે મારી સાથેય એવું જ થયું. મારે એને સમજાવીને કહેવું પડ્યું, ‘ના ભઈ ના, હું તને જરાય નથી ભૂલી, પણ આ સંસારની માયાજાળમાં ગુંથાયેલાં અમારા જેવા લોકોને તને યાદ કરવા સિવાય બીજાંય કેટલાં કામ હોય?’ ભલે ત્યાર પૂરતો તો  આવો જવાબ આપી દીધો પણ એટલે કંઈ એણે મારો કેડો ન મૂક્યો.

નાનપણની યાદ સાથે સૌથી પહેલા જે યાદ જોડાયેલી એ શાળાની. ઘર અને શાળા વચ્ચે અંતર માંડ બસો-ત્રણસો ડગલાંનું.

શાળા શરૂ થવાની હોય એ પહેલા ઘંટના ત્રણ જાતના ડંકા પડતા. પહેલી વખત માત્ર એક ઘંટો-ટન…, એની પાંચ મિનિટ પછી બે ડંકા- ટન, ટન… અને ત્રીજી વખત ત્રણ ડંકા. ત્રીજા ડંકાએ શાળામાં હાજર થઈ જ જવું પડે; નહીં તો ગેરહાજરી પુરાય.

હું અને મારાથી મોટીબેન ઘર અને શાળા નજીક હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવતાં. કંઈ કામ ન હોય તો પણ બીજા બેલ સુધી અમસ્તાં જ ઘરમાં બેસી રહેતાં ને પછી ત્રીજા બેલ પહેલાં દોડીને શાળાએ પહોંચી જઈને વર્ગનાં અન્ય સહાધ્યાયી તરફ ગર્વભરી નજર નાખતાં કે, ‘જુઓ અમે કેવાં હોશિયાર!’

જેને ઘર દૂર હોવાથી અડધા કલાક પહેલા શાળાએ સમયસર પહોંચવા નીકળી જવું પડતું એવી બહેનપણીઓ (આમ તો દોસ્તારો પણ ખરા, પણ ત્યારે ભૂલેચૂકે પણ એવું ન બોલાતું) અમારી તરફ ઈર્ષાભરી નજરે જોઈ રહેતી.

એ લોકોને અમારી ઈર્ષા આવે એવું બીજું કારણ અમારા ઘરમાં રસોઈયો હતો એ હતું. આજે તો હવે ઘરે ઘરમાં રસોઈવાળી કે રસોઈવાળો હોય એ સામાન્ય થઈ ગયું છે પણ એ સમયે રસોઈયો હોવો એ શ્રીમંતાઈનું પ્રતીક ગણાતું. જો કે, અમારું મન જ જાણતું હતું કે, ઘરમાં રસોઈ બનાવવા રવિશંકર મહારાજ ભલે હતા પણ ઘરકામ તો જાતે જ કરવાનું હતું. શાળા અને ઘર નજીક હોવાનો આ સૌથી મોટો ગેરફાયદો હતો.

બા શિસ્તપાલનના એવાં તો આગ્રહી હતાં કે અમારાં જેવી કુમળી કળીઓ રિસેસના સમયે દોડતી આવે, લૂસ લૂસ જમે અને જમીને તરત કામે લાગે એની એમને કદી પણ દયા આવતી નહીં.

બાને ભલે દયા ન આવતી પણ મહારાજને મારે માટે ખાસ્સો પક્ષપાત અને લાગણી હતાં. અમારાં બંને બહેનોના રિસેસમાં કામ કરવાના વારા રહેતા. એક જણે રસોડું ધોઈને સાફ કરવાનું અને બીજીએ વાસણ માંજવાનાં.

મારો વાસણ માંજવાનો વારો હોય ત્યારે મહારાજ જેટલાં એઠાં વાસણ ભેગાં થયાં હોય એમાંથી ઘણાં વાસણ પોતે માંજી કાઢતા. એ સિવાય તળેલો નાસ્તો બનાવવાનું કે ઘી તાવવાનું કામ એ જાણી જોઈને મોટીબેનનો વાસણ માંજવાનો વારો હોય તે દિવસ પર જ રાખતા.

મોટીબેન આ જોઈને બહુ ચીઢાતી કે, બધાં ચીકણાં અને બળેલાં વાસણ મહારાજ મારે માટે જ રાખે છે! આવે વખતે મહારાજ એક વડીલની અદાથી ખૂબ શાંતિથી એને સમજાવતા, “જુઓ, એ તમારી નાની બહેન છે ને? એના ભાગનું થોડું કામ તમે કરી લો તો શું વાંધો આવે? વળી આશાબેન નાનાં છે એટલે એમને ચીકણાં વાસણ ભાર દઈને માંજતાં ન આવડે, જ્યારે તમે કેવાં સરસ વાસણ માંજો છો?”

પોતાના વખાણ સાંભળીને બહેન ખુશ થઈ જતી ને આમ કુનેહપૂર્વક મહારાજ મને સાચવી લેતા.

એક વખત ઘરના બધાંને કોઈ પ્રસંગે બહારગામ જવાનું થયેલું. હું એકલી જ હતી એટલે મારી એક બહેનપણી મારી સાથે બે દિવસ રોકાવા આવેલી.

વાતવાતમાં એણે કહ્યું કે, “મને કેક બનાવતાં આવડે છે, પણ એમાં ઈંડા નાખવાં પડે. અમે તો ખાઈએ પણ તમે જૈન લોકો ઈંડા ન ખાવ એટલે ઘરે કેક ન બનાવી શકાય.”

