અહેવાલ ~ કાર્યક્રમ: આપણો સાહિત્ય વૈભવ: ભાગ ૧ ~ આયોજન: અકાદમી અને કલાગુર્જરી ~ અહેવાલ: મમતા પટેલ

રવિવાર, તા. પ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી અને કલાગુર્જરી દ્વારા ‘આપણો સાહિત્ય વૈભવ – ભાગ ૧’નું સફળ આયોજન થયું હતું. પોતપોતાના ક્ષેત્રમાં દિગ્ગજ કહી શકાય એવાં બે સમર્થ વક્તા સૌરભ શાહ અને સુરેશ રાજડા સાથે કવિ-સંચાલક મુકેશ જોષીનાં નામ મુંબઈગરાઓને આ કાર્યક્રમ સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યા હતા. મીડિયા પાર્ટનર જન્મભૂમિ અખબારે પ્રચાર-પ્રસારમાં આત્મીય સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત મહારાષ્ટ્રના રાજ્યગીતથી થઈ. કલાગુર્જરી વતી પ્રણવ ભગતે પ્રારંભિક ઉદબોધન કર્યું અને  કલાગુર્જરી સંસ્થાના પ્રમુખ હેમાંગ જાંગલાએ સ્વાગત કર્યું.

કલાગુર્જરી: પ્રણવ ભગત | હેમાંગ જાંગલા

તેમની સાથે બીજા સક્રિય કાર્યકર્તાઓએ શાલ ઓઢાડી અને પુસ્તકો આપીને સૌરભ શાહ, સુરેશ રાજડા, રાજુલ દીવાન, રીંકુ પટેલ, મુકેશ જોષી, હિતેન આનંદપરા અને શીતલ રાજડાનું સ્વાગત કર્યું. ઉંમર ૬થી ૧૬ વર્ષના બાળકો માટે અકાદમી અને કલાગુર્જરી આયોજિત નિઃશુલ્ક ‘ચાલો, ગુજરાતી શીખીએ’ શિબિરને સુંદર રીતે સંપન્ન કરવા બદલ મુકેશ જોષીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

‘આમ તો છું હું પરપોટો સમયનાં હાથમાં
અને છતાંય ઊભો છું વિશ્વને લેવાં બાથમાં ‘

આ કાર્યક્રમની પરિકલ્પના કરનાર કવિ મુકેશ જોષીએ રમેશ પારેખનો આ શેર ટાંકી કાર્યક્રમનું સંચાલન પોતાના હાથમાં લીધું.

મુકેશ જોષી

ત્યારબાદ રાજુલ દીવાન દ્વારા અશોક દવે લિખિત હાસ્યલેખ ‘ટારઝન’નું સુંદર પઠન કરવામાં આવ્યું.

રાજુલ દીવાન

‘નાટ્ય-વૈભવ’ એટલે શું? એ વિષય પર પ્રસિદ્ધ દિગ્દર્શક-અભિનેતા-લેખક અને નખશિખ નાટકનાં જીવ સુરેશ રાજડાને કહેવામાં આવ્યું.

સુરેશ રાજડા

તેમના વક્તવ્યમાં નાટક વિષે, નાટ્યજગત વિશે, નાટકનાં પ્રકારો વિશે, નાટકનાં બંધારણ વિશે ઘણું બધું જાણવા મળ્યું. એમણે જણાવ્યું કે ગ્રીક નાટ્યજગતે આપણને નાટક સંબંધિત ઘણાં શબ્દો આપ્યા જે આજે પણ ઉપયોગમાં લેવાય છે.

થેસ્પીસ: આ ગ્રીક વ્યક્તિનું નામ છે જેણે સૌપ્રથમ નાટકમાં અભિનય કર્યો અને તેથી જ આજે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રી જ્યારે પોતાના પાત્રમાં જીવ રેડી દે તો તેને ‘થેસ્પિયન’ કહેવાય છે.

ITS.jpg

ગ્રીન રૂમ: ગ્રીસમાં જ્યારે નાટક ભજવવાનું ચાલું થયું ત્યારે જે પાત્રોની તખ્તા પર જરૂર ના હોય એમનાં હલનચલનને છુપાવવા માટે તખ્તાના કોઈ એક ખૂણાને લીલા પાનથી કે ઝાડી ઝાંખરાથી ઢાંકી દેવામાં આવતો. એટલે આજે પણ એવી જગ્યા જ્યાં કલાકારો સ્ટેજ પર આવવાની તૈયારી કરે છે અથવા સ્ટેજ પર પોતાનું પાત્ર ભજવાઈ ગયા પછી જાય છે એને ગ્રીન રૂમ કહેવાય છે.

આજ રીતે થિયેટરોન પરથી થિયેટર શબ્દ પણ પ્રચલિત થયો.

આપણાં દેશમાં જાતિવાદ, અસ્પૃશ્યતા જેવાં સામાજિક દુષણો દૂર કરવાં પ્રાદેશિક નાટકો જેવાં કે ગુજરાતમાં ભવાઈ, મહારાષ્ટ્રમાં તમાશા અને ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં નૌટંકી શરૂ થયાં.

ઈ.સ. ૧૮૫૩માં રંગભૂમિની શરૂઆત થઈ અને સૌપ્રથમ નાટક ‘રૂસ્તમ અને સોહરાબ’ ભજવાયું. ત્યારબાદ રંગભૂમિને આગળ સતત ધબકતી રાખવામાં ચુનીલાલ મડિયા, રણછોડરાય દવે, ચં. ચી. મહેતા, ધનસુખલાલ મહેતા જેવી અનેક પાયાની વ્યક્તિઓને યાદ કરી તેમણે સ્મરણાંજલિ આપી. વર્લ્ડ થિયેટર ડે ઉજવવાનું શ્રેય ચં.ચી. મહેતાને જાય છે એવી માહિતી પણ આપી.

તેમણે નાટકની વ્યાખ્યા ટાંકી સ્વરૂપનું હાર્દ સમજાવ્યું: Play about SOMEONE in SOME SITUATION in SOME LANGUAGE (communication) on SOME THEME in SOME MANNER (rhythm) at SOME PLACE.

નાટકમાં બંધારણ જરૂરી છે. એ જે પાત્રની વાત કરે એનું આખું ભાવવિશ્વ જો પ્રેક્ષકો સામે ઊભું કરી શકાય તો એ સફળ નાટક કહેવાય. એમણે હિતેન આનંદપરા અને મુકેશ જોષી લિખિત નાટક ‘સરકારી પરણેતર’ના કથાનકનો પણ ઉલ્લેખ કર્યો. સુરેશ રાજડા નિઃશુલ્ક નાટ્યશિબિરો દ્વારા સતત નવા નવા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે.

તેમના માહિતીસભર વક્તવ્ય પછી રીંકુ પટેલે ઈલા આરબ મહેતા લિખિત હાસ્યલેખ ‘ઘર એટલે ‘નું પઠન કર્યું.

રીંકુ પટેલ

કાર્યક્રમનું સંચાલન મુકેશ જોષીએ ફરી હાથમાં લેતાં ‘નવલકથા વૈભવ’ પર વ્યક્તવ્ય આપવા જાણીતા અને માનીતા નવલકથાકાર તથા પત્રકાર સૌરભ શાહને આમંત્રિત કર્યા.

સૌરભ શાહે સૌ પ્રથમ લોકપ્રિય નવલકથા અને સાહિત્યિક નવલકથા વચ્ચેનો ભેદ દૂર કર્યો. એમનાં મત પ્રમાણે નવલકથા સારી કે ખરાબ હોઈ શકે, જે નવલકથા લોકપ્રિય નથી એ સારી નથી એવું નથી અને જે ઓછી લોકપ્રિય છે એ સાહિત્યિક નથી એવું પણ નથી.

સૌરભ શાહ

એમણે જાણીતાં નવલકથાકારો રમણલાલ દેસાઈ, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ વગેરે અનેક સર્જકોની નોંધનીય નવલકથાઓ યાદ કરીને સ્મરણાંજલિ આપી. એમણે સુરેશ જોષીની લાંબી નવલિકા ‘વિદુલા’ અને ચંદ્રકાંત બક્ષીની લાંબી નવલિકા ‘મીરા’નો વિશેષ ઉલ્લેખ કર્યો. મધુ રાયની નવલકથા ‘મિસ્ટર યોગી’ અને વિનેશ અંતાણીની નવલકથા ‘પ્રિયજન’ને મહત્વના પડાવ તરીકે ગણાવી.

આંતરરાષ્ટ્રીય નવલકથાકાર સ્ટિફન કિંગને યાદ કરતાં એમણે જણાવ્યું કે એક અકસ્માત પછી એમની લખવાની ઝડપ ઓછી થઈ જવાને કારણે ‘હવે એ નહીં લખે’ એવી જાહેરાત કર્યા પછી ઈ.સ.‌૨૦૦૪થી લઈને ઈ.સ. ૨૦૨૩નાં સમયગાળામાં સ્ટિવન કિંગે ૨૭ નવલકથાઓ લખી.

20 Best Stephen King Books, Ranked by Goodreads Reviewers

પ્રેક્ષકગણમાંથી અકાદમીના સભ્ય નિરંજન પંડ્યાએ સવાલ કર્યો કે હવે નવલકથા પરથી ફિલ્મો બનવાનું ચલણ ઓછું થઈ ગયું છે એવું કેમ?

એના જવાબમાં સૌરભ શાહે તાજેતરમાં જ રજૂ થયેલી કાજલ ઓઝા વૈદ્ય લિખિત – અભિનિત ગુજરાતી ફિલ્મ ‘ચાંદલો’નો ઉલ્લેખ કર્યો અને એમની પોતાની નવલકથા ‘મહારાજ’ પરથી પણ એક ફિલ્મ બની રહી છે એમ જણાવ્યું. તેમણે ગાલિબનો એક શેર વાંચી સર્જનની મહત્તા દર્શાવી જેનો અર્થ કંઈક આ મુજબ હતો: કલમ કાગળ પર ઘસાય અને શબ્દો ફૂટે ત્યારે જે રવ આવે એમાં ફરિશ્તાઓનું ગુંજન હોય છે.  

‘આપણો સાહિત્ય વૈભવ’ શ્રેણીનો ભાગ-૨ તા. ૧૬ સપ્ટેમ્બરે કલાગુર્જરીમાં યોજાશે.

અહેવાલ: મમતા પટેલ

આપનો પ્રતિભાવ આપો..