હવે મને કેક એટલી બધી ભાવે કે મેં ‘નરો વા કુંજરો વા’ જેવો વચલો રસ્તો કાઢતાં કહ્યું, “હું ઈંડાને હાથ નહીં લગાડું. ફક્ત ઊભી ઊભી જોઈશ કે તું કેવી રીતે બનાવે છે! ઈંડા પણ તું જ લઈ આવજે. હું તને પૈસા આપી દઈશ.”

આ રીતે મેં મારા જૈન આચાર-વિચાર ‘અભડાઈ’ ન જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું અને અમે બંનેએ મળીને કેક બનાવી.

અમે જૈન, તો મહારાજ તો સવાયા બ્રાહ્મણ હતા. આભડછેટમાં પણ બહુ માનતા અને ભક્ષ્ય-અભક્ષ્ય પણ બહુ સાચવતા. અમે ગમે તેટલું છુપાવવાની કોશિશ કરી પણ એમને ગંધ આવી જ ગઈ.

એમણે મારી પાસે ગુનો કબૂલ કરાવ્યો અને ખૂબ દુખી થઈને મને કહ્યું, “બેન, આ તમે બરાબર નથી કર્યું. બાને ખબર પડે તો શું થાય એ ખ્યાલ આવે છે? ભલે હું કોઈને આ વાત નહીં કરું પણ વાત છુપાવવામાં સાથ આપવા બદલ મારે પ્રાયશ્ચિત તો કરવું જ પડે એટલે આજે હું નકોરડો ઉપવાસ કરીશ.”

એમની આંખોમાં જે વ્યથા દેખાઈ એને લીધે મને મારી ભૂલનું ભાન થયું. તે દિવસે એ કેક મને ઝેર જેવી લાગી. મેં એને હાથ પણ ન અડાડ્યો. ઉપવાસ ન કરવા મહારાજને બહુ વિનંતી કરી પણ એ ન જ માન્યા. એમણે અમારે માટે બનાવેલી રસોઈ મારી બહેનપણીએ જ ખાધી. મારે ગળે  ખાવાનું ન ઉતર્યું.

પોતે આપેલાં વચન મુજબ એમણે ભલે કોઈને ખબર ન પડવા દીધી પણ મને મારા આ પરાક્રમનો અફસોસ જિંદગીભર રહ્યો.

મારા લગ્ન વખતે પિતાજીની ગેરહાજરી મને બહુ સાલતી હતી. રહી રહીને રડવું આવી જતું. જ્યારે પણ મને આમ એકલી એકલી રડતી જોતા ત્યારે મહારાજ પાસે આવીને મારે માથે હાથ મૂકીને ગુપચુપ ઊભા રહેતા પણ મને ત્યારે જે હૂંફ અને આશ્વાસન મળતાં એ હું શબ્દોમાં વર્ણવી નથી શકતી.

અમારે રહેવાનું વલસાડ અને લગ્ન મુંબઈ હતા. હવે ઘર સાચવવા કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હોવાથી મહારાજે એ જવાબદારી લઈ લીધી અને લગ્નમાં ન આવ્યા.

લગ્નના છએક મહિના પછી ઉનાળાની એક બળબળતી બપોરે મહારાજ મારે સાસરે આવીને ઊભા. એમને આ રીતે અચાનક જોઈને મારી આંખોમાંથી આંસુ જાય ભાગ્યાં. તે દિવસે પહેલવહેલી વાર હું એમને વળગીને હિબકે ચઢી.

એ વખતે મને એવું લાગતું હતું ફક્ત મહારાજને નહીં, હું મારાં આખા પિયરને વળગીને રડું છું.

જરા સ્વસ્થ થતાંની સાથે મને ખ્યાલ આવ્યો કે, મુંબઈથી તદ્દન અજાણ્યા મહારાજ અમારું પાર્લાનું સરનામું શોધતા શોધતા બહુ મુશ્કેલીથી પહોંચ્યા હશે.

હું દોડતી જઈને પાણી લઈ આવી પણ એમણે કહ્યું, “અમે દીકરીના ઘરનું પાણી ન પીએ બેન, હું તો બસ, તમે સુખી છો ને, એટલું મારી નજરે જોવા માટે જ આવ્યો છું. આવો સરસ બંગલો ને સારા માણસોને જોઈને બહુ ખુશ થયો. બસ, તમે આખું જીવન ખુશ રહો, સુખી રહો એવા આ બ્રાહ્મણના આશીર્વાદ છે.”

આટલું કહીને એમણે મારા હાથમાં અગિયાર રૂપિયા મૂકીને વિદાય લેવા માંડી. મેં ગળગળા અવાજે કહ્યું, “બસ, આટલી વારમાં જતા રહેશો?”

આંખમાં ઝળઝળિયાં હતાં છતાં મોઢા પર હાસ્ય લાવીને એમણે કહ્યું, “દીકરી તો પારકી થાપણ કહેવાય. એની વધારે માયા ન લગાડાય!”

મોટી ફલાંગો ભરતા એ જેવા નીકળ્યા એવી હું ભાગીને ઉપલા માળે ગઈ ને જ્યાં સુધી એ દેખાયા ત્યાં સુધી સજળ આંખે એમને જોતી રહી. ત્યારે મને ક્યાં ખબર હતી કે, એ અમારું મિલન છેલ્લીવારનું હતું? મને પછી ખબર પડી કે, એમને વાલ્વની તકલીફ હોવાને લીધે ડૉક્ટરે અલ્ટીમેટમ આપી દીધું હતું એટલે જ એ પોતાની લાડકી દીકરીને મળવા આવ્યા હતા.

તમે ભલે મને અંધારામાં રાખીને પ્રયાણ કરવાનું વિચાર્યું મહારાજ, પણ તમે મારાથી દૂર જઈ જ નથી શક્યા. આજે પણ તમે મારા હૈયામાં કેદ છો.

~ આશા વીરેન્દ્ર

આપનો પ્રતિભાવ આપો